ઘૂમેંગે, ફિરેંગે, એશ કરેંગે પણ જાતે, પોતે, પોતાની રીતે

09 February, 2019 11:10 AM IST  |  | રુચિતા શાહ

ઘૂમેંગે, ફિરેંગે, એશ કરેંગે પણ જાતે, પોતે, પોતાની રીતે

પ્રતીકાત્મક તસવીર

નૉર્વે ફરવા ગયા હોય અને માઇનસ વીસ ડિગ્રીનું ટેમ્પરેચર હોય ત્યારેય આથેલાં તીખાં મરચાં અને રીંગણા-બટાટાના શાકનો આગ્રહ રાખે તે ગુજરાતી. આપણી આ છબી અને ખૂબીને કારણે જ ટૂર-ઑપરેટરોની દુકાન દિન દોગુના, રાત ચોગુના વધી છે. જોકે ટ્રાવેલ પોર્ટલ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ ૬૨ ટકા ભારતીય પ્રવાસીઓ હવે પૅકેજ્ડ ટૂરને અવૉઇડ કરતા થયા છે. ખરેખર? મુંબઈનાં ગુજરાતી ભાઈ-બહેનો અને ટ્રાવેલ-અજન્ટોને આ વિશે શું કહેવું છે દિશામાં થોડીક ખણખોદ કરીએ.

ખાવાપીવામાં અને હરવાફરવામાં ગુજરાતીઓને ટક્કર આપવી ‘મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ’ જેવી સ્થિતિ છે. ટ્રાવેલ-ઇન્ડસ્ટ્રીનાં મોટાં માથાંઓ પણ આ નિર્વિવાદ વાત સાથે સહમત છે. ગુજરાતીઓની આ નબળાઈ કે આગ્રહ જે ગણો એ, પણ ખાવાપીવાની અગવડ સહન ન કરવાની તૈયારીએ ટ્રાવેલ-એજન્સીઓને પોતાનો બિઝનેસ વિકસાવવા માટે ખૂબ મોટી પ્રેરણા આપી છે એમ કહીએ તો ચાલે. અલબત્ત, હવે ટ્રેન્ડ બદલાયો છે. ગુજરાતીઓ હવે ઘણા અંશે પોતાની રીતે પ્રવાસ પર જવાનું પસંદ કરતા થયા છે. એને લગતાં અઢળક સર્વેક્ષણો પણ થયાં છે. ‘એક્સપીડિયા’ નામની ઑનલાઇન ટ્રાવેલ પોર્ટલ વેબસાઇટે કરેલા સર્વેક્ષણ મુજબ લગભગ ૬૩ ટકા ભારતીયો સેલ્ફ-ટ્રાવેલ પ્લાન બનાવતા થઈ ગયા છે. તેમની ફ્લાઇટ અને હોટેલનું બુકિંગ પણ તેઓ જાતે જ કરે છે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કલકત્તા, પુણે અને હૈદરાબાદ- આટલાં શહેરોના લગભગ ૬૦૦થી વધુ લોકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો. ટૂર કંપનીઓના બેઠા પૅકેજમાં ગ્રુપ સાથે નિષ્ફિકર થઈને પ્રવાસ કરવાના પોતાના ફાયદા છે અને એકલા પ્રવાસ કરવાનો પોતાનો રોમાંચ છે. ગુજરાતીઓ વધુ પૈસા આપીને પણ આરામદાયક પ્રવાસનો અનુભવ મેળવવા માટે પંકાયેલા છે. જોકે બદલાઈ રહેલા ટ્રેન્ડ સાથે આપણે કેટલા બદલાયા છીએ? ટ્રાવેલ-ઑપરેટરો આવાં સર્વેક્ષણોને કઈ રીતે મૂલવે છે? પ્રવાસની માનસિકતામાં આવી રહેલા પરિવર્તન વિશે થોડીક ચર્ચા કરીએ.

કારણ શું?

પરેલમાં રહેતી હેતલ છેડા સ્વીકારે છે કે હવે ઘણા પ્રવાસીઓ ઍડ્વેન્ચર, ફ્રીડમ અને ફન માટે સેલ્ફ-પ્લાન્ડ ટ્રિપ્સ વધુ પસંદ કરે છે. પોતાનો જ અનુભવ શૅર કરતાં તે કહે છે, ‘શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા અમે એક ટ્રાવેલ-એજન્સી સાથે ગયાં હતાં. એ સમયે વિદેશ પ્રવાસનો અનુભવ નહોતો અને દીકરી ચાર-પાંચ વર્ષની હતી એટલે કોણ રિસ્ક લે એમ વિચારીને અમે ગ્રુપ ટૂરમાં ગયાં, પણ સાચું કહું તો મજા ન આવી. ક્યાંક ને ક્યાંક તમે બંધાઈ ગયાં હો અને ટૂરિસ્ટ સ્પૉટ સુધી મર્યાદિત થઈ ગયાં હો એવી ફીલિંગ આવી જ જાય. જોકે એ પછી અમે લગભગ એક ડઝનથી પણ વધારે વિદેશ પ્રવાસો કર્યા છે અને બધા જ જાતે આઇટિનરરી બનાવીને, રિસર્ચ કરીને. તમે માનશો નહીં, પણ એમાં અમે એટલી મજા કરી છે અને એટલો જલસો કર્યો છે જેનો કોઈ હિસાબ નથી. સ્કૉટલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, લંડન, હૉન્ગકૉન્ગ, રશિયા જેવા દેશો કવર કર્યા છે. અમારો સૌથી એક્સાઇટિંગ પ્રવાસ જપાનનો હતો જ્યાં અમને ભાષાનો બહુ પ્રૉબ્લેમ નડ્યો, પણ તોય અમને ખૂબ જ સ્વીટ અને હેલ્પફુલ લોકો પણ મળ્યા. અમે લોકો ટ્રાવેલ માટે પૈસા બચાવતા હોઈએ છીએ. મારો અનુભવ છે કે જ્યારે તમને કોઈ પણ દેશને અને એ દેશના લોકોને નજીકથી જોવા હોય અને તમારા પ્રવાસની અસલી બ્યુટી માણવી હોય તો એકલા જ ફરો. ગ્રુપ ટૂરમાં લોકલ સ્પૉટ્સ જ જોઈ શકાય. આઉટસ્કર્ટ્સના સ્પૉટ્સ એક્સપ્લોર કરવા હોય તો એ માળખામાંથી બહાર નીકળવું પડે.’

હેતલની દીકરી છ વર્ષની હતી ત્યારથી તેમણે સેલ્ફ-પ્લાન્ડ ટૂર પર જવાનું શરૂ કર્યું છે અને હવે તે પંદર વર્ષની થઈ ગઈ છે. તે રાજીપા સાથે કહે છે, ‘અત્યાર સુધીમાં એક પણ ઍક્ટિવિટી એવી નથી રહી જે અમે બાકી રાખી હોય. ટૂરમાં તમારે કંઈક તો છોડવું પડે. અહીં તો અમે બધી જ ઍડ્વેન્ચર ઍક્ટિવિટી કરી ચૂક્યા છીએ, એ પણ એટલા જ પૈસામાં.’

આવા તો ઘણા લોકો છે. અંધેરીમાં રહેતી દીપલ શાહના આ વિશેના વિચારો જાણીએ. દીપલ કહે છે, ‘અમે લોકો ક્યારેય ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ પ્રિફર નથી કરતાં. મારું માનવું છે કે ટૂરમાં જઈએ તો આપણે તેમનાં શેડ્યુલ ફૉલો કરવાં પડતાં હોય, ફિક્સ જગ્યાઓ હોય અને ત્યાં જ જવાનું. આપણે આપણી રીતે નવા શહેરમાં જઈએ અને ત્યાંના રહેવાસીઓની જેમ ફરીએ તો એ જગ્યાને વધુ નજીકથી જોઈ શકીએ. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરી શકીએ. જે-તે સ્થળના ઓરિજિનલ એસેન્સને જાણવાનો મોકો આપણી રીતે લઈ શકીએ. લોકલ્સની જેમ ફરવાની મજા અલગ જ આવે.’

પોતાની રીતે ટ્રાવેલ કરતા યંગ ટ્રાવેલર્સનું ટેક્નૉસૅવી હોવું વધુ ઉપયોગી થઈ રહ્યું છે. સાઉથ મુંબઈમાં રહેતો પ્રતીક પારેખ કહે છે, ‘આજકાલની જનરેશન આ વધુ પ્રિફર કરે છે, કારણ કે એમાં ઇકૉનૉમિકલી ફાયદો છે અને સેન્સ ઑફ કમ્પ્લીશન પણ મળે છે. જાતે રિસર્ચ કર્યું હોય, ક્યાં જવું ક્યાં નહીં એની ચોકસાઈ કરી હોય અને પછી એ મુજબ ફરો તો એ અચીવમેન્ટ જેવું લાગે. સસ્તું પડે એ અલગ. હમણાં જ અમે હિમાચલ પ્રદેશની બે જગ્યાએ ફરવા ગયા તો એમાં પર કપલ અમને ચાલીસ હજારનો ખર્ચ આવ્યો. આઠ દિવસનું ટ્રાવેલ, રહેવા-ખાવાનું-ફરવાનું, ગાડીનું ફેર અને રાજધાનીની ટિકિટ એમ બધેબધું આવી ગયું એમાં. જેમના માટે ટ્રાવેલ પૅશન હોય તેમને માટે સેલ્ફ-પ્લાન બેસ્ટ ઑપ્શન છે. બેશક, સાંભળવામાં સારું લાગે કે આ રીતે ફરવામાં અનુભવ મળે. જોકે આ બધામાં ઘણો સમય અને મહેનત આપવાં પડે છે. વડીલો માટે એ થોડું અઘરું પડતું હોય છે.’

વિદેશ પ્રવાસ હોય તો

વિદેશ પ્રવાસમાં શાકાહારી ભોજન અને ભાષાનો સૌથી મોટો પ્રૉબ્લેમ હોય છે, જેને કારણે ટ્રાવેલર્સ ટૂર-એજન્સીઓનો સંપર્ક કરતા હોય છે. અંધેરીમાં રહેતા ચશ્માંના વેપારી મુકેશ શાહ કહે છે, ‘અમારી ભારતમાં થતી બધી જ ટૂર અમે પોતે પ્લાન કરીએ, પણ વિદેશમાં જવાનું બને ત્યારે ટ્રાવેલ-એજન્સી સાથે ગ્રુપમાં જઈએ. ભારતમાં ભાષાનો પ્રૉબ્લેમ ન નડે અને કંઈ પણ અગવડ પડી તો એનું સમાધાન શોધવાનું સરળ બની જાય. વિદેશમાં ત્યાંના કાયદાકાનૂનથી આપણે અજાણ્યા હોઈએ એટલે સહેજ સંકોચ તો રહે જ. ખાવાપીવાની બાબતમાં ભારતમાં પણ તકલીફો હોય છે. જેમ કે હમણાં જ અમે કેરળ જઈને આવ્યા. પૂરા પરિવાર સાથે અમે જાતે જ આખી ટૂરનું પ્લાનિંગ કર્યું, હોટેલ અને ફ્લાઇટનું બુકિંગ કર્યું. એમાં સ્વતંત્રતા મળી અને મજા પણ આવી.’

ટ્રાવેલ કંપનીઓની ભરમારને કારણે હવે તેમના દ્વારા ઑફર થઈ રહેલા પ્રવાસો બજેટ પ્રવાસો બનતા જાય છે. જોકે દરેક પ્રવાસને ઍડ્વેન્ચર ટૂર માનનારી અને એ જ રીતે પ્રવાસનો લુત્ફ લેનારી યંગ જનરેશનનો ઘણો મોટો વર્ગ હવે પોતાની રીતે પ્રવાસ કરવાનું પસંદ કરતો થયો છે.

ટ્રાવેલ કંપનીઓ શું કહે છે?

નવી ઑફર, નવા કન્સેપ્ટ

સમયના પરિવર્તન સાથે જે બદલાય એ જ ટકી રહે આ નિયમને ટ્રાવેલ કંપનીઓ સારી રીતે સમજે છે. છત્રીસ વર્ષના અનુભવ સાથે નાવિન્યને ઉમેરવાની નેમ અમે રાખી છે એમ જણાવીને ‘જેમ્સ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ’ના જ્યોતિન અને ટીના દોશી કહે છે, ‘હું મારો પ્રૅક્ટિકલ અનુભવ કહું તો અમારા બધાના બિઝનેસમાં વધારો થયો છે. ઊલટાનું ફરતી વખતે તો પોતાના મગજ પર ભાર નથી જોઈતો એવું કહેનારો વર્ગ વધ્યો છે. હા, એમ કહી શકાય કે પૅકેજ્ડ ટૂર ઉપરાંત હવે એક નવો વર્ગ ઊભો થયો છે જેમને પોતાના પરિવાર સાથે એકલા ફરી શકે એવી ફ્રીડમવાળી ટૂર જોઈતી હોય છે. એવા પ્લાન પણ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે જેમાં તમે બે જણ હો કે ચાર જણ, તમને તમારી એક સેપરેટ ગાડી આપી દેવામાં આવે અને તમારા ખાવાપીવાની વ્યવસ્થા અમારા મહારાજની રસોઈથી થાય. પહેલાં આવું નહોતું થતું. તમે ગ્રુપ ટૂરમાં જાઓ તો જ તમને ટ્રાવેલ-એજન્ટો ફૂડનું અરેન્જમેન્ટ કરી આપતા. છેલ્લા છ મહિનાથી આ કન્સેપ્ટ અમે શરૂ કર્યો છે અને સારો રિસ્પૉન્સ છે. આમાં ટ્રાવેલરને ફ્રીડમ પણ મળે અને કોઈ અન્ય વ્યવસ્થાઓનું કોઈ ટેન્શન પણ ન રહે. ઓછું માર્જિન રાખીને બેસ્ટ રેટ આપનારી ટ્રાવેલ કંપનીઓ જોરમા ચાલી રહી છે.’

આ પણ વાંચો : આ છે બેસ્ટ ડેસ્ટિનેશન ફૉર રોમૅન્સ

ગ્રુપ ટૂરના પોતાના ફાયદા

ટ્રાવેલરોના આ દૃષ્ટિકોણને મોટા ભાગના ટૂર-ઑપરેટરો જાણે છે. ખર્ચ અને સેફ્ટીની દૃષ્ટિએ તો ગ્રુપ ટ્રાવેલ સેફ છે જ, પણ બીજા પણ ટ્રાવેલ-એજન્સી સાથે પ્રવાસ કરવાના ઘણા ફાયદા છે. ફોરમ વલ્ર્ડ વાઇડના જનરલ મૅનેજર નીરજ ઠક્કર કહે છે, ‘આવા સર્વે થતા રહે છે, પણ હું એની સાથે મારા અનુભવો પછી પણ પૂરેપૂરો સહમત નથી; કારણ કે આજે પણ ખૂબ ઓછો વર્ગ છે જે એકલો ફરવા નીકળે છે. મોટા ભાગે યંગ કપલ એકલાં જવાનું પસંદ કરે; પણ જે સિનિયર સિટિઝન છે, ફૅમિલી છે, નાનાં બાળકો જેમની સાથે હોય છે તેમના માટે તો ટૂર-એજન્સીઓ જ સૌથી વધુ સગવડભર્યો ઑપ્શન છે. એકલા જાઓ તો ફ્રીડમ મળે અને ઍડ્વેન્ચર થાય એ માન્યતા પૂરેપૂરી રીતે સાચી નથી. ઘણી વાર એકલા જવામાં ઊલમાંથી ચૂલમાં પડવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકતી હોય છે. બીજું, શું કરીશું અને કેમ કરીશુંની ચિંતા કરતા રહેવાની પળોજણ પણ તેમના માથેથી હટી જાય છે. એકલા ફરવામાં તમારો હૉલિડે હૉરર હૉલિડે થવાની સંભાવના છે, પણ જ્યારે કોઈ નામાંકિત ટ્રાવેલ-એજન્સી સાથે હો ત્યારે તમારી સગવડ, સુરક્ષિતતાનું વિશેષ ધ્યાન રાખવાની જવાબદારી લેવામાં આવે છે. વષોર્ના અનુભવને કારણે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ ટૂર-ઑપરેટરો અને ટૂર-મૅનેજરો કરી શકતા હોય છે. બીજું એ કે હવે લોકોને લોકો જોઈએ છે. ગ્રુપ ટૂરમાં અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવાય અને ઘરોબો બને એ પણ ગુજરાતી ટ્રાવેલરોના ટ્રાવેલ-પ્લાનમાં મહત્વનો મુદ્દો બનતો જાય છે.’

columnists