ગુજરાતી ફિલ્મજગત રિવાઇવ તો થયું, પણ હવે એને ખીલવા માટે શું કરવું જોઈએ?

29 December, 2019 03:18 PM IST  |  Mumbai | Rashmin Shah

ગુજરાતી ફિલ્મજગત રિવાઇવ તો થયું, પણ હવે એને ખીલવા માટે શું કરવું જોઈએ?

ગુજરાતી ફિલ્મો

કેવી રીતે જઈશ?થી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી નવા જનરેશનના હાથમાં આવી જે અત્યારે છેક નૅશનલ અવૉર્ડ-વિનર હેલ્લારો સુધી પહોંચી છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ગુજરાતી ફિલ્મોએ કાઠું કાઢ્યું છે, પણ ઇન્ડસ્ટ્રીની હજી પણ ફરિયાદ એક જ છે કે ઑડિયન્સ નથી અને ઑડિયન્સની ફરિયાદ પણ એ જ જૂનીપુરાણી છે, નવા વિષયોને એક્સપ્લોર કરવાની તૈયારી દાખવવામાં નથી આવતી. છેલ્લાં ૧૦ વર્ષનું આ સરવૈયું અને સરવૈયા પછી આવેલું તારણ જોવા-જાણવા જેવું છે.

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એક નવી દુનિયા દેખાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ હતી ‘કેવી રીતે જઈશ?’ ૨૦૧૨માં રિલીઝ થયેલી આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની નવા જનરેશનની શરૂઆત થઈ જે આ વર્ષે રિલીઝ થયેલી અને નૅશનલ અવૉર્ડ મેળવનારી ‘હેલ્લારો’ પાસે થંભી છે. ‘કેવી રીતે જઈશ?’ પહેલાં જ્યારે પણ ગુજરાતી ફિલ્મની વાત નીકળતી ત્યારે વાત ‘ભવની ભવાઈ’ની જ થઈ શકતી. કેતન મહેતાએ બનાવેલી ‘ભવની ભવાઈ’ને ઑલમોસ્ટ અઢીથી ત્રણ દસકા થઈ ગયા હોવા છતાં એ એક ફિલ્મની વાત થાય અને એ જ ફિલ્મ પર વાત અટકી જાય, પણ હવે એવું નથી રહ્યું. એનો જશ જો કોઈને જાય તો એ નવા જનરેશનના ફિલ્મ-મેકર્સને. અફકોર્સ એવું બિલકુલ નથી કે હવેની ફિલ્મો ‘ભવની ભવાઈ’ની તોલે આવે એવી બને છે, પણ છેલ્લા દસકાની ફિલ્મોમાં સત્વ ઉમેરાયું છે એ હકીકત છે. વેન્ટિલેટર પર જીવી રહેલી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને નવા પ્રાણ આપવાનું કામ નવા જનરેશને કર્યું. કહો કે નવા જનરેશને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મડદામાં પ્રાણ પૂર્યો.

ટેક્નૉલૉજીથી માંડીને મેકિંગ આધુનિક સ્તરે આવ્યું છે, હિન્દી ફિલ્મને ટક્કર મારે એવું નહીં, પણ સામાન્ય હિન્દી ફિલ્મની સમકક્ષ ઊભું રહી શકે એ લેવલ પર તો મેકિંગ પહોંચ્યું જ છે. ગુજરાતી ઍક્ટરોનો એક આખો નવો ફાલ પણ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અને સાથોસાથ નવા પ્રોડ્યુસરો પણ આવ્યા. ગુજ્જુભાઈ સિરીઝની બે ફિલ્મો અને ‘નટ સમ્રાટ’ જેવી અદ્ભુત ફિલ્મ આપનારા સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘ઇન્ડસ્ટ્રીમાં જીવ આવ્યો એ સારું જ થયું છે. દરેક રીજનને પોતાનું મનોરંજન હોવું જોઈએ. ‘૮૦ના એન્ડથી ઑલમોસ્ટ ૨૦૧૦ સુધી તો ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બિલકુલ ખતમ થઈ ગઈ હતી, પણ એ પછી એ નવેસરથી ઊભી થઈ અને અમુક ફિલ્મોએ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપવાનું પણ કામ કર્યું, પણ પછી આપણે અટકી ગયા એવું મને લાગે છે. અટકી જવાની આ જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયા પાછળ ક્યાંક ને ક્યાંક પ્રોડ્યુસર જવાબદાર છે, તો ક્યાંક ને ક્યાંક ઑડિયન્સ પણ જવાબદાર છે. તમારે સતત નવું કશું કરતા જવું જોઈએ અને તમારે સતત નવું આવકારતા રહેવું જોઈએ.’

