યે સિર્ફ દૌર હૈ, ગુઝર જાએગા બસ, હિંમત સે આગે બઢના

14 July, 2022 04:15 PM IST  |  Mumbai | JD Majethia

આશ્વાસનથી ભરેલા અનિલ કપૂરના આ શબ્દોની અત્યારે બૉલીવુડને બહુ જરૂર છે. તમે જુઓ, કેવી-કેવી મોટી ફિલ્મો ઑડિયન્સને લાવવામાં ફેલ થઈ અને કેવી રીતે સાઉથની ફિલ્મોએ દેકારો મચાવી દીધો છે

યે સિર્ફ દૌર હૈ, ગુઝર જાએગા બસ, હિંમત સે આગે બઢના

આપણે વાત કરીએ છીએ પિન્કવિલાના સ્ટાઇલ આઇકન અવૉર્ડ્સની, જેમાં હું ગયો હતો. મને ત્યાં ઘણા મિત્રો મળ્યા. આશાબહેન, આપણાં આશા પારેખ પણ મળ્યાં. અમે બહુ વાત કરી. મારી પ્રગતિની વાતો સાંભળીને તેઓ પણ બહુ ખુશ થયાં. મને પર્સનલી મળવા આવવાનું તેમણે કહ્યું અને હું જઈશ પણ ખરો, તેમને મળવા. આશા પારેખનો હું બહુ મોટો ફૅન છું અને એવી જ રીતે હું મિલિંદ સોમણનો પણ બહુ મોટો ફૅન છું. જે રીતે તેણે શરીર-સ્વાસ્થ્ય જાળવી રાખ્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. મને ગમે આવા લોકો, જે હેલ્થનું ધ્યાન રાખતા હોય, સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય. એ પછી હું રણવીર બ્રારને મળ્યો. ઍક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા મળી, મારી બહુ જૂની અને સારી મિત્ર. ડિરેક્ટર રાજ-ડીકે, કબીર, અહમદ ખાન, સંજય ગુપ્તા જેવા મિત્રો પણ મળ્યા, અમે બધાએ તો રીતસરનું ફોટો-સેશન કર્યું, જે ફોટો તમે ગયા ગુરુવારે જોયો.
એ પછી પ્રોગ્રામ શરૂ થયો અને સિંગરે સ્ટેજ પર આવીને પર્ફોર્મન્સ શરૂ કર્યો, પણ એ પર્ફોર્મન્સ દરમ્યાન જ અમુક આર્ટિસ્ટ આવી ગયા. આપણા જે બહુ પૉપ્યુલર કલાકારો છે એ લોકો. એમાં અજુર્ન કપૂર, વરુણ ધવન, જાહ્‍નવી, પરિણીતી ચોપડા, માની કપૂર, કાર્તિક આર્યન, આયુષ્યમાન ખુરાના, રણવીર સિંહ, કરણ જોહર ને અનિલ કપૂર. આવ્યા એ બધા કલાકારોનું એક ગ્રુપ બનતું ગયું. એક પછી એક બધા ભેગા થતા જાય અને બધા એમ જ ઊભા રહીને વાતો કરતા જાય. ૨૦ મિનિટ સુધી આ બધું ચાલ્યું અને નૅચરલી, આ બધા કલાકારો આવે એટલે પછી બહાર ઊભું હોય એ મીડિયા પણ અંદર આવે અને પછી ફોટો ને વિડિયો ને એવું બધું શરૂ થાય. આ બધું ચાલતું હતું એ દરમ્યાન સ્ટેજ પર જે સિંગર પર્ફોર્મ કરે એ રીતસર અટકી ગયું. 
મને અત્યારે પણ એ પર્ફોર્મરના ફેસનાં એક્સપ્રેશન્સ યાદ છે. સ્ટેજ પર ચાલતું હતું એ બધું રીતસર અટકી ગયું હતું. મને તો એક વાર મન પણ થયું કે હું સામે બેઠેલા વીઆઇપીમાંથી હટીને સીધો સ્ટેજ પર જાઉં અને સ્ટેજ પર ચડીને કહું કે અત્યારે પર્ફોર્મન્સ આપનારા આ કલાકારો રેડી છે તો તમે લોકો એક કામ કરો. કાં તમારું આ બધું એકબીજાને મળવાનું અને ફોટો પડાવવાનું કામ છે એ, આ પર્ફોર્મન્સ પૂરું થાય પછી કરો અને કાં તો બહાર જઈને કરો એટલે સ્ટેજ પર જે કલાકાર છે એના પર્ફોર્મન્સને