બ્રાઝિલ નહીં દેખા તો કુછ નહીં દેખા

24 November, 2019 04:26 PM IST  |  Mumbai Desk | darshini vashi

બ્રાઝિલ નહીં દેખા તો કુછ નહીં દેખા

પોર્ટુગલ સભ્યતાનું પ્રતીક ગણાતો બ્રાઝિલ એ દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ છે, એટલું જ નહીં, પરંતુ વસ્તી અને વિસ્તારની બાબતમાં પણ એ પાંચમો મોટો દેશ ગણાય છે. અહીંની જનસંખ્યા લગભગ ૧૯૦ મિલ્યન જેટલી છે. આજે પણ અહીં મોટી સંખ્યામાં લોકો પોર્ટુગીઝ ભાષા બોલે છે. અહીંના લોકો રોમન કૅથલિક છે. બ્રાઝિલની એક તરફ ઍટલાન્ટિક મહાસાગર છે જયારે બીજી તરફ વેનેઝુએલા, પેરુ, આર્જેન્ટિના, બોલિવિયા જેવા દેશ છે. બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા છે. બ્રાઝિલ જેટલી ભૌગોલિક રીતે સમૃદ્ધ છે એટલો જ સમૃદ્ધ એના અટ્રૅક્શન પૉઇન્ટ ઑફ વ્યુથી પણ છે. ઍમેઝૉન નદી, ઍમેઝૉનનાં જંગલ, રિયો ડી જાનેરો, ક્રાઇસ્ટ ધ રિડીમર, રિયો કાર્નિવલ, સાઓ પાઓલો, સુગરલોફ માઉન્ટેન, તિજુકા નૅશનલ પાર્ક વગેરે જેવાં કેટકેટલાંય અહીંનાં પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્થળો છે. 

રિયો ડી જાનેરો
બ્રાઝિલની રાજધાની હવે બ્રાઝિલિયા છે, પણ એ અગાઉ એની રાજધાની રિયો ડી જાનેરો હતી સુરક્ષાનાં કેટલાંક કારણસર રાજધાની બદલવામાં આવી હતી, પરંતુ આજે પણ રિયો ડી જાનેરો બ્રાઝિલનું હૃદય ગણવામાં આવે છે. બ્રાઝિલનું મુખ્ય શહેર ગણાતા રિયો ડી જાનેરોમાં ૨૦૧૬માં સમર ઑલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લીધે તેનું નામ ઘણા લોકોના હોઠે પણ ચડી ગયું હતું. ખેર, હવે આ શહેરની વાત કરીએ તો આ શહેરમાં ઈશુ ખ્રિસ્તની વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે, જે ક્રાઇસ્ટ ધ રિડીમર તરીકે ઓળખાય છે અને એની ગણના વિશ્વની સૌથી વિશાળ કલાત્મક પ્રતિમામાં થાય છે, એટલું જ નહીં, આધુનિક વિશ્વની ૭ અજાયબીઓમાંની એક અજાયબી પણ ગણવામાં આવે છે એને લીધે એ દર વર્ષે લાખો ટૂરિસ્ટોને આકર્ષે છે. આ પ્રતિમાની ઊંચાઈ ૧૩૦ ફુટ છે ત્યારે એની પહોળાઈ ૯૮ ફુટ છે. આ પ્રતિમાનું વજન ૬૩૫ ટનનું અંદાજાય છે. આ પ્રતિમા શહેરના સરહદ પર આવેલી તિજુકા વન રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા કોકોવાડો પર્વતના ઊંચા શિખર પર બનાવવામાં આવી છે. મહાકાય પ્રતિમા સિવાય અહીં આવેલું મેરકાના સ્ટેડિયમ પણ ઘણું પ્રસિદ્ધ છે. આ સિવાય આ શહેર એની પ્રાકૃતિક સુંદરતા, કાર્નિવલ ઉત્સવ, સામ્બા અને અન્ય સંગીત મહોત્સવને લીધે જાણીતું છે. 