આગળની વાત જાણીતા ઍક્ટર અને ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ પ્રોડ્યુસર સંજય ગોરડિયા ટેકઓવર કરે છે. સંજયભાઈ કહે છે, ‘ઇગ્નોરન્સ. બહુ ખરાબ કહેવાય એવી આ ફીલિંગ છે. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને આ વાત લાગુ પડે છે. ૧૦ વર્ષને તમે જુઓ, માંડ ૮થી ૧૦ ફિલ્મો સારી ચાલી હશે, પણ બાકીની ફિલ્મોની શું હાલત થઈ એ જોવા પણ કોઈ રાજી નથી. એ ફિલ્મો ફ્લૉપ નથી થઈ, એ ફિલ્મ ઇગ્નોર થઈ છે. પહેલાં ૧૦ વર્ષમાં ઇન્ડસ્ટ્રીએ પોતાનામાં જરૂરી સુધારો કર્યો તો આવતાં ૧૦ વર્ષની અપેક્ષા હવે ઑડિયન્સ પાસેથી છે. તમે ફિલ્મો જુઓ, સારી હોય તો વખાણો, ખરાબ હોય તો વખોડો પણ ફિલ્મો જુઓ, ઇગ્નોર ન કરો.’

વાત ખોટી નથી અને સારી પણ નથી. નવા વર્ષની પૂર્વપ્રભાતે નકારાત્મકતા મનમાં ન આવવી જોઈએ, પણ એમ છતાં પોણી ઇન્ડસ્ટ્રીની વાતમાં ક્યાંક ને ક્યાંક ફરિયાદનો સૂર આવી રહ્યો છે. ૧૦ ફિલ્મોને જોઈને આખી ઇન્ડસ્ટ્રીના લેખાજોખા કાઢવાનું કે પછી સરવૈયું તૈયાર કરવાનું કામ થતું હોય ત્યારે વાસ્તવિકતાને પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ અને વાસ્તવિકતા એ છે કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી નોંધનીય સ્તરે પહોંચી ગયા પછી આજે પણ એની પાસે ફુલટાઇમ પ્રોડ્યુસર નથી. જાણીતા ઍક્ટર અને ‘ફેરાફેરી હેરાફેરી’ના કો-પ્રોડ્યુસર મનોજ જોષી કહે છે, ‘ઇન્ડસ્ટ્રી આખી ચેન્જ થઈ, પણ હજી આ શરૂઆત છે. એક બાળક માટે ૧૦ વર્ષ એ મોટો પિરિયડ છે, પણ કોઈ ઇન્ડસ્ટ્રી માટે આટલો સમયગાળો નાનો કહેવાય. નવા પ્રોડ્યુસર અત્યારે ઇન્ડસ્ટ્રીમાં આવે છે, પણ ઇન્ડસ્ટ્રીની સક્સેસની જો કોઈ મોટી ફળશ્રુતિ હોય તો એ કે જૂનો પ્રોડ્યુસર રિપીટ થાય અને એ ફરીથી ફિલ્મ બનાવે એવું આપણે ત્યાં નથી થઈ રહ્યું. માંડ બે કે ત્રણ પ્રોડ્યુસર એવા છે જે પહેલી પછી બીજી અને બીજી પછી ત્રીજી ફિલ્મ બનાવે છે.’

