લોકો મને પસંદ કરતા નથી - (લાઇફ કા ફન્ડા)

22 August, 2019 03:48 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

લોકો મને પસંદ કરતા નથી - (લાઇફ કા ફન્ડા)

ઑફિસનો પ્યુન હોય કે આમઆદમી, કર્મચારી હોય કે હાઉસવાઇફ, નાનું બાળક હોય કે વયોવૃદ્ધ વડીલ; લગભગ બધાના મોઢે એક સામાન્ય ફરિયાદ હોય છે કે ‘હું કઈ પણ કરું, લોકો નાખુશ જ રહે છે. મને લાગે છે કે લોકો મને પસંદ કરતા જ નથી.’ આપણે બધાએ આ ફરિયાદ ઘણા પાસે સાંભળી છે અને અનેક વાર કરી પણ છે, ખરુંને.

સકારાત્મક વિચારોની ભરમારથી ભરેલા નોર્મન પીલના પુસ્તકમાં આ સમસ્યા દૂર કરવા માટે અને વધુ ને વધુ લોકો તમને પસંદ કરે એ માટે અમુક નાના-નાના પણ અસરકારક રસ્તા બતાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ સૌથી પહેલો રસ્તો.

કોઈ પણ નાના કે મોટા માણસને મળો, વાતચીત કરો ત્યારે તેની સાથે નામ દઈને વાત કરો. સામેવાળી વ્યક્તિનું નામ યાદ રાખવાની કોશિશ કરો. જો તમે તેની સાથે નામથી વાત કરશો તો તેને વધુ ગમશે. જો નામ યાદ નહીં હોય તો તેને લાગશે કે સામેવાળાને મન મારી કોઈ કિંમત નથી. દરેક કામ કે કાર્ય આરામથી તણાવ વિના કરો જેથી તમારી સાથે કામ કરનારને પણ તણાવ ન થાય. કોઈ પણ નાની-નાની વાતોનું વતેસર ન કરો, દરેક વાત સમજીને હળવાશથી લો. અભિમાન ન કરો. દરેક વાતમાં મને બધી ખબર છે અને બીજાને કાંઈ નથી આવડતું એવો ઘમંડ ન દેખાડો, નમ્રતા કેળવો. હંમેશાં પ્રેમથી અને સલૂકાઈથી વર્તન કરો જેથી બધા તમારી સાથે રહેવાનું પસંદ કરે. દરેક સાથે વાત કરવામાં ખાલી ગપ્પાં ન હાંકો, માહિતીપ્રદ વાતો કરો જેથી લોકો તમારી સાથે વાત કરવા આકર્ષાય.

આ પણ વાંચો : પ્રશ્નનો હલ - (લાઇફ કા ફન્ડા)

સૌથી અઘરી બાબત તમારી ભૂલ-ખામી છે. તમારા વ્યક્તિત્વની ખરાબ બાજુ શોધો અને એને દૂર કરવાનો સતત પ્રયત્ન કરો. ભૂલ હોય તો અહમ્ બાજુમાં મૂકીને સ્વીકારો. તમારા સ્વભાવગત અવગુણને ઓળખીને દૂર કરવાનો પ્રયત્ન કરતા જ રહો. ઈશ્વરની ભક્તિ કરો, ઈશ્વરે બનાવેલા દરેક જીવને પ્રેમ કરો. નફરત અને ફરિયાદોને મનમાંથી દૂર કરો. લોકોને ગમતા બનવાની કોશિશ કરતાં પહેલાં બધાને ગમાડો, દરેકને ચાહો. કોઈની પણ દરેક ખુશીના પ્રસંગે અભિનંદન આપવાનું ન ભૂલો અને દુખના પ્રસંગે સાથે જઈને ઊભા રહો. દરેકનો આભાર માનવાની કે પ્રશંસા કરવાની તક હંમેશાં ઝડપી લો. જે મેળવવા માગો છો એ આપતાં શીખો. સાથ-સહકાર, સાચી સમજ આપો અને એ મેળવો.

જીવનમાં આ બધી બાબતો વણી લેવી અઘરી પણ છે અને સહેલી પણ. જો એક વાર નિશ્ચયપૂર્વક આ બાબતો પર ધ્યાન આપી એને યાદ રાખી અપનાવશો તો બધાને ગમશો.

ચાલો આજથી જ શરૂઆત કરીએ.

columnists