થોડી પ્રશંસા, તાળીઓ અને મિત્રોની વાહ તમને મળીને કેટલો વૈભવ રળી ગયો

30 December, 2018 02:24 PM IST  |  | રજની મહેતા

થોડી પ્રશંસા, તાળીઓ અને મિત્રોની વાહ તમને મળીને કેટલો વૈભવ રળી ગયો

મજેદાર વાતો અને ચટાકેદાર વાનગીઓની મહેફિલ માણતાં કોમલબહેન, ધીરેનભાઈ, આણંદજીભાઈ, રજની મહેતા અને શાંતાબહેન.

વો જબ યાદ આએ 

મૈં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝિલ મગર

લોગ સાથ ચલતે ગએ ઔર કારવાં બનતા ગયા

- મજરૂહ સુલતાનપુરી

કલ્યાણજી-આણંદજીની શ્રેણી પૂરી થયા બાદ આ કૉલમને અને ખાસ કરીને આ સિરીઝને જે પ્રતિભાવ મïળે છે એ વિશે લખવાની ઇચ્છા હતી, પરંતુ ત્યાં સુધી રોકાવું મારે માટે મુશ્કેલ હતું. એ શા માટે? એના જવાબમાં મારી આ ‘મન કી બાત’ સંક્ષિપ્તમાં કરું છું.

રવિવાર, 8 ડિસેમ્બર, 2013ના દિવસે આ કૉલમ પહેલી વાર પ્રકાશિત થઈ ત્યારે સૌથી પહેલાં સુરેશ દલાલનું સ્મરણ થયું. તે હંમેશાં મને કહેતા, ‘તારી પાસે ઘણી વાતો છે. આ બધું લખવું જોઈએ.’ અને હું જવાબ આપતો, ‘મને લખવાનો કંટાïïïળો આવે છે. અને આમ પણ લોકોને ગૉસિપમાં જ વધુ રસ હોય છે. સફળ વ્યક્તિના સંઘર્ષ અને તેની મનોદશાની વાતોમાં કોને રસ પડે?’

યોગાનુયોગ એવો થયો કે ‘મિડ-ડે’ના એ વખતના તંત્રી રાજેશ થાવાણી સાથેની મુલાકાતમાં તેમણે પ્રોત્સાહન આપતાં કહ્યું કે તમારી પાસે જે સ્મરણો છે એમાં લોકોને રસ પડશે. અને આ કૉલમ શરૂ થઈ. મને અફસોસ એટલો જ રહ્યો કે આ ઘટના સુરેશ દલાલની હયાતીમાં બની હોત તો ચોક્કસ મારા કરતાં તેમને વધુ આનંદ થયો હોત.

બાવીસ વર્ષથી અમારી સંસ્થા ‘સંકેત’ના કાર્યક્રમો દરમ્યાન હિન્દી ફિલ્મસંગીતના દિગ્ગજ કલાકારો સાથે મારી ‘વન ટુ વન’ વાતચીત થઈ એ સ્મરણો આ કૉલમનું રૉ-મટીરિયલ બન્યા. અને એમાં ઉમેરાયું મારું ફિલ્મસંગીતનું વળગણ અને ગાંડપણ. ગૉસિપ નહીં, પણ કેવળ માનવીય સંવેદનાની વાતો લખવી છે એ મારા મનમાં સ્પષ્ટ હતું. મને વ્યક્તિવિશેષના ડેસ્ટિનેશન કરતાં તેમની જર્નીમાં વધુ રસ હતો. એ સિવાય બીજી કોઈ ચોક્કસ દિશા મારી પાસે નહોતી. સ્મૃતિમાં જે વર્ષોથી ધરબાયેલું પડ્યું હતું એ એટલી સહજતાથી બહાર આવતું ગયું કે મને પણ નવાઈ લાગતી. રોમાંચ તો ત્યારે થતો કે પોતપોતાના ક્ષેત્રની નીવડેલી વ્યક્તિઓની સાથે સાવ અજાણ્યા સંગીતપ્રેમી વાચકોને પણ આ કૉલમ પસંદ આવી. કિશોરકુમાર વખતે જે પ્રતિસાદ મળ્યો એનાથી વધુ પ્રતિસાદ હવે નહીં મïળે એવી ધારણા કલ્યાણજી-આણંદજીના આ લેખોએ ખોટી પાડી છે. એક પ્રામાણિક એકરાર કરવો છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય મને યાદ આવે છે. ‘જ્યારે- જ્યારે મારી પ્રશંસા થાય છે ત્યારે મારા હૃદયના એક ખૂણે હું ક્ષોભ અનુભવું છું, કારણ કે ક્યારેક ને ક્યારેક મેં એની ઝંખના કરી છે.’

આણંદજીભાઈ હંમેશાં એક વાત કરે કે ‘ઍરપોર્ટ પર, ફંક્શનમાં જ્યાં હું જાઉં છું ત્યાં લોકો આ કૉલમ વિશે વાત કરે છે અને પોતાનો રાજીપો વ્યક્ત કરે છે. અજાણ્યા લોકો અભિનંદન આપતાં કહે છે કે તમારા જીવનની વાતો ખૂબ રસપ્રદ છે અને એટલી સરસ રીતે લખાય છે કે જાણે તમે સામે બેસીને અમારી સાથે વાત કરતા હો એવું લાગે છે. હું કહું કે એ માટે રજનીભાઈની શૈલીને શ્રેય આપવું જોઈએ.’

આ આણંદજીભાઈની મોટાઈ છે. તેમની આ વાત સાંભળી મેં એટલું જ કહ્યું કે તમારી વાતો જ અદ્ભુત છે, પછી લોકોને મજા આવે જ. તો તેમનો જવાબ હતો. ‘ગુલાબજાંબુ સરસ હોય પણ જો પસ્તીના પેપરમાં ખાઈએ તો સ્વાદ ન આવે, એ માટે સરસ ડિશ અને નકશીદાર ચમચી જોઈએ; તો જ એ ખાવાની લિજ્જત આવે.’

અને પછી મને પ્રfન કરે, ‘તમને કેવો રિસ્પૉન્સ મળે છે?’

મારો જવાબ સાંભળી તેમણે કહ્યું, ‘આનો જાહેરમાં ઉલ્લેખ થવો જોઈએ.’

એટલે જે વાત હું આજ સુધી ટાળતો હતો એ આજે શૅર કરું છું.

રૂબરૂ, ટેલિફોન, ઈ-મેઇલ અને ફેસબુક પર મળીને સંગીતપ્રેમી વાચકોએ જે ઉમળકો વ્યક્ત કર્યો છે ત્યારે મને મજરૂહ સુલતાનપુરીએ ઉપરની પંક્તિઓ મારે માટે લખી હોય એવી અનુભૂતિ થાય છે. કલ્યાણજી-આણંદજીના જીવન અને સંગીતની આ સફર દરમ્યાન જે રસિકજનોએ બિરદાવ્યો છે તેમને યાદ કરીને ઋણસ્વીકાર ન કરું તો જાતને છેતર્યા જેવું ફીલ થાય એટલે આ વાતનો ઉલ્લેખ કરું છું. અમીન સાયાનીથી માંડીને પુરુષોત્તમ ઉપાધ્યાય, ચેલના ઉપાધ્યાય, હંસા દવે, રૂપકુમાર અને સોનાલી રાઠોડ, નિરંજન મહેતા, અશોક દવે, અશ્વિન મહેતા, સુરેશ જોશી, સંજય ગોરડિયા, રાજુ દવે, અમર ડૅની સોલંકી, સંજય છેલ, દિલીપ રાવલ, હિતેન આનંદપરા, મેઘબિંદુ, અક્ષય અંતાણી, કિરીટ બારોટ, લલિત શાહ, મુકેશ જોશી, પ્રવીણ પંચાલ, સતીશ વ્યાસ, અશોક શાહ, ડૉ. રાજ બ્રહ્મભટ્ટ, કિશોર દેસાઈ અને અન્ય રસિકજનો પસંદગીની મોહર મારે ત્યારે લખ્યું સાર્થક લાગે. પરમ મિત્રો લાલજીભાઈ સાવલા, સંદીપ ભાટિયા, સુનીલ મહેતા, રાજન બ્રહ્મભટ્ટ, અનિલ ગોરડિયા, વીરેન ગોહિલને હું સામેથી પૂછું કે ક્યાંય કશું ખૂટતું હોય તો બેધડક કહેજો.