મનોજ જોષીએ ગુજરાતી ફિલ્મો માટે હંમેશાં હકારાત્મક અભિગમ અપનાવ્યો છે અને એ જ કારણે તેઓ દરેક ત્રીજી કે ચોથી ગુજરાતી ફિલ્મમાં જોવા મળે છે. મનોજ જોષી વાત આગળ વધારતાં કહે છે, ‘હિન્દી, બંગાળી, મરાઠી કે પછી સાઉથની ઇન્ડસ્ટ્રીમાં જુઓ તમે, ફુલટાઇમ પ્રોડ્યુસર તમને જોવા મળશે, પણ આપણે ત્યાં હજી એ નથી થયું. આપણે ત્યાં પાર્ટટાઇમ પ્રોડ્યુસર છે અને પાર્ટટાઇમમાં જે ધંધો થતો હોય, જે વેપાર થતો હોય એમાં ધ્યાન ઓછું અપાતું હોય. પરિણામે બને એવું કે સાઇડમાં ચાલતા કારોબારને જ ગાળો પડે. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને જરૂર ફુલટાઇમ પ્રોડ્યુસરોની છે, જે સમયે એવું બનશે એ સમયે ઇન્ડસ્ટ્રી સાચા અર્થમાં પ્રસ્થાપિત થઈને બાકીની ઇન્ડસ્ટ્રી સામે બાથ ભીડી શકશે.’

રંગભૂમિના જાણીતા ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘મેં અગાઉ કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે મારે પુષ્કળ નવું કામ કરવું છે, નવા પ્રકારના ચૅલેન્જિંગ રોલ કરવા છે, પણ અત્યારનું જે વાતાવરણ છે એ જોતાં હું કહીશ કે મારામાં જે ક્ષમતા છે એ જોવાની તક અનાયાસ જ ઑડિયન્સ ગુમાવી રહ્યું છે. કૉલેજ અને કૉમેડીમાં અટવાયેલી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ એમાંથી બહાર આવવું પડશે. ગમે એવું નહીં, પણ ગમી જાય એવું બનાવવાની માનસિકતા રાખવી પડશે. જો એવી માનસિકતા રાખશો તો જ નવા સબ્જેક્ટ એક્સપ્લોર કરવાની હિંમત ઍક્ટર-ડિરેક્ટર કરી શકશે.’

એક વાત સ્વીકારવી પડે કે ‘હેલ્લારો’એ આ કામ કર્યું અને એવા વિષયને હાથમાં લીધો જે વિષય નવા જનરેશનની ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ ટચ નહોતો કર્યો. વાર્તા જૂની અને કહેવાની, એને શૂટ કરવાની રીત નવી. આ કૉમ્બિનેશન વર્ક કરી ગયું અને ‘હેલ્લારો’એ ભલભલા વિવેચકોથી માંડીને બૉક્સ-ઑફિસ સુધ્ધાંને હચમચાવી દીધી. નવેમ્બરના પહેલા વીકમાં રિલીઝ થયેલી ફિલ્મ આજે પણ બુકિંગ-ચાર્ટમાં હાઉસફુલ દેખાડે છે. ‘હેલ્લારો’ના ડિરેક્ટર અભિષેક શાહ કહે છે, ‘જો વાર્તા સારી હશે, માવજત સારી હશે તો એ જોવા માટે ઑડિયન્સ આવશે જ આવશે, પણ એની બે શરત છે; વાર્તા અને માવજત. જો એ બન્નેમાં તમે ક્યાંક થાપ ખાઈ જશો તો પછી ઑડિયન્સનો દોષ કાઢવાનું આવી જાય.’

