જમવાનું બહારથી ક્યારેય ઘરમાં આવતું જ નહીં એવું કહે છે 100 વર્ષનાં આ બા

28 August, 2019 01:48 PM IST  |  મુંબઈ | ભક્તિ ડી. દેસાઈ

જમવાનું બહારથી ક્યારેય ઘરમાં આવતું જ નહીં એવું કહે છે 100 વર્ષનાં આ બા

શ્રીમતીબહેન તેમની ત્રીજી પેઢી આકાંક્ષ સાથે.

વિશ્વપ્રખ્યાત અને બેસ્ટ ઍકૅડેમી અવૉર્ડ વિજેતા શૉર્ટ ફિલ્મ ‘ધ લેડી ઇન નંબર ૬, મ્યુિઝ‌ક સેવ્ડ માય લાઇફ’ જેમના પર બની એ ૧૦૬ વર્ષનાં યહૂદી પિયાનોવાદક ઍલિસ સોમરના જીવન પ્રત્યેના અભિગમની યાદ અપાવનાર શ્રીમતીબહેન ચંદ્રમુખભાઈ કોઠારીએ હાલમાં જ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

સારા સ્વાસ્થ્ય સાથે આટલી મોટી ઉંમરના લોકો ભાગ્યે જ જોવા મળે છે જેમને પોતાની ત્રણ પેઢી જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. શ્રીમતીબહેનને બે દીકરીઓ તથા એક દીકરો છે. દીકરો બંકિમ કોઠારી તેમની પત્ની રશ્મિ, પુત્ર મહેક, પુત્રવધૂ મનોશી સાથે મસ્કત (ઓમાન)માં રહે છે. બંકિમભાઈની દીકરી કરિશ્મા શાહ કુવૈતમાં રહે છે. તેમને એક દીકરો છે. પુત્રી રેખા તેમના પરિવાર સાથે મુંબઈમાં સ્થિત છે. તેમને એક દીકરો સ્વપન તથા દીકરી તૃપ્તિ શેટ્ટી છે. સ્વપન તેમની પત્ની નેહા તથા દીકરા સિધ સાથે યુએસમાં છે અને તૃપ્તિને ૨૩ વર્ષનો દીકરો છે. શ્રીમતીબહેનની બીજી દીકરી છે ક્ષમા, જે દિવ્યાંગ છે.

શ્રીમતીબહેન મૂળ સુરતનાં વતની. વર્ષ ૧૯૩૯માં તેમનાં લગ્ન સુરતના પ્રખ્યાત લખપતિ પરિવારનાં મોટા દીકરા ચંદ્રમુખ કોઠારી સાથે થયાં. થોડાં વર્ષો પછી આ પરિવાર મુંબઈ રહેવા આવ્યો અને ત્યારથી એ વર્ષો સુધી સી.પી. ટૅન્કસ્થિત પાઘડીના ઘરમાં રહ્યા. ‘પહેલો સગો પાડોશી’ આવા ઉદ્ગારો વર્ષો પછી શ્રીમતીબહેન પાસેથી સાંભળવા મળ્યા. હવેની પેઢીએ કદાચ આનો અર્થ શોધવા ‘હમ લોગ’ જેવી સોપ ઑપેરાનો સહારો લેવો પડશે. ભાવવિભોર થઈ શ્રીમતીબહેન કહે છે, ‘પહેલાં મુંબઈમાં મોટા ભાગે ચાલી જેવાં ઘરો જોવા મળતાં. જીવન જીવવાની અસલી કળા અહીંથી શીખવા તો મળતી જ પણ દરેક ઘર જાણે આપણું જ હોય એવો ભાવ દરેકના હૃદયમાં રહેતો.’

તો ચાલો શ્રીમતીબહેન અને તેમના પરિવારમાં આપસમાં જોવા મળતી જનરેશન ગૅપની અવનવી વાતોની દુનિયામાં એક લટાર મારીએ.

સંસ્કારોનો સાથ

જ્યારે શ્રીમતીબહેન ૪૯ વર્ષનાં હતાં ત્યારે તેમના પતિનું હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું. આર્થિક પરિસ્થિતિ પણ બહુ સારી નહોતી. તેમના પતિનું પેન્શન નહીંવત્ આવતું, પણ એ સમયમાં તેમના દિયર વીરેન્દ્રભાઈ તથા દેરાણી જયમતીબહેન તથા તેમના પુત્ર પરેશભાઈએ તેમનું એટલું ધ્યાન રાખ્યું કે તેઓ સમાજમાં સ્વાભિમાનથી જીવી શકે.

જીવનની વિપરીત પરિસ્થિતિને પણ જો તમે સહજતાથી વધાવી લો તો એ ક્યારેય સમસ્યા ન બને એમ જણાવીને શ્રીમતીબહેન કહે છે, ‘હું કેટલી નસીબદાર છું કે મને ક્ષમા જેવી દીકરી મળી છે. આટલી ઉંમરે મારી ૬૯ વર્ષની ક્ષમા મારી લાકડી બનીને મારા પડખે ઊભી છે, જ્યારે ઘણાં માતા-પિતા બાળકો હોવા છતાં તેમની પાછલી ઉંમરમાં એકલાં જ હોય છે.’

શ્રીમતીબહેન તેમના પરિવાર સાથે.

શ્રીમતીબહેન સ્વેચ્છાથી પુત્રી ક્ષમા સાથે પોતાની ૯૬ વર્ષની ઉંમર સુધી એકલાં રહ્યાં અને ઘરનાં બધાં કામ કરી હવેલી પણ જતાં.

બીજી પેઢી : આજની પેઢીની બેફિકરાઈનો ઉલ્લેખ કરીને બીજી પેઢીનાં રેખાબહેન કહે છે, ‘મારી બાના સંસ્કાર એટલા ઊંચા છે કે તેઓ જીવનમાં ક્યારેય કોઈની નિંદા નથી કરતાં અને જો બીજા કરે તો તેને પણ અટકાવે છે. જીવન પ્રત્યે ક્યારેય તેમને કોઈ ફરિયાદ નથી. તેમના જીવનથી તેઓ ખૂબ ખુશ છે અને એથી જ અમે અમારા ઘરનાં બાળકોને આ જ સંસ્કાર આપીએ છીએ, પણ જમાનો એવો છે કે વધતી જતી હરીફાઈ અને ફાસ્ટ લાઇફની દોડમાં દરેકને પોતાને માટે જ જીવવું હોય છે. નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવામાં જો પોતાના જ લોકો, સંબંધો, વહેવાર પાછળ રહી જાય તો પણ આજની પેઢીને કોઈની ફિકર નથી.’

ત્રીજી પેઢી : આ દિશામાં આગળ શ્રીમતીબહેનનો લાડકો પૌત્ર સ્વપન કહે છે, ‘અમે બાને ‘મોટીબા’ તરીકે સંબોધીએ છીએ. ઍલિસ સોમર તથા મોટીબાના જીવન જીવવાના અભિગમમાં એક સમાનતા છે અને એ છે એમની સકારાત્મકતા. ઍલિસ સોમરે પોતાની ૧૦૬ વર્ષની વયે જે કહ્યું એ જ મોટીબા ૯૯ વર્ષના અનુભવથી કહે છે કે જે છે એનો આભાર માની આનંદથી જિંદગી વિતાવીએ તથા હરહંમેશ દરેક પ્રત્યે ક્ષમાભાવ રાખીએ. મોટીબા એટલાં સ્વાવલંબી સ્વભાવનાં છે કે તેમની જીદ હતી કે તેઓ એકલાં જ રહેશે. હવે છેલ્લાં થોડાં વર્ષોથી અમે બધાં તેમને સમજાવીને, જીદ કરીને અમારા બોરીવલીના ઘરે લઈ આવ્યાં. મને યાદ છે કે થોડાં વર્ષો પહેલાં જ્યારે તેમની ઉંમર ૯૪ વર્ષની હતી ત્યારે  હું મોટીબાને મળવા રાત્રે તેમના ઘરે ગયો. તેમને પગની તકલીફ હતી. બાઈ આવી નહોતી અને હું પહોંચ્યો તો રાત્રે દરવાજો હંમેશાંની જેમ અધખુલ્લો હતો. મને ચિંતા થઈ. મેં જોયું તો મોટીબા મારે માટે ગરમ રોટલી બનાવી રહ્યાં હતાં. મારાં માસી તેમની પાસે ઊભાં હતાં. આ દૃશ્ય જોઈ મને એ સમયે ગુસ્સો, ચિંતા, ખુશી એમ અનેક ભાવ જાગ્યા. મારે મારી કઈ લાગણી વ્યક્ત કરવી એ ન સમજાયું. તેમને ચિંતાથી ઠપકો આપું કે તેમનો મારે માટેનો પ્રેમ જોઈ હરખ વ્યક્ત કરું કે પછી તેમના એકલા રહેવાના આગ્રહને ન ગણકારતાં કિડનૅપ કરી એ જ ક્ષણે મારે ઘરે લઈ જાઉં! અમારી પેઢીના કોઈની પણ પાસે આવી ગજબ ખુદ્દારી, શક્તિ કે પછી જીવન જીવવાનો સકારાત્મક અભિગમ ભવિષ્યમાં તો શું પણ હમણાં પણ છે કે નહીં એ કહેવું અઘરું છે.’ 

સંયુક્ત કુટુંબની પ્રથા

લાકડી જેવા પાતળાં તથા એકદમ નબળાં દેખાતાં શ્રીમતીબહેનને ચાલવા માટે વૉકરનો સહારો લેવો પડે એ સ્વાભાવિક છે, પણ આવી પરિસ્થિતિમાં પણ પ્રબળ ઇચ્છાશક્તિને કારણે તેઓ એટલાં કાર્યરત છે કે પોતાનાં દૈનિક કામ તથા ઠાકોરજીની સેવા પોતે જ કરે છે. તેમના ચહેરાનું સ્મિત તથા તેજ તેમના આયુષ્યમાં વધારો કરતાં જણાય છે.

આપણી ભારતીય પરંપરા પ્રમાણે શ્રીમતીબહેન સંયુક્ત કુટુંબમાં રહેતાં. સંયુક્ત કુટુંબની પ્રથા વિશે પોતાનો અભિપ્રાય જણાવતાં તેઓ કહે છે, ‘એ વખતે લોકો એકબીજા માટે જીવતા હતા. આશરે ૬૦ વર્ષ પહેલાં આજ જેવું ઝડપી જીવન નહોતું. લોકો પાસે એકબીજા માટે સમય હતો. દરેકને એકબીજાની સાથે જોડી રાખનાર તથા અછતમાં પણ બરકતનો અનુભવ કરાવનાર કડી એટલે સંતોષ, જે દરેકના જીવનમાં ઓછાવત્તા પ્રમાણમાં હતો. આજે લોકો પાસે બધું છે, પણ શાંતિ નથી; કારણ કે ક્યાંક સાધન-સંપત્તિભર્યા જીવનમાં સંતોષની ઊણપ છે.”

શ્રીમતીબહેન જાણે તેમનો અતીત ફરી માણી રહ્યા હોય એમ ઉત્સાહ સાથે વાતો કહી રહ્યાં હતાં.

બીજી પેઢી : શ્રીમતીબહેનના જમાઈ કૃષ્ણકાંત સંજાણવાલા પોતાનાં સાસુનો એક રમૂજી પ્રસંગ યાદ કરીને બોલ્યા, ‘તેમનું ઘર પાંચમા માળે હતું ત્યારે તેમણે જૂના જમાનાનો એક પતરાનો પટારો બહાર બાલ્કનીમાં રાખેલો હતો. ત્યાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી હતી અને એક વાર ઘણાંબધાં કબૂતરો એ પટારા પર એકસાથે બેઠાં ને પાંચમા માળેથી એ પટારો નીચે પડ્યો અને ત્યાં ઊભેલી કારનું બોનેટ તૂટી ગયું. કારવાળાએ ગુસ્સામાં મને ફોન કર્યો. મેં તેને સામેથી કહ્યું કે જે ખર્ચો થશે એ હું તમને આપી દઈશ. સાચે જોઈએ તો વાંક અમારો પણ નહોતો. મમ્મીને આ વાતની ખબર પડી તો તેમણે પૈસા આપવાની વાત પર અસહમતી દર્શાવી અને પૂછ્યું કે એમાં પૈસા આપણે શેના આપવાના? આમાં કોઈનો વાંક નથી. અને અંગ્રેજીમાં કહ્યું કે ‘ઇટ ઇઝ ઍન ઍક્ટ ઑફ ગૉડ.’ આ વાત સાંભળી પૈસા ન આપવા જોઈએ એવું મને પણ લાગ્યું.’

ખાણી-પીણી વિશે

તેમના આહાર વિશે ચર્ચા કરતાં કંપનભર્યા ઊંચા સ્વરે તેઓ બોલી ઊઠ્યાં, ‘દાળ, ભાત, શાક, રોટલી, અથાણું અથવા ઘરમાં જે હોય તે ખાઈને અમે ચલાવી લેતાં પણ બહારનું જમવાનું ક્યારેય ઘરમાં ન આવતું. અમે ૫૦થી ૧૦૦ લોકોને ઘરે આમંત્રણ આપ્યું હોય તોયે એટલાબધા લોકોની બધી રસોઈ ઘરે બનાવવાની ક્ષમતા મારામાં જ નહીં, પણ એ સમયની દરેક સ્ત્રીમાં હતી. હું આને સ્ત્રીની આવડત કહીશ, જે આજે ક્યાંક લુપ્ત થઈ રહી છે. મેં આ બધું વારંવાર કર્યું છે. એ વખતે આટલી હોટેલો નહોતી અને સાચું કહીએ તો એની જરૂર પણ વર્તાતી નહોતી, કારણ કે મોટા પરિવારને બને એટલી કરકસરથી સાચવવા માટે અમે સાદો, પણ પૌષ્ટિક આહાર બનાવવાનું પસંદ કરતાં. એથી જ આજે પણ અમારી પેઢીના લોકોની તબિયત લોઢા જેવી છે.’

બીજી પેઢી : રેખાબહેન અહીં સાદ પુરાવતાં બોલ્યાં, ‘અમે આ બધું બાને કરતાં જોયાં છે પણ અમારામાં તેમના જેટલી હિંમત નથી. જો કોઈ મોટો પ્રસંગ હોય તો અમે જમવાનું બહારથી મંગાવી લઈએ.’ 

આજની ટેક્નૉલૉજી

વધી રહેલી આધુનિક ટેક્નૉલૉજીના સંદર્ભમાં શ્રીમતીબહેન કહે છે, ‘હવે મને સંભળાતું નથી અને એથી હું ફોનનો ખાસ ઉપયોગ કરતી નથી પણ મને ટેક્નૉલૉજીમાં રસ છે અને ફેસબુક તથા વૉટ્સઍપ પર ફોટો તથા વિડિયો જોઈ શકું. મને વાંચનનો એટલો શોખ છે કે ઘરે આવતાં બધાં છાપાં હું દરરોજ વાંચું.’

બીજી પેઢી : રેખાબહેન એક ગૃહિણી છે અને તેમનો પુત્ર તથા ભાઈ પરદેશ હોવાથી તેઓ બધી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે. તેમના કહેવા મુજબ હવેની પેઢીને જીવનની અસલી મજા ચાખવાનો અવસર નહીં મળે. અમે બન્ને સમય જોયો છે. અમે જાણીએ છીએ કે હવેની પેઢીના હાથ મોબાઇલ તથા લૅપટૉપ પર સરળતાથી ફરી શકશે, પણ કદાચ આ જ હાથને હવે ગોળ રોટલી બનાવવાની કળા હસ્તગત નહીં થઈ શકે. દરેકને ટ્રેડમિલ પર દોડવું છે પણ એની વાસ્તવિકતા નથી સમજવી કે કેટલા પણ કલાક મશીન પર દોડશો તોયે ત્યાં જ રહેશો, પણ પરંપરાગત પ્રથા તથા કળા શીખશો તો માનસિક તથા શારીરિક પ્રગતિ કરશો.’

ત્રીજી પેઢી : આ જ વિષય પર પોતાના વિચારો પ્રગટ કરતાં સ્વપન કહે છે, ‘હું મોટીબાને ઑસ્કર લેડી તરીકે સંબોધિત કરું છું. મોટીબા તથા મમ્મીની વાત સાથે પણ સહમત છું કે ટેક્નૉલૉજી અમારા જીવન પર એટલીબધી હાવી થયેલી છે કે અમે બીજી કોઈ પ્રવૃત્તિનો વિચાર પણ નથી કરી શકતા.’

શ્રીમતીબહેન જેવા સકારાત્મક અભિગમ સાથે જો જિંદગી જીવીએ તો એક વાત ચોક્કસ છે કે જીવનરૂપી પિચ પર સેન્ચુરીથીયે વધારે રન કરવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં રહેલી છે.

આ પણ વાંચો : બને ચાહે દુશ્મન ઝમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા

એવું  સમાજમાં સામાન્ય લાગતી ઘણી વ્યક્તિઓ પોતાના વિશેષ તથા અસામાન્ય ગુણોથી પોતાની ઓળખ બનાવે છે, જરૂર છે આવી વ્યક્તિઓના વ્યક્તિત્વને આજની પેઢી સુધી પહોંચાડવાની. બાકી તો બી રોપાય તો એક ને એક દિવસ સંસ્કારરૂપી ઝાડ જરૂર ઊગશે અને જે સંસ્કૃતિ, પરંપરા ભુલાઈ ગયાં છે એ ફરી યાદ આવી જશે. 

columnists