આ કૉલમ નિયમિત વાંચતાં પ્રકાશ દાણી, સેજલ મરાઠે, ભરત ખોરડિયા, ભુજંગી શાહ, દિલ્લેશ્વરી કાપડિયા, જે. બી. એન. મકવાણા, દેવેન મહેતા, કેતન મોદી, હકીમ રંગૂનવાલા, પ્રવીણ ઉમરાનિયા, પ્રદીપ શાહ, સુભાષ બારોટ, કલ્યાણી શાહ, માધવ વિજય, રાજેશ મોરિયાની, કમલેશ બાવડ, સુરેશ વીરાણી, અમી મહેતા શાહ, શૈલેશ વીરાણી, ભાવના રાઉ, ચારુલ દડિયા, સોનલ દેસાઈ, અનિલ પટેલ, દિલીપ સોમૈયા, રોહિત કાપડિયા, આર. પી. જોશી, જયસિંહ સંપટ, મુકુંદ દેસાઈ, હિતેન પટેલ, સુરેશ વીરાણી, ઇન્દ્રવદન દેસાઈ, હિતેન દડિયા, મહેશ દોશી, પૂનમ મહેતા, પાર્થ દવે, દિનેશ શાહ, સ્નેહા રાવલ, રાજેન ચુડાસમા, પુનિતા શેઠ, કીર્તિદા દેસાઈ, હિતેન્દ્ર પટેલ, ડિમ્પલ ઘેલાણી, હસમુખ શાહ, ગોપાલ દવે, આશિષ મહેતા, મોના દેસાઈ અને બીજા અનેક સંગીતપ્રેમીઓનો આભારી છું.

રાજેશ થાવાણીનો એટલા માટે ઋણી છું કે મારા જેવા સાવ નવા નિશાળિયા કૉલમનિસ્ટ પર ભરોસો મૂક્યો. તેમના જજમેન્ટ માટે સૌએ તેમને દાદ આપવી જોઈએ. ડેડલાઇનનું શિસ્ત પાળવાની તેમણે જે ટેવ પાડી એના કારણે સતત લખાયું છે. અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ આણંદજીભાઈ માટે એટલું જ કહીશ કે ‘મેરા મુઝ મેં કુછ ભી નહીં, જો કુછ હૈ વો તેરા હૈ.’ ઘણી વાર એવું બનતું હોય કે રસોઇયા કરતાં પીરસનારા વધુ દાદ લઈ જાય. રૂપકુમાર રાઠોડના ઘેર એક મહેફિલમાં ગઝલગાયક ગુલામ અલીએ જે વાત કરી હતી એ યાદ આવે છે, ‘ગઝલ મેં દમ હોના ચાહિએ, ગાનેવાલા તો મેરે જૈસા ભી ચલેગા.’

કલ્યાણજી-આણંદજીના જીવનની અને સંગીતસફરની વાતો જ એટલી રોમાંચક છે કે મારા સિવાય બીજા કોઈએ પણ લખી હોત તો આનાથી વધુ સારી રીતે રજૂઆત થઈ હોત. સમગ્ર શાહપરિવાર જે ઉમળકાથી મારી સાથે દિલ ખોલીને વીતેલા યુગની જૂની યાદોને નવા-નવા નાસ્તા સાથે શૅર કરે છે એ બદલ મારી જાતને ખુશનસીબ સમજું છું અને એ બદલ શાહપરિવારનો જન્મજાત ઋણી રહીશ.

કલાકાર અને વાચકો વચ્ચે સેતુ બનવાનો મારો જે હેતુ હતો એ સિદ્ધ થયો એનો આનંદ છે. પ્રિય મિત્ર હરિહર જોશીની પંક્તિઓ જ મારા મનોભાવને વ્યક્ત કરવા પર્યાપ્ત છે. થોડી પ્રશંસા, તાળીઓ અને મિત્રોની વાહ વાહ તમને મળીને કેટલો વૈભવ રળી ગયો

કલ્યાણજી-આણંદજીના સંગીતમાં જે પ્લેબૅક સિંગરોએ કામ કર્યું એ યાદોને આગળ વધારતાં આણંદજીભાઈ કહે છે

કલ્યાણજી આણંદજીના સંગીતમાં જે પ્લેબૅક સિંગરોએ કામ કર્યું એ યાદોને આગળ વધારતાં આણંદજીભાઈ કહે છે, ‘મહેન્દ્ર કપૂર એક જાનદાર સિંગર હતા. ગમેતેટલાં રિહસર્લ થાય, રીટેક થાય; પણ થાકે નહીં. અવાજની બુલંદી એવી કે લાંબો સમય ગાય તો પણ અવાજ બેસે નહીં. ફિલ્મ ‘ઉપકાર’ માટે ‘મેરે દેશ કે ધરતી’નું રેકૉર્ડિંગ સવારે ૧૦ વાગ્યે શરૂ થયું અને મોડી રાતે પૂરું થયું. લોકસંગીત પર આધારિત આ ગીતમાં મહેન્દ્ર કપૂરે ઊંચા સ્વરમાં ગાવાનું હતું, પણ તે થાક્યા નહોતા.

ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ના એક ગીત ‘પ્યાર ઝિંદગી હૈ, પ્યાર બંદગી હૈ’માં તેમનો સ્કેલ અમે નીચો રાખ્યો હતો. તે કહે, ‘મને ઊંચા સ્કેલમાં ગાવાનું ફાવે છે. આ સ્કેલમાં તો બીજા સિંગરો (આશા ભોસલે, લતા મંગેશકર) સામે મારો અવાજ દબાઈ જશે.’ અમે કહ્યું, ‘આ ગીત વિનોદ ખન્ના પર પિક્ચરાઇઝ થાય છે અને જે મૂડનું આ ગીત છે એ હિસાબે તમારે સૉફ્ટ્લી ગાવાનું છે.’

ગીત રેકૉર્ડ થયું અને તેમના દીકરા રોહને સાંભYયું. તો તે કહે, ‘પપ્પા, કમાલ કા ગાના હૈ. આપકા યે અંદાઝ પહલી બાર સુના, મઝા આ ગયા.’ એ પછી તો તે અમને કહે ‘મુઝે ઇસ તરહ કે ગાને દો.’ ત્યાર બાદ અમે આ સ્કેલમાં તેમનાં બેત્રણ ગીતો રેકૉર્ડ કર્યાં. સિંગરને તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને તેની ગાયકીને નવો આયામ આપવાનું કામ ચૅલેgન્જગ હોય છે, પણ તેમને ભરોસો આપીએ કે આ શક્ય છે. પરિણામ સારું આવે એટલે તેની હિંમત વધે અને અમને પણ કંઈક નવું કર્યાનો સંતોષ મળે.’

આણંદજીભાઈ એક બીજા લોકપ્રિય સિંગરની વાત શરૂ કરે છે ત્યાં જ મને તે સિંગર સાથેની મારી પહેલી મુલાકાત યાદ આવે છે. સૂર સિંગાર સંસદ વર્ષોથી પારંપરિક ભારતીય સંગીતના કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે. સ્વ. બ્રિજનારાયણ નરુલા સ્થાપિત આ સંસ્થામાં પૂરા હિન્દુસ્તાનમાંથી કલાકારો ભાગ લેવા આવે છે. એક સમય એવો હતો કે ધોબી તળાવ પાસે આવેલા રંગ ભïવનમાં દર વર્ષે સાત દિવસનો જલસો થતો; જેમાં શાસ્ત્રીય સંગીત, વાદ્યસંગીત, નૃત્ય અને નાટકના ધુરંધર કલાકારો પફોર્ર્મ કરતા. સાંજે ૭ વાગ્યે શરૂ થતી મહેફિલ વહેલી સવારે બે-ત્રણ વાગ્યે પૂરી થતી. વર્ષો સુધી એ મહેફિલો માણી છે. એક વર્ષે એમાં એક નવી સ્પર્ધાનું આયોજન થયું, જેમાં યુવાન આશાસ્પદ કલાકારોએ પફોર્ર્મ કરવાનું હતું. ફિલ્મસંગીતના વિખ્યાત સંગીતકારો એના નર્ણિાયક હતા અને જીતનાર સ્પર્ધકને ફિલ્મના પ્લેબૅક સિંગર તરીકે બ્રેક મળશે એવી ઘોષણા થઈ હતી.

એ દિવસોમાં મને વહેમ હતો કે હું મુકેશનાં ગીતો સારાં ગાઉં છું એટલે મેં પણ મારા અવાજમાં મુકેશનાં બે ગીતોની કૅસેટ રેકૉર્ડિંગ કરીને એક સ્પર્ધક તરીકે મોકલાવી. (આમાં મારો વાંક નહીં, મુકેશનો છે. એવી સરળતાથી, સહજતાથી તેમણે ગીતો ગાયાં છે કે મારા જેવા અનેકને એવો વહેમ પડે. હકીકતમાં હું ઑલરાઉન્ડર છું. ચોમાસાની ઋતુમાં કે. એલ. સૈગલ, શિયાળાની ઠંડીમાં તલત મહમૂદ અને બાકીના સમયે મુકેશનાં ગીતો ગાવાં એ મારા માટે ડાબા હાથનો ખેલ છે.) રીગલ થિયેટર નજીક આવેલી સેસિલ કોર્ટમાં અમીન સાયાનીના સ્ટુડિયોમાં એક હાર્મોનિયમ પ્લેયર અને એક તબલચી સાથે ગીતો રેકૉર્ડ કરતાં મનમાં એટલી આશા રાખેલી કે કોરસ સિંગર તરીકે પણ ચાન્સ મળે તો ભયો ભયો. આ ઘટના લખવાનું કારણ એટલું જ કે જ્યારે ફાઇનલમાં આવેલાં ૧૦ યુવાનો અને યુવતીઓ એક પછી એક સ્ટેજ પર ગીત ગાવા આવતાં હતાં ત્યાં એક ચહેરો જોઈને ઑડિયન્સમાં બેઠેલો હું બોલી ઊઠ્યો, ‘અરે, આ તો મારી સાથે હાર્મોનિયમ વગાડતો હતો.’

અને તેણે એટલું સુંદર ગાયું કે તે વિજેતા બન્યો. એ યુવાનનું નામ હતું સુરેશ વાડકર.

આજે પણ જ્યારે તેમની સાથે મુલાકાત થાય ત્યારે મારો (સાથે તેમની સેન્સ ઑફ હ્યુમરનો) પરિચય આપતાં સાથેની વ્યક્તિને એમ જ કહે, ‘યે બહોત અચ્છા ગાતે હૈં. એક ઝમાના થા મેં ઇનકે સાથ સંગત કરતા થા.’

પંડિત જીયાલાલ વસંતના શિષ્ય સુરેશ વાડકર એક ઉત્તમ દરજ્જાના પ્લેબૅક સિંગર અને ખૂબ જ સરળ અને મિતભાષી વ્યક્તિ છે. તેમના વિશે વાત કરતાં આણંદજીભાઈ કહે છે, ‘સુરેશ વાડકર ખૂબ જ ગુણી કલાકાર છે. કલાસિક્લ શીખેલા એટલે તેમની ગાયકીમાં હરકત આપોઆપ આવી જાય. ફિલ્મો માટે અમારે સીધીસાદી ગાયકી જોઈએ. રિહસર્લ વખતે એક કાગળમાં ગીત લખ્યું હોય એમાં નોટેશન લïખવાની તેમની આદત હતી. ક્યાં હરકત લેવી અને બીજી ડીટેલ કાગળમાં લખે.

અમે કહ્યું, ‘કાગળ સાથે નથી રાખવાનો, ગીત મોઢે કરીને ગાઓ.’

તો કહે, ‘એનું શું કારણ?’

અમે સમજાવ્યું, ‘હાથ મેં કાગઝ લેકર ગાતે વક્ત તુમ કૉન્શિયસ હો જાતે હો કિ કહાં પર મુરકી લેની હૈ. ગાના યાદ કર કે ગાને સે એક નૅચરલ ફ્લો આએગા. અને આ રીતે ફિલ્મ ‘ઈમાનદાર’નું ગીત ‘ઔર ઇસ દિલ મેં ક્યા રખા હૈ, તેરા હી દર્દ છુપા રખા હૈ’ રેકૉર્ડ કર્યું. એક દિવસ આવીને કહે, ‘મારા ગુરુજીએ આજ સુધી મારા કોઈ ગીતનાં વખાણ નથી કર્યાં, પણ આ ગીત સાંભળીને તરત કહ્યું, ‘અબ તુમને સહી ગાયા’ આટલું કહી અમને પૂછ્યું, ‘આજ મૈંને ઐસા ક્યા કિયા કિ ગુરુજી ઐસા કહતે હૈં?’

