જરા પોતાની જાતનાં પણ વખાણ કરો યાર

12 August, 2019 02:48 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

જરા પોતાની જાતનાં પણ વખાણ કરો યાર

પ્રતીકાત્મક તસવીર

માણસનું મગજ અદ્ભુત કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની અંદર આપણે ઇચ્છીએ એવો પ્રોગ્રામ ફીડ કરી શકીએ છીએ. તેથી જો તમે છો એના કરતાં બહેતર વ્યક્તિ બનવા માગતા હો તો સતત પોતાની જાતને તમે એવા જ છો એવો વિશ્વાસ અપાવતા રહો. પછી જુઓ તમારા મગજનું કમ્પ્યુટર એ પ્રમાણે કામ કરવા મજબૂર બની જાય છે કે નહીં?

ક્યાંક એક કિસ્સો સાંભળ્યો હતો. એક ભાઈ હતા. તેમને પોતાની જાત પર જરૂર કરતાં વધારે પડતો જ આત્મવિશ્વાસ. તેથી દરેક વાતમાં પોતાનો જ કક્કો સાચો પુરવાર કર્યા કરે. વળી તેઓ ક્યારેય માંદા પણ ન પડે. સામાન્ય શરદી, ખાંસી, તાવ જેવી બીમારી પણ તેમને ન થાય. પરિણામે પરિવારજનો કે સ્વજનોમાંથી પણ કોઈ બીમાર પડે તો તેમની સારવાર પર ધ્યાન આપવાને સ્થાને અવારનવાર કટાક્ષ કરી તેમને ઊતારી પાડે. તેમની આ વર્તણૂકથી કંટાળીને તેમનાં પત્નીએ એક સાઇકિયાટ્રિસ્ટની મદદ લેવાનો વિચાર કર્યો. એ બહેનની વાત સાંભળી સાઇકિયાટ્રિસ્ટે એ ભાઈ પર એક અખતરો કરવાનું નક્કી કર્યું, જેમાં તેમના પરિવારજનોથી માંડી લાગતાવળગતા સૌકોઈને સહભાગી બનાવ્યા.

હવે બન્યું એવું કે શનિ-રવિની રજા માણી સોમવારે પેલા ભાઈ પોતાના નિયત કાર્યક્રમ મુજબ સવારે વહેલા ઊઠી ગયા. જેવા ઊઠીને બહાર આવ્યા કે તેમના હાથમાં ચાનો કપ પકડાવતાં તેમના પત્નીએ કહ્યું અરે, આજે તમને શું થયું? તમારી આંખો કંઈક સૂજેલી લાગે છે ને અને હાથ પણ જરા ગરમ છે. પેલા ભાઈએ રાબેતા મુજબ તરત જ પત્નીની વાત ઉડાવી નાખી અને છાપું વાંચવા બેઠા. થોડી વાર થઈ એટલે તેમનાં મમ્મી પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યાં અને પોતાના દીકરાને જોતાંની સાથે જ કહ્યું, અરે લાલા, આજે તારી તબિયત કંઈ ઠીક લાગતી નથી. માથું તો દુખતું નથીને. દીકરાએ માની વાત પણ ફગાવી દીધી.

નહાઈધોઈ તૈયાર થઈ જેવા તેઓ પોતાના મકાનની લિફ્ટમાં પ્રવેશ્યા કે લિફ્ટમૅને કહ્યું ક્યા સા’બ, આજ આપકા તબિયત ઠીક નહીં હૈ ક્યા? આંખે ઇતની લાલ ક્યોં હૈ? લિફ્ટમૅનની વાત સાંભળી પેલા ભાઈને જરા નવાઈ લાગી. તેમણે તરત જ લિફ્ટના પાછળના ભાગમાં રહેલા અરીસામાં પોતાની આંખો ચકાસી જોઈ.

તેમને પણ લાગ્યું કે આજે આંખો કંઈક લાલ તો લાગે છે. તેમણે લિફ્ટમૅનને જવાબ આપતાં કહ્યું, હા, કલ જરા દેર સે સોયા થા ઇસ લિયે આંખેં લાલ હૈ ઔર થોડા સરદર્દ ભી હો રહા હૈ. જેવા તેઓ ઑફિસ પહોંચ્યા કે તેમની સેક્રેટરી તેમને જોઈ ગભરાઈ ગઈ અને કહેવા લાગી સર, તમારી તબિયત તો ઠીક છેને? આજે તમે સાવ પીળા દેખાઓ છોને કંઈ? સેક્રેટરી તરત જ દોડતી જઈને તેમના માટે ક્રૉસિનની ગોળી લઈ આવી જે તેમણે કોઈ જ આનાકાની કર્યા વિના ખાઈ તો લીધી, પણ હવે તેમને બેચેની થવા લાગી. બપોર પડી ત્યારે તેમના બૉસે તેમને પોતાની કૅબિનમાં બોલાવ્યા. જેવા તેઓ કૅબિનમાં દાખલ થયા કે તરત તેમના બોસ બોલ્યા, વોહ્ટ હેપન્ડ ટુ યુ માય બોય? તારો ચહેરો આજે આટલો પીળો અને આંખો લાલ થઈને સૂજી કેમ ગઈ છે? આર યુ ઑલરાઇટ? ચક્કર તો નથી આવતાંને? બૉસની વાત સાંભળી પેલા ભાઈની બેચેની એટલી વધી ગઈ કે હૃદય જાણે કાનમાં આવીને બેસી ગયું હોય એટલું જોર-જોરથી ધડકવા માંડ્યું. તેમણે બૉસને કહ્યું, સર, આજે મને જરા સારું નથી લાગતું. તમને વાંધો ન હોય તો મને અડધા દિવસની રજા આપશો? બૉસે તેમને તરત ફક્ત રજા જ ન આપી દીધી, પરંતુ તેમને ઘરે ડ્રૉપ કરવા માટે ખાસ પોતાની ગાડી પણ ડ્રાઇવર સાથે મોકલાવી. ઘરે પહોંચતાં જ તેઓ કોઈની પણ સાથે વાત કર્યા વિના પોતાના બેડરૂમમાં જઈને સૂઈ ગયા. સાંજે ઊઠીને જોયું તો તેમને ચાર તાવ હતો!

કિસ્સો થોડો હસ્યાસ્પદ છે, પરંતુ માણસનું મગજ કેવી રીતે કામ કરે છે એનું એમાં લાક્ષણિક નિરૂપણ કરવામાં આવ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે મનુષ્યનું મગજ એક ગજબનાક કમ્પ્યુટર છે. એ ચારે બાજુથી માહિતીઓ એકઠી કરી એને પ્રોસેસ કરે છે અને એ પ્રોસેસ થયેલી માહિતીના આધારે શરીરને ક્રિયાઓ કરવાનો આદેશ આપે છે, પરંતુ આપણે એ નથી જાણતા કે મગજ કઈ માહિતીને કઈ રીતે પ્રોસેસ કરે છે. તેથી જ કેટલીક વાર મનોવૈજ્ઞાનિકો તથા મનોચિકિત્સકો ઘી જ્યારે સીધી આંગળીથી ન નીકળે ત્યારે આંગળી ઊંધી કરી ઘી કાઢે છે. ઉપરોક્ત કિસ્સામાં પણ પેલા ભાઈનો આત્મવિશ્વાસ અહંકારની હદ વટાવી ગયો હતો. તેથી બીમાર સ્વજનની પીડા સમજવાને સ્થાને તેઓ તેમને કટાક્ષના ચાબખા મારવાની ચેષ્ટા કરતા હતા. આવી વ્યક્તિને બીમારી એટલે શું એ એક વાર સમજાવવું આવશ્યક હતું, પરંતુ જે સંપૂર્ણપણે સ્વસ્થ હોય તેને બીમાર કેવી રીતે પાડવો?

આ સમસ્યાના ઇલાજરૂપે મનોચિકિત્સકે તેમના ઓળખીતા પાળખીતા સૌકોઈને ફ્કત એટલું જ કહેવાનું કહ્યું કે આજે તેઓ કંઈક બીમાર જેવા દેખાય છે. બસ, પતી ગયું! એકનું એક જૂઠાણું વારંવાર બોલવાથી તેમના મગજે એને સત્ય તરીકે સ્વીકારી લીધું અને સાંજ સુધીમાં તેમની તબિયત ખરેખર બગડી ગઈ.

મનોવિજ્ઞાન મગજની આ લીલાને પાવર ઑફ સજેશન તરીકે ઓળખે છે. કોઈ પણ ચોક્કસ માન્યતાને તોડવાનો આ અપરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ રસ્તો છે.

કોઈને એમ કહો કે મને તારી કાબેલિયત પર પૂરેપૂરો ભરોસો છે એટલે એ વ્યક્તિ પર મોરલ પ્રેશર જ એટલું વધી જાય કે તે યેનકેન પ્રકારેણ અઘરું કામ પણ પૂરું કરવા મજબૂર બની જાય. કોઈને એમ કહો કે ત્યાં જવું જોખમી છે એટલે કે વ્યક્તિ એ સ્થળે જવા માટે લાલાયિત થઈ જ જાય. કોઈની સામે બગાસું ખાઓ એટલે તેને ઊંઘ ન આવતી હોય તો પણ બગાસું તો આવી જ જાય.

ચતુર અને ચાલાક માણસો આ પાવર ઑફ સજેશનથી સુપેરે પરિચિત હોય છે. પોતાના દુશ્મનોને માત આપવા તેઓ એનો સારી રીતે ઉપયોગ પણ કરી જાણતા હોય છે. પોતાને ગમતી છોકરી કોઈ બીજાને પસંદ કરતી હોય એવો છોકરો પેલી સામે તેના ગમતા છોકરા માટે અન્યોના માધ્યમથી કોઈક એવી અફવા ફેલાવે છે કે પેલી વિચાર કરતી થઈ જાય છે. હોશિયાર પત્નીને જો એવું લાગે કે તેનો પતિ કોઈ બીજી સ્ત્રી તરફ આકર્ષાઈ રહ્યો છે તો તે ખુલ્લેઆમ તેની સામે જંગ છેડતી નથી બલકે ધીરે-ધીરે પોતાના પતિના કાનમાં પેલી માટે એવી વાતો નાખે છે કે તે આપોઆપ જ તેનાથી દૂર થઈ જાય છે.

આજે મનોવિજ્ઞાન જેને હિપ્નોટિઝમ તરીકે ઓળખે છે એમાં પણ નિષ્ણાતો બીજું કંઈ નહીં, આ પાવર ઑફ સજેશનનો જ ઉપયોગ કરતા હોય છે. સારવારની આ પદ્ધતિમાં વ્યક્તિના મગજને તંદ્રાની એવી અવસ્થાએ લઈ જવામાં આવે છે જ્યાં એ એક ખુલ્લી કિતાબ જેવું બની જાય છે. એમાંથી જે પાનું ખોલીને વાંચવું હોય એ વાંચી શકાય, જે રહસ્યો બહાર કઢાવવાં હોય એ કઢાવી શકાય અને જે નવું લખાણ લખવું હોય એ લખી શકાય. આ જ કારણ છે કે એક નિષ્ણાત ડૉક્ટર પોતાના દરદીના મનમાંથી કોઈ ખરાબ યાદને દૂર કરવા કે કોઈ ખોટી આદતને નાબૂત કરવા નવાં સજેશન્સ એમાં રોપી દે છે.

પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ ધારે તો પોતે પોતાની જાતને પણ આવાં સજેશન્સ આપી શકે છે? આપણે પોતાની જાત માટે જે શબ્દો બોલીએ છીએ એને આપણું મન પથ્થરની લકીરની જેમ સ્વીકારી લે છે ને પછી આપણા અર્ધજાગૃત મગજને એ પ્રમાણે વર્તવાની ફરજ પાડે છે, પરંતુ આ અર્ધજાગૃત મગજની બહાર આપણું જાગૃત મન દરવાજો બનીને ઊભું હોય છે. આ દરવાજાની પાર ન થાય ત્યાં સુધી કશું જ અંદર પ્રવેશતું નથી. તેથી જ ઉપર જણાવેલા કિસ્સાની જેમ એકના એક વાક્યના મારાથી આપણે વારંવાર આ દરવાજો ખટખટાવવો પડે છે. વારંવાર એક જ વાક્ય સાંભળવાથી એ દરવાજાની પાછળ રહેલું આપણું અર્ધજાગૃત મન એને સત્ય તરીકે સ્વીકારી લે  છે અને એ મૂજબ વર્તવા મજબૂર બની જાય છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ પાકિસ્તાન, સુપ્રીમ કોર્ટ, વૈશ્વિક બહિષ્કાર અને એવુંબધું

આ જ તો કારણ છે કે આપણા મોટેરાઓ આપણને હંમેશાં સારું અને સાચું બોલવાની સલાહ આપે છે, પરંતુ આપણે આ સલાહ માનીએ તો પણ ફક્ત બીજાના સંદર્ભમાં જ અલમમાં ઉતારીએ છીએ, પર ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી હૈ. તો પછી પોતાની જાતની ખુશામત કરવામાં શરમ કેવી? થોડાં પોતાની જાતનાં પણ વખાણ કરતાં શીખો, પોતાની જાત માટે પણ સારું બોલતાં શીખો. બધાની વચ્ચે નહીં તો ઍટ લીસ્ટ એકલામાં પોતાની સામે, પોતાની સાથે વાત કરતાં તમે જેવા છો તેવા નહીં, પરંતુ જેવા બનવા માગો છો તેવા છો જ એવો પોતાની જાતને વિશ્વાસ અપાવો. પછી જુઓ તમારું સબકૉન્શિયસ માઇન્ડ છો એનાકરતાં બહેતર વ્યક્તિ બનવામાં તમને મદદ કરે છે કે નહીં?

columnists