શ્રી અય્યપ્પા સ્વામી લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે એ માટે રાહ જુએ છે

06 January, 2019 11:05 AM IST  |  | Ruchita Shah

શ્રી અય્યપ્પા સ્વામી લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે એ માટે રાહ જુએ છે

સબરીમાલાનું મુખ્ય મંદિર

‘સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશથી અનર્થ સર્જાયો છે અને હવે મંદિરના મુખ્ય ભગવાન અય્યપ્પા સ્વામીના કોપથી એકેય ગુનેગાર બચી નથી શકવાના. મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપીને તમે બ્રહ્મચારી દેવ ઐયપ્પા સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે.’

સબરીમાલાના મુખ્ય ભગવાન અયપ્પા સ્વામીની જેમ તેમની સાથે લગ્ન કરવાના ઓરતા સાથે પ્રતીક્ષા કરનારા મલિકાપુર્થમ્માનું પણ સ્થાન છે

કંઈક આવા સૂર સાથે સબરીમાલાના નિયમોના સમર્થકોએ કેરળમાં દંગા જેવો માહોલ ઊભો કર્યો છે. વષોર્થી અહીં યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે અને મહિલાઓના પ્રવેશથી તેમના બ્રહ્મચારી ભગવાનની આમાન્યાનો ભંગ થયાની પીડા તેમને અનુભવાય છે એવી રજૂઆત કરતા ઇન્ટરવ્યુઓ તમે પણ વાંચ્યા હશે. છેલ્લા ઘણા વખતથી આ મંદિર ચર્ચામાં છે. વર્ષના અમુક દિવસો જ ખુલ્લા રહેતા આ મંદિરમાં પૂજારીઓ અને મહંતોના કહેવા મુજબ લગભગ ૧૨૦૦ વર્ષથી મહિલાઓને પ્રવેશ નથી. જોકે આ પરંપરા હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી હવે તૂટી છે. બેશક, એમાં પણ આજ સુધી અઢળક ઊહાપોહ ચાલુ છે. છેલ્લા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ મંદિરમાં પ્રવેશવામાં સફળ રહી છે અને એટલે જ મંદિરની પ્રાચીન પરંપરાઓની બાબતમાં કટ્ટરવાદીઓએ વાહનોના કાચ તોડવાથી લઈને પોલીસ પર હુમલો કરવા સુધીની જનજીવન ખોરવતી અનેક હરકતો કરી લીધી છે. જોકે સબરીમાલાના ઐયપ્પા મંદિરનું પૌરાણિક મહત્વ શું છે? મહિલાઓ સાથે આ ભગવાનને શું વાંધો પડ્યો? એટલા તે કેટલા ભક્તો મંદિર સાથે સંકળાયેલા છે કે વિરોધ આટલો તીવþ બન્યો છે? દેખીતી રીતે જ ધાર્મિકતા સાથે હવે રાજકારણ જોડીને ઘણા નેતાઓ અને રાજકીય દળો આ મુદ્દા પર પોતાના મતલબની રોટલી શેકી રહ્યા છે અને એટલે જ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારો સમુદાય પણ વિશાળ બન્યો છે ત્યારે સબરીમાલા અય્યપ્પા મંદિરની કેટલીક મહત્વપૂર્ણ વિગતો પર નજર કરીએ.

પૌરાણિક કથા કહે છે કેરળમાં આવેલું આ મંદિર ભારતનાં અતિ પ્રાચીન મંદિરોમાંનું એક છે અને એનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે સ્વયં પરશુરામે આ મંદિરની સ્થાપના કરી હતી. મંદિરના મુખ્ય ઈષ્ટદેવ ઐયપ્પા સ્વામી શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાનના મોહિની રૂપમાંથી અવતરેલા છે. શિવ અને વિષ્ણુ એમ બન્નેનો અંશ હોવાથી અય્યપ્પા સ્વામીને હરિહરપુત્ર પણ કહે છે. સમુદ્રમંથન દરમ્યાન દાનવો પાસેથી અમૃતનો પ્યાલો લેવા માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લીધું. આ મોહિની પર ભગવાન શિવ પણ મોહી પડ્યા અને બન્નેના સંયોગથી અય્યપ્પા સ્વામીનો જન્મ થયો. •ષિ પરશુરામજીએ મકર સંક્રાન્તિના દિવસે અય્યપ્પા સ્વામીની મંદિરમાં સ્થાપના કરી હતી. આ મંદિર માત્ર નવેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું હોય છે. બાકીના સમય માટે એનાં દ્વાર બંધ હોય છે. એટલે જ આ ગાળા દરમ્યાન દરેક ધર્મ અને પંથના લગભગ પાંચ કરોડથી પણ વધુ દર્શનાર્થીઓ મંદિરનાં દર્શને આવે છે.

