ભલભલાને પ્રશ્ન થાય છે કે આટલા વજન સાથે આ ભાઈ ટ્રેકિંગ કેવી રીતે કરતા હશે

08 December, 2022 04:20 PM IST  |  Mumbai | Ruchita Shah

અત્યાર સુધીમાં સાતથી આઠ મોટા-મોટા ટ્રેક કરી ચૂકેલા અને ફરવાના જબરા શોખીન આ ભાઈની ટ્રેકિંગ ડાયરીઝની વાતો તમારી અંદર પ્રેરણાનું વાવાઝોડું જન્માવશે

કેતન ગાલા

જોકે માટુંગામાં રહેતા ૧૨૫ કિલોના કેતન ગાલા પોતાના સ્ટ્રૉન્ગ વિલપાવરથી ગમે તેટલો આકરો ટ્રેક હોય તો પણ વજનને આડે આવવા જ નથી દેતા. અત્યાર સુધીમાં સાતથી આઠ મોટા-મોટા ટ્રેક કરી ચૂકેલા અને ફરવાના જબરા શોખીન આ ભાઈની ટ્રેકિંગ ડાયરીઝની વાતો તમારી અંદર પ્રેરણાનું વાવાઝોડું જન્માવશે

‘અરે તમે, તમે રહેવા દો આ ટ્રેક. નહીં ચડી શકો. બહુ જ ઇચ્છા હોય તો ઘોડા પર ચડી જાઓ. નહીં ચડી શકો.’ મૅજિસ્ટિક લેક ઑફ કાશ્મીરના સાત દિવસના ટ્રેક માટે જ્યારે માટુંગામાં રહેતા કેતન ગાલા ગયા ત્યારે સાથે જે ગાઇડ હતો તેણે આવી ટકોર કરવી પડી હતી. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે એ ટ્રેકમાં પચાસ લોકો હતા, જેમાંથી ૧૫ જણ અધવચ્ચેથી પાછા વળ્યા હતા અને ટ્રેક પૂરો નહોતા કરી શક્યા પણ ૧૨૫ કિલોના કેતન ગાલાએ સહીસલામત રીતે આ ટ્રેક પૂર્ણ કર્યો હતો અને ગાઇડ અચંબામાં મુકાઈ ગયો હતો. આવા એક-બે નહીં, અત્યાર સુધીમાં એક ડઝનથી વધારે ટ્રેક સફળતા સાથે પૂરા કરવાનો ટ્રૅક રેકૉર્ડ કેતનભાઈનો છે. તેમને જોઈને કોઈ માની જ નથી શકતું કે ખરેખર તેમના જેવા હેવી બૉડીવાળો માણસ આવા ઊંચા-ઊંચા પહાડો ચડી શકે. જોકે તેમનો વિલપાવર તેમના શરીર કરતાં વધુ વજનદાર છે અને તેઓ બહુ જ આસાની સાથે આવી યાત્રાઓ પૂરી કરી લેતા હોય છે. વર્ષે એક ફૅમિલી ટૂર, બે મોટા ટ્રેક અને લગભગ દર મહિને મહારાષ્ટ્રની આજુબાજુમાં ટ્રેક કરવાનો સિલસિલો કેતનભાઈનો અકબંધ રહ્યો છે. શું ખાસ છે તેમના પ્રવાસમાં અને કઈ રીતે તેઓ અઢળક લોકોને પોતાની રીતે મોટિવેટ કરી રહ્યા છે એ જાણીએ તેમની જ પાસેથી. 

સૌથી પહેલો ટ્રેક
હું નાનપણથી જ થોડો ચબી ચાઇલ્ડ રહ્યો છું એટલે પહેલેથી જ મને ઍક્ટિવ રાખવા માટે મારા પેરન્ટ્સે મને કૅમ્પમાં મોકલવાનું શરૂ કરી દીધું હતું એમ જણાવી પોતાના પહેલા કૅમ્પના અનુભવને યાદ કરતાં કેતનભાઈ આગળ કહે છે, ‘ફિફ્થ સ્ટૅન્ડર્ડમાં હતો ત્યારે સમર કૅમ્પમાં ઑરોવિંદો આશ્રમમાં ગયો હતો ત્યારે પણ એક ટ્રેક કર્યો હતો. એ કૅમ્પમાં બહુબધી નેચર સાથે કનેક્ટ થતી ઍક્ટિવિટી કરી અને મને મજા પડી ગઈ હતી. આખો અનુભવ એવો 

યાદગાર રહ્યો કે પછી ટેન્થની 
એક્ઝામ પછી મહારાષ્ટ્રના એક ટ્રેક પર ગયો. મોટા ભાગે શરૂઆતમાં હું એકલો ટ્રેક પર એવા ગ્રુપમાં જતો જેમાંથી હું કોઈને ઓળખતો ન હોઉં અને એ સમયે જે ઓળખાણો થઈ હોય એ આજે પણ મારા સંપર્કમાં છે. ટ્રેકને કારણે મારું સર્કલ ખૂબ મોટું થઈ ગયું. પાંચ ફીટ 
અગિયાર ઇંચની મારી હાઇટ છે અને વજન ૧૨૦ કિલોની આસપાસ રહે છે એટલે લોકોને ઘણી વાર મને જોઈને નવાઈ લાગે, પણ પછી જ્યારે સાતત્ય સાથે મને ટ્રેક કરતાં જુએ અને હું કમ્પ્લીટ કરું એટલે લોકોને પણ બહુ મજા આવતી હોય છે.’