અસર થાય નહીં. મને બહુ મન થયું હતું કે હું આવું કરું. અહીં જ નહીં, બીજે પણ જ્યારે આવું કંઈ થાય ત્યારે તમારો આ જેડીભાઈ પહોંચી જ જાય. જો બધાને મળવું હોય, ઓળખાણો તાજી કરવી હોય કે પછી પીઆરશિપ કરવી હોય તો થોડા વહેલા આવો અને ધારો કે ન આવી શકો તો ઍટ લીસ્ટ જે સમયસર આવીને હવે પોતાનું કામ કરે છે તેમને કામ કરવા દો. આપણે એક વાતમાં માનીએ. આપણા કારણે બીજા કોઈને ડિસ્ટર્બન્સ ન આવવું જોઈએ અને એ આવે ત્યારે મારાથી જાત પર કાબૂ ન રહે, પણ એ દિવસે સૉરી, રાતે મેં મારી જાતને કાબૂમાં રાખી. મને થયું કે હું આ ઝંડો લઈશ સિંગર શર્લીન માટે, પણ તેને એ નહીં ગમે તો?
વીસેક મિનિટ સુધી પેલું બધું એમ જ ચાલ્યું અને એ વીસેક મિનિટ બધા એમ જ બેસી રહ્યા અને પછી એ ફોટો-સેશન પૂરું થયું, મિલાપ પૂરો થયો એટલે ફરી પ્રોગ્રામ શરૂ થયો.
પોતાની જગ્યા પર જતી વખતે આયુષ્યમાન ખુરાનાનું ધ્યાન પડ્યું એટલે તેણે દૂરથી હાથ પણ દેખાડ્યો, મને થયું કે સફેદ દાઢીને ઓળખી તો ગયો તે. એ સિવાય પણ કેટલાક મિત્રો આવ્યા, જે પાસે આવવા માગતા હતા તેમને મારી જ જગ્યાએથી વેવ કરીને પછી મળીએ એવી સાઇન કરી દીધી અને એ જરૂરી પણ હતું. હું તમને બધાને ખાસ કહીશ કે તમે ક્યારેય પણ આ પ્રકારના કોઈ પણ પબ્લિક ફંક્શનમાં જાઓ ત્યારે એક વાતનું ધ્યાન રાખજો. જરા પણ મોડા પડો તો અંદર આવીને પહેલું કામ તમારી જગ્યાએ સ્થાન લેવાનું કરજો, ધારો કે તમારી જગ્યા એન્ટ્રન્સથી દૂર હોય તો સાઇડ પર ઊભા રહી જજો અને કાં તો નજીકમાં જે જગ્યા ખાલી હોય ત્યાં બેસી જજો. ક્યારેય કોઈને નડવું નહીં. આ જે શિસ્ત છે એ શિસ્ત નૅચરલી ગુજરાતી થિયેટરને કારણે મને તો બહુ પહેલેથી મળી છે. 
ગુજરાતી નાટકોમાં પણ વચ્ચે એક ગાળો એવો હતો જેમાં બધા લહેરાતા-લહેરાતા આવે. નાટક શરૂ થઈ ગયું હોય અને એ પછી પણ લોકોની અવરજવર ચાલુ જ હોય. ચૅરિટી શોમાં તો ખાસ બનતું. અંદર આવે, અંદર આવીને પાછા બેચાર જણને મળે, હાથ લહેરાવે અને પછી પોતાની જગ્યા શોધવાનું શરૂ કરે. એક તો લાઇનની વચ્ચે તેમની સીટ હોય એટલે પોતાની જગ્યાએ જાય ત્યાં સુધી પંદર-વીસ લોકો પાસેથી પસાર થાય અને એ બધાને પણ ડિસ્ટર્બ કરે અને પછી છેક પોતાની સીટ પર બેસે. આને હું મિસબિહેવ જ ગણું છું. ભવિષ્યમાં એવું લાગશે તો એના પર ખાસ એક આર્ટિકલ લખીશ, પણ અત્યારે વિષયાંતર ન થાય એવા હેતુથી આપણે ફરી અવૉર્ડ ફંક્શન પર આવી જઈએ.
સ્ટેજ પર પ્રોગ્રામ ચાલતો હતો અને અલગ-અલગ આઇટમ વચ્ચે સ્ટેજ પર અનિલ કપૂર આવ્યો. એ સમયે ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું પ્રમોશન શરૂ થયું હતું. અરે હા, એ પહેલાં કહેતાં ભૂલી ગયો કે મેં મનીષ પૉલને અવૉર્ડ આપ્યો. 
અનિલ કપૂર અને શોના જે હોસ્ટ હતા તેમની વચ્ચે વાત શરૂ થઈ અને એ વાતમાં અનિલ કપૂરે એક બહુ સરસ વાત કરી. દસ-પંદર લોકો હતા એ ગ્રુપમાં, એ લોકોએ સામે બેઠેલી ઑડિયન્સને જોઈને જ વાત કરી. અનિલ કપૂરે કહ્યું કે ‘૪૦ વર્ષથી હું ઇન્ડસ્ટ્રીમાં છું, બહુ તડકા-છાંયડા જોઈ લીધા મેં. બહોત ઉપર-નીચે દેખા. કાફી ફિલ્મેં ચલી, કાફી નહીં ભી ચલી, પર ડરના મત... યે સિર્ફ દૌર હૈ, ગુઝર જાએગા... બસ, હિંમત સે આગે બઢના.’ 
બધાએ તાળી પાડીને વાતને વધાવી લીધી અને વાત એવી હતી પણ ખરી.
હમણાં બૉલીવુડમાં એક માહોલ તમે જોયો છે. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે અત્યારનો આ માહોલ સારો સમય નથી. એક-એકથી ચડિયાતી ફિલ્મો, જેમાં મોટા સ્ટાર, મોટાં નામો અને એ પછી પણ એ ફિલ્મો દર્શકોને સિનેમાહૉલ સુધી લાવી નથી શકી. એકધારું આવું બનતું જતું હોવાથી બધા એના પર બહુ વિચાર કરે છે કે આવું કેમ થાય છે? કેવી-કેવી ફિલ્મો, કેવા-કેવા મેકર્સ અને એ પછી પણ આવી હાલત. ઑડિયન્સ થિયેટર સુધી આવતી જ નથી. શું કામ, કયા કારણે?
ઘણાને એમ લાગે છે કે આ બધી ફિલ્મ બે-ત્રણ વર્ષ પહેલાંથી બનતી હતી, પણ કોવિડના પિરિયડમાં ઘણું બધું બદલાયું અને એની સીધી અસર કન્ટેન્ટ પર પડી છે. અમારી જ વાત કરું તો અમે પણ જ્યારે ‘વાગલે કી દુનિયા’ શો બનાવતા હતા ત્યારે અમને પણ થયું હતું કે ‘વાગલે કી દુનિયા’ આમ ને આમ તો કેવી રીતે ચાલે, જો આપણે લોકોને સ્ક્રીન સુધી લાવવા હશે તો વાગલેને બદલીને લાવવો જોઈએ. એ આજના લોકોને કનેક્ટ કરી શકે. આવું થવાનું કારણ સમજવું પડશે. 
કોવિડને કારણે આજના લોકોએ એટલો મોટો ડ્રામા પોતાની જિંદગીમાં જોઈ લીધો છે કે હવે નાની-નાની વાતના ડ્રામા તેમને ઍટ્રૅક્ટ નથી કરતા. જો આવા સમયે તમારે ઑડિયન્સને ઍટ્રૅક્ટ કરવી હોય તો તમારે એને જુદી રીતે મનોરંજન આપવું પડે, જુદી રીતે એને સાથે રિલેટ કરી શકો, કરાવી શકો. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો, મોટા-મોટા કોઈનું નામ નથી લેવું જેથી કોઈને ખરાબ ન લાગે, પણ બહુ ખરાબ રીતે આપણી હિન્દી ફિલ્મો નિષ્ફળ ગઈ અને એની સામે સાઉથની ફિલ્મો સફળ રહી. એકાદ હિન્દી ફિલ્મ ચાલી, પણ બાકી તો એ લોકો ઝઝૂમી રહ્યા છે કે હવે કરવું શું. જે લખાતી હતી એને અટકાવી દેવામાં આવી, જે અડધી બની ગઈ હતી એને ડબ્બામાં મૂકી દીધી તો અમુક પ્રોજેક્ટને એમ જ શટડાઉન કરવામાં આવ્યા. હિન્દી ફિલ્મો અને એમાં આવેલા ચેન્જ વિશે હવે વાત કરીશું આપણે આવતા ગુરુવારે.

કોવિડને કારણે આજના લોકોએ એટલો મોટો ડ્રામા પોતાની જિંદગીમાં જોઈ લીધો છે કે હવે નાની-નાની વાતના ડ્રામા તેમને ઍટ્રૅક્ટ નથી કરતા. જો આવા સમયે તમારે ઑડિયન્સને ઍટ્રૅક્ટ કરવી હોય તો તમારે એને જુદી રીતે જ મનોરંજન આપવું પડે, જુદી રીતે એની સાથે રિલેટ કરી શકો, કરાવી શકો.

columnists JD Majethia