મંદિરની ખાસિયત

પશ્ચિમ ઘાટનાં ગાઢ જંગલોમાંથી ૧૮ ટેકરીઓ વચ્ચે આવેલા ખૂબ જ સુંદર મંદિરના મુખ્ય ભગવાન સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી છે. પેરિયાર ટાઇગર રિઝર્વના જંગલમાંથી જતો પર્વતનો રસ્તો લગભગ ૬૧ કિલોમીટર લાંબો છે. મુખ્ય ભગવાન સુધી પહોંચવા માટે ૧૮ પગથિયાં ચડવાં અનિવાર્ય છે. આ ૧૮ પગથિયાંમાંથી પહેલાં પાંચ પગથિયાં આપણી પાંચ ઇãન્દ્રયોનું પ્રતિનિધિત્વ કરે છે. એ પછી આઠ પગથિયાં ક્રોધ, લાલચ, ઈષ્ર્યા જેવા આઠ અવગુણોને રેપ્રિઝેન્ટ કરે છે. બીજાં બે પગથિયાં જન્મજાત ગુણો અને છેલ્લાં બે પગથિયા જ્ઞાન અને અજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રસાદમમાં ઘી, સાકર, ગોળ, અને ચોખામાંથી બનતા પાયસમ અને અપ્પમ અહીંનો મુખ્ય પ્રસાદ હોય છે. મંદિર બંધ થાય એ પહેલાં હરિવરસણમ ગીત ગાવામાં આવે છે. ભક્તો ત્રિવેણીમાં સ્નાન કરીને દિવો પ્રગટાવીને નદીમાં પ્રવાહિત કરે પછી જ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરતા હોય છે. લગભગ ૧૫૩૫ ફીટની ઊંચાઈ પર મંદિરનું મુખ્ય ગર્ભદ્વાર છે અને શ્રદ્ધાળુઓએ પગપાળા યાત્રા કરવી કમ્પલ્સરી છે. ચડાણ શરૂ કર્યા પછી પહેલો પડાવ શબરી પીઠનો છે. કહેવાય છે કે રામની પ્રતીક્ષા કરનારી અને એઠાં બોર ખવડાવનારી શબરી નામની ભીલડીએ અહીં તપસ્યા કરી હતી. શ્રી અય્યપ્પા સ્વામીએ જ તેનો ઉદ્ધાર કયોર્ હતો. બીજા પડાવમાં શરણમકુટ્ટી નામની જગ્યા આવે છે. પહેલી વાર આવનારા ભક્તો અહીં બાણ જમીનમાં ખોસતા હોય છે. એ પછી મુખ્ય મંદિરમાં જવાના બે રસ્તા છે. એક સામાન્ય રસ્તો છે જ્યાંથી કોઈ પણ યાત્રાળુ જઈ શકે, પરંતુ બીજો રસ્તો છે ૧૮ પવિત્ર સીડીઓનો. યાત્રા માટે આવેલા જે ભક્તે અહીં પહોંચવાના ૪૧ દિવસનું કઠિન વþત કર્યું હોય એમના માટે. આ વþતમાં ૪૧ દિવસ સુધી એક જ ટાઇમ સાદું ભોજન લેવાનું, કાળા અથવા ભૂરા રંગનાં જ કપડાં પહેરવાનાં, બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવાનું, નખ નહીં કાપવાના, વાળ નહીં કાપવાના, વ્યસન નહીં કરવાનું, નૉનવેજ નહીં ખાવાનું, ગળામાં તુલસીની માળા પહેરવાની, જમીન પર સૂવાનું જેવા આકરા પાળ્યા પછી પંડિતજીની આજ્ઞા લઈને ૧૮ પવિત્ર દાદર પર ચડીને મુખ્ય ગર્ભદ્વાર સુધી શ્રદ્ધાળુ જઈ શકે છે. આ ૧૮ સીડીઓ પાસે ઘીથી ભરેલું નારિયેળ વધેરીને અંદર જવાનું હોય. અહીં જ એક હવનકુંડ છે ત્યાં પણ નારિયેળની આહુતિ આપવામાં આવતી હોય છે. આ મંદિરમાં ઘૃતાભિષેક એટલે કે ઘીના અભિષેકનું ખૂબ મહત્વ છે. અય્યપ્પા સ્વામીના મુખ્ય મંદિર ઉપરાંત અહીં ગણપતિ, નાગરાજ જેવા ઘણા ઈષ્ટદેવની પ્રતિમાઓ પણ છે. સંતાનપ્રાપ્તિ માટે અહીં સર્પગીત ગાવાની પરંપરા છે. દરેક ધર્મ, નાત, જાતના શ્રદ્ધાળુઓ અહીં આવી શકે છે માત્ર સ્ત્રીઓ સિવાય. મોટા ભાગના લોકો કાળી લુંગી પહેરતા હોય છે. બીજી મજાની વાત એટલે કે જે વધુ વાર આ મંદિરમાં આવ્યો છે તેને મંદિરને લગતી આરતી, સફાઈ કે મંત્રોચ્ચારમાં પહેલી પ્રાયોરિટી મળે. એ રીતે જો દલિતે વધુ વાર યાત્રા કરી છે તો તે મોટો અને બ્રાહ્મણ નહીં. એ સમયે બ્રાહ્મણ દલિતના પગે લાગશે અને તેના હાથે પ્રસાદ પણ લેશે. જ્ઞાતિભેદ આ રીતે આ મંદિરમાં નથી. મકર સંક્રાન્તિના દિવસે મંદિરમાં વિશેષ ઉજવણીઓ અને ઉત્સવોનું આયોજન થાય છે.

મહિલાઓને પ્રવેશ નહીં કેમ?

અય્યપ્પા સ્વામીને બ્રહ્મચારી માનવામાં આવે છે, જેને લીધે મંદિરમાં ૧૦ વર્ષથી મોટી અને ૫૦ વર્ષથી નાની ઉંમરની મહિલાઓને પ્રવેશ નથી આપવામાં આવતો. ટૂંકમાં મહિલાઓને માસિક આવતું હોય ત્યાં સુધીનો આખો સમયગાળો તેઓ મંદિરમાં જઈ શકે નહીં. આ નિયમ ગેરવાજબી છે અને એને તાત્કાલિક નાબૂદ કરવામાં આવે એવું સુપ્રીમ કોર્ટે કહી દીધું છે અને ઘણી મહિલાઓના સતત પ્રયાસ પછી હવે ત્રણ મહિલાઓ માંડ મંદિરમાં પ્રવેશ કરી શકી છે, પણ આજેય શ્રદ્ધાળુઓનો વિરોધ અકબંધ છે.

કહેવાય છે કે ભગવાન અય્યપ્પા ખૂબ જ નાના હતા ત્યારે એક રાક્ષસણીએ તેમના વિસ્તારમાં ત્રાહિમામ પોકારાવ્યો હતો. હકીકતમાં એક શ્રાપને કારણે એક સુંદર સ્ત્રીએ રાક્ષસ બનવું પડ્યું અને માત્ર અય્યપ્પા સ્વામી જ તેને આ શ્રાપમાંથી મુક્ત કરી શકે એમ હતું. શ્રાપમાંથી મુક્ત થયા પછી એ સ્ત્રી અય્યપ્પા સ્વામીના પ્રેમમાં પડી. તેણે ભગવાન પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે અય્યપ્પા સ્વામીએ પોતાની ભક્તોની માનતા પૂરી કરવાની અને ભક્તોની રક્ષા માટેની જવાબદારીને કારણે દુન્યવી બાબતોથી વૈરાગ્ય લેવાની વાત કહી. જોકે પેલી સ્ત્રી પોતાની જીદ પર કાયમ રહી એટલે છેલ્લે અય્યપ્પા સ્વામીએ પેલી સ્ત્રીને કહ્યું કે જ્યાં સુધી આ મંદિરમાં કન્ની સ્વામી એટલે કે એક પણ નવો ભક્ત દર્શન માટે આવતો રહેશે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. પેલી સ્ત્રીએ આ શરત માન્ય રાખી અને પ્રતીક્ષા શરૂ કરી. આજે પણ એ સ્ત્રી રાહ જોઈ રહી છે. અય્યપ્પા સ્વામીના મુખ્ય ગર્ભગૃહની બાજુના મંદિરમાં મલિકાપુર્થમ્મા તરીકે તેમની પૂજા થાય છે. આ દેવી પ્રત્યેનો ભગવાનનો આદર સચવાયેલો રહે એ માટે હવેથી તેઓ કોઈ પણ માસિક ધર્મ આવતો હોય એવી સ્ત્રીઓને નહીં મળે એવા શપથ લીધા. મલિકાપુર્થમ્માના પ્રેમનું અપમાન ન થાય અને તેમણે આપેલા બલિદાનને લોકો યાદ રાખે એ માટે મહિલાઓને અહીં પ્રવેશ નથી અપાતો એવી એક માન્યતા છે.

બીજી માન્યતા મુજબ અય્યપ્પા સ્વામી અનંત બ્રહ્મચારી હોવાથી સ્ત્રીઓ માટે તેમનાં દર્શન વર્જિત છે. ત્રીજી એક માન્યતા મુજબ કેરળના એક રાજ્યના પંથલમ નામના રાજઘરાણામાં અય્યપ્પા સ્વામીએ જન્મ લીધો. સબરીમાલા મંદિર આ રાજઘરાણાની હદમાં હતું. પ્રજાઅનુરાગી રાજા હોવાને નાતે તેમણે અરબસ્તાનમાંથી આવેલા બાબર અથવા વાવર નામના બાદશાહે કરેલી ચડાઈનો સામનો કરી પોતાના રાજ્યનું રક્ષણ કર્યું. આગળ જતાં આ જ બાબર પણ અય્યપ્પા સ્વામીનો ભક્ત બની ગયો અને સબરીમાલા મંદિરની અને શ્રદ્ધાળુઓની રક્ષા માટે ત્યાં જ તેણે યક્ષ તરીકે સ્થાન ગ્રહણ કર્યું. સબરીમાલા જતી વખતે એક મસ્જિદ પણ વચ્ચે આવે છે જ્યાં બાબરનું સ્થાન માનવામાં આવે છે. મંદિરમાં જતાં પહેલાં શ્રદ્ધાળુઓ મસ્જિદની પ્રદક્ષિણા અચૂક કરતા હોય છે.

આ પણ વાંચોઃ લક્ષદ્વીપ નાજુક, નમણું પણ રળિયામણું

આ મંદિરમાં જે મુખ્ય સંદેશ પર ભાર મુકાતો હોય છે તે છે કે ઈશ્વર તારામાં છે. ‘તત્વમસિ.’ ‘તું એ જ છે.’ ‘તું જ ઈશ્વર છે.’ પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વરનો વાસ માનનારા શ્રદ્ધાળુઓ એકબીજાને સ્વામી કહીને બોલાવતા હોય છે. જોકે પ્રત્યેકમાં ઈશ્વરનો વાસ માનનારા ભક્તોને સ્ત્રીઓમાં ઈશ્વરનાં દર્શન કેમ નહીં થતા હોય? અને નિયમાગ્રહને કારણે આતંકી હરકતો કરતા તેઓ કેમ નહીં અચકાતા હોય? એ સવાલો નવાઈ પમાડનારા છે.

 

columnists