કૉલમ: અંત અંગે મનની અનંત લીલા...

01 April, 2019 01:18 PM IST  |  | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

કૉલમ: અંત અંગે મનની અનંત લીલા...

પ્રતીકાત્મક તસવીર

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ, આ અણસમજ, એ ખુદ જ સર્જતું હોય છે.

કોણ જાણે કેમ, છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતી સાહિત્યની આ યાદગાર પંક્તિઓ મારા મનમાં કોઈ કૅસેટની જેમ વાગી રહી છે. મન ખરેખર મરકટ જેવું હોય છે. આપણે ગમે તેટલું તેના પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરીએ, પણ એ ગુલાંટ મારવાનું ચૂકતું નથી, તો કેટલીક વાર એ ડાકુ જેવું બની જાય છે. જે વિચારથી આપણે દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ તે વારંવાર આપણને તેની જ સામે લાવીને ઊભા કરી દે છે. આવું વળી ત્યારે ખાસ થાય છે જ્યારે આપણે કોઈ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોઈએ. જીવનનો કોઈ એક તબક્કો પૂરો થઈ રહ્યો હોય અને નવો શરૂ થવાની તૈયારીમાં હોય ત્યારે મન આપણને ફરી ફરી ત્યાં જ લઈ જઈને ઊભું કરી દે છે, જ્યાંથી આપણે તેને વાળવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ.

પરિવર્તન એ જીવનનો નિયમ છે એ વાત સાચી છે, પરંતુ મનને એ વાત સ્વીકારવા માટે ભયંકર મનાવવું પડે છે. ધ સેન્સ ઑફ એન્ડિંગ, કોઈ પણ બાબતની પૂર્ણાહુતિ મન માટે એક અત્યંત પીડાદાયક પ્રક્રિયા હોય છે. વાસ્તવમાં વર્ષોના અનુભવ પછી આપણા મગજની જેમ મનને પણ ખબર જ હોય છે કે સારી હોય કે ખરાબ, દરેક પરિસ્થિતિનો ક્યારેક ને ક્યારેક તો અંત આવતો જ હોય છે. જે જન્મે છે, એ મોટું થાય જ છે અને જે મોટું થાય છે તે વૃદ્ધ થઈ મૃત્યુ પામે જ છે આ વાત મનને પણ ખબર છે. શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી ચોમાસું આવશે જ એ તેને પણ સમજાય છે. પાનખર આવવાનો અર્થ વસંત હવે બહુ દૂર નથી એટલું તો તેણે પણ જોયેલું જ હોય છે. તોય ખબર નહીં કેમ, મન તેના વિષાદયોગમાંથી બહાર આવવા તૈયાર થતું જ નથી.

આનું એક કારણ કદાચ એ છે કે મનનો સ્વભાવ છોડવાનો નહીં, પકડી રાખવાનો છે. એ દરેક વાતો, યાદો અને વિચારોને પકડી રાખવામાં માને છે. પાનખર પૂરી કરીને વસંત માટે કેવી રીતે માર્ગ મોકળો કરી આપવો એ કુદરતને ખબર છે, પરંતુ જૂનું બધું છોડી કેવી રીતે નવા માટે રસ્તો ખુલ્લો કરી આપવો તેનો મનને ખ્યાલ નથી. એ જૂની વસ્તુઓથી, વ્યક્તિઓથી, પરિસ્થિતિઓથી ટેવાઈ ગયેલું છે. કન્ડિશન્ડ થઈ ગયું છે. એ પરિચિત વસ્તુઓ, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓનું અનકન્ડિશનિંગ કરી નવેસરથી નવી શરૂઆત કરવાનો મનને ડર લાગતો હોય છે. તેથી એ ફરી ફરી ભવિષ્યથી ભાગીને ભૂતકાળ પાસે જઈને ઊભું રહી જાય છે.

