ટીવી-ચૅનલો જાગો, આ વેબ-સિરીઝ કહે છે કે ઑડિયન્સ બદલાઈ રહ્યું છે

12 March, 2019 12:50 PM IST  |  | મનોજ નવનીત જોષી

ટીવી-ચૅનલો જાગો, આ વેબ-સિરીઝ કહે છે કે ઑડિયન્સ બદલાઈ રહ્યું છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હવે વેબ-સિરીઝનો જમાનો આવી ગયો છે. મફતનું ઇન્ટરનેટ અને ઇલ્લીગલી ડાઉનલોડ કરવા આપતી વેબસાઇટના આધારે બધા વેબ-સિરીઝ જોતા થઈ ગયા છે. આ રીતે વેબ-સિરીઝ ડાઉનલોડ કરીને જોવી એ નૈતિક અને કાનૂની રીતે ગુનો છે, પણ આપણે અત્યારે એની ચર્ચા નથી કરવી. અત્યારે ચર્ચા છે આ જડ જેવી માનસિકતા ધરાવતી ચૅનલ અને એના કર્તાહર્તાઓની. એકસરખા વિષયો પીરસી રહેલી આ ચૅનલો માટે જાગવાનો સમય આવી ગયો છે. વેબ-સિરીઝ દેખાડે છે કે ઑડિયન્સ બદલાઈ રહ્યું છે. વેબ-સિરીઝ દેખાડે છે કે ઑડિયન્સને હવે અંત સાથેની વાર્તા જોઈએ છે અને ઑડિયન્સ હવે દેખાડે છે કે તેમની ગણતરી મૂરખમાં કરવાનું બંધ કરવામાં આવે. ઑડિયન્સના મનમાં ચાલી રહેલા આ વિચારોને જો હવે સ્વીકારવામાં નહીં આવે તો એવી પરિસ્થિતિ થઈ જશે કે ઘરમાંથી ટીવી-ચૅનલો નીકળી જશે. DTH કનેક્શન કઢાવવાનું તો લોકોએ શરૂ કરી જ દીધું છે, પણ હજી એ ફેઝ આગળ વધ્યો નથી. જો ટીવી-ચૅનલો સુધરશે નહીં તો ચોક્કસ એવો તબક્કો આવીને ઊભો રહી જશે જેમાં લોકો કેબલ-કનેક્શન કઢાવીને માત્ર ને માત્ર આ વેબ-સિરીઝ આધારિત થઈ જશે.

વેબ-સિરીઝની પણ અનેક મર્યાદાઓ છે અને એ મર્યાદાઓને કારણે જ હજી સુધી એ ચાલી રહી છે; પણ જો એનો વ્યાપ વધશે, જો એની સ્વીકૃતિનું સ્ટેજ મોટું થશે તો ચોક્કસ એ પોતાની નબળાઈઓ પર પણ ધ્યાન આપશે અને એવું એમણે કરવું જ પડશે. હમણાં અક્ષયકુમારે એક વેબ-સિરીઝ સાઇન કરી. આ વેબ-સિરીઝ માટે તમે શું માનો છો કે એમાં ક્યાંય સેક્સ-સીન કે ગંધારી-ગોબરી ગાળોને તે અવકાશ પણ આપશે? ના, જરા પણ નહીં. અમુક સ્ટાર આજે પણ એવું માને જ છે કે ફૅમિલી એન્ટરટેઇનરથી બેસ્ટ બીજું કશું હોય જ નહીં. રોહિત શેટ્ટીની બધી જ ફિલ્મો જોઈ લો તમે. પ્રિયદર્શન અને મણિરત્નમ જેવા અવ્વલ દરજ્જાના ડિરેક્ટરોની ફિલ્મોમાં પણ કશું અણછાજતું હોતું જ નથી. અક્ષયકુમાર પણ આ વાતનું ધ્યાન રાખે છે અને અક્ષયકુમારની વેબ-સિરીઝમાં પણ એવું નહીં જ હોય એની ખાતરી હું આપી શકું.

આ પણ વાંચો : છપ્પનની છાતી ને હીજડાઓની ફોજ : શું આ જ આપણી રાજનીતિ, આ જ આપણા નેતા છે?

અહીં કહેવાનું તાત્પર્ય એ જ છે કે તમારે કન્ટેન્ટની બાબતમાં હવે સજાગ થવું પડશે. આ જ સુધી તમારી, ટીવી-ચૅનલની હરીફાઈમાં કોઈ નહોતું એટલે બધા એક થઈને ગાંડપણ કરતા હતા; પણ હવે વેબ-સિરીઝ ટીવીની ગરજ સારવા માડ્યું છે અને એણે સાબિત પણ કરી દીધું છે કે એ ટીવીને રિપ્લેસ કરી દેશે. ટીવી-ચૅનલો જાગો, તમારો ઑપ્શન ઊભો થઈ ગયો છે. જો હજી પણ તમે તમારા સડેલા અને વાહિયાત વિચારોને દોડાવ્યા કરશો, હજી પણ તમે તમારી નાગણોનો છૂટો ઘા કર્યા કરશો તો લખી રાખજો કે વેબ-સિરીઝ નામનો આ વાઘ આખેઆખો તમને ખાઈ જશે.

સબૂર.

manoj joshi columnists