પ્રશ્નનો હલ - (લાઇફ કા ફન્ડા)

Published: Aug 20, 2019, 15:25 IST | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ | મુંબઈ

એક નગરનો રાજા નિસંતાન હતો. પોતાના પછી કોણ રાજા બનશે તે માટે યુવરાજપદ માટે લાયક ઉમેદવાર ગોતવા રાજાએ એક યુક્તિ કરી.

એક નગરનો રાજા નિસંતાન હતો. પોતાના પછી કોણ રાજા બનશે તે માટે યુવરાજપદ માટે લાયક ઉમેદવાર ગોતવા રાજાએ એક યુક્તિ કરી. રાજાએ એક નવો મહેલ તૈયાર કરાવ્યો અને તેના ચાંદીના દરવાજા પર ત્રણ પ્રશ્નો કોતરાવ્યા. એક ગણિતનો પ્રશ્ન, એક વ્યાકરણનો પ્રશ્ન અને એક ભૂમિતિનો કોયડો. પછી જાહેર કર્યું કે ‘આ નવા મહેલના દરવાજા પર કોતરેલા ત્રણ પ્રશ્નોનો ઉત્તર શોધી પ્રશ્નો હલ કરશે ત્યારે જ આ દરવાજા ખૂલશે અને જે આ મહેલના દરવાજા ખોલી સૌપ્રથમ અંદર પ્રવેશશે તેને હું યુવરાજ પદ આપીશ અને મારા પછી તેને રાજપાટ સોંપવામાં આવશે.’

રાજાની જાહેરાત સાંભળી નગરમાંથી પોતાને હોશિયાર સમજનાર ઘણા બધા લોકો આવ્યા. પ્રશ્નોનો હલ શોધી દરવાજો ખોલી બધા યુવરાજ બનવા માગતા હતા. એક પછી એક બધા પ્રયત્ન કરવા જઈ રહ્યા હતા પણ કોઈ આ પ્રશ્નોનો હલ શોધી શકતું ન હતું. ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પણ કોઈ દરવાજો ખોલી શક્યું નહીં. વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. હવે તો જાણકાર વિદ્વાનો પણ પોતાના થોથા લઈને આવ્યા પણ ક્યાંય કોઈ હલ મળતો ન હતો.

એક ગરીબ ખેડૂત યુવાન દૂરથી આ જોતો હતો તેને થયું લાવ હું પણ પ્રયત્ન કરી જોઉં. તે ગયો, બધા હસવા લાગ્યા કે તને લખતા-વાંચતા માંડ આવડે છે અને આ પ્રશ્નો જે કોઈ હલ નથી કરી શક્યું તે તું કઈ રીતે કરીશ? પણ રાજાએ કહ્યું, ‘પ્રયત્ન કોઈ પણ કરી શકે છે.’ ખેડૂત યુવાન ધીમે ચાલીને મહેલના દરવાજા સુધી ગયો. પ્રશ્નો તો તેણે વાંચ્યા નહીં, પણ દરવાજાને બારિકાઈથી જોવા લાગ્યો. જ્યાં પ્રશ્નોની કોતરણી કરી હતી તેની પર હાથ ફેરવી જોયું અને દરવાજાને સહેજ ધક્કો માર્યો અને દરવાજો ખૂલી ગયો! બધાને નવાઈ લાગી. રાજાએ તેને યુવરાજ ઘોષિત કર્યો અને પૂછ્યું, ‘તને કેમ કરી ખબર પડી દરવાજો ખુલ્લો છે?’

ખેડૂત યુવાને કહ્યું, ‘રાજાજી, મારી માતાએ મને શીખવ્યું છે કે કોઈ પણ તકલીફને-મુશ્કેલીને દૂર કરવા માટે પહેલાં મન શાંત રાખી તેને બરાબર જાણવી અને સમજવી. મેં નજીક જઈને પ્રશ્નો હલ કરવાની શરૂઆત કરવાને બદલે પહેલાં દરવાજાનું બારિકાઈથી નિરીક્ષણ કર્યું.

આ પણ વાંચો : કરમાફ - (લાઇફ કા ફન્ડા)

પ્રશ્નોના જવાબ શોધવાથી દરવાજો કઈ રીતે ખૂલશે તે સમજવા મેં પ્રશ્નો પર હાથ ફેરવી જોયો ત્યારે મને સમજાયું કે એવી કોઈ ગોઠવણ નથી, અને દરવાજો જરાક ધક્કો મારતા જ ખૂલી ગયો.’ ઘણીવાર આપણે પડકારો, મુશ્કેલીઓને પૂરેપૂરી જાણ્યા વિના જ ઉપાય શોધવા મંડી પડીએ છીએ. એથી જલદી ઉપાય મળતો નથી. મન શાંત રાખી પ્રશ્નો, પડકારો બરાબર જાણવા અને સમજવા જરૂરી છે, બની શકે પ્રશ્નનો હલ સાવ સહેલો હોય અને આપણે ખોટી દિશામાં પ્રયત્નો કરતા હોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK