જો આ લોકો તમાકુ છોડી શકે તો તમે શું કામ નહીં ?

31 May, 2019 09:51 AM IST  |  | દર્શિની વશી

જો આ લોકો તમાકુ છોડી શકે તો તમે શું કામ નહીં ?

પ્રતીકાત્મક તસવીર

ભારત તમાકુનો સૌથી વધુ વપરાશ કરનારો બીજો મોટો દેશ છે. જાણીને નવાઈ લાગે છે, પરંતુ આગળના આંકડા વધુ નવાઈ પહોંચાડે તેવા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે દેશમાં દર વર્ષે તમાકુના સેવનના લીધે ૧ કરોડ લોકોનાં મૃત્યુ થાય છે. આના કરતાં પણ આઘાતજનક આંકડા ટીનએજ બાળકોના છે. ૧૬ વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં ૯૦ ટકા બાળકો કોઈ ને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરી ચૂક્યાં છે, જેને લીધે દેશમાં રોજ ૨૭૦૦થી અધિક લોકો મોતને ભેટે છે. આ તો થયા માત્ર ભારતના આંકડા, પણ તેમાં આપણા ગુજરાતીઓ પણ કોઈથી પાછળ પડે તેવા નથી! વૈશ્વિક ટબૅકો સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલા એક આંકડા પ્રમાણે, ભારતમાં ૧૫ વર્ષથી વધુ વયના ૭ કરોડથી વધુ લોકો બીડી પીએ છે, જ્યારે માત્ર ગુજરાતમાં જ ૫૦ લાખ જેટલા લોકો બીડીના બંધાણી છે. આ તો માત્ર બીડી પીવાના આંકડા છે. ગુજરાત ટબૅકો સર્વે મુજબ, ગુજરાતમાં સવા કરોડ લોકો તમાકુના વ્યસની છે. પુખ્ત વયના લોકોમાં ગુટકાનું સેવન ૧૨.૮ ટકા નોંધાયું છે. ગુટકા ખાવાથી કૅન્સર થવાના ચાન્સીસ અનેક ગણા વધી જાય છે તમાકુને લીધે થતા કૅન્સરમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાય છે. કૅન્સરના કુલ પેશન્ટમાં ગુજરાતના દર્દીઓની સંખ્યા ૩૦થી ૩૫ ટકા છે. ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં મોઢાનું કૅન્સર થવાની સંખ્યામાં મોટો આંકડો બહાર આવ્યો છે.

‘તમાકુ કા સેવન સ્વાસ્થ્ય કે લિયે હાનિકારક હૈ’ સ્લોગન સેંકડો વખત ટીવી અને સિનેમા થિયેટરના પડદે વાંચીને હંમેશાં એક જ વિચાર આવે છે કે નૉ ટબૅકો કહેવું વ્યસનીઓ માટે સરળ છે ખરું? પરંતુ હકીકત તપાસતાં એટલું ચોક્કસ જાણવા મળ્યું છે કે ટબૅકોને નો કહેવું સરળ તો નથી, પરંતુ સાવ મુશ્કેલ પણ નથી. બસ, આ જાણવા માટે કેટલાક લોકોની સાથે સંપર્ક સાધ્યો, જેઓ ટબૅકોના જબરા બંધાણી હતા, પરંતુ ટબૅકોને નો કહેવામાં સફળ બની શક્યા. આજે ૩૧મેના નો ટબૅકો ડે છે ત્યારે જાણીએ ટબૅકોને ‘નો’ કહેવું કેટલું સરળ છે અને કેટલું ક‌ઠિન.

૪૫ વર્ષની સિગારેટની આદત છોડી આ ભાઈએ

મલાડમાં રહેતા ૬૩ વર્ષીય રવજીભાઈ શાહ કહે છે કે એક સમયે હું રોજની ૨૦ સિગારેટ પીતો હતો. એક બે વર્ષ સુધી નહીં, પરંતુ લગભગ ૪૫ વર્ષ સુધી ચાલેલા સિલસિલાને તેમણે કઈ રીતે તોડ્યો એ વિશે તેઓ કહે છે, ‘હું સિગારેટનો બંધાણી બની ગયો હતો. સિગારેટમાં તમાકુ આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેની જાણ હોવા છતાં આ આદત છૂટતી નહોતી. ઘરના સભ્યો પણ અનેક વખત કહી ચૂક્યા હતા અને કહી કહીને કંટાળ્યા પણ હતા. તેમની વાત માનીને મેં અગાઉ બેથી ત્રણ વખત સિગારેટ મૂકી દેવાનો નિર્ધાર પણ કર્યો, પણ સફળ થઈ શક્યો નહીં. આખરે મેં આ વ્યસન છોડવા માટે અમારા જૈન ધર્મનો સહારો લેવાનું નક્કી કર્યું. તપ અને ઉપવાસ શરૂ કર્યા જેને લીધે આપોઆપ આ આદતમાંથી બહાર આવી ગયો અને આખરે હું આ આદતમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ શક્યો, પરંતુ એક બાબત ચોક્કસ છે કે જ્યાં સુધી તમે મનથી કોઈ વસ્તુનો નિર્ધાર નહીં કરો ત્યાં સુધી તમે તેમાં સફળ થઈ શકતા નથી. જો મક્કમ મને નિર્ણય લેશો અને આગળ વધશો તો તમે કોઈ પણ સમસ્યા હોય કે પછી વ્યસન તેમાંથી બહાર આવી શકશો’ રવજીભાઈ કહે છે, ‘મારા ઘરમાં મારા પિતા પણ સિગારેટ પીતા હતા. નાનપણથી હું તેમને જોતો આવ્યો હતો, જેથી મને પણ આદત પડી ચૂકી હતી. તેઓ પોતે પણ સિગારેટ પીતા હતા તેથી મને પણ તેઓ રોકી શક્યા નહોતા, પરંતુ મારુ આ વ્યસન આગળની પેઢીમાં પ્રસરે નહીં તે માટે હું ઘણા સમયથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો અને આખરે સફળ થયો.’

તમાકુની આદતનો અફસોસ આજે પણ છે જ

વ્યસન ભૂતકાળ થઈ ગયું હોય કે વર્તમાનમાં હોય, પણ તેનો અફસોસ તમને જીવનભર રહેતો હોય છે, એવું રિટાયર્ડ ટીચર ઠાકોર વશીનું કહેવું છે. ભૂતકાળની વાતને વાગોળતાં તેઓ કહે છે, ‘મને વર્ષો પહેલાં તમાકુની આદત હતી. તે સમયની નાણાકીય અને કૌટુંબિક પરિસ્થિતિ એવી હતી કે ઉજાગરા કરીને પેટ ભરવું પડતું હતું અને ઉજાગરા માટે તમાકુ સૌથી અકસીર લાગતું હતું, પરંતુ થોડા વખતમાં મને ખ્યાલ આવી ગયો કે હું એક બાજી સંભાળવામાં બીજી બધી બાજી ગુમાવી બેસીસ અને મનથી નિર્ધાર કર્યો કે હવે તમાકુ નહીં જ એટલે નહીં જ. બસ પછી ત્યારથી લઈને આજની તારીખ સુધી તમાકુને હાથ સુધ્ધાં લગાવ્યો નથી. આજે એક વાતનો મને ગર્વ અને સંતોષ છે કે મારા આ ભૂતકાળના વ્યસનની આદત મારાં સંતાનો અને તેમનાં સંતાનોને નથી. તેઓ સંપૂર્ણપણે તમામ વ્યસનોથી દૂર રહેલાં છે.’

શું કહે છે ‌રીહૅબિ‌લિટેશન સ્પેશિયલિસ્ટ?

બોરીવલીના રીહૅબિ‌લિટેશન સ્પેશ્યલિસ્ટ ડૉ. ગિરીશ પટેલ કહે છે, ‘જ્યાં તમાકુની ખેતી થાય છે તેના ખેતરની ફરતે વાડ પણ બાંધવામાં આવતી નથી, કેમ જાણો છો? કેમ કે જ્યાં આનાં ફૂલ ઊગે છે તેને ખાવા માટે કોઈ પ્રાણી આવતું નથી એના પરથી વિચાર કરો કે પ્રાણીઓને પણ ખબર છે કે શું સારું છે અને શું સારું નથી. તમાકુમાં હજારો પ્રકારનાં ઝેરી રસાયણો છે. કાર્બન મોનોક્સાઈડ અને કૉલ ટાર (જેનો ઉપયોગ ડામર બનાવવામાં થાય છે) સૌથી ખતરનાક રસાયણ છે, જે તમાકુમાં આવે છે. તમાકુના વ્યસનની ફરિયાદ લઈને અમારી પાસે રોજ ઘણા પેશન્ટ આવે છે, પરંતુ ચોંકાઉવનારી વાત એ છે કે આવા કેસમાં મહિલા પેશન્ટનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેમાં નોર્ મહિલાઓનો સૌથી વધુ સમાવેશ થાય છે. તમાકુ સિગારેટ, બીડી, માવા, કેટલાક પાન વગેરેમાં આવે છે, પરંતુ જે તમાકુ છૂટું ચાવીને ખાય છે તે સૌથી વધુ ઘાતક હોય છે. તમાકુ માત્ર મોઢા અને ગળાને જ નહીં, પરંતુ શરીરનાં તમામ અંગને પણ નુકસાન પહોંચાડે છે. તમાકુના સેવનથી કૅન્સર ઉપરાંત હાર્ટ પર પણ સૌથી વધુ અસર નોંધાઈ છે. બીપી વધવાના કેસ, એટો બ્રેઇન સંબધિત સમસ્યા, ફેફસાં વગેરેની તકલીફોનો સામનો કરવો જ પડે છે. આજે તમાકુના બંધાણીને તેમાંથી બહાર કાઢવા અનેક દવા અને ટ્રીટમેન્ટ શોધાઈ છે. નિકો‌‌‌ટિની ચ્યુંઇંગમ તો આવે જ છે, સાથે તેના પેચ પણ આવી ગયા છે, જેને કપડાં પર લગાવી શકાય છે. એવું તો ઘણું છે પણ જ્યાં સુધી માણસ મક્કમ નહિ થાય ત્યાં સુધી કંઈ કામનું નથી.’

આ પણ વાંચોઃ મિલાન : જાણો કેમ અહીંની ચર્ચ છે ઐતિહાસિક?

ફરી વખત આવા વ્યસને ચડી ન જાઉં એટલા માટે હું તમાકુ ખાતા લોકોથી દસ ગજ દૂર રહું છું

મલાડમાં શૂઝની શૉપમાં સેલ્સ પર્સન તરીકે કામ કરતાં સુરેન્દ્ર ગાંધીને ૧૫ વર્ષ સુધી તમાકુ ખાવાની લત હતી અને લત પણ જેવી તેવી નહીં, મન થઈ જાય અને કામ બહુ હોય તો કેટલું ખવાઈ જાય તેનું માપ રહેતું નહોતું. તેઓ કહે છે, ‘આજે મને આ વ્યસન છોડીને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે અને હું મારી જાતને એકદમ હલકો-ફૂલકો મહેસૂસ કરું છું, સાથે મન પણ શાંત થઈ ગયું છે પણ આ વ્યસન છોડવું આસન નહોતું. શરૂઆતમાં થોડી તકલીફ પડી તેના લીધે મગજ પણ કોઈ વાર ગરમ થઈ જતું હતું અને તેનો ભોગ ઘણી વખત મારા સહકર્મચારીઓ પણ બન્યા હતા, પરંતુ ધીરે ધીરે બધું પાટા પર આવી ગયું. આજે હું વ્યસનમુક્ત છું અને તેનો મને ગર્વ મહેસૂસ થાય છે. તમાકુને હંમેશાં માટે ગુડબાય કહેવા માટે મેં મારા મનને એકદમ મજબૂત બનાવી લીધું હતું. અને સાચું કહું તો મનને મજબૂત કરવાથી જ હું આમાંથી ઝડપથી બહાર આવી શક્યો હતો. ન કોઈ ડોક્ટર કે ન કોઈ કન્સલ્ટન્ટ, માત્ર મનમાં કરેલા એક નિર્ધાર માત્રથી જ હું તમાકુમુક્ત બની શક્યો હતો. ફરી વખત આવા વ્યસને ચઢી નહિ જાઉં એટલા માટે હું તમાકુ ખાતા લોકોથી દસ ગજ દૂર રહું છું, કારણ કે તમારા ઘડતરના પાયામાં જેટલી ફૅમિલીની ભૂમિકા હોય છે તેટલી જ ફ્રેન્ડ સર્કલની પણ હોય છે, જેનો હું જીવતોજાગતો પુરાવો છું. કેટલાક મિત્રોની સાથે ઊઠબેસમાં મને આ વ્યસન ક્યારે લાગી ગયું તેની મને જાણ પણ થઈ નહોતી.’

gujarat news columnists