કૉલમ : કોણે ઉડાડી છે આજની યુવાપેઢીની ઊંઘ?

10 May, 2019 10:48 AM IST  | 

કૉલમ : કોણે ઉડાડી છે આજની યુવાપેઢીની ઊંઘ?

પ્રતીકાત્મક તસવીર

નેધરલૅન્ડ્સમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લાં દસ વર્ષમાં યુવાનોની સ્લીપિંગ પૅટર્નમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. સંશોધકોનું કહેવું છે કે નાની વયે ઇન્સોમ્નિયાના રોગથી પીડાતી યુવા પેઢીને વેળાસર જગાડવાનો સમય હવે પાકી ગયો છે. રાતે મોડે સુધી મોબાઇલમાં વ્યસ્ત રહેતા યુવાનોના ઊંઘવાના કલાકોમાં ખાસ્સો ઘટાડો થયો છે એ ચિંતાનો વિષય છે. અપૂરતી ઊંઘના કારણે તેઓ અનેક પ્રકારના રોગનો શિકાર થઈ રહ્યા છે.

નેધરલૅન્ડ્સની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પબ્લિક હેલ્થ ઍન્ડ એન્વાયર્નમેન્ટનો અહેવાલ કહે છે કે સ્લીપિંગ પૅટર્ન ચેન્જ થવાનું કારણ સોશ્યલ મીડિયા તો છે જ. પ્રકાશના કારણે પણ તેમની ઊંઘ પૂરી થતી નથી. પથારીમાં પડ્યા બાદ તેઓ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી લાઇટ બંધ કરતા નથી તેમ જ મોબાઇલ અથવા કમ્પ્યુટરની સ્ક્રીન પર મંડાયેલા રહે છે. પ્રકાશથી સૂવાનો સમય દૂર ધકેલાતો જાય છે. અપૂરતી ઊંઘની તેમના મૂડ અને સોશ્યલ ઇન્ટરઍક્શન પર વિપરીત અસર થાય છે. અપૂરતી ઊંઘના લીધે તેઓ દિવસે બગાસાં ખાય છે અને સ્ટડીને ફોકસ કરી શકતા નથી.

આ પણ વાંચો : મનનાં તાળાં (લાઇફ કા ફન્ડા)

રિપોર્ટ અનુસાર ૮થી ૧૩ વર્ષની વયનાં ૨૨ ટકા બાળકો પથારીમાં પડ્યા બાદ અડધો કલાક સુધી સ્ક્રીન પર હોય છે, જ્યારે ૧૩થી ઉપરની વયના ૮૩ ટકા ટીનેજરો સૂતાં પહેલાં અંદાજે બે કલાક ઇન્ટરનેટ પર વિતાવે છે. મોબાઇલનો ઉપયોગ ઘટાડવો એ શ્રેષ્ઠ છે, પણ યંગ જનરેશનને ડિવાઇસથી દૂર રાખવી અઘરી છે. આ દિશામાં વધુ સંશોધન કરતાં જાણવા મળ્યું હતું કે સ્ક્રીન પરની બ્લ્યુ લાઇટ આંખમાં પડવાથી શરીરની બાયૉલૉજિકલ ક્લૉક ખોરવાઈ જાય છે. રિસર્ચરોએ શોધી કાઢ્યું છે કે ઓરેન્જ લેન્સિસ ફિટ કરેલા ગ્લાસિસ બ્લ્યુ લાઇટને આંખમાં જતી અટકાવે છે. તેમણે ઓરેન્જ લેન્સિસવાળાં ચશ્માં પહેરવાની સલાહ આપી હતી. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી સ્લીપિંગ પૅટર્નમાં સુધારો જોવા મળે છે એવું તેમનું કહેવું છે.

columnists