Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટ્રાવેલ-ગાઇડ - લક્ષદ્વીપ નાજુક, નમણું પણ રળિયામણું

ટ્રાવેલ-ગાઇડ - લક્ષદ્વીપ નાજુક, નમણું પણ રળિયામણું

30 December, 2018 01:31 PM IST |
દર્શિની વશી

ટ્રાવેલ-ગાઇડ - લક્ષદ્વીપ નાજુક, નમણું પણ રળિયામણું

કદમત આઇલૅન્ડ : કદમત આઇલૅન્ડ વૉટર-સ્પોર્ટ્સ માટે અને એમાં પણ સ્કૂબા માટે પ્રખ્યાત છે.

કદમત આઇલૅન્ડ : કદમત આઇલૅન્ડ વૉટર-સ્પોર્ટ્સ માટે અને એમાં પણ સ્કૂબા માટે પ્રખ્યાત છે.


ટ્રાવેલ-ગાઇડ - 

કોઈ સ્થળનું માત્ર ને માત્ર બીચને લીધે જ પૉપ્યુલર થવું એનો અર્થ એવો થયો કે ચોક્કસ આ સ્થળ કંઈક વિશેષ આકર્ષણ ધરાવતું હશે! ગોવા હોય કે દમણ, અલીબાગ હોય કે આંદામાન આ દરેક ડેસ્ટિનેશનનું મુખ્ય આકર્ષણ તો બીચ છે જ, આ સિવાય પણ અહીં અનેક આકર્ષણો છે જે ટૂરિસ્ટોને ખેંચે છે. પરંતુ લક્ષદ્વીપ એવું સ્થળ છે જ્યાં બીચ સિવાય કશું પણ જોવા જેવું નથી તેમ છતાં આ આઇલૅન્ડ તરફ ટૂરિસ્ટોનો વધી રહેલો ધસારો આશ્ચર્ય પમાડે છે. એવું તે શું છે અહીંના બીચમાં કે લોકો આજે અહીં ખેંચાઈ રહ્યા છે. આ નાનકડા ટાપુ પર આવેલા બીચ પર આળોટીએ એ પહેલાં એની થોડી પૂર્વભૂમિકા બાંધી લઈએ.



લક્ષદ્વીપનો અર્થ થાય છે લાખ ટાપુઓનો સમૂહ. જોકે અહીં લાખ ટાપુઓ તો નથી, માત્ર ૩૩ જેટલા જ ટાપુઓ છે જેમાંથી માત્ર ૧૧ ટાપુઓ પર જ માનવ વસાહત છે. કેટલાક ટાપુઓ પર તો ટૂરિસ્ટોને જવાની મનાઈ પણ છે. તેમ છતાં સરકાર આગામી સમયમાં વધુ ટાપુઓ ટૂરિસ્ટો માટે ખુલ્લા મૂકવાનું વિચારી રહી છે. આટલાબધા ટાપુઓ હોવા છતાં અહીંની જનસંખ્યા ૬૫,૦૦૦ની આસપાસ જ છે. અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો અહીં માનવો કરતાં કુદરતી સૌંદર્ય જ વધુ ફૂલ્યુંફાલ્યું છે. લક્ષદ્વીપના મૅપને ધ્યાનથી જોવામાં આવે તો જણાશે કે અહીં આવેલા ટાપુઓ એકબીજાથી ઘણા અંતરે આવેલા છે. એક ટાપુથી બીજા ટાપુ પર જવા માટે બોટ ફેરીનો વિકલ્પ છે. દેશના સાત કેન્દ્રશાસિત પ્રદેશો છે જેમાં એક લક્ષદ્વીપ છે. માત્ર ૩૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો લક્ષદ્વીપ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ ગણાય છે. એની રાજધાની કવરટ્ટી છે. આ ટાપુ અરબી સમુદ્રમાં આવેલો છે અને કેરળના દરિયાકિનારાથી બસોથી ત્રણસો કિલોમીટરના અંતરે છે. પરંતુ મૉલદીવ્ઝથી એ ઘણો નજીક છે. દક્ષિણ ભારતનો હિસ્સો ગણાતા લક્ષદ્વીપની સ્થાપના ૧૯૫૬ની સાલમાં કરવામાં આવી હતી. દેશને આઝાદી મળી એ પૂર્વે આ પ્રદેશ બ્રિટિશ શાસનના મલબાર વિભાગ હેઠળ આવતો હતો. અને તેમના આગમન પૂર્વે આ પ્રદેશ ટીપુ સુલતાનના હાથમાં હતો અને આજે એ દેશના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે એક વખત લક્ષદ્વીપ પાકિસ્તાન હેઠળ જવાની તૈયારીમાં જ હતું, પરંતુ સરદાર પટેલની સૂઝબૂજથી લક્ષદ્વીપ ભારત હેઠળ કરી લેવામાં આવ્યું હતું. લક્ષદ્વીપના મૂળ ઇતિહાસ અને એની શોધને લઈને ઘણી વાર્તાઓ ફરે છે, પરંતુ હજી સુધી હકીકત પરથી પડદો ઊંચકાયો નથી. વર્તમાનની જ વાત કરીએ તો કેરળને સમાંતર હોવાથી અહીંની મુખ્ય ભાષા મલયાલમ અને માહલ છે. પરંતુ મોટા ભાગના લોકો મલયાલમ જ બોલે છે. અહીંના લોકોની મુખ્ય આવક ટૂરિઝમ, ફિશિંગ અને શણ ઉદ્યોગ પર નર્ભિર છે. જોકે ટૂરિઝમનો વિકાસ અહીં ૧૯૭૪ની સાલ પછી ઘણો વિકસિત થયો છે. લક્ષદ્વીપનું સૌથી મોટું શહેર ઍન્ડ્રૉટ છે. અહીં ફરવા માટે કવરટ્ટી, કલ્પેની, અગત્તી, કદમત, બંગરામ જેવા નાના-નાના દ્વીપો છે જે ખૂબ જ રમણીય છે. આ સિવાય અહીં જોવા માટે ચારે તરફ સૌંદર્યથી ભરપૂર બીચ, પારદર્શક પાણી અને અલૌકિક દરિયાઈ સૃષ્ટિ જ છે. વૉટર-સ્પોટ્ર્સના રસિકોને માટે તો અહીં ચાંદી જ ચાંદી છે. ચારે તરફ નારિયેળીનાં ઝાડ જ ઝાડ, સમુદ્રના પાણીની સાથે જાણે ‘ખો’ રમી રહ્યાં હોય એવાં નાનાં-નાનાં સરોવરો, ત્યાંથી નજર ફેરવીએ ત્યાં હરિયાળીથી તરબોળ થયેલા ટાપુનો નયનરમ્ય નજારો તમને બીજી જ કોઈ સૃષ્ટિમાં હોવાનો અહેસાસ કરાવે છે. આટલું ઓછું હોય એમ અહીંનું પારદર્શક અને પ્રદૂષણમુક્ત પાણી વૉટર-સ્પોર્ટ્સપ્રેમીઓને ઘેલા કરી મૂકે છે.


સ્કૂબા-ડાઇવિંગ

લક્ષદ્વીપનું ખરું આકર્ષણ જમીન પર નહીં, પરંતુ સમુદ્રની અંદર છે જેને માણવાની તક અહીં ભરપૂર મળી રહે છે. પેટાળમાં જઈને ત્યાંની જીવસૃષ્ટિને નજીકથી માણવાનો મોકો એટલે સ્કૂબા-ડાઇવિંગ. આમ તો સ્કૂબા-ડાઇવિંગ આજે દેશના મોટા ભાગના દરેક બીચ પર ઑફર કરવામાં આવે જ છે, પરંતુ જો દરિયાઈ સૃષ્ટિની ખરી મજા લેવી હોય તો લક્ષદ્વીપ સ્કૂબા માટે સૌથી બેસ્ટ જગ્યા છે. એનાં કારણો તો ઘણાં છે, પણ મુખ્ય કારણ છે અહીં આવેલા કોરલ્સ એટલે કે પરવાળા. અહીં એકબે નહીં, પરંતુ અસંખ્ય પરવાળાના નાના- નાના ટાપુ બનેલા છે જેને પરવાળાની કૉલોની પણ કહી શકો છો. ભારતમાં અન્ય કોઈ સ્થાને આટલા વિશાળ પરવાળાનું સામ્રાજ્ય જોવા મળશે નહીં. આ કોરલ્સમાંથી નીકળતી અને છુપાઈ જતી રંગબેરંગી અને વિવિધ આકાર અને પ્રકારની માછલીઓનો અહીં જમાવડો થાય છે. એમાંની કેટલીક માછલીનાં નામ પણ સાંભYયાં નથી એવી માછલી અહીં જોવા મળે છે. અહીં માછલીઓ જ નહીં, પણ મોટા કાચબાઓ પણ વસે છે. વામનથી માંડીને વિરાટ કદ સુધીના દરિયાઈ કાચબાને જોવાનો ચાન્સ સ્કૂબામાં મળે છે. દરિયાઈ જીવો ઉપરાંત અહીં ડૂબી ગયેલાં અનેક પ્રખ્યાત જહાજોના અવશેષો પણ જોવા મળી શકે છે, પરંતુ એ માટે સમુદ્રમાં ઘણું આગળ જવું પડે છે અને સાથે પ્રૉપર ગાઇડન્સ અને ગાઇડ હોવાં જરૂરી છે. જો તમને સ્કૂબા નહીં આવડતું હોય તો પણ અહીં વાંધો નથી, કેમ કે અહીં સ્કૂબાની ટ્રેઇનિંગ પણ આપવામાં આવે છે જે કેટલાક બીચ પર ઉપલબ્ધ છે. સ્કૂબા ઉપરાંત સ્નૉર્કલિંર્ગ, વિન્ડસર્ફિંગ, કાયાકિંગ જેવી અનેક વૉટર-સ્પોર્ટ્સ ઍક્ટિવિટી અવેલેબલ છે.


સંપન્ન જળસૃષ્ટિ

ટાપુ સમુદ્રથી વીંટળાયેલો હોવાથી અહીં લખલૂટ જળસૃષ્ટિનાં દર્શન કરવાનો મોકો મળે છે. અહીંના દરિયામાં છસોથી વધુ પ્રકારની માછલીઓ છે જેમાં માન્ટા, વિયોપાર્ડ મોરી ઇલ્સ, એશિયન ડૉલ્ફિન, વાઇટ ટીપ શાર્ક, બ્લૅક શાર્ક, ટાઇગર શાર્ક, યલો ફ્યુટ્સલરી, ક્લોન ફિશ, સ્ટીલ ગ્રે વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ૭૮ જાતના કોરલ્સ, ૮૨ પ્રકારની દરિયાઈ વનસ્પતિ, બાવન જાતના કરચલા જોવા મળશે. આ સિવાય ૧૦૧ જાતનાં વિવિધ પક્ષીઓ તો ખરાં જ. અહીં જળસૃષ્ટિ જેટલી ભરચક એટલો જ જંગલોનો ખાલીપો લાગે છે. જો તમે અહીં જંગલમાં ફરવાનો પ્લાન કરી રહ્યા હો તો તમારે નિરાશ થવાનો વારો આવી શકે છે.

કવરટ્ટી અને કાલ્પેની

આ સ્થળે અનેક પ્રકારની વૉટર-સ્પોર્ટ્સ ઍક્ટિવિટી થાય છે. અહીં સમુદ્ર હેઠળ રહેલી દરિયાઈ સૃષ્ટિને જોવા માટે ભાડેથી ગ્લાસ બૉટમ બોટ પણ મળે છે જેમાં બેસીને તમારા પગની નીચે ફરતા જળચર જીવોની ઝલક જોઈ શકાય છે. આ આઇલૅન્ડ પર અનેક મસ્જિદો પણ આવેલી છે જે ભારતીય સમુદ્ર વાસ્તુકલાને પ્રદર્શિત કરે છે. આમ તો અહીં બીજું જોવા જેવું કંઈ નથી, પરંતુ અહીં એક મરીન ઍક્વેરિયમ બનાવવામાં આવેલું છે. જ્યાં લટાર મારવી હોય તો મારી શકાય છે. કાલ્પેનીમાં માનવ વસ્તી લગભગ નહીંવત જ છે. માનવ વસ્તી નહીં હોવાને લીધે આ સ્થળનું કુદરતી સૌંદર્ય જળવાઈ રહેલું છે. આ ભારતનું પણ કદાચ પહેલું જ સ્થળ હશે જ્યાં પ્રથમ વખત છોકરીઓને ભણવા માટે મોકલાવી હતી. અહીં નજીકમાં જ ત્રણ નાના ટાપુ આવેલા છે જ્યાં કોઈ વસ્તી નથી. એની ફરતે સરોવર બની ગયું છે, જેનો નજારો દૂરથી જ સુંદર લાગે છે.

અગત્તી અને કદમત આઇલૅન્ડ

અગત્તી લક્ષદ્વીપનો એકમાત્ર આઇલૅન્ડ છે જ્યાં ઍરપોર્ટ આવેલું છે. બહારથી આવનારી બધી જ ફ્લાઇટ અહીં આવે છે. એટલે જ અગત્તીને લક્ષદ્વીપનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત અહીંના ઍરપોર્ટનો રનવે પણ ખૂબ જ સુંદર છે. સમુદ્રકિનારાની લગોલગ આવેલો રનવે ફ્લાઇટમાં લૅન્ડ થતી વખતે એક અલગ જ અહેસાસ કરાવે છે. આ સિવાય રંગબેરંગી માછલીઓ અને કાચબા જોવા હોય તો અગત્તી આવી જાઓ. આઠ કિલોમીટર લાંબા એવા આ આઇલૅન્ડમાં કરવામાં આવતા સ્કૂબા-ડાઇવિંગમાં અચરજ પમાડે એવા દરિયાઈ જીવોને જોવાની મજા પડી જશે. ઉપરાંત ટાપુ પર વચ્ચે કુદરતી રીતે બની ગયેલાં લગૂન્સ જે અહીંનું સવર્શ્રે ષ્ઠ સરોવર ગણાય છે એ અહીંના સૌંદર્યમાં વધારો કરે છે. અહીંના દરિયાકિનારાનો સમાવેશ ભારતના સૌથી સુંદર દરિયાકિનારામાં થાય છે. કદમત બીચ સફેદ રેતી અને કતારબદ્ધ આવેલાં નારિયેળીનાં ઝાડ માટે પ્રખ્યાત છે, જેને લીધે ઘણા ટૂરિસ્ટો ખાસ અહીંથી કોકોનટ પાઉડર ખરીદીને લઈ જાય છે. સ્કૂબા-ડાઇવિંગ કરવા માટેનું આ બેસ્ટ સ્થળ ગણાય છે. એના માટે અહીં છ સ્થાન ફાળવવામાં આવેલાં છે. એકસરખી સપાટી ધરાવતો અને લાંબો કિનારાનો પટ્ટો ધરાવતો આ આઇલૅન્ડ ટૂરિસ્ટોને અલગ વિશ્વમાં લાવીને મૂકે છે. આ ટાપુની બરાબર સામે પિટ્ટી અને ચિલ્કમ એમ બે ટાપુ આવેલા છે, જેના કિનારાનું પાણી એકદમ ચોખ્ખું અને પારદર્શક છે. અહીં ટૂરિસ્ટો ખાસ સ્વિમિંગ કરવા માટે આવતા હોય છે. આ ઉપરાંત અહીં અનેક સ્પોર્ટ્સ ઍક્ટિવિટી પણ થતી હોય છે.

મિનિકોય આઇલૅન્ડ

જો તમે પાણી જોઈને કંટાળી ગયા હો તો મિનિકોય આઇલૅન્ડ પર આવેલા લાઇટહાઉસને જોવા નીકળી જાઓ. આમ તો આ લાઇટહાઉસ અન્ય જેવું જ છે, પરંતુ એની ખાસિયત એ છે કે આ લાઇટહાઉસનું નિર્માણ ૧૮મી સદીમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમુદ્રનાં ઊછળતાં મોજાંને રોજ તાળી આપતું હોય એમ આ લાઇટહાઉસ અને સમુદ્રનાં મોજાંના સમન્વયનો નજારો અત્યંત સુંદર છે. આ દીવાદાંડીની ટોચ પર જઈને દૂર-દૂર સુધીના સમુદ્રના પાણી અને કોરલ્સને મન ભરીને જોવાની તક મળશે. આ ટાપુ મૉલદીવ્ઝથી ઘણો નજીક છે. તેમ જ એની કેટલીક લાક્ષણિકતા પણ મૉલદીવ્ઝને મળતી આવતી હોવાથી એને મૉલદીવ્ઝની સાથે પણ સરખાવવામાં આવે છે. લક્ષદ્વીપના અન્ય ટાપુઓની સરખામણીમાં આ ટાપુની સંસ્કૃતિ અન્ય કરતાં ઘણી અલગ પડે છે. તેમ જ અહીંનો બીજો સૌથી મોટો ટાપુ પણ છે, જેમાં દસ ગામડાં આવેલાં છે. ટાપુનો આકાર અર્ધચંદ્રાકાર છે.

ટાઇમ ટુ રિલૅક્સ

ફરી-ફરીને થકી ગયા હો તો અગત્તીથી ૮ કિલોમીટરના અંતરે આવેલા બંગારામ આઇલૅન્ડ આવી પહોંચો. અહીં આવેલું બીચ સનબાથ માટે પ્રખ્યાત છે. સૂર્યના નરમ તડકાની નીચે કલાકો સુધી બ્લુ સીને જોતાં-જોતાં રેશમી રેતી પર ચાલતાં અને ઠંડી રેતીમાં આળોટતાં તમારો આખા વર્ષનો થાક ઊતરી જશે. એવું પણ કહેવામાં આવે છે કે અહીંના પાણીનાં મોજાં અનેક રંગનાં છે. વિદેશી ભૂમિના ટૂરિસ્ટોનો આ આઇલૅન્ડ હૉટ ફેવરિટ છે. ખાસ કરી વૉટર-સ્પોર્ટ્સ જે અહીં ઘણી સસ્તી પડતી હોવાથી વિદેશીઓ અહીં એની મજા લેવા આવે છે. આ આઇલૅન્ડ પ્રત્યે વધી રહેલા આકર્ષણને જોતાં સરકાર વધુ ટૂરિસ્ટોને ખેંચવા માટે નવી-નવી યોજનાઓ ઘડી રહી છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

લક્ષદ્વીપ આઇલૅન્ડ પર પહોંચવા માટે પરમિટ લેવી ફરજિયાત છે. પરમિટ માટે અરજી કર્યા બાદ એને પાસ થતાં બે દિવસ લાગી જાય છે.

લક્ષદ્વીપમાં આવવા માટેની પરમિટ કોચીનથી લેવી પડે છે, જ્યાં લક્ષદ્વીપ ટૂરિઝમની ઑફિસ આવેલી છે.

વિદેશી ટ્રાવેલર્સ ને માત્ર અગત્તી, બંગરામ, કદમત બીચ પર જ જવાની પરવાનગી છે.

અહીં રાત્રે ટ્રાવેલિંગ કરવું જોખમી હોવાનું કહેવાય છે. ચોરી, લૂંટફાટની ઘટના અહીં વારંવાર બનતી હોવાનું નોંધાયું છે.

પરવાળાને પોતાની સાથે લઈ જવા ગુનો ગણાય છે.

અહીંથી નારિયેળ તોડીને લઈ જવું એક ગુનો ગણાય છે.

બંગરામ બીચ સિવાય અન્ય કોઈ પણ સ્થળે મદ્યપાન કરવા પર પ્રતિબંધ છે.

અહીંના બીચ પરનું સૌંદર્ય એટલું ભરપૂર છે કે કૅમેરાની બૅટરી ડાઉન થઈ જવાના પૂરા ચાન્સ છે. બીચ પર જવા પૂર્વે બૅટરીને ફુલ ચાર્જ કરવાનું ભૂલતા નહીં.

અહીં ઇલેક્ટ્રિસિટી જનરેટર પર ચાલે છે.

મોટા ભાગના શહેરી વિસ્તારોમાં ATM મળી રહે છે.

લક્ષદ્વીપ પર માત્ર બે જ કંપનીનાં નેટવર્ક પકડાય છે. BSNL અને ઍરટેલ સિવાય અહીં કોઈ પણ કંપનીનું નેટવર્ક પકડાતું નથી.

ચારે તરફ સમુદ્ર હોવાથી અહીંના લોકો ખોરાકમાં સી ફૂડ વધુ લે છે. જોકે રિસૉર્ટ અને હોટેલોમાં તમને વેજિટેબલ ફૂડ મળી રહે છે, પરંતુ પસંદગીના વિકલ્પો વધુ રહેતા નથી.

જાણી-અજાણી વાતો

પરવાળા ટાપુ (કોરલ) એટલે કે દરિયાઈ જીવસૃષ્ટિનું ઘરનું નિર્માણ કેવી રીતે થાય છે એ અહીં જોવા મળે છે. આ ક્રિયાને કોરલ રીફ ફૉર્મેશન કહેવામાં આવે છે જે ભારતમાં ફક્ત લક્ષદ્વીપમાં જ થાય છે.

આમ તો લક્ષદ્વીપ કોઈ શૉપિંગ ડેસ્ટિનેશન નથી, પરંતુ તમારે આ સ્થળની યાદગીરીરૂપે કંઈ લઈ જવું હોય તો અહીંથી કોરલ્સ શેલ્સ, સમુદ્રી હસ્તશિલ્પ ખરીદી શકો છો. આ સિવાય અહીં કાચબાની ખાલમાંથી બનેલી વસ્તુઓ પણ મળે છે.

અહીં મુસ્લિમ સમુદાયની વસ્તી મોટી માત્રામાં છે, જેમની વસ્તી ૯૩ ટકાની આસપાસ છે.

એવું કહેવાય છે કે લક્ષદ્વીપમાં એક પણ હિન્દુ મંદિર આવેલું નથી.

આટલો નાનો આઇલૅન્ડ હોવા છતાં અહીં શિક્ષણને લઈને ઘણી જાગૃતિ છે. અહીં સાક્ષરતાની ટકાવારી ૯૨ ટકા જેટલી છે.

આ પણ વાંચો : વિષયવાસના સામેનો સંઘર્ષ જીવનમાં સૌથી કપરો સંઘર્ષ

ક્યારે અને કેવી રીતે જશો લક્ષદ્વીપ?

લક્ષદ્વીપ જવા માટે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ મળી રહે છે જે કોચીથી અગત્તી સુધી જાય છે, જેનું રિટર્ન હવાઈ ભાડું ૧૦,૦૦૦ની આસપાસ થાય છે. રવિવાર સિવાય રોજ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ અગત્તી જવા નીકળે છે. હવાઈ માર્ગ સિવાય શિપ મારફત પણ અહીં સુધી પહોંચી શકો છો જેમાં ઘણા વિકલ્પો છે. ક્રૂઝર ધરાવતી શિપ વગેરેનો સમાવેશ થાય છે જે વીસ કલાક સુધીનો સમય લે છે. અહીં સ્ટે ઘણો સસ્તો છે. બજેટમાં બેસી જાય એવી હોટેલ અને જમણ પણ ખિસ્સાને પરવડે એવું છે. નવેમ્બરથી મે મહિના સુધીનો સમયગાળો અહીં આવવા માટેનો બેસ્ટ સમયગાળો છે. આ સમયે સમુદ્રનું પાણી શાંત હોય છે, જેથી સમુદ્રની અંદરની જીવસૃષ્ટિ જોવા મળી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 01:31 PM IST | | દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK