ત્રણ શિક્ષક - (લાઈફ કા ફન્ડા)

13 February, 2019 11:58 AM IST  |  | હેતા ભૂષણ

ત્રણ શિક્ષક - (લાઈફ કા ફન્ડા)

લાઈફ કા ફન્ડા

જીવનની સંધ્યાએ એક સંસ્થાનો કાર્યક્રમ હતો અને એમાં કોઈ હરીફાઈ નહોતી. જોકે આજે સંસ્થાનાં દસ વર્ષ પૂરાં થવાના ઉપક્રમે બધાએ સ્ટેજ પર આવીને પોતાના જીવનના અનુભવો, જીવનમાંથી શું શીખ્યા, જીવન કેવું લાગ્યું વગેરે વિષયો પર વાત કરવાની હતી.

બધા પોતાના વિચારો એક પછી એક રજૂ કરી રહ્યા હતા. હવે ૭૫ વર્ષનાં એક શિક્ષિકા સ્ટેજ પર આવ્યાં. તેમણે ખૂબ જ સરસ વાત કરી અને સરસ રીતે સમજાવી. શિક્ષિકાએ કહ્યું, ‘મેં જીવનનાં ૫૦ વર્ષ શિક્ષક તરીકે કામ કર્યું છે અને જીવનભરના મારા અનુભવો પરથી હું ત્રણ એવા શિક્ષકોને જાણું છું જેઓ આપણને સાચું અને સચોટ શિક્ષણ આપે છે. આ ત્રણ શિક્ષકો કયા છે એ ધ્યાનથી સાંભળજો. પહેલો શિક્ષક છે આપણો ડર. આપને જે વસ્તુથી ડરીએ છીએ એનાથી દૂર ભાગીએ છીએ. મને બૅન્કનાં કામકાજ અને કાર્યવાહી વગેરેથી કારણ વિના બહુ જ ડર લાગતો. હું એ કામ એકલી કરતી જ નહીં, હંમેશાં પતિ સાથે જ જતી. જોકે એક દિવસ એવો આવ્યો કે મારા પતિ બીમાર પડ્યા. મારે બૅન્કમાં એકલા જ જવું પડતું. ડરને લીધે કોઈ ભૂલ ન થઈ જાય એમ વિચારીને હું વધુ ધ્યાન રાખીને બૅન્કનાં કામ શીખી ગઈ. આપણો કોઈ વસ્તુ અને કામનો ડર આપણને એ કામ વધુ ચોકસાઈથી કરતાં શીખવે છે. બીજો શિક્ષક છે આપણાં આંસુ. આપણાં આંસુ આપણને ઘણુંબધું શીખવી જાય છે. ખુશીમાં આંસુ આવે, દુ:ખમાં આંસુ આવે, સ્વજન સાથ છોડી જાય તો આંસુ આવે, કોઈ વિશ્વાસ તોડે તો આંસુ આવે. દરેક પરિસ્થિતિમાં આંસુ તમને સાથ આપે, તમારા મનનો ભાર હળવો કરી નાખે. આંસુ આપણને દુ:ખ જીરવવાનું અને સુખ છલકાવવાનું શીખવે છે.’

આ પણ વાંચો : સાંભળો દિલની વાત - (લાઈફ કા ફન્ડા)

બધાને શિક્ષિકાની આ ચીલાચાલુ જીવન-અનુભવો ભરેલી વાતો કરતાં જુદી જ વાત અને જુદા જ અવલોકનભરી રજૂઆતમાં રસ પડ્યો હતો. બધા એકધ્યાનથી સાંભળતા હતા. શિક્ષિકાએ ત્રણ શિક્ષકોની વાત કરતાં આગળ કહ્યું, ‘ડર અને આંસુ બાદ આપણો સાચો શિક્ષક છે આપણે જીવેલાં વર્ષો. જીવનનાં આ વર્ષો પસાર થતાં જાય અને આપણા જીવનને અનુભવથી સમૃદ્ધ કરતાં જાય. જેમ-જેમ વર્ષો પસાર થાય એમ નાની કે મોટી દરેક ઘટનામાંથી કંઈક ને કંઈક શીખવા મળે, અચૂક મળે. જીવનનાં વર્ષો આપણને મીઠી લાગતી યાદો પણ આપે અને કડવા પાઠ પણ ભણાવે. સાથે શીખવે કે જેમ વર્ષો પસાર થતાં જાય છે એમ જીવન પસાર થઈ જાય છે. એટલે સતત જીવતા રહો અને એક-એક દિવસનો આનંદ માણતા રહો.’

બધાએ શિક્ષિકાની વાતોને તાળીઓ સાથે વધાવી લીધી.

columnists