‘૧૦૨ નૉટ આઉટ’ જેવી હિન્દી ફિલ્મ અને ‘વેલકમ જિંદગી’ તથા ‘આજ જાને કી ઝીદ ના કરો’ જેવાં લૅન્ડમાર્ક ગુજરાતી નાટકો લખનારા અને હમણાં ‘હેલ્લારો’ને પણ પોતાના સંવાદોની કમાલ આપી ચૂકેલા સૌમ્ય જોષી કહે છે, ‘ઑડિયન્સ મૂર્ખ છે એવું ક્યારેય ન માનવું જોઈએ. એ હોશિયાર છે. એને રજાના દિવસના એના બે કલાક વસૂલ થશે એ વિશ્વાસ હશે તો જ એ તમારી પાસે આવશે. આ વિશ્વાસ અપાવવાની જવાબદારી ડિરેક્ટર, ઍક્ટર અને રાઇટરની છે.’

વાત બિલકુલ સાચી છે. ઑડિયન્સ આવે નહીં તો એને ખેંચી લાવવાનું કામ કરવું પડશે. ઑડિયન્સને થિયેટર સુધી ખેંચી લાવવાની જવાબદારી ઍક્ટર-ડિરેક્ટરની સહિયારી તો છે જ, પણ સાથોસાથ એ જવાબદારી પ્રોડ્યુસર અને માર્કેટિંગ ટીમની પણ છે. ‘ફિલમવાલા’ નામની એન્ટરટેઇનમેન્ટ માર્કેટિંગ કંપનીના સીઈઓ જિતેન્દ્ર બાંઘણિયા કહે છે, ‘પહેલાં ૧૦ વર્ષ જો ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ઊભી થવા માટેનાં હતાં તો આવતો દસકો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ એનું બ્રૅન્ડિંગ સેટ કરવામાં ખર્ચવાનો છે. અનેક ફિલ્મો એવી છે જે ક્યારે રિલીઝ થઈ એની કોઈને ખબર પણ નથી. માત્ર કન્ટેન્ટ સારું હોવાથી નહીં ચાલે, તમારે કન્ટેન્ટ સારું છે એ કહેવા લોકોના કાન સુધી પહોંચવું પડશે. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને જુઓ તમે, આખો દેશ માર્કેટ હોય, શાહરુખ-સલમાન જેવા ઍક્ટર હોય તો પણ એ ફિલ્મના માર્કેટિંગ માટે તનતોડ મહેનત કરે છે, સ્ટ્રૅટેજી બનાવે છે. નવા જનરેશનની સર્જનયાત્રા હોય એ રીતે જ નવા જનરેશનની માર્કેટિંગ સ્ટ્રૅટેજી પણ હોય છે.’

કહેવાનો ભાવાર્થ એ જ કે નવેસરથી ઊભી થઈ ગયેલી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે આ દસકો બહુ મહત્વનો પુરવાર થવાનો છે. આ દસકાની મહત્વપૂર્ણતા સાચી દિશામાં સિદ્ધ થાય એ માટે ઑડિયન્સે પણ જાગૃતિ કેળવવાની છે તો મેકર્સે પણ એને માટે સજાગતા કેળવવાની રહેશે. નવી ટેક્નૉલૉજીનું સિંચન જ નહીં, નવા વિષયનું સંયોજન પણ મહત્વનું બનશે અને ઘેરબેઠાં સૌકોઈને ખબર પડે કે એ પ્રકારે ફિલ્મને ઑડિયન્સ સુધી પહોંચાડવી પણ પડશે. જો એ કરી શક્યા તો ૨૦૩૦માં ટાઇગર શ્રોફ પણ ગુજરાતી ફિલ્મ કરવા તલપાપડ બનશે.

નવા પડકાર કેવા?

