કૉલમ: તમેય પારકી પંચાતમાં જ રચ્યા-પચ્યા નથીને?

09 May, 2019 02:22 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

કૉલમ: તમેય પારકી પંચાતમાં જ રચ્યા-પચ્યા નથીને?

મોદી અને અમિત શાહ

પંચાત શબ્દ આપણા સમાજમાં બહુ જ જાણીતો છે. વિદેશી સમાજનું આપણને ખબર નથી, પરંતુ ભારતીય સમાજમાં પંચાત વિના ચાલે નહીં. પંચાત પણ બે પ્રકારની હોય. એક પોતાના લોકોની અને બીજી પારકી પંચાત, જેને આપણે આખા ગામની પંચાત પણ કહી શકીએ. આ પંચાત શબ્દમાંથી જ સંભવત: પંચાયતની રચના થઈ હશે. જે અગાઉના સમયમાં નાનાં-નાનાં ગામોના સમાજને દોરનારી મોટી સંસ્થાસમાન ગણાતી, જે ગામના વિવાદોની બાબતમાં સુનાવણી કરતી અને નિર્ણય-ચુકાદા પણ આપતી, જેને લોકો માન્ય પણ રાખતા. હજી પણ આપણા દેશનાં અનેક ગામોમાં પંચાયત ચાલે છે.

રામાયણની કથામાં આપણે ધોબીની વાર્તા વાંચી કે સાંભળી છે. શ્રીરામ, રાવણને હરાવી અને મારીને વિજય બાદ પત્ની સીતા સાથે અયોધ્યા પાછા ફરે છે ત્યાર બાદ અયોધ્યામાં સીતાજી વિશે ચર્ચા થવા લાગે છે, કારણ કે સીતાજીને રાવણ ઉપાડી ગયો હતો અને તેને ત્યાં રાખ્યાં હતાં, જેને લીધે આ ચર્ચામાં એક સામાન્ય ધોબીએ સીતાજીની પવિત્રતા સામે શંકા ઉઠાવી, જયારે કે સીતાજીની અગ્નિપરીક્ષા પણ થઈ ચૂકી હતી. જોકે એક ધોબીના એ સવાલ કે શંકા પર રાજા રામે સીતાજીનો ત્યાગ કરી દીધો હતો. આ કથા જાહેર છે અને એની સામે આજે પણ સવાલો ઊઠે છે. જોકે આપણે અહીં રામાયણની વાત કરવી નથી. એ આપણું ગજું પણ નહીં અને અહીં આપણો વિષય પણ નથી.

ત્યારે તો એક જ ધોબી હતો અને એક જ ધોબીએ સવાલ ઉઠાવ્યો હતો, હવે તો અનેક પંચાતપ્રિય વ્યક્તિઓ છે અને સવાલો તેમ જ શંકા પણ અનેક છે. એ બીજાઓ માટે અને બીજા સામે સવાલ ઉઠાવ્યા કરે છે. અયોધ્યાના ધોબીના ભાવમાં કદાચ નિર્દોષતા પણ હોઈ શકે, જ્યારે હવે તો સદોષ અને ઇરાદાપૂર્વક સવાલો ઉઠાવાય છે.

રાજકારણમાં ધોબીઓ

તાજેતરના રાજકારણના કેટલાક દાખલા જોઈએ તો સરકારે પાકિસ્તાનના ચોક્કસ વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી તો વિરોધ પક્ષો સહિત અનેક બુદ્ધિજીવીઓએ પણ સવાલ ઉઠાવ્યા. શું ખરેખર મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી કે તેમનું એ નાટક યા સ્ટંટ હતો? પુલવામામાં આતંકવાદીઓ દ્વારા આપણા સૈનિકો પર જીવલેણ હુમલા બાદ સરકારે સામે જે ઍક્શન લીધી તેની સામે પણ રાજકારણીઓએ અને બુદ્ધિજીવીઓએ શંકા અને સવાલ રજૂ કર્યા. આ બધાને તો પુલવામા અટૅક પણ મોદી સરકારે જ કરાવ્યો હતો એવી પણ શંકા હતી. ત્યાર બાદ મોદી સરકારે બદલો લેવા જે આક્રમણ કર્યું એની સામે પણ પ્રશ્ન થયા હતા. કેટલાક રાજકીય પક્ષો અને રાજકારણીઓએ તો આના પુરાવા પણ માગ્યા. પુરાવા ઉપલબ્ધ થયા કે કરાયા તો એની સામે પણ સવાલ ચાલુ રહ્યા. સત્યને પુરાવાની જરૂર હોતી નથી, પણ હવેના સમયમાં પુરાવા મગાય છે અને પુરાવા આપવા પણ પડે છે.

આટલા સવાલ અગાઉ થયા હતા?

આની સામે મોદી સરકાર સામે આક્ષેપ પણ થયા કે તે દેશના સૈનિકોના નામે જશ ખાટી રહી છે, તેનો પોતાના લાભમાં ઉપયોગ કરી રહી છે. ખેર, આ બધું ઓછું હોય તેમ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ભવ્ય સ્ટૅચ્યુ સામે પણ કેટલાય સવાલ થયા, શું જરૂર છે આની? આટલો બધો ખર્ચ કરવાની શું આવશ્યકતા છે? મોદી સરકાર પોતાના લાભમાં આમ કરી રહી છે, વગેરે.

