બાળકોને બોલવામાં થતી તકલીફો વિશે થોડા જાગૃત રહો

17 January, 2019 10:25 AM IST  |  | જિગીષા જૈન

બાળકોને બોલવામાં થતી તકલીફો વિશે થોડા જાગૃત રહો

પ્રતાકાત્મક તસવીર

બાળકનું દરેક પ્રથમ કામ ઘણું મહત્વનું હોય છે. એમાં પણ જ્યારે તે પહેલો શબ્દ બોલે ત્યારે એની ખુશી તેના પેરન્ટ્સથી વધુ કોઈ ન સમજી શકે. બાળક પહેલો કયો શબ્દ બોલતાં શીખ્યું હતું એ વર્ષો સુધી લોકો યાદ રાખે છે એટલું જ નહીં, જન્મતાંની સાથે જ તે ક્યારે બોલશે એની રાહ જોવાતી હોય છે. સામાન્ય રીતે બાળક ૬ મહિના પછી જુદા-જુદા અવાજો કાઢતું થઈ જાય છે જેને સાદી ભાષામાં આપણે હોંકારા ભણે છે એમ કહીએ છીએ. ધીમે-ધીમે તે એક અક્ષર જેને તે વારંવાર રિપીટ કરીને બોલવાનું ચાલુ કરે છે જેમ કે મા-મા, પા-પા, દા-દા વગેરે શબ્દોથી શરૂઆત થતી હોય છે. એક વર્ષ પછી તે આખા શબ્દો અને બે શબ્દવાળાં નાનાં વાક્ય જેમ કે મને આપો વગેરે બોલવાનું શરૂ કરે છે. જેને આપણે પ્રૉપર ભાષા કહીએ છીએ એ બોલવાનું બીજા વર્ષ પછી શરૂ થાય છે. પરંતુ જરૂરી નથી કે દરેક બાળક બે વરસની અંદર બોલવાનું શીખી જ જાય. ઘણાં બાળકો મોડું બોલતાં શીખે છે. ઘણાં બાળકો શરૂઆતમાં તોતડું બોલતાં હોય છે. એ ખૂબ સરસ લાગતું હોય છે, પરંતુ એ મોટાં થાય ત્યારે એ જાતે સુધરી જવું જોઈએ એ સુધરે નહીં તો એ એક પ્રૉબ્લેમ ગણાય છે. આ સિવાય પણ બાળકોમાં ઘણા સ્પીચ પ્રૉબ્લેમ હોઈ શકે છે. આજે જુદા-જુદા સ્પીચ પ્રૉબ્લેમ્સ વિશે સમજીએ અને એની પાછળનાં કારણો જાણીએ પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ અને ડૉ. પંકજ પારેખ પાસેથી.

હકલાવું

મમમમને નીચે રરરમવા જાવું છે. આ પ્રકારનો સંવાદ બોલતાં બાળકો ઘણાં સામાન્ય છે. આ પ્રકારના બાળકને ભાષા અને શબ્દનું જ્ઞાન છે, પરંતુ જ્યારે તે બોલવા જાય છે ત્યારે તે અટકીને બોલે છે અથવા તો એક શબ્દ વારંવાર રિપીટ કરીને પછી જ આગળ વધી શકે છે. આ બાળકોમાં મોટા ભાગે આત્મવિશ્વાસની કમી જોવા મળે છે. તેમની જીભ ખૂબ અટકતી હોય છે જાણે કે કોઈ વસ્તુ તેમને સતત રોકતી હોય. આવાં બાળકોને સતત પ્રૅક્ટિસ તો કરાવવી જ પડે છે કે તે હકલાય નહીં અને સીધું બોલે, પરંતુ એની સાથે તેને સમય આપીને તેનો આત્મવિશ્વાસ વધારવો પડે છે. તેના પ્રયત્નોને માન દેવું પડે છે. મોટા ભાગે આવાં બાળકોની મજાક ઉડાડવામાં આવે છે. એવું બહાર થતું અટકાવવું અઘરું હોય, પરંતુ ઘરમાં તો કોઈએ તેની મજાક ન જ ઉડાડવી.

