Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બૉલીવુડનું આ વર્ષ કેવું રહ્યું?

બૉલીવુડનું આ વર્ષ કેવું રહ્યું?

30 December, 2018 01:40 PM IST |
હર્ષ દેસાઈ

બૉલીવુડનું આ વર્ષ કેવું રહ્યું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૉલીવુડમાં દર વર્ષે કેટલીક ફિલ્મો સુપરહિટ રહે છે તો કેટલીક નિષ્ફળ. કેટલાકનું દિલ તૂટે છે તો કેટલાક ફરી પ્રેમના તાંતણામાં ગૂંથાઈ જાય છે. બૉલીવુડ માટે આગામી વર્ષ કેવું રહેશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ આપણે આ વર્ષની કેટલીક યાદગાર ઘટના અથવા તો કેટલીક ક્ષણોને ફરી જીવંત કરી શકીએ છીએ. રોમન કૅલેન્ડર મુજબ આજે વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે આપણે બૉલીવુડના આ વર્ષ પર એક નજર કરીએ:

ટાંય ટાંય ફિસ્સ



સલમાન ખાન, આમિર ખાન કે શાહરુખ ખાન કોઈ પણ ખાન હોય દર્શકોને હવે સ્ટાર પાવરથી કોઈ ફરક નથી પડતો એ નક્કી છે. તેમને હવે સ્ટોરીમાં રસ છે નહીં કે સ્ટારમાં. બૉલીવુડની ખાનત્રિપુટીની આ વર્ષે ફિલ્મો નિષ્ફળ ગઈ છે. સલમાનની ‘રેસ ૩’ની નિષ્ફળતાથી દર્શકોએ તેની ઝાટકણી કાઢી હતી. ‘બેકાર’ ઍક્ટર્સ સાથે ફિલ્મોમાં કામ ન કરવા માટે ચાહકોએ સોશ્યલ મીડિયા પર તેની ઝાટકણી કાઢી હતી. સલમાનની તો ગયા વર્ષે ‘ટ્યુબલાઇટ’ પણ નિષ્ફળ ગઈ હતી, પરંતુ દર્શકો માટે સૌથી શૉકિંગ હતી આમિર ખાનની ફિલ્મ. મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ સુપર-ડુપર ફ્લૉપ રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ અને શોભાની પૂતળી તરીકે કૅટરિના કૈફ પણ જોવા મળી હતી. આ ફિલ્મ દર્શકોએ જરા પણ પસંદ નહોતી કરી અને બૉક્સ-ઑફિસ પર એની ધજ્જિયાં ઊડી ગઈ હતી. આમિરે આ ફિલ્મની નિષ્ફળતાની જવાબદારી પોતાને માથે લીધી હતી, પરંતુ તે પણ જાણે છે કે દર્શકો હવે પહેલાં જેવા નથી રહ્યા. તેમને સ્ટાર કરતાં સ્ટોરીમાં વધુ રસ છે. શાહરુખની ‘ઝીરો’થી લોકોને ઘણી અપેક્ષા હતી, પરંતુ આ ફિલ્મ પણ અપેક્ષા પર ખરી નહોતી ઊતરી. શાહરુખે પહેલી વાર આ ફિલ્મ દ્વારા ઠિગુંજીનું પાત્ર ભજવ્યું હતું. તેમ જ આ ફિલ્મને ઉમદા ડિરેક્ટર આનંદ એલ. રાય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આમ છતાં ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા છે અને દર્શકોને એ જોઈએ એટલી પસંદ નથી પડી.