તેથી ખરેખર તો મને જે શીખવાનું છે તે છોડતાં શીખવાનું છે. જેટલા ઉત્સાહથી તે નવીનતાને આવકારે છે તેટલી જ સમજદારી, તટસ્થતા તથા સુંદરતાથી તેણે જૂનાને જતું કરવાનું પણ શીખવાનું છે. જે પૂર્ણ થઈ રહ્યું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક, કશુંક ને કશુંક તો એવું હશે જ, જે અપૂર્ણ રહી ગયું હશે. કુદરતમાં પણ જોઈએ તો વસંત પૂરી થયા બાદ પણ કેટલીક કળીઓ એવી હોય જ છે, જે ખીલ્યા વિનાની જ રહી જાય છે. જીવનમાં પણ કોઈ વ્યક્તિ ભલેને કાયમ આપણી સાથે રહી હોય તેમ છતાં કેટલીક વાતો તો એવી હશે જ, જે કહ્યા વિનાની રહી જાય છે.

જેઓ કોઈ પણ પ્રકારની કળાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેઓ ચિત્રકાર, સાહિત્યકાર વગેરે છે તેઓ જાણે છે કે કોઈ પણ સર્જન ક્યારેય પૂરું થતું નથી. પોતાની કોઈ પણ કૃતિ માટે તેઓ એવું ક્યારેય કહી ન શકે કે હવે તે પૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે. તેમાં હજી પણ કંઈક છે, જે અધૂરુ રહી ગયું છે, કંઈક એવું છે, જ્યાં હજી સુધારાવધારાને અવકાશ છે એવું તેમને લાગ્યા વગર રહેતું નથી, પરંતુ એક પૉન્ટ પર આવ્યા બાદ ગરિમા તેને છોડી દેવામાં છે એ તેમને સમજાય છે. માણસના મને પણ ખરેખર તો આ પૉઇન્ટને ઓળખવાની જરૂર છે. મન એક વાર તેને ઓળખી લે પછી તેની સચ્ચાઈ તથા હાલ આપણે જેવા છીએ તેવા આપણને બનાવવા પાછળ તેણે ભજવેલી ભૂમિકાને સ્વીકારવા તેણે દ્વંદ્વ નહીં કરવો પડે.

અંત સામે લડવાનો કોઈ અર્થ નથી. એવું કરવાથી માત્ર પીડા વધે જ છે. જે બાબતો કે સંબંધો આપણા હૃદયની અત્યંત નિકટના હોય તેમને આ સત્ય સૌથી વધુ લાગુ પડે છે, પરંતુ જો એક વાર મન એ સમજી લે કે આપણા જીવનમાં આવેલી વ્યક્તિઓ પોતાની ભૂમિકા અદા કરીને આગળ નીકળી જાય છે અને એ એમ જ હોય અને એ એમ જ થવું પણ જોઈએ તો તેના આક્રોશ અને આક્રંદ કદાચ થોડા હળવા થઈ જાય.

આ પણ વાંચો : કૉલમ: સંપ અકબંધ રહેતો હોય તો સંપ ખાતર પરિવારમાં પણ રાજનીતિનો ઉપયોગ કરવો જોઈએ

અંત વાસ્તવમાં આક્રોશ કે આક્રંદ કરવાનો નહીં, બલકે જાત સાથે વાત કરવાનો સમય હોય છે. અંત પર દુ:ખી થવા કરતાં એ આખા અનુભવમાંથી આપણે શું શીખ્યા એ વિચારવાનો સમય હોય છે. જે જવાનું છે એ તો જઈને જ રહે છે, પરંતુ આવા મનોમંથનમાંથી મેળવેલું અમૃત આજીવન આપણી સાથે રહે છે અને શું ખબર કદાચ એ અમૃત મેળવવા માટે જ કુદરતે આપણને એ આખા અનુભવમાંથી પસાર કર્યા હોય! એક વાર સમજનું એ અમૃત મળી જાય પછી અંત પણ આનંદનો અવસર બની જાય છે અને નવી શરૂઆત પણ.

columnists