યાદ કરો, આટલા સવાલો અગાઉની સરકારો, ખાસ કરીને કૉંગ્રેસ સરકાર સામે ક્યારેય ઉઠાવાયા હતા ખરા? અને ઉઠાવાયા હોય તો એના જવાબ બહાર આવ્યા હતા ખરા? કૉંગ્રેસ તો બાજુએ રહી, અન્ય કોઈ પણ રાજકીય પક્ષ કે તે પક્ષની સરકાર સામે પણ કોઈ સવાલ ઉઠાવાયા છે ખરા? એક સરળ અને સીધું ઍનૅલિસિસ તમે માત્ર સામાન્ય નાગરિક તરીકે પણ કરશો તો મોદી સરકાર સામે યા અંગત રીતે મોદીજી સામે જેટલા સવાલો થયા છે અથવા જેટલી ટીકા થઈ છે તે અત્યાર સુધીમાં અન્ય કોઈ પક્ષ યા વ્યક્તિ સામે થયું નથી. આની પાછળનું કારણ દરેકે પોતે પોતાની વિવેકબુદ્ધિથી વિચારવાનું રહે છે.

સમાજકારણમાં પણ અસર

આ મુદ્દા માત્ર રાજકારણના રહેતા નથી, સમાજકારણમાં પણ આપણા સવાલો મોટા ભાગે સત્ય અને પ્રામાણિકતા સામે જ વધુ હોય છે. કોઈ ખોટું કરે તો આપણને બહુ નવાઈ લાગતી નથી, એ તો બધા જ કરતા હોય છે, એમાં નવું શું છે, એ તો કરવું પડે, પણ જ્યારે કોઈ સત્ય કરવા જાય ત્યારે સત્ય તરત કડવું લાગવા માંડે છે અને એ કડવાશમાંથી સવાલો અને શંકા ઊભાં થવા લાગે છે. કોઈને આપણી નજર સામે સારી સફળતા મળે તો પણ સવાલ અને શંકા થાય છે. વાસ્તવમાં આપણા બધામાં એક ધોબી બેઠો હોય છે, જેને આખા ગામની પંચાત હોય છે. પંચાત તો ઠીક, તેના મનમાં શંકા પણ સળવળતી હોય છે. આપણા મકાનમાં, ઑફિસમાં, ધંધામાં, જ્ઞાતિમાં સમાજમાં કોણ ક્યાં રહે છે? ક્યાં જઈ આવ્યું. કોની સાથે ગયું યા આવ્યું? કોણ ઘરમાં અથવા બહાર શું કરી રહ્યું છે? કોણ કોની સાથે શું વાત-ગુસપુસ કરે છે? કોને કોની સાથે કેવું બને છે યા નથી બનતું?

સગાં-સંબંધીમાં પણ પારકી પંચાતના રસિયાઓની હાજરી અવશ્ય હોય છે. જરાક કોઈના પરિવાર કે ઘરમાં કંઈક ગરબડ થઈ તો આ મહાશયો વાતનું વતેસર કરવા તૈયાર અને સક્રિય થઈ જાય છે. કોઈનું બહુ સારું થાય તો પણ તેમની ઈષ્ર્યા કામે લાગી જાય છે. એ તો આવા જ છે, તેની પાસે આટલો પૈસો આવ્યો ક્યાંથી? ખોટાં કામ કરતા હશે! આવાં નિવદેનોના જજમેન્ટ સ્વરૂપે પરસ્પર ફરવા લાગે છે. કોઈ પરિવારમાં દુ:ખ-સંઘર્ષ કે મુસીબતો છવાયાં હોય તો તેઓ જખમ પર મીઠું ભભરાવવા બેઠા જ હોય છે અને કોઈ પરિવારમાં મોટી સિદ્ધિ કે સફળતા આવી તો ટીકા-ટિપ્પણ સાથે પણ પારકી પંચાતના રસિયાઓ હવે તેમનું શું બૂરું થઈ શકે એની તૈયારીમાં લાગી જાય છે.

આ પણ વાંચો : આ બહેનને ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રત્યેનો પ્રેમ જુઓ ક્યાં લઈ ગયો

હવે રામ કેટલા અને ક્યાં?

નવાઈની વાત એ છે કે આવા પંચાતપ્રિય લોકોને સારું કે સાચું જલદી દેખાતું નથી, એ જોવા કે જાણવા પણ માગતા નથી, કારણ કે તેમને સત્ય સાથે કોઈ સંબંધ હોતો નથી યા તેમાં રસ પણ હોતો નથી. તેમને કેવળ સવાલ અને શંકા ઉઠાવવામાં જ રસ હોય છે. આમ પણ સમાજ બદલાઈ રહ્યો છે. હવે રામ કેટલા અને ક્યાં? જેને જુઓ તે સવાલ ઉઠાવે છે. અલબત્ત, સવાલ ઉઠાવવામાં દરેક વખતે કંઈ ખોટું હોતું નથી, પરંતુ કોના વિશે, શા માટે, કઈ રીતે સવાલ ઊઠે એ મહત્વનું હોય છે. સમજણપૂર્વક કે એમ જ સવાલ ઉઠાવાય છે? કે બદઇરાદાપૂર્વક સવાલ ઊભા કરાય છે તે જાણવું-સમજવું મહત્વનું ગણાય. ખોટા સવાલ-શંકા સમાજમાં ખોટી પ્રથા લાવી-ફેલાવી શકે છે. સમાજને ગેરમાર્ગે દોરી શકે છે. માનવ-માનવ વચ્ચે અવિશ્વાસ પેદા કરી શકે છે, વિવાદ જગાવી કે વધારી શકે છે. સમાજની સમતુલા બગાડી શકે છે. કરુણતા એ વાતની છે કે તે અસત્યને ફેલાવી શકે છે અને સત્યની અગ્નિપરીક્ષા લઈને સત્યને દફનાવી શકે છે.

columnists