રિયો કાર્નિવલ
રિયો ડી જાનેરોમાં દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રિયો કાર્નિવલનું અયોજન કરવામાં આવે છે. આ કાર્નિવલનું મહત્ત્વ અને લોકપ્રિયતા માત્ર બ્રાઝિલમાં જ નહીં, વિશ્વભરમાં છે. કેટલાય દિવસો સુધી ચાલતા સામ્બા નૃત્ય અને પરેડને જોવા લાખો લોકોનો અહીં જમાવડો થાય છે. આ ઉત્સવમાં ડાન્સ બ્રાઝિલના લોકો કરે છે, જ્યારે મ્યુઝિક આફ્રિકાના લોકોનું હોય છે. અહીંની સંસ્કૃતિ અને સભ્યતાને જાણવા માટે આ ફેસ્ટિવલ સૌથી બેસ્ટ રહેશે. આ કાર્નિવલ વિશેની ટૂંકમાં રૂપરેખા જણાવીએ તો એની શરૂઆત ટ્રેડિશનલ સ્ટ્રીટ પાર્ટી સાથે થાય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો નૃત્ય કરતાં-કરતાં ભાગ લે છે. પરેડમાં લગભગ ૨૦૦ જેટલી સામ્બા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે. આ ફેસ્ટિવલ ૧૮મી સદીથી ઊજવવામાં આવે છે અને દર વર્ષે એની ભવ્યતામાં પણ વધારો થતો જાય છે. આ વર્ષે થયેલા કાર્નિવલમાં ૨૦ લાખ લોકોએ ભાગ લીધો હતો. 

ઍમેઝૉન જંગલ અને નદી
બ્રાઝિલનાં જોવાલાયક સ્થળોની વાત ચાલતી હોય અને ઍમેઝૉન યાદ નહીં આવે એમ કેમ બને? આમ તો અત્યારે આગને લીધે ઍમેઝૉનનું નામ ઘણું ચર્ચામાં છે જ. ઉષ્ણકટિબંધ જંગલો અને એમાં વસતાં દુર્લભ પ્રાણીઓ અને પક્ષીઓ બીજે કશે નહીં જોવા મળે. ઇકો ટૂરિઝમ પ્રિય લોકોને અહીં આવવાનું ગમશે. જેમ ઍમેઝૉન જંગલનો કેટલોક હિસ્સો બ્રાઝિલમાં છે એવી જ રીતે ઍમેઝૉન નદીનો કેટલોક પ્રવાહ પણ અહીંથી વહે છે. એને જોવું એ પણ એક લહાવો છે.

લેન્કોઇસ મેરેન્સિસ નૅશનલ પાર્ક
બ્રાઝિલના ટોચનાં આકર્ષણોમાંનું એક લેન્કોઇસ મેરેન્સિસ નૅશનલ પાર્ક છે. અહીં પાણીમાં સફેદ રેતીના કુદરતી રીતે સુંદર અને અદ્ભુત આકારના ટેકરા બની જાય છે. ત્રણ લાખ કરતાં વધુ એકરની જગ્યામાં આવા ટેકરા છે જે પથારી જેવા દેખાય છે. પથારીને પોર્ટુગલ ભાષામાં લેન્કો કહેવામાં આવે છે. અહીં ચોમાસા દરમ્યાન પાણી ભરાય છે. આ વરસાદના ખારા પાણીમાં લેન્કોઇસ મેરેન્સિસ એક અજબ પ્રકારની લૅન્ડસ્કૅપ બનાવે છે.

ઇગુઆઝુ ધોધ
કુદરતની સુંદર ચિત્રકારીના નમૂના જોવા હોય તો એવા સૌંદર્યથી પ્રચુર હોય એવા સ્થળે પહોંચી જજો, જેમાંનું એક સ્થળ છે ઇગુઆઝુ ધોધ. સામાન્ય રીતે સુંદર અને મહાકાય ધોધની વાત નીકળી હોય તો પહેલાં યાદ કૅનેડાના નાયગરા ધોધની જ આવે, પરંતુ અહીં આવેલો ઇગુઆઝુ ધોધ તમે અત્યાર સુધીમાં જોયેલા ધોધને ભુલાવી દેશે. આ ધોધ આર્જેન્ટિના અને બ્રાઝિલની બૉર્ડર પર આવેલો છે જેથી બન્ને રાજ્યના ટૂરિસ્ટો અહીં આવે છે. આ ધોધ વિશે વધુ અચરજ પમાડે એવી વાત કરીએ તો આ ધોધ કોઈ બેપાંચ ઝરાનો સમૂહ નથી, પરંતુ લગભગ ૨૭૫ ધોધનો સમૂહ છે. આટલા વિશાળ જળસમૂહમાંથી નીચે ખાબકતા પાણીનો અવાજ અને એનો નજરો કેવો હશે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દક્ષિણ અમેરિકાના બે દેશને અલગ પાડતો આ ધોધ દુનિયાની સૌથી મોટી વૉટર સિસ્ટમ ગણાય છે. આ ધોધ ઇગુઆઝુ નદીમાંથી સર્જાયો છે. એવું કહેવાય છે કે સોનાની ખોજમાં નીકળેલા એક સ્પૅનિશ ખોજીએ ૧૫મી સદીમાં આ ધોધ શોધી કાઢ્યો હતો. બ્રાઝિલે એના વિસ્તારમાં આવતા ઇગુઆઝુ ધોધ આગળ ઇગુઆઝુ નૅશનલ પાર્કની સ્થાપના કરી હતી જેને યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે. શાંત વાતાવરણમાં આ ધોધનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી પણ સંભળાય છે. આ ધોધ ૨૭૦ ફુટ ઊંચો અને ચાર કિલોમીટર પહોળો છે. નાયગરા જેમ ઘોડાની નાળ જેવો વળાંક ધરાવે છે એમ આ ફૉલ ડેવિલ્સ થ્રોટ એટકે કે દૈત્યની ડોક જેવો વળાંક ધરાવે છે.

ઐતિહાસિક સ્મારકો
બ્રાઝિલના ઇતિહાસનાં મૂળિયાં સુધી પહોંચવું હોય તો અહીં આવેલા સાલ્વાડોર શહેર ફરી આવવા જેવું છે. અહીંની ઇમારતો પોર્ટુગીઝ શૈલીમાં બનાવવામાં આવી છે, જે તમને દમણની યાદ અપાવી દેશે. એમાં મોનટ્રેરાટ, સેન્ટ ઍન્ટોનિયો, સાન માર્સેલોના કિલ્લાનો સમાવેશ થાય છે. એવી જ રીતે મિનાસ ગેરાયસમાં આવેલી ઑરો પ્રિટોના નગરની મુલાકાત લેવી ગમશે. અહીં દરેક માળખામાં સ્થાપત્ય સ્મારક છે. નજીકમાં વધુ એક પ્રાચીન શહેર છે મરિયાના. જે જોવું પણ વર્થ સાબિત થશે. બ્રાઝિલની વર્તમાન રાજધાની બ્રાઝિલિયા પણ જોવા જેવું છે. નવી શૈલીમાં બનેલી ઇમારત ઘણી રસપ્રદ છે.

બ્રાઝિલમાં પણ છે ગીરની ગાયો
ગીરની ગાયોને સૌથી વધુ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ એ હવે દેશમાંથી ધીરે-ધીરે લુપ્ત થઈ રહેલી જોવા મળે છે, જ્યારે સામે બ્રાઝિલમાં આ ગાયોની સંખ્યા વધી રહી છે, એટલું જ નહીં, પરંતુ આ ગાયોને લીધે બ્રાઝિલના અર્થતંત્રને જબરો વેગ મળ્યો છે. એવું છે કે આજથી વર્ષો પૂર્વે બ્રાઝિલનું અર્થતંત્ર ખાડે જતું રહ્યું હતું, પશુઓની સંખ્યા ઘટી રહી હતી, બિઝનેસ પણ બંધ થઈ રહ્યા હતા ત્યારે દેશે કટોકટીમાંથી બહાર નીકળવા માટે ભારતની મદદ માગી હતી. બ્રાઝિલે એ સમયે ભારતની શ્રેષ્ઠ ગણાતી ગીરની ગાયો અને આંધ્રની ઓનગોલ ગાયો મગાવી હતી. આ ગાયોનું યોગ્ય રીતે લાલનપાલન કર્યું અને જોતજોતામાં આ ગાયોની સંખ્યા ત્યાં અનેકગણી વધી ગઈ. આજે બ્રાઝિલમાં ગીરની એક ગાય સરેરાશ ૪૦ લીટર દૂધ આપે છે જેની નિકાસ ડેન્માર્ક અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં દૂધના પાઉડર સ્વરૂપે કરે છે અને લાખો-કરોડો રૂપિયા કમાય છે. દૂધના ઉત્પાદનમાં પણ બ્રાઝિલ ટૉપ ટેન દેશોમાં આવે છે. આજે બ્રાઝિલમાં ફરતાં-ફરતાં આપણી ગાયો દેખાઈ આવે તો પણ આપણે ભારતમાં જ હોઈએ એવો અનુભવ થઈ જાય.

સ્નેક આઇલૅન્ડ
જો તમે વિચારતા હો કે સૌથી વધુ સાપ ભારતમાં જ જોવા મળે છે તો તમે ખોટા છો, કેમ કે બ્રાઝિલમાં આવેલો આ ઇલ્હા ડા ક્યુઇમાડા ગ્રાન્ડે ટાપુ બધાનો રેકૉર્ડ તોડે એવો છે. બ્રાઝિલના સાઓ પાઓલોથી ૩૩ કિલોમીટરના અંતરે આ આઇલૅન્ડ છે. અહીં એક વર્ગમીટરના વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ સાપ છે. ટાપુ ચાર લાખ ત્રીસ હજાર વર્ગ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. એના પરથી અંદાજ મૂકી શકાય કે અહીં કેટલા સાપ હશે! એક અંદાજ પ્રમાણે અહીં ૨૦ લાખથી અધિક સાપ છે જેમાંના મહત્તમ સાપ ઝેરી હોય છે. આ સાપમાં પીટ વાઇપર, ગોલ્ડન લેન્ચેડ જેવા ઝેરીલા સાપનો સમાવેશ છે. આ આઇલૅન્ડને સ્નૅક આઇલૅન્ડ પણ કહેવામાં આવે છે. વિશ્વના સૌથી ખતરનાક આઇલૅન્ડની યાદીમાં આ આઇલૅન્ડનું નામ આવે છે. અહીં કોઈ પણ વ્યક્તિને જવા દેવામાં આવતા નથી. માત્ર વૈજ્ઞાનિક અને સંશોધન કરનારાને જ અહીં આવવા દેવાય છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

જાણી-અજાણી વાતો...
લગભગ ૧૫૦ વર્ષથી દેશમાં સૌથી અધિક કૉફીનું ઉત્પાદન કરવામાં બ્રાઝિલ પ્રથમ ક્રમાંકે આવે છે.
સૌથી અધિક પોર્ટુગલ લોકોની સંખ્યા બ્રાઝિલમાં છે.
બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયાને કોઈ આકાશમાંથી જુએ તો એવું જ લાગે કે કોઈકે નીચે હવાઈ જહાજ મૂક્યું છે.
અહીં ખાટું મધ થાય છે.
મકાઉ નામનો પોપટ બ્રાઝિલનું રાષ્ટ્રીય પક્ષી છે.
વૉલ્યુમની દૃષ્ટિએ સૌથી મોટી નદી તરીકે ઓળખાતી ઍમેઝૉન નદીનો મોટો હિસ્સો બ્રાઝિલમાં છે.
વિશ્વભરમાં ફુટબૉલમાં લોકચાહના મેળવનાર પ્લેયર પેલે બ્રાઝિલનો છે. 
અમેરિકા પછી બ્રાઝિલમાં સૌથી વધુ ઍરપોર્ટ છે.
બ્રાઝિલમાં વોટિંગ ફરજિયાત છે.
એક અહેવાલ પ્રમાણે બ્રાઝિલમાં દર વર્ષે ૬૦ લાખ પ્રવાસીઓ આવે છે.
બ્રાઝિલમાં યુનેસ્કોની ૧૯ હેરિટેજ સાઇટ છે.
બ્રાઝિલમાં ૧૮૦ ભાષા બોલાય છે.
બ્રાઝિલ દક્ષિણ અમેરિકાનો એકમાત્ર દેશ છે જે ઑલિમ્પિક્સ રમતોનું આયોજન કરે છે.