Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ પાકિસ્તાન, સુપ્રીમ કોર્ટ અને એવુંબધું

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ પાકિસ્તાન, સુપ્રીમ કોર્ટ અને એવુંબધું

12 August, 2019 02:06 PM IST | મુંબઈ
મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ પાકિસ્તાન, સુપ્રીમ કોર્ટ અને એવુંબધું

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ પાકિસ્તાન, સુપ્રીમ કોર્ટ અને એવુંબધું


જમ્મુ-કાશ્મીરનો મુદ્દો શાંત નથી પડવાનો અને એ પડી પણ ન શકે. ૭૦ વર્ષની આ બળતરા હતી, આ બળતરાનો બીજેપી ગવર્નમેન્ટે નવી સરકાર બનાવ્યા પછી ઘડીભરમાં ઘડોલાડવો કરી નાખ્યો. સ્વાભાવિક છે કે અનેકના પેટમાં તેલ રેડાયું હશે અને અનેકને ઍસિડીટી થઈ ગઈ હશે. ઓમર અબદુલ્લા ઠેકડા મારે છે અને સુપ્રીમમાં જવાની વાત કરે છે. પાકિસ્તાન ભારત સાથેના વ્યવહાર કાપી નાખવાનું કહી ચૂક્યું છે. કાશ્મીરી યુવાનો પણ વિરોધના મૂડમાં છે, પણ તેમની તકલીફ એ છે કે આ વિરોધની શરૂઆત કરવી ક્યાંથી? દર ત્રણ કાશ્મીરીએ સેનાનો એક જવાન ગોઠવાયેલો છે અને આ જ જરૂરી હતું. જો તમે ઇચ્છતા હો કે તમારે શાંતિ સાથે આગળ વધવું છે તો તમારે એ સાબિત કરવું પડે કે તમે પાવરધા છો. જો તમે ઇચ્છતા હો કે જગતઆખું તમને સિંહ માને તો તમારે એવાં પરાક્રમ કરવાં પડે અને એ પરાક્રમ સાથે સાબિત કરવું પડે કે તમારી પૂંછને કોઈ અડકશે તો તમે તેને ફાડી ખાશો.

ભારત પ્રશ્નરહિત બનવાની દિશામાં છે. જરા વિચાર તો કરો, આ દેશનો સૌથી મોટો પ્રશ્ન જમ્મુ-કાશ્મીર હતો. આતંકવાદ હતો અને હવે આ બન્ને પ્રશ્નનું નિરાકરણ આવી રહ્યું છે. જે દેશમાં પ્રશ્નો નથી હોતા એ દેશમાં વિકાસ અપરંપાર હોય છે. કૉન્ગ્રેસે ૭ દાયકા સુધી આ પ્રશ્નને અકબંધ રાખ્યો. જવાહાલાલ નેહરુથી માંડીને ઇન્દિરા ગાંધી સુધીના સૌકોઈએ કલમ-૩૭૦ માટે એક જ વાત કહી છે કે એ હોય કે ન હોય, કોઈ ફરક નથી પડતો, પણ હવે બધાને ખબર પડી ગઈ છે કે આ કલમ હટાવવી અને એ હટી જાય તો એના કેવા લાભ થઈ શકે. એક વાત મને અત્યારે સ્પષ્ટ કરવી છે કે કોઈ કંઈ પણ બોલે, એક વાત નોંધી રાખજો કે કાશ્મીરમાં થયેલા આ ફેરફારથી દુનિયામાં કોઈને કશો ફરક નથી પડવાનો અને દેશને પણ કોઈ ફરક નથી પડવાનો. રડશે તો એ કાશ્મીરીઓ જ રડશે અને એ કાશ્મીરીઓ જ રડશે જેમને પાકિસ્તાન સાથે સીધા સંબંધ હતા.



કાશ્મીરથી છૂટા પડેલા લદ્દાખની હાલત આજ સુધી કેવી હતી એની જરા કલ્પના કરો તમે. લદ્દાખ આજ સુધી એવો ભાઈ હતો જેના ઘરમાં બધા દારૂ પીતા, જુગાર રમતા, પણ માત્ર એ એક સીધો રસ્તો હતો અને એ પછી પણ એની સાથે સંબંધ રાખવા કોઈ રાજી નહોતું. તમે કલ્પના પણ નહીં કરી હોય કે એક સમયે લદ્દાખે લેખિતમાં ભારત સરકારને વિનંતી કરી હતી કે અમને કાશ્મીરથી અલગ કરો, આ રીતે સાથે રહીને અમે કોઈ પ્રકારનો વિકાસ જોઈ નથી શકવાના. એ સમયે ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં. ઇન્દિરા ગાંધી સાથે થયેલી એ મીટિંગમાં સ્પષ્ટતા સાથે લદ્દાખીઓએ કહ્યું હતું કે અમને ઈસ્ટ પંજાબની ઓળખ મળશે તો પણ અમને વાંધો નથી, પણ મહેરબાની કરીને અમને અહીંથી બહાર કાઢો.


આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખઃ બોલવું એનો અર્થ એ નથી કે જાણકારીનો દુરુપયોગ કરવો

કાશ્મીર માટે લેવાયેલો નિર્ણય વાજબી છે. ભારતે સિંહની ત્રાડ પાડીને દુનિયાને અગમચેતી આપી દીધી કે અમારી કામ કરવાની દાનત છે અને અમે કામ કરવા જ આવ્યા છીએ. જો તમે સાથે રહેશો તો સુખી થશો, સામે આવશો તો માર ખાશો અને કુથલી કરવા બેસશો તો અમને કશું સંભળાશે નહીં. છો ડિયર પાકિસ્તાન અને ઓમરભાઈ, સમજાઈ ગયુંને તમને?


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 02:06 PM IST | મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK