હું ગરીબ, હું અમીર - (લાઈફ કા ફન્ડા)

11 February, 2019 12:46 PM IST  |  | હેતા ભૂષણ

હું ગરીબ, હું અમીર - (લાઈફ કા ફન્ડા)

લાઈફ કા ફન્ડા

એક વૃદ્ધ વેપારી શેઠ હતા. ભગવાનના પરમ ભક્ત. સતત પૂજાપાઠ, સેવા કરે. નામસ્મરણ કરે અને એકદમ નીતિથી વેપાર કરે. ઈશ્વરકૃપાથી તેમનો વેપાર દિવસે-દિવસે વધતો જતો અને સમૃદ્ધિ પણ સતત વધતી હતી. રોજ પૂજાપાઠ કરી શેઠ દુકાને જાય, ત્યાં પણ દીવાબત્તી કરી ભગવાનને યાદ કરી વેપારની શરૂઆત કરે. કોઈને છેતરવાની કે વધુ કમાઈ લેવાની લાલચ વિના નીતિથી વેપાર કરે.

એક દિવસ ગામમાં એક મહાત્મા આવ્યા અને તેમણે આશ્રમ બાંધવા ભંડોળ એકઠું કરવા કથા કરી. શેઠ પણ કથા સાંભળવા જવા લાગ્યા. મહાત્માજીની વાણીમાં જાદુ હતો. રોજેરોજ શ્રોતાઓ વધતા જતા હતા. ઘણું ભંડોળ એકઠું થઈ રહ્યું હતું. છેલ્લા દિવસે મહાત્માજીએ વ્યાસપીઠ પરથી કહ્યું, ‘આજે ગામમાં જે ગરીબમાં ગરીબ, સૌથી ગરીબ માણસ હશે તેને મારા આશ્રમમાં પહેલી ઝૂંપડી આપવામાં આવશે અને જે સૌથી અમીર હશે અને સૌથી વધુ દાન આજે કરશે તે વ્યક્તિ કથા સમાપનની આરતી કરશે અને જ્યારે મારો આશ્રમ બંધાશે ત્યારે એનું ઉદ્ઘાટન.’

મહાત્માજીની વાત સાંભળી કથામંડપમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. અમીરો વચ્ચે વધુ ને વધુ દાન લખાવવાની હોડ લાગી. શેઠજીએ પણ દાન લખાવ્યું અને શેઠજીનું દાન સૌથી વધારે હતું. ગરીબો પણ એક બાજુ ઝૂંપડી મેળવવા નામ લખાવવા એક લાઇનમાં ઊભા રહી ગયા. બધા ગરીબોએ પોતે કેટલું કમાય છે અને પોતાની પાસે શું છે એ લખાવવાનું હતું. શેઠજી પણ એ લાઇનમાં ઊભા રહ્યા. બધાને નવાઈ લાગી કે આમ કેમ? અમીર શેઠજી કેમ આ ગરીબોની લાઇનમાં ઊભા છે? કાર્યકરો તેમની પાસે આવીને કહી ગયા, ‘શેઠજી, તમારી કંઈ ભૂલ થતી લાગે છે. આ ગરીબોની લાઇન છે. તમે શું કામ અહીં ઊભા છો?’

શેઠજી એટલું જ બોલ્યા, ‘મને ખબર છે, હું પણ ગરીબ છું.’

બધાને નવાઈ લાગી. શેઠજીએ ગરીબોની લાઇનમાં ઊભા રહી નામ લખાવ્યું.

વાત સંતમહાત્મા સુધી પહોંચી. તેમણે શેઠજીને બોલાવ્યા અને કહ્યું, ‘શેઠજી, આ શું કરો છો? શું કામ મારા કાર્યકરોની મજાક કરી મૂંઝવો છો. તમે સૌથી વધારે દાન આપ્યું છે અને વળી પાછા સૌથી વધારે ગરીબમાં લખાવ્યું છે કે મારા તો શ્વાસ પણ હવા અને ઈશ્વરના ઉધાર છે.’

આ પણ વાંચો : હજી શીખું છું જિંદગી જીવતાં - (લાઈફ કા ફન્ડા)

શેઠજીએ જવાબ આપ્યો, ‘મહાત્માજી, તમે કહ્યું કે સૌથી અમીર દાન કરશે તો હું સૌથી અમીર છું, કારણ કે હું પ્રભુની સાચી ભક્તિ કરું છું અને આ ત્રણે લોકનો સ્વામી મારો છે અને હું એકદમ ગરીબ છું, કારણ કે મારા શ્વાસ પણ મારા નથી; ઉધાર છે.’

મહાત્માજીએ શેઠજીને ઊભા થઈ તેમની સમજ માટે વંદન કર્યા.

columnists