સાંભળો દિલની વાત - (લાઈફ કા ફન્ડા)

હેતા ભૂષણ | Feb 12, 2019, 12:20 IST

પ્રણવ તેના દાદા પાસે ગયો. દાદા અનુભવી હતા. તેમણે પ્રણવની વાત સાંભળીને બરાબર સમજી. પછી તે બોલ્યા, ‘દીકરા તારો વિચાર સારો છે, પરંતુ આ મશીનનો વેપાર થાય પણ ખરો અને ન પણ થાય.

સાંભળો દિલની વાત - (લાઈફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

કૉલેજના છેલ્લા વર્ષમાં એક યુવાન અભ્યાસ કરતો હતો. નામ પ્રણવ. ઘણો હોશિયાર હતો. ભણતાં-ભણતાં ઘણાં કામ કરે, પ્રયોગો કરે, પૈસા કમાવાની નવી-નવી રીતો શોધે. પ્રણવને એક વિચાર આવ્યો. તેણે પ્રોજેક્ટ માટે જે મશીન બનાવ્યું હતું એ કસરત કરવામાં અને કપડાં-વાસણ જેવાં ઘરનાં કામ કરવામાં પણ મદદ કરે. એ મશીનનું મોટા પાયે ઉત્પાદન કરીને બજારમાં વેચવાનું તેણે નક્કી કર્યું.

પ્રણવના પિતા મોટા વેપારી હતા. તેમને પોતાના નિર્ણયો પર અને પોતાની આવડત તથા સફળતા પર ગર્વ હતો. પ્રણવે તેમની પાસે વાત મૂકી અને થોડા પૈસા માગ્યા. વેપારી પિતાની અંદરનું અભિમાન બોલ્યું, ‘પ્રોજેક્ટ માટે તારો વિચાર સારો છે, પણ વેપાર માટે નહીં. આવા મશીનનું વેચાણ થવું શક્ય જ નથી. તારા મશીનના ઉપયોગમાં તો હાથથી કામ કરવા કરતાં વધારે મહેનત છે એ કોણ કરે?’

તેમણે પૈસા આપવાની ના પાડી.

પ્રણવ તેના દાદા પાસે ગયો. દાદા અનુભવી હતા. તેમણે પ્રણવની વાત સાંભળીને બરાબર સમજી. પછી તે બોલ્યા, ‘દીકરા તારો વિચાર સારો છે, પરંતુ આ મશીનનો વેપાર થાય પણ ખરો અને ન પણ થાય. કોઈ ચોક્કસ સો ટકા સફળતાની બાંયધરી નથી એટલે આ વેપારમાં જોખમ તો છે અને મારો અનુભવ તને આંધળું જોખમ લેવાની ના પાડે છે.’

પ્રણવ તેના મિત્ર પાસે ગયો, તેને બધી વાત કરી અને કહ્યું, ‘ચાલ, આપણે બન્ને મળીને આ મશીનના ઉત્પાદનનું કામ શરૂ કરીએ.’

મિત્રએ ન જોડાવા માટેનાં કારણો બતાવતાં કહ્યું, ‘આપણે હજી વેપાર માટે નાના છીએ. હજી ભણવાનું પૂરું કરવાનું બાકી છે. હમણાંથી આ વેપાર-ધંધાની વાતોનો કોઈ અર્થ નથી. અત્યારે આ વાતો નકામી છે. બે-ત્રણ વર્ષ પછી વિચારશું.’

આ પણ વાંચો : હું ગરીબ, હું અમીર - (લાઈફ કા ફન્ડા)

બધા સાથે વાતો કર્યા બાદ પ્રણવ થોડો નાસીપાસ થયો, પણ નિરાશ કે હતાશ થયો નહોતો. તેણે રાત્રે બેસીને વિચાર કર્યો. આખી રાત જાગીને પ્રોજેક્ટ-રિપોર્ટ તૈયાર કર્યો. ઓછામાં ઓછા કેટલા પૈસામાં કામ શરૂ કરી શકાય એની રૂપરેખા તૈયાર કરી. પોતાની પિગી બૅન્ક અને બૅન્કના બચત ખાતામાં કેટલા પૈસા છે એ બધું ચકાસ્યું. પછી ફરી બધાની વાતો વિચારતાં-વિચારતાં તે હાથમાં કૉફીનો મગ લઈને શું કરવું એ વિચારી રહ્યો ત્યારે તેના દિલમાંથી એક નાનો અવાજ આવ્યો કે એક પ્રયત્ન તો કરી લઉં.

બસ, પ્રણવે એ અવાજ સાંભળીને નિર્ણય લઈ લીધો અને જાત પર ભરોસો કરી, દિલની વાત સાંભળીને કામ શરૂ કરી દીધું. ધીમે-ધીમે તેને સફળતા મળી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK