ગીતના રેકૉર્ડિંગમાં એવું તે શું બન્યું કે આશા ભોસલે અને ખય્યામે એકમેકને સોગંદ લેવડાવ્યા

Published: Dec 29, 2019, 15:00 IST | Rajni Mehta | Mumbai

૧૯૮૧નું વર્ષ ખય્યામની કરીઅરમાં એટલા માટે મહત્વનું હતું કે એ વર્ષમાં તેમની પાંચ ફિલ્મો રિલીઝ થઈ જે તેમની સંગીતસફરનો એક રેકૉર્ડ હતો.

‘ઉમરાવ જાન’ની ત્રિમૂર્તિ આશા ભોસલે, રેખા અને ખય્યામ.
‘ઉમરાવ જાન’ની ત્રિમૂર્તિ આશા ભોસલે, રેખા અને ખય્યામ.

૧૯૮૧નું વર્ષ ખય્યામની કરીઅરમાં એટલા માટે મહત્વનું હતું કે એ વર્ષમાં તેમની પાંચ ફિલ્મો રિલીઝ થઈ જે તેમની સંગીતસફરનો એક રેકૉર્ડ હતો. એ ફિલ્મો હતી ‘આહિસ્તા આહિસ્તા’, ‘દર્દ’, ‘દિલે નાદાન’, ‘નાખુદા’ અને ‘ઉમરાવ જાન’. ફિલ્મ ‘કભી કભી’ની સફળતા પછી એક ટોચના સંગીતકાર તરીકે તેમની ગણના થવા લાગી હતી, પરંતુ ફિલ્મ ‘ઉમરાવ જાન’ના સંગીતે સાબિત કર્યું કે ખય્યામની તુલનામાં એ સમયના સંગીતકારો જોજનો દૂર હતા.

ફિલ્મ-ફાઇનૅન્સર એસ. કે. જૈન ડાયરેક્ટર મુઝફર અલીને લઈ ‘ઉમરાવ જાન’નો પ્લાન કરતા હતા. મુઝફર અલીની ઇચ્છા હતી કે આ ફિલ્મ માટે જયદેવ સંગીત આપે. તો પછી ‘ઉમરાવ જાન’ સાથે ખય્યામ કઈ રીતે જોડાયા? એ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.

‘વર્ષો પહેલાં મુઝફર અલી ફિલ્મ ‘ગમન’ની ઑફર લઈને મારી પાસે આવ્યા હતા. એ ફિલ્મનો સબ્જેક્ટ એવો હતો કે જેમાં સંગીતકાર માટે કોઈ સ્કોપ નહોતો. એ ઉપરાંત એની વાર્તા મને સાવ નીરસ લાગી એટલે મેં ના પાડી. એ પછી જયદેવ એ ફિલ્મના સંગીતકાર તરીકે આવ્યા. ફિલ્મ ‘ઉમરાવ જાન’ માટે મુઝફર અલી પહેલાં જયદેવને મળ્યા, પરંતુ તેમને આ પ્રોજેક્ટમાં ખાસ દમ ન લાગ્યો એટલે તે મારી પાસે આવ્યા. મેં કહ્યું, હું તૈયાર છું, પણ સાથી સંગીતકાર જયદેવને કોઈ વાંધો ન હોય તો જ. તમે માનશો, મુઝફર અલી રાઇટિંગમાં જયદેવ પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લઈ આવ્યા.

રેખા આ ફિલ્મની હિરોઇન હતી. રેખાનો બેઝિક વોકલ ટોન નીચો છે એટલે મેં નક્કી કર્યું કે એ માટે આશા ભોસલેનો અવાજ લેવો જોઈએ. બીજું કારણ એ હતું કે ફિલ્મની વાર્તા લખનઉની મશહુર તવાયફ ઉમરાવ જાનના જીવન પરથી પ્રેરિત હતી. ૭૦ના દશકમાં આવેલી ફિલ્મ ‘પાકીઝા’ પણ તવાયફના રોલ પર આધારિત હતી અને આ ફિલ્મનાં ગીતો લતા મંગેશકરે ગાયાં હતાં. એ ગીતોનો જાદુ શ્રોતાઓ પર આજ સુધી બરકરાર છે. જો હું પણ લતા મંગેશકરનો અવાજ લઉં તો બન્ને ફિલ્મોનાં ગીતોની સરખામણી થયાં વિના ન રહે. આ પરિસ્થિતિ ટાળવા માટે મેં આશા ભોસલેના અવાજને પસંદ કર્યો.

‘ઉમરાવ જાન’નાં ગીતો માટે મારે આશાજી સાથે ડિસ્ક્શન શરૂ થયું ત્યારે મેં તેમને કહ્યું કે  તમે ખૂબ બીઝી છો. એ છતાં આ ફિલ્મનાં ગીતો માટે તમારે ખાસ સમય કાઢવો પડશે. મેં તેમને યાદ દેવડાવ્યું કે થોડાં વર્ષો પહેલાં આવા જ વિષય પર બનેલી ફિલ્મ ‘પાકીઝા’ લાંબો સમય સુધી થિયેટરમાં ચાલી હતી અને એનાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં હતાં જે આજે પણ લોકપ્રિય છે. એટલે ‘ઉમરાવ જાન’ ફિલ્મ અને એનાં ગીતો માટે લોકોની અપેક્ષાઓ ખૂબ વધી જશે. ‘પાકીઝા’ જેવી સફળતા માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડશે. ‘ઉમરાવ જાન’ એક કવયિત્રી હોવાની સાથે કુશળ ડાન્સર અને સિંગર હતી. આ ઓછું હોય એમ તે અત્યંત સ્વરૂપવાન હતી. મેં ભાર દઈને કહ્યું કે આશા ભોસલે નહીં, પરંતુ ઉમરાવ જાન આ ગીતો ગાશે. મારા કહેવાનો ભાવાર્થ તે સમજી ગયાં અને કહ્યું કે તમને સંતોષ થાય ત્યાં સુધી હું રિહર્સલ કરીશ. જેટલી મહેનત અને સમય આપવો પડે એ આપીશ. મારી પૂરતી કોશિશ રહેશે કે દરેક ગીતમાં શ્રોતાઓને એમ જ લાગવું જોઈએ કે આ તો દિલોજાનથી ઉમરાવ જાન ગાય છે.’

૨૦૧૧ની ૧૯ ઑગસ્ટે અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે અમે ખય્યામનું સન્માન કર્યું ત્યારે મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે ‘ઉમરાવ જાન’ના સંગીત માટે તમે શું તૈયારી કરી? આશા ભોસલેના  અવાજની ટોનલ ક્વૉલિટી બદલવામાં તેમના તરફથી કેવો સહકાર મળ્યો?’ એના જવાબમાં આ પૂરી ઘટના અને ગીતના રેકૉર્ડિંગ સમયે જે બન્યું એ વાત સ્ટેજ પરથી સંગીતપ્રેમીઓ સાથે શૅર કરતાં ખય્યામ કહે છે...

‘મુઝફર અલી અને (રાઇટર, ગીતકાર) શહરયાર મારે ઘેર આવ્યા અને સ્ટોરી સંભળાવી ત્યારે મને થયું કે આ મારી જિંદગીની સૌથી મોટી ચૅલેન્જ છે. પ્લેબૅક માટે મને જગજિતે કહ્યું કે આ ગીતો માટે આશાનો અવાજ વધારે સૂટેબલ રહેશે. અમે નક્કી કર્યું કે આશાજી નૉર્મલ જે સ્કેલ (સૂર)માં ગાય છે એનાથી દોઢ સ્કેલ નીચે ગાશે જેથી લાગે કે ૧૫૦ વર્ષ પહેલાં ઉમરાવ જાન કયા અંદાઝમાં ગાતી હશે. એટલે અમે એ સ્કેલમાં રિહર્સલ કરવાનું નક્કી કર્યું. પહેલે દિવસે આશાજીને નવાઈ લાગી કે આમ કેમ? મેં કહ્યું કે ઇસ ફિલ્મ મેં આશાજી નહીં ગાયેગી.

એટલે એ તો ચોંકી ગયાં. કહે, આપકો આશા ચાહિયે ઔર કહેતે હો કે આશા નહીં ગાયેગી? મેં ફોડ પાડતાં કહ્યું, ‘હંમે આશા નહીં, ઉમરાવ જાન ચાહિયે. તો કહે, ‘વો કૈસે હોગા? મેં કહ્યું, ‘મૈં આપકો ગા કે સુનાતા હું. બેઝિકલી હું સિંગર છું એટલે આલાપ લઈને મેં ગીત સંભળાવ્યું. એ ટોન સાંભળીને કહે, ‘આજનું રેકૉર્ડિંગ પોસ્ટપોન કરીએ. હું ચાર દિવસ રીયાઝ કરીને આવીશ પછી રેકૉર્ડ કરીએ. મેં કહ્યું, તમે ચાર નહીં, પણ આઠ દિવસ માગશો તો એ પણ મને મંજૂર છે.

ફરી પાછા અમે રેકૉર્ડિંગ માટે ભેગા થયા. એક ટેક્નિકલ વાત તમને કહું છું. ઘરે રિહર્સલ કરીએ અને સ્ટુડિયોમાં રેકૉર્ડ કરીએ; આ બન્નેમાં થોડો ફરક છે. સ્ટુડિયોમાં મ્યુઝિશિયન્સ હોય એટલે એ સમયે સિંગરનો ટોન થોડો ઍડ્જસ્ટ કરવો પડે. આ ફેરફારને કારણે રેકૉર્ડિંગ સમયે આશાજી થોડા અનકમફર્ટેબલ હતાં. આ વાત તેમણે મને નહીં, પણ જગજિતને કરી. કહે, ‘ખય્યામ સાબ ક્યા પુરાની રંજિશ નિકાલ રહે હૈ? મેં ગા નહીં પાતી. ‘જગજિત મને કહે, આશાજી ડિસ્ટર્બ છે. અમને તેમનો સ્વભાવ ખબર છે. તે થોડા મૂડી અને ટેમ્પરામેન્ટલ છે. સ્વભાવના ખૂબ જ સારાં છે. અમે વાત કરતા હતા ત્યાં આશાજી મારી કેબિનમાં આવીને કહે કે મને તકલીફ થાય છે. તેમના તેવર મેં જોયા છે. જો હું જીદ કરત તો કદાચ તે રેકૉર્ડિંગ છોડીને જતાં રહેત. આ ગીત મુહૂર્તનું ગીત હતું. મોટા-મોટા કલાકારો હાજર હતા. અમારી વાતો ચાલતી હતી. આમ  વાતાવરણ તંગ થઈ ગયું.

હું વિચારતો હતો કે શું કરવું જોઈએ. બહાર ગણગણ થવા લાગી કે ખય્યામ અને આશા વચ્ચે દલીલો થાય છે, કઈક ગડબડ લાગે છે. મેં તેમને કહ્યું, એક કામ કરીએ. એક ટેક નીચા ટોનમાં અને એક ટેક તમારા કમ્ફર્ટ લેવલના ટોનમાં લઈએ. તો મને કહે, પ્રદીપના સોગંદ ખાઈને કહો કે એક ટેક મારી મરજી પ્રમાણે પણ લેશો. મેં જવાબ આપતાં કહ્યું, તમે પણ મા સરસ્વતીની સોગંદ ખાવ કે મારી મરજી પ્રમાણે જે રીતે નીચા ટોનમાં રિહર્સલ કર્યું છે એ જ પ્રમાણે પહેલા ટેકમાં ગાશો. ક્રિશ્ચિયનની જેમ બે હાથ ક્રૉસ કરીને માથે લગાડીને તેમણે સોગંદ ખાધા અને અમે પહેલો ટેક લીધો.

બીજો ટેક તેમની મરજી પ્રમાણે લેવાનો હતો એટલે નોટેશનમાં થોડા ફેરફાર કરવા પડે. એમાં અડધો-પોણો કલાકનો સમય જાય એમ હતું એટલે મેં આશાજીને કહ્યું, એટલી વારમાં તમે આ ટેકનું રેકૉર્ડિંગ તો સાંભળી લો. તે મારી કેબિનમાં આવીને બેઠાં અને ગીતની શરૂઆત થઈ. સારંગી વાગી, તેમનો આલાપ શરૂ થયો અને ગીતના શબ્દો સંભળાયા ‘દિલ ચીઝ ક્યા હૈ, આપ મેરી જાન લીજીયે’. આશાજી આંખ બંધ કરીને સાંભળી રહ્યાં હતાં. લગભગ છ મિનિટનું ગીત પૂરું થયું, પરંતુ તે આંખ બંધ કરીને બેઠાં હતાં. એકદમ શાંતિ છવાયેલી હતી. સૌ ટેન્સ હતા કે આશાજી શું કહેશે? પણ તેમને પૂછવાની હિંમત કોણ કરે? એક મિનિટ થઈ, બે મિનિટ થઈ, ત્રણ મિનિટ થવા આવી ત્યાં કોઈ કેબિનમાં આવ્યું. દરવાજો ખૂલ્યાનો અવાજ સાંભળી આશાજી ટ્રાન્સમાંથી બહાર આવ્યાં. મને કહે, ‘યે મૈં ગા રહી થી ક્યા? મૈંને અપની યે આવાઝ કભી સૂની હી નહીં. આપને પૂરે ગાને મેં એક કમ્પોઝર કે હિસાબ સે જો ડિટેઇલ મેં કામ કિયા હૈ, વો કમાલ કા હૈ. યે  જો ‘આસમાં કો ઝમીં પર ઉતાર લાયે’ મેં આસમાં પર સ્વર કી જો ગુંજન હૈ, ઉતાર–ચડાવ હૈ, વો લાજવાબ હૈ.’ આમ કહીને મારી ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે બીજાં ગીતો પણ હું આ જ સ્કેલમાં ગાઇશ.

બાકીનાં ગીતોમાં તેમણે જાન રેડી દીધી. આ ગીતોની સફળતામાં ગીતકાર શહરયાર (જે ખુદ લખનઉના છે અને લિટરેચરમાં ડૉક્ટરેટ હોવા ઉપરાંત ઉમરાવ જાનના વિષયમાં ઑથોરિટી છે) અને મુઝફર અલીનો મોટો ફાળો છે. શહરયારની શાયરી ઉમરાવ જાનના અસ્તિત્વને સાચી રીતે ઉજાગર કરે છે. મુઝફર અલીનું ડાયરેક્શન તે સમયના વાતાવરણને બખૂબી જીવંત બનાવે છે. રેખાનો જીવંત અભિનય અને આશા ભોસલેની અદાયગી અદ્ભુત છે. આ દરેકના સહિયારા પ્રયાસને લીધે જ ઉમરાવ જાન એક યાદગાર ફિલ્મ બની છે, એ સફળતામાં હું સહભાગી બન્યો એનો મને આનંદ છે અને એ માટે હું ઈશ્વરનો આભારી છું.’

ઉમરાવ જાનનાં ગીતો પાછળની આજ સુધીની અજાણી વાતો સાંભળી હાજર રહેલા સંકેતના સહૃદયો અને સંગીતપ્રેમીઓ ભાવવિભોર થઈ ગયા હતા અને ખય્યામને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. મુકામ પર પહોંચ્યાનો આનંદ અને એ બાદ મળેલી પ્રશંસા દુનિયા અહોભાવથી જોતી હોય છે. એ સમયે એ ભુલાઈ જાય છે કે સફળતાની ઝાકઝમાળ પાછળ સફરની પીડા અને એ દરમ્યાન સામે આવતા પડકારો ઝીલવાનું કામ આસાન નથી હોતું. સમાધાન કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી એ બહુ મોટી વાત છે. જે આ પડકાર ઝીલીને આગળ વધે છે તેને જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. ‘ઉમરાવ જાન’ માટે ખય્યામને ફિલ્મફેર અવૉર્ડ ઉપરાંત નૅશનલ અવૉર્ડ પણ મળ્યો. આશા ભોસલે અને રેખાને આઉટસ્ટૅન્ડિંગ સિંગર અને ઍક્ટ્રેસના અવૉર્ડ મળ્યા. રાષ્ટ્રપતિના હાથે નૅશનલ અવૉર્ડ લેવા માટે ખય્યામ દિલ્હી ગયા ત્યારે અવૉર્ડ્સ કમિટીના ચૅરમૅન અભિનેતા અશોક કુમારે જગજિત કૌરને કહ્યું કે મારી ઉપર આ અવૉર્ડ એક બીજી ફિલ્મને આપવા માટે પુષ્કળ દબાણ હતું, પરંતુ ઉમરાવ જાન સિવાય મારા મનમાં બીજી કોઈ ફિલ્મ નહોતી.

એ વર્ષે આ દરેક અવૉર્ડના શિરમોર સમો એક અવૉર્ડ ખય્યામને મળ્યો જે હતો ઉત્તર પ્રદેશ ફિલ્મ જર્નાલિસ્ટ અસોસિએશન તરફથી મળેલો ‘મોસ્ટ આઉટસ્ટૅન્ડિંગ મ્યુઝિક ડાયરેક્ટર ફૉર અ ક્વૉર્ટર સેનચ્યુરી અવૉર્ડ. બહુ ઓછા પ્રસંગોએ એવું બનતું હોય છે કે લાયક વ્યક્તિને અવૉર્ડ મળતો હોય છે. આ અવૉર્ડ મળવાથી ખય્યામનું સન્માન થયું એ સાથે અવૉર્ડની ગરિમા પણ વધી એ વાતમાં કોઈ શક નથી.

એક સક્ષમ, પરંતુ કમર્શિયલી બહુ સફળ નહીં એવા સંગીતકારના લેબલ સાથે જીવતા ખય્યામ માટે આનાથી મોટી બીજી કોઈ સિદ્ધિ નહોતી એટલે તો કહેવાય છે કે God has a tendency of picking up a nobody, to be somebody, in front of everybody, without consulting anybody.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK