સંવેદનાહીન રાષ્ટ્રમાં અમે સૌ ભારતીય જનો આપનું સ્વાગત કરીએ છીએ

07 January, 2019 12:54 PM IST  |  | મનોજ નવનીત જોષી

સંવેદનાહીન રાષ્ટ્રમાં અમે સૌ ભારતીય જનો આપનું સ્વાગત કરીએ છીએ

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?  

આ ગીત કેવા અને કયા સંજોગોમાં લખાયું હશે એના વિશે કોઈ જાણકારી નથી, પણ આજે પણ આ ગીત સાંભળો અને જો તમારા મનમાં સહેજ પણ રાષ્ટ્રભાવના હોય તો ચોક્કસ રૂંવાડાં ઊભાં થઈ જાય અને આંખોમાં આંસુ પણ આવી જાય. આ જે આંસુ છે એ આંસુ જો એક ગીતથી આવતાં હોય તો હું કહીશ કે જરા ઊંડાણપૂર્વક વાતને વિચારજો કે એ પરિવારનું શું થતું હશે જેણે પોતાનો દીકરો, ભાઈ, બાપ કે પછી પતિ જેવો સ્વજન ગુમાવ્યો હશે. રાષ્ટ્રભાવના કેવી રીતે ભૂલી શકાય. ઘટના બને ત્યારે આપણે બેચાર દિવસ આવી વાતોનો અફસોસ મનમાં ભરીને બેસી રહીએ, પણ પછી હતા એવા નિષ્ઠુર થઈ જઈએ અને બધું ભૂલી જઈએ. કઈ રીતે આ શક્ય બને, જરા એક વખત જાતને ઢંઢોળીને જોશો તો તમને ખરેખર સમજાશે પણ ખરું કે આપણે રાષ્ટ્રવાદની બાબતમાં કેવા નગુણા અને નિષ્ઠુર થઈ ગયા છીએ.

કોઈ વાત આપણને દુખી નથી કરતી અને કરે છે તો એ કલાકો કે બેચાર કે પછી વધીને છ દિવસ માટે દુખી કરે છે. આ દુખમાં પણ દેખાડો વધારે પ્રમાણમાં હોય છે એવો આક્ષેપ કરું તો કોઈને માઠું ન લાગવું જોઈએ.

હું કહીશ કે આપણી સંવેદનાઓ બૂઠી થતી જાય છે અને બૂઠી થઈ ગયેલી આ સંવેદનાઓને જાગ્રત કરવી અત્યંત આવશ્યક છે. જો રાષ્ટ્રભાવના જેવી લાગણીઓ પણ તમારા હૈયે ઝણઝણાટી ઊભી ન કરી શકતી હોય તો એના માટે કોઈ કશું કરી ન શકે. વિદેશની વાતો કરીએ છીએ અને વિદેશની સુવિધા વિશે ગળું ફાટી જાય એ સ્તર પર વખાણ પણ કરીએ છીએ, પણ ક્યારેય એવું વિચાર્યું છે ખરું કે માત્ર ટૅક્સ ભરી દેવાથી એ સુવિધાઓ નથી મળતી, મળેલી સુવિધાને સમાન સ્તર પર સાચવી રાખવા માટે રાષ્ટ્રભક્તિની જે જરૂર છે એ પણ લાવવી પડશે. અમેરિકન ક્યાંય શ્રીમંત નથી, પણ તેમની રાષ્ટ્રભક્તિ શ્રીમંત છે. લંડન ક્યાંય ફાટીને ધુમાડે નથી ગયું પણ વાત જ્યારે પોતાના દેશની, પોતાના રાષ્ટ્રની આવે છે ત્યારે તે ટટ્ટાર થઈ જાય છે એ ભૂલવા જેવું નથી.

આ પણ વાંચો : નાટક એટલે માણસ માટે, માણસોથી અને માણસ વડે જે રચાય છે એ કૃતિ

હું દુનિયાના ઓછામાં ઓછા ચાલીસ દેશ ફર્યો છું, મેં જોયું છે કે એ તમામ રાષ્ટ્રના નાગરિકો પોતાના દેશની વાત આવે ત્યારે છાતી ફુલાવીને સામે ઊભા રહી જાય છે, જે આપણે ત્યાં નથી. સૈનિક મરે તો આપણે ત્યાં મ્યુઝિકલ પાર્ટી કરીને ફન્ડ ઊભું કરવા દોડીએ છીએ અને બે દિવસ વૉટ્સઍપના ડિસ્પ્લે પિક્ચરમાં તિરંગો ટાંગીને આત્મસંતોષ આપવાનું નાટક કરી લઈએ છીએ, પણ આ નાટક હકીકતમાં તો જાતને છેતરવાનું ષડ્યંત્ર માત્ર છે અને એમાં રાષ્ટ્રવાદની કોઈ ઝલક પણ નથી હોતી. જાગો, બહુ જરૂરી છે આ અને જો પેલા ગીતથી જ એ જાગતી હોય તો એ ગીતને ચોવીસ કલાક સાંભળ્યા કરો.

columnists manoj joshi