છોટા બૉમ્બ બડા ધમાકા

બૉલીવુડમાં આ વર્ષે નાના બજેટની ફિલ્મોએ ખૂબ જ સારો દેખાવ કર્યો છે. આ ફિલ્મોમાં ‘રાઝી’, ‘સ્ત્રી’, ‘બધાઈ હો’ અને ‘અંધાધુન’ જેવી ફિલ્મોએ ખૂબ જ સારો દેખાવ કર્યો છે. વીસથી ચાળીસ કરોડની અંદરના બજેટમાં બનેલી આ ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. ‘અંધાધુન’એ ૭૪.૫૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જ્યારે બાકીની ફિલ્મો સો કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. જોકે એમ છતાં ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ મુજબ ‘અંધાધુન’ને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મો દ્વારા એક વાત તો ચોક્કસ થઈ ગઈ છે કે જો ફિલ્મો સારી હોય તો દર્શકો એને ખૂબ જ પસંદ કરે છે. જોકે ‘ગો ગોઆ ગૉન’ બાદ દર્શકોને ‘સ્ત્રી’માં એક અલગ જ સ્ટોરી જોવા મળી હતી. સૈફ અલી ખાનની ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પહેલી વાર ઝોમ્બી પર આધારિત બનાવવામાં આવી હતી. જોકે ‘સ્ત્રી’ હૉરર-કૉમેડી હતી. આ ફિલ્મને દર્શકોએ એની સ્ક્રિપ્ટ માટે પસંદ કરી હતી. ‘સ્ત્રી’, ‘રાઝી’, ‘બધાઈ હો’ અને ‘અંધાધૂન’ તમામ એકબીજાથી અલગ હટકે ફિલ્મો હતી અને એટલે જ બૉક્સ-ઑફિસ પર એની સ્ટોરીને કારણે હિટ રહી છે.


પર્ફોર્મન્સની બહાર

આ વર્ષે દર્શકોએ ઘણાં યાદગાર પાત્રો ભજવ્યાં છે. રણવીર સિંહનું અલાઉદ્દીન ખિલજી હોય કે રણબીર કપૂરનું સંજય દત્તનું પાત્ર, દર્શકોને એ ખૂબ જ પસંદ પડ્યાં છે. આ સાથે જ ‘રાઝી’નું આલિયા ભટ્ટનું, ‘અંધાધુન’ અને ‘બધાઈ હો’માં આયુષ્માન ખુરાનાનું પાત્ર, ‘સ્ત્રી’માં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરના પાત્રની સાથે અક્ષયકુમારનું ‘પૅડમૅન’નું પાત્ર પણ લોકોને ઘણું પસંદ પડ્યું છે. આ તમામ પાત્રોની વચ્ચે ‘સંજુ’માં કમલીનું પાત્ર ભજવનાર વિકી કૌશલના પર્ફોર્મન્સનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં તો બીજી તરફ ‘બધાઈ હો’માં નીના ગુપ્તાની ઍક્ટિંગને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. જોકે ‘ઑક્ટોબર’માં વરુણ ધવન અને ‘પદ્માવત’માં દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરના પાત્રનાં પણ એટલાં જ વખાણ થયાં હતાં. આ તમામ પાત્રોની વચ્ચે ‘મન્ટો’માં નવાઝુદ્દીન સિદ્દીકી, ‘અંધાધુન’માં તબુ, ‘સુરમા’માં દિલજિત દોસંજ, ‘મનમર્ઝિયાં’માં તાપસી પન્નુ અને ‘હિચકી’માં રાની મુખરજીનાં પાત્રોને પણ યાદ કરવાં જરૂરી છે. આ સાથે જ ઘણાં નાનાં-મોટાં પાત્રોએ પણ દર્શકોને ખૂબ જ મનોરંજન પૂÊરું પાડ્યું છે.

સ્વાગત નહીં કરોગે હમારા?

આ વર્ષે બૉલીવુડમાં જાહ્નવી કપૂર અને સારા અલી ખાનની સાથે ઈશાન ખટ્ટરે એન્ટ્રી કરી છે. તેમની ફિલ્મોને ઘણી પસંદ કરવામાં આવી છે. ઈશાને ફિલ્મોમાં ઈરાનિયન ફિલ્મમેકર માજિદ મજીદીની ફિલ્મ ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’ દ્વારા એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેના પર્ફોર્મન્સનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં. જાહ્નવી અને સારા વચ્ચે આજથી સ્પર્ધા શરૂ થઈ ગઈ હોવાની ચર્ચા છે. જોકે આ ત્રણ સેલિબ્રિટીઝની સાથે રાધિકા મદને ‘પટાખા’ દ્વારા અને વરીના હુસેન ‘લવયાત્રી’ દ્વારા, બનિતા સંધુએ ‘ઑક્ટોબર’ દ્વારા, ક્રિતિકા કામરાએ ‘મિત્રોં’ દ્વારા, મૌની રૉયે ‘ગોલ્ડ’ દ્વારા, આઈશા શર્માએ ‘સત્યમેવ જયતે’ દ્વારા અને મૃણાલ ઠાકુરે ‘લવ સોનિયા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ તમામ સેલિબ્રિટીઝમાં ઘણી સેલિબ્રિટીઝ તેમની બીજી અથવા તો ત્રીજી ફિલ્મમાં કામ કરી રહી છે. જાહ્નવી પાસે ઍર ફોર્સની પાઇલટ ગુંજન સકસેનાની બાયોપિક અને ‘તખ્ત’ છે. સારાની ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’ રિલીઝ થઈ છે અને આગામી ફિલ્મો વિશે તેની ચર્ચા ચાલી રહી છે. મૃણાલ ઠાકુર હાલમાં ‘સુપર ૩૦’માં કામ કરી રહી છે અને ત્યાર બાદ તે જૉન એબ્રાહમ સાથે ‘બાટલા હાઉસ’માં કામ કરશે. મૌની રૉય હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’માં વ્યસ્ત છે અને ત્યાર બાદ તે ‘મેડ ઇન ચાઇના’ અને ‘મોગલ’માં કામ કરશે. સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ ‘લવ યાત્રી’ દ્વારા કરીઅરની શરૂઆત કરી છે અને તે બીજી ફિલ્મને લઈને વાતચીત કરી રહ્યો છે. વિનોદ મેહરાના દીકરા રોહન મેહરાએ ‘બાઝાર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે, પરંતુ એ ફિલ્મને જોઈએ એટલી પસંદ કરવામાં નથી આવી. ડિરેક્ટર અનિલ શર્માના દીકરા ઉત્કર્ષ શર્માએ પણ ‘જિનીયસ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે, પરંતુ એ નિષ્ફળ રહી હતી.

હિરોઇન્સની થોડી હટકે ફિલ્મો

બૉલીવુડમાં આ વર્ષે હિરોઇનો ઘણી હટકે ફિલ્મો લઈને આવી છે. ૨૦૧૮ની શરૂઆત ‘પદ્માવત’ દ્વારા થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના પાત્રનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં. જોકે આ કોઈ હટકે ફિલ્મ નહોતી. આ વર્ષમાં અનુષ્કા શર્માએ ‘પરી’ આપી હતી. બૉલીવુડમાં અત્યાર સુધીમાં ઘણી હૉરર ફિલ્મો બની છે, પરંતુ એ હૉરર ફિલ્મોમાં રોમૅન્સ ક્યાંથી આવી જાય એ કહેવું મુશ્કેલ છે. જોકે અનુષ્કાએ ‘પરી’ દ્વારા એક અલગ હૉરર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું અને તેણે બનાવી પણ ખરી. ઊર્મિલા માતોન્ડકરની ‘ભૂત’ બાદ ‘પરી’ સૌથી સારી હૉરર ફિલ્મ કહી શકાય. રાની મુખરજીએ ‘હિચકી’ દ્વારા એક અલગ પ્રકારનું પાત્ર ભજવ્યું હતું જે કોઈ પણ હિરોઇન ભજવવા પહેલાં સો વાર વિચાર કરે. આ ફિલ્મમાં તેણે ટોરેટ સિન્ડ્રૉમનો શિકાર બનેલી ટીચરનું પાત્ર ભજવ્યું હતું, જેને વારંવાર હિચકી આવતી હોય છે. આ પાત્ર કરવા બદલ તેને ખરેખર ‘મર્દાની’ કહેવી ખોટી નથી. આ તમામ ફિલ્મોની વચ્ચે બૉલીવુડમાં ‘વીરે દી વેડિંગ’ સૌથી ચર્ચિત ફિલ્મ રહી છે. કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયાએ આ ફિલ્મમાં કામ કર્યું હતું. નારીશક્તિનો ઝંડો લઈને ફરતી આ હિરોઇનોએ બૉલીવુડની ફિલ્મોમાં નારીના પાત્રની એક અલગ જ ઓળખ બનાવી છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ આવકારી છે અને એની સીક્વલ આવે તો પણ નવાઈ નહીં.

સોશિયલ ઇશ્યુ બના કમર્શિયલ

બૉલીવુડમાં સોશ્યલ ઇશ્યુ પર આ વર્ષે અલગ-અલગ ફિલ્મો બની હતી. સોશ્યલ ઇશ્યુ પર કમર્શિયલ ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ અક્ષયકુમારે ચાલુ કર્યો છે. તેણે ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ બાદ આ વર્ષે ‘પૅડમૅન’ બનાવી હતી. સોશ્યલ ઇશ્યુ પર હોવાની સાથે આ એક બાયોપિક પણ હતી અને સાથે જ એક કમર્શિયલ ફિલ્મ પણ. આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ સાથે જ નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ કૅમ્પેનથી ઇન્સ્પાયર થઈને અનુષ્કા શર્મા અને વરુણ ધવનની ‘સુઈ ધાગા’ આવી હતી. આ ફિલ્મમાં તેમણે સામાન્ય વ્યક્તિઓની ભૂમિકા ભજવી હતી. અનુષ્કાના લુક અને ઍક્ટિંગની ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી. આ બે ફિલ્મોની સાથે શાહિદ કપૂરની ‘બત્તી ગુલ મીટર ચાલુ’ પણ આવી હતી. આ ફિલ્મ વીજચોરી પર બનાવવામાં આવી હતી. ઇન્ડિયામાં થયેલા વીજચોરીના ફ્રૉડ પરથી આ ફિલ્મ બની હતી. જોકે ‘પૅડમૅન’ જેટલી કમાલ આ બે ફિલ્મો નહોતી દેખાડી શકી.

આ પણ વાંચો : ટ્રાવેલ-ગાઇડ - લક્ષદ્વીપ નાજુક, નમણું પણ રળિયામણું

લગ્ન-એ-બહાર

બૉલીવુડમાં આ વર્ષે લગ્નની સીઝન હતી. સોનમ કપૂરે તેના બૉયફ્રેન્ડ આનંદ એસ. આહુજા સાથે લગ્ન કર્યાં ત્યારથી લગ્નની લાઇન લાગી ગઈ હતી. સોનમનાં લગ્ન બાદ નેહા ધુપિયા અને અંગદ બેદીએ લગ્ન કરી લીધાં હતાં. જોકે તેમણે લગ્ન અચાનક કરી લીધાં હોવાથી સૌને આશ્ચર્ય થયું હતું અને આખરે વાત બહાર આવી હતી કે નેહા પ્રેગ્નન્ટ થઈ ગઈ હોવાથી તેમણે લગ્ન કરી લીધાં હતાં. ત્યાર બાદ હિમેશ રેશમિયા અને સોનિયા કપૂરનાં લગ્ન પણ ચર્ચામાં રહ્યાં હતાં. નવેમ્બર અને ડિસેમ્બરનો મહિનો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો, કારણ કે આ મહિનામાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ લગ્ન કર્યાં છે. દીપિકા અને રણવીર સિંહે ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા અને નિક જોનસે પણ જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ રાખ્યું હતું. તેમનાં લગ્ન બાદ કપિલ શર્માએ પણ તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યાં હતાં. હવે આવતા વર્ષે કોણ-કોણ લગ્ન કરે છે એ જોવું રહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 01:40 PM IST | | હર્ષ દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK