તમારું અને તમારા પોર્ટફોલિયોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું?

04 August, 2019 02:23 PM IST  |  મુંબઈ | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

તમારું અને તમારા પોર્ટફોલિયોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું?

ઝિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ જીત હૈ

થોડે આંસુ હૈં, થોડી હંસી, આજ ગમ હૈ તો કલ હૈ ખુશી.

કોઈનું જીવન ક્યારેય સીધું અને સરળ હોઈ ન શકે. કદાચ વ્યક્તિ ખૂબ નસીબદાર હોય તો એવું બને પણ ખરું, પરંતુ ભવિષ્યને કોણે જોયું છે? આમ પણ આપણા તરફથી શ્રેષ્ઠ પ્રદાન કર્યા બાદ મળતાં પરિણામો સ્વીકારવામાં જીવનનો મહિમા રહ્યો છે. તમે કમનસીબ હો તો ભગવાન સહિત કોઈ પણ દ્વારા છેતરાઈ શકો છો. તકદીરનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં યોજાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઇનલમાં ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની મૅચ હતી. એના નિયમો સાવ કંગાળ હતા અને અમ્પાયરે પણ ગફલત કરી હતી, પરંતુ ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમના સુકાની, ટીમ અને સમગ્ર ન્યુ ઝીલૅન્ડના નાગરિકોએ નિરાશા છતાં પરિણામને માનપૂર્વક સ્વીકારી લીધું હતું. જોકે તેમણે પોતાના વર્તન દ્વારા કરોડો ક્રિકેટપ્રેમીઓનાં હૃદય જીતી લીધાં હતાં.

એ ઘટનામાંથી આપણે ઘણું શીખવા જેવું છે. જીવન તમારી પરવા કર્યા વગર આ રીતે આગળ વધતું જાય છે. આપણે પણ આગળ વધતા રહેવું જોઈએ. તમે સાવ નિરુત્સાહ થઈ ગયા હો તો પણ ઉદાસ થવાનું કોઈ કારણ નથી. તમે નિરુત્સાહ સ્થિતિને પકડી રાખતા નથી અને ઉદાસીમાંથી પણ બહાર આવતા નથી. એ સ્થિતિ માનસિક તાણ, ચિંતા અને હતાશાને કારણે પેદા થાય છે. તાજેતરમાં કાફે કૉફી ડેના પ્રમોટર વી. જી. સિદ્ધાર્થની આત્મહત્યાની ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા. દેવાના બોજને કારણે વી. જી. સિદ્ધાર્થે આપઘાત કર્યો હતો. તેઓ બધી મિલકત વેચીને દેવું ચૂકવ્યા બાદ નવો આરંભ કરી શક્યા હોત એવું કહેવું સહેલું છે, પરંતુ મિત્રો અને સગાંના પીઠબળ અને આવી વિકટ સ્થિતિનો મુકાબલો કરવાની પોતાની હિંમતને આધારે નબળા અને મજબૂત માણસો વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.

ભારતનું અર્થતંત્ર આજે ડામાડોળ સ્થિતિમાં છે. તાજેતરના કૉર્પોરેટ ક્ષેત્રનાં પરિણામો અને અર્થતંત્રના મુખ્ય આંકડા અંધાધૂંધીની સ્થિતિ દર્શાવે છે. શૅરબજાર હાલની આર્થિક સ્થિતિ દર્શાવે છે. હું ત્રણ દાયકાથી આ બજારોમાં સક્રિય છું. હું બાંયધરીપૂર્વક કહી શકું કે જે રોકાણકારો આ તબક્કે SIP કે STP કરે તે લોકોનું એ પગલું નિશ્ચિતરૂપે ડહાપણભર્યું ગણાશે. હાલના રોકાણકારોએ પણ SIP/STP કરીને ઍવરેજ પકડવી જોઈએ અથવા તેમણે અત્યારની SIPની રકમ વધારવી જોઈએ. બજારોને ઉપર કે નીચે જવાનાં કોઈ ને કોઈ કાર‌ણો હોવાનાં જ છે. એથી હાલની કારમી હતાશાની સ્થિતિ હંગામી છે. આ સ્થિતિ કેટલી લાંબી ચાલશે એ કોઈ નિશ્ચિતરૂપે કહી શકે એમ નથી. હું માનું છું કે બજારો હંમેશાં સારી સ્થિતિમાં હોય છે. ક્યારેક વેચવા માટે અને ક્યારેક ખરીદવા માટે સારી હોય છે. અત્યારે ખરીદવા માટે સારી સ્થિતિ છે. મિડ કૅપ્સ અને સ્મૉલ કૅપ્સ ડિસ્કાઉન્ટ પર કે લાર્જ કૅપ્સ કરતાં સસ્તા છે. એથી મિડ કૅપ્સ અને સ્મૉલ કૅપ્સ સરખામણીમાં લાર્જ કૅપ્સ કરતાં વધારે સારું પ્રદર્શન કરી શકશે એવી ધારણા ભવિષ્યમાં અસ્થાને નથી. લાર્જ કૅપ્સની સરખામણીમાં મિડ કૅપ્સ અને સ્મૉલ કૅપ્સ હંમેશાં જોખમી હોય છે. એ સંજોગોમાં સ્ટૉક સિલેક્શન ચાવીરૂપ મુદ્દો બને છે અને જોરદાર બૅલૅન્સશીટ હોય એવા સ્ટૉક્સ પર જ આધાર રાખી શકાય.

ટ્રેડર હંમેશાં કિંમતો પર નજર રાખે અને સ્ટૉક ઍનૅલિસ્ટ શૅર કે ડિબેન્ચર્સની કિંમતોને કંપનીની એકંદર મજબૂતાઈ અને એના નફામાં વૃદ્ધિ પર નજર રાખશે. જો કંપનીની ટૉપલાઇન અને બૉટમલાઇનમાં સતત વૃદ્ધિ થતી હોય તો એક દિવસ એના સ્ટૉક્સની કિંમતો પણ વધશે. એથી રોકાણકારોએ નજીકના ભવિષ્યના ભાવોની ચિંતા ઓછી કરવી જોઈએ અને એ કંપનીના ભવિષ્યની ચિંતા વધારે કરવી જોઈએ. તમે જો કંપનીના ભાવિ માટે આત્મવિશ્વાસ ધરાવતા હો તો હિંમત રાખીને હાલમાં કિંમતોમાં જે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે એનો લાભ ઉઠાવો.

આ પણ વાંચો : કૉલમ: આકાશનો એક ટુકડો

ટ્રેડરને જો કિંમતો પ્રતિકૂળ જણાય તો તે સ્ટૉપલોસ કરીને નીકળી જશે, પરંતુ રોકાણકાર લાંબા ગાળા માટે દાવ લગાડે છે. એ શૅર ખરીદીને કંપનીનો હિસ્સો બને છે અને એ કંપની લાંબા ગાળા માટે મજબૂત હોવાનું સમજાશે એ પ્રમાણે એ શૅર પોતાની પાસે રાખશે. એમાં એ રોકાણકાર માટે ટૂંકા ગાળા માટે નફા કે કિંમતોમાં વધઘટના ચિત્રને ધ્યાનમાં રાખ્યા વગર સ્ટૉક્સ પકડી રાખશે.

columnists weekend guide