અમે કહ્યું, ‘ગુરુજીને જ પૂછો. હકીકત એ હતી કે આ ગીત ગાતી વખતે નોટેશન પર નહીં, લેવલ ફીલિંગ્સ પ્રત્યે ધ્યાન હતું. આ કારણે જ ગીત સરસ ગવાયું છે. ત્યાર બાદ સુરેશ વાડકર સાથે અમે બીજાં ગીતો કર્યાં એ લોકપ્રિય થયાં એનું મુખ્ય કારણ આ જ હતું.

અલકા યાજ્ઞિક ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ’ (લાવારિસ)ની સફળતાથી એકદમ પ્રખ્યાત થઈ ગઈ. આ ગીત પહેલાં તેનું એક ગીત રેકૉર્ડ થયું હતું, પણ ફિલ્મ રિલીઝ નહોતી થઈ. આમ તો ગીત પૂરેપૂરું રેકૉર્ડ થયું હતું, પરંતુ એમ નક્કી થયું કે ખાલી મુખડું જ ફાઇનલ પ્રિન્ટમાં રાખવાનું છે. જોકે ગીત એટલી સરસ રીતે ગવાયું હતું અને ધૂન પણ કૅચી હતી એટલે છેવટે આખું ગીત ફિલ્મમાં લેવાનો નિર્ણય થયો.

અમુક સિંગર પહેલી વાર રેકૉર્ડિંગ કરતી વખતે નર્વસ થઈ જાય એટલે અમે એ સમયે એટલું જ કહીએ, જરા ચેક કરી લઈએ કે સાઉન્ડ ક્વૉલિટી કેવી છે. એટલે તે રિલૅક્સ થઈ જાય. પછી કહીએ કે સારું ગવાયું છે. આ ટેકને ફાઇનલ રાખીએ છીએ. નવા સિંગર્સને પહેલાં એટલું જ કહીએ કે તમારા અવાજની ક્વૉલિટી સારી હશે તો જ આગળ ચાન્સ મળશે એટલે ખોટી આશા ન બંધાય. જોકે મોટા ભાગે એ લોકો કસોટીમાંથી પાર પડે જ.

દરેક સિંગરની કોઈ ને કોઈ રીતે નર્વસનેસ દૂર કરવી પડે. એક સિંગર ખૂબ જ ટૅલન્ટેડ, પણ જેવું કહીએ કે ફાઇનલ રેકૉર્ડિંગ કરીએ છીએ એટલે આંગળી ઊંચી કરીને કહે, જરા બાથરૂમ જઈ આવું. આવીને પાછો થોડો નવર્સ જ હોય. એેને માટે અમે એક ટ્રિક કરી. ‘ચલો રિહસર્લ કરતે હૈં’ એમ કહી રેકૉર્ડિંગ શરૂ કરીએ, પણ પેલાને ખબર ન હોય. જો ટેક બરાબર ન હોય તો કહીએ, ઇસસે બેહતર હો સકતા હૈ, એક ઔર રિહસર્લ કરતે હૈં. આમ તેની જાણ બહાર ફાઇનલ રેકૉર્ડિંગ થઈ જાય.’

આ પણ વાંચો : બૉલીવુડનું આ વર્ષ કેવું રહ્યું?

નોંધ : ગયા રવિવારે ૨૩-૧૨-૨૦૧૮ના આર્ટિકલમાં સરતચૂકથી એમ લખાયું હતું કે કલ્યાણજી-આણંદજીને સંગીત માટેનો નૅશનલ અવૉર્ડ ફિલ્મ ‘કોરા કાગઝ’ માટે મળ્યો હતો. હકીકતમાં લતા મંગેશકરને ફિલ્મ ‘કોરા કાગઝ’ના ગીત ‘રૂઠે રૂઠે પિયા, મનાઉં કૈસે’ માટે આ અવૉર્ડ મïળ્યો હતો. કલ્યાણજી-આણંદજીને ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ના સંગીત માટે નૅશનલ અવૉર્ડ મïળ્યો હતો.

columnists