તોતડાવું

દરેક અક્ષરનું સ્પષ્ટ ઉચ્ચારણ દરેક બાળક નથી કરી શકતું. ખાસ કરીને નાનાં બાળકો. પછી જેમ ઉંમર વધે એમ તે સુધરે છે. પરંતુ જાતે જ સુધરી જાય એ અઘરું છે. એટલે પ્રયત્નો તો કરવા જ. તોતડું બાળક મોટા ભાગે ટ, ળ, ફ, વ, જ, ડ, ઠ, ણ જેવા અક્ષરો સ્પષ્ટ બોલી શકતું નથી. એમાં પણ ક્ષ કે જ્ઞ કે પછી ત્ર તો તેમને ખૂબ જ અઘરા પડે. મોટા ભાગે એવું જોવા મળે છે કે જે બાળક તોતડું હોય તેને નાનપણથી સ્પીચ થેરપી અપાવો તો તેનામાં જલદી સુધાર આવે છે. ખાસ કરીને જો તમારું બાળક 4-5 વર્ષનું થઈ જાય અને હજી પણ તોતડું જ બોલે છે તો નિષ્ણાતની મદદ લો. જો મોડું કરીશું તો બાળક માટે વધુ અઘરું બનશે.

અટકી-અટકીને બોલવું

પછી છે ને... પછી... પછી હું... હું ત્યાં ગયો આવી રીતે બાળક વાત કરતું હોય ત્યારે તેના પેરન્ટ્સ ચિડાઈ જાય છે કે ભાઈ જલદી બોલ, શું થયું છે. આ બાળકોને બોલવું ઘણું હોય છે, પરંતુ બોલવામાં વચ્ચે-વચ્ચે તે અટકી જાય છે. ઘણી વખત એવું થાય છે કે બાળક જલદી વિચારી નથી શકતું એટલે બોલવામાં અટકે છે તો ઘણી વાર એવું થાય છે કે વિચારો તો જલદી આવે છે, પણ જીભ ઊપડતી નથી. બાળક જે વિચારે એટલી જ ઝડપે તેના મોઢામાંથી શબ્દ નીકળે એવી એક પ્રૅક્ટિસ આ બાળકોને કરાવવી જરૂરી છે. ઘણાં બાળકો ખૂબ જ ઝડપથી વિચારે છે અને એ વિચારોને એટલી ઝડપથી વ્યક્ત કરી નથી શકતાં એવાં બાળકો બોલવામાં ગોટા મારે છે. આમ બૅલૅન્સ શીખવવું પડે છે.

માનસિક અસર

બાળક નાનું હોય ત્યારે આ પ્રકારે બોલે તો બધા તેને ક્યુટ માને છે, પણ જ્યારે તે સ્કૂલ જવા માંડે ત્યારે તેની સાથે ભણતાં બાળકો કે બીજા લોકો તેની મજાક ઉડાવે છે. તેના પર હસે છે. બાળકને સ્પીચનો પ્રૉબ્લેમ હોય છે એ કોઈ ને કોઈ રીતે બાળકની સાઇકોલૉજી સાથે જોડાયેલો જ હોય છે અને આ પ્રકારનું વાતાવરણ તેના મન પર વધુ અસર કરે છે. તે બોલતાં જ ખચકાવા લાગે છે, લોકોને મળવું તેને ગમતું નથી અને એકલવાયું બની જાય છે. બોલવું એ વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ છે અને બોલવાનું જ જો છીનવાઈ જાય તો બાળક ગૂંગળાય છે. આ પરિસ્થિતિમાં તેને ઘરના લોકોનો સપોર્ટ જરૂરી છે તથા આ બાબતે પેરન્ટ્સે થોડા જાગૃત થઈને બાળકનો યોગ્ય ઇલાજ કરાવવો જેથી તેને આ પરિસ્થિતિ લાંબા સમય સુધી સહન ન કરવી પડે.

બોલવામાં પ્રૉબ્લેમ્સ પાછળનાં કારણો

ઘણાં બાળકોને બોલવાનો પ્રૉબ્લેમ હોય છે. ખાસ કરીને ઘણાં બાળકો મોડું બોલવાનું શરૂ કરે છે. જે બાળકોને જન્મ સમયે કોઈ પ્રૉબ્લેમ થયો હોય, બાળક પ્રીમૅચ્યોર જન્મ્યું હોય અથવા જેના બ્રેઇનમાં કોઈ પ્રકારનું ડૅમેજ થયું હોય તેવાં બાળકો મોડું બોલતાં શીખે છે.

એમાં પણ જે બાળકોને સાંભળવાની તકલીફ હોય તો એ બાળકોમાં બોલવાની તકલીફ જોવા મળે જ છે, કારણ કે ભાષા ત્યારે જ આવડે જ્યારે કોઈ એને વ્યવસ્થિત સાંભળે. શબ્દો પકડવા માટે, સમજવા માટે અને યાદ રાખવા માટેનું પહેલું સ્ટેપ સાંભળવું છે.

આ ઉપરાંત જિનેટિકલી પણ ઘણાં બાળકો એવાં હોય છે એટલે કે જેમનાં મમ્મી-પપ્પા મોડું બોલતાં શીખ્યાં હોય તેઓ ખુદ પણ મોડું બોલતાં શીખી શકે છે.

જેની જીભ ટૂંકી હોય કે જેને જીભ ચોંટે છે એવું પણ કહેવાય એટલે કે જીભની નીચે આવેલો સ્નાયુ થોડો નાનો હોય જેને લીધે જીભ જલદીથી ઊપડે નહીં અને સરળતાથી હરી-ફરી શકે નહીં તો પણ બાળક મોડું બોલતાં શીખે. આવાં બાળકો જો બોલતાં થાય તો તોતડું બોલે છે. સામાન્ય રીતે આવાં બાળકોને જ્યારે કહો કે જીભ બતાવ ત્યારે તેની જીભ હોઠથી બહાર નીકળી શકે એટલી ફ્લેક્સિબલ હોતી નથી.

સામાન્ય રીતે એ ઉંમર સાથે સરખી થઈ જાય છે. બાકી જો એ ન થાય તો એક નાનકડું ઑપરેશન કરવું પડે છે.

કોઈ પણ બાળકને બોલતાં કે ભાષા સમજતાં ત્યારે જ આવડે જ્યારે તેની સાથે વ્યક્તિ અને ખાસ કરીને માતા-પિતા વાતો કરે. સતત તેની સાથે ભાષા દ્વારા કમ્યુનિકેશન બનાવીને રાખે અને એ ત્યારે શક્ય છે જ્યારે માતા-પિતા પાસે બાળક માટે સમય હોય. ખાસ કરીને જોવા મળે છે કે સંયુક્ત પરિવારમાં ઘણાબધા લોકો વચ્ચે બાળક ખૂબ જલદીથી બોલતાં શીખી જાય છે, પરંતુ આજકાલ કુટુંબો વિભક્ત થઈ ગયાં છે. માતા-પિતા બન્ને પાસે બાળક માટે ખૂબ જ ઓછો સમય છે ત્યારે તેઓ પોતાના બાળક સાથે વધારે સમય વિતાવી શકતાં નથી.

ઘણી એવી સ્ત્રીઓ પણ છે જે ઘરે જ રહે છે, પરંતુ ઘરનાં અને બીજાં કામોમાં વ્યસ્ત રહેવાને કારણે બાળક સાથે વાતો કરવી, તેની સાથે રમવું, તેના માટે અલગથી સમય ફાળવવો જોઈએ એ ફાળવી શકતી જ નથી; જેને કારણે બાળકને ભાષાનું કોઈ એક્સપોઝર મળતું નથી અને એને જ કારણે તે બોલતાં મોડું શીખે છે.

આ પણ વાંચો : તમે અપૂરતી ઊંઘના શિકાર છો એ કઈ રીતે ખબર પડે?

અમુક રિસર્ચ એવું કહે છે કે જે બાળકો વધુ વાર ટીવી જુએ છે એ બાળકો મોડું બોલતાં શીખે છે. એની પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું છે કે બાળકોનાં માતા-પિતા ટીવીને કારણે પોતાના બાળક સાથે ઓછો સમય વિતાવે છે. બાળકનું ભાષાનું જ્ઞાન સતત તેનાં માતા-પિતા સાથેના કમ્યુનિકેશન પર આધાર રાખે છે.

columnists