ગુજરાતી ફિલ્મો સામે આવતા દસકામાં જે મહત્વના પડકારો છે એ પૈકીનો સૌથી મોટો પડકાર થિયેટરનો રહેશે. આજે પણ ગુજરાતી ફિલ્મોને થિયેટર અને યોગ્ય સમયના યોગ્ય માત્રાના શો મળતા નથી, જેને લીધે સારી ફિલ્મો સુધી ઑડિયન્સ પહોંચી શકતું નથી. આ ઉપરાંત બીજો પડકાર વેબ-સિરીઝ અને ટીવી-સિરિયોનો છે. ગુજરાતી ફિલ્મો પાસે ઘડાયેલા કલાકારોને આ બન્ને પ્લૅટફૉર્મ લઈ જઈ રહ્યા છે, જેને લીધે દર ત્રણ-ચાર વર્ષે નવા કલાકારો શોધવાની કડાકૂટ ઊભી થાય છે અને પરિણામે ઍક્ટરનું એસ્ટૅબ્લિશમેન્ટ થતું નથી, ફૅન-ફૉલોઅર્સ ઊભા નથી થઈ રહ્યા. ત્રીજા નંબરનો જો કોઈ પડકાર હોય તો એ છે પાર્ટટાઇમ પ્રોડ્યુસર. પાર્ટટાઇમ પ્રોડ્યુસર ફિલ્મમેકિંગ માટે જેટલી પૉઝિટિવિટી લઈને આવે છે એનાથી દસગણી વધારે નેગેટિવિટી એ ફેલાવે છે, જેને લીધે પ્રોડક્શનમાં આવવા માગતી કંપની કે વ્યક્તિ ઇન્ડસ્ટ્રીમાં દાખલ થાય એ પહેલાં જ પાછાં વળી જાય છે. આની પાછળનું કારણ સમજવા જેવું છે. ફિલ્મ બનાવવા માગનારા સામે ખોટા આંકડાઓ સાથે આખું પિક્ચર ઊભું કરવામાં આવે છે, પણ વાસ્તવિકતા જ્યારે સામે આવે છે ત્યારે ફિલ્મે પ્રૉફિટ કર્યો હોય તો પણ નફામાં નુકસાનની લાગણી સાથે ઇન્ડસ્ટ્રીનો અપરિગ્રહ થઈ જાય છે. ઊભી થઈ રહેલી ઇન્ડસ્ટ્રી માટે આ પડકાર બહુ મોટો છે અને આવતા સમયમાં આ પડકાર હજી પણ વધારે મોટો થાય એવી સંભાવના છે.

કૉલેજ અને કૉમેડીમાં અટવાયેલી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ એમાંથી બહાર આવવું પડશે. ગમે એવું નહીં, પણ ગમી જાય એવું બનાવવાની માનસિકતા રાખવી પડશે. જો એવી માનસિકતા રાખશો તો જ નવા સબ્જેક્ટ એક્સપ્લોર કરવાની હિંમત ઍક્ટર-ડિરેક્ટર કરી શકશે.

- સિદ્ધાર્થ રાંદેરિયા

પહેલાં ૧૦ વર્ષમાં ઇન્ડસ્ટ્રીએ પોતાનામાં જરૂરી સુધારો કર્યો તો આવતાં ૧૦ વર્ષની અપેક્ષા હવે ઑડિયન્સ પાસેથી છે. તમે ફિલ્મો જુઓ, સારી હોય તો વખાણો, ખરાબ હોય તો વખોડો પણ ફિલ્મો જુઓ, ઇગ્નોર ન કરો.

- સંજય ગોરડિયા

આ પણ વાંચો : ગીતના રેકૉર્ડિંગમાં એવું તે શું બન્યું કે આશા ભોસલે અને ખય્યામે એકમેકને સોગંદ લેવડાવ્યા

નવા પ્રોડ્યુસર અત્યારે ઇન્ડસ્ટ્રીમાં આવે છે, પણ ઇન્ડસ્ટ્રીની સક્સેસની જો કોઈ મોટી ફળશ્રુતિ હોય તો એ કે જૂનો પ્રોડ્યુસર રિપીટ થાય અને એ ફરીથી ફિલ્મ બનાવે એવું આપણે ત્યાં નથી થઈ રહ્યું. માંડ બે કે ત્રણ પ્રોડ્યુસર એવા છે જે પહેલી પછી બીજી અને બીજી પછી ત્રીજી ફિલ્મ બનાવે છે.

- મનોજ જોષી

columnists weekend guide Rashmin Shah