બહુ જ ઍક્ટિવ
ટ્રેકિંગ ઉપરાંત સાઇક્લિંગ અને ક્રિકેટ કેતનભાઈના રૂટીનનો હિસ્સો છે. તેઓ કહે છે, ‘બૉડી વેઇટ વધારે હોય ત્યારે તમને બીજા કરતાં થોડીક વિશેષ તકલીફો તો પડે, પણ જો તમારો વિલપાવર સ્ટ્રૉન્ગ હોય અને તમે ફિઝિકલી સતત ઍક્ટિવ રહેતા હો તો તમે મૅનેજ કરી શકો છો. જેમ કે હું નિયમિત સાઇક્લિંગ કરું છું. ઘણી નાઇટ સાઇક્લિંગ રાઇડ પણ ડિઝાઇન કરું છું. હજી હમણાં જ બેત્રણ મહિના પહેલાં મેં સાઉથ મુંબઈની હેરિટેજ સાઇક્લિંગ રાઇડ પ્લાન કરેલી, જેમાં ઘણા મેમ્બર્સ જોડાયા હતા. જ્યારે ઇવેન્ટ પૂરી થઈ ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ મને પૂછ્યું કે આ બધું કોણ ઑર્ગેનાઇઝ કરે છે અને જ્યારે મેં કહ્યું કે હું જ ઑર્ગેનાઇઝર છું તો મને જોઈને તેમને વિશ્વાસ નહોતો થતો. તેમણે મારા પર ભરોસો તો ન જ કર્યો, પણ તેઓ મારા પર હસવા માંડ્યા. આવા પણ અનુભવ થાય. જોકે મારી ઍક્ટિવિટી મને ચાર્જ્ડ રાખે છે.’

બહુ ફર્યો છું
અત્યાર સુધીમાં કેતનભાઈ ભારતમાં ઊટી, કોડાઈ કેનાલ, મડીકેરી, કાશ્મીર, મનાલી, શિમલા, નૈનિતાલ, દાર્જીલિંગ, સિક્કિમ, ગૅન્ગટૉક, રાજસ્થાન જેવી જગ્યાએ પરિવાર સાથે ફરી આવ્યા છે. વિદેશમાં પણ સિંગાપોર, મલેશિયા, થાઇલૅન્ડ, સાઉથ આફ્રિકા જેવી પ્લેસિસ તેમણે એક્સપ્લોર કરી છે. જોકે સૌથી મજા તો ટ્રેકિંગમાં જ આવે અને ત્યાં હું એકલો જ જાઉં છું એમ જણાવીને પોતાના ટ્રેકિંગ ડેસ્ટિનેશનનું વર્ણન કરતાં કેતનભાઈ કહે છે, ‘ઉત્તરાખંડમાં પંચચુલી ગ્લૅસિયર ટ્રેક, મનાલીમાં સારપાસ, ચંદ્રખાની, નૈનિતાલ, લદાખનો ચેડર ટ્રે, કાશ્મીર ગ્રેટ લેક્સ અને વૅલી ઑફ ફ્લાવર્સ મારો લેટેસ્ટ ટ્રેક છે. નવી જગ્યાએ જાઓ ત્યારે એનો જુદો જ આનંદ હોય છે. ટ્રેકિંગ પર હોઉં ત્યારે મને વધુ શ્વાસ ચડે, ઘૂંટણમાં દુખાવો પણ થાય. જોકે સમય સાથે એ પાછું નૉર્મલ થઈ જાય. બીજાની કમ્પૅરિઝનમાં વેઇટને કારણે મને ચડવામાં સમય પણ વધારે લાગે, પરંતુ એવુંયે નથી કે હું સૌથી છેલ્લો વ્યક્તિ હોઉં જેણે ટ્રેક પૂરો કર્યો હોય ગ્રુપમાં. ઓવરઑલ એન્ડ્યુરન્સ મહત્ત્વનું છે. મારા કરતાં પાતળા લોકોએ પણ મારી પહેલાં ટ્રેક શરૂ કર્યો હોય અને પછી મારી પાછળ હોય. થોડીક તકલીફ પડે પણ નૉર્થના પહાડોનાં હવા અને પાણી એવાં છે કે ગમે તેવા થાકમાંથી તમે એકાદ કલાકના આરામમાં જ બહાર આવી જાઓ.’

બીજાને સપોર્ટ
વૅલી ઑફ ફ્લાવર્સના પોતાના લાસ્ટ ટ્રેક દરમ્યાન ટ્રેકિંગ વખતે કેતનભાઈએ પોતાના ખભા પર સાથી ટ્રેકરને ઉપાડી લીધા હતા. એ પ્રસંગ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એમાં થયું એવું કે મારા સાથી ટ્રેકરના પગમાં મોચ આવી. એડી ટ્વિસ્ટ થઈ ગઈ અને તેનાથી ચલાય નહીં. હવે પાંચ કિલોમીટરનું ડિસ્ટન્સ બાકી હતું એટલે પહોંચવું તો પડે જ. એટલે મારો અને એ ટ્રેકરનો 
સામાન અન્ય ત્રણ સાથીઓ વચ્ચે ડિવાઇડ થઈ ગયો અને મેં તેને ખભા પર ઉપાડીને પાંચ કિલોમીટરનું ડિસ્ટન્સ પાર કર્યું હતું. લગભગ ત્રણ કલાકે અમે પહોંચ્યા હતા. હેવી વેઇટ હોવાના ફાયદા પણ છે.’ 

વજન ઉતારવું છે, પણ...
આવા વેઇટ સાથે આટલું કરું છું તો વજન ઘટે તો હજી ઘણું કરી શકાય એ વાતની સભાનતા કેતનભાઈને છે અને એટલે જ તેમણે ઘણા પ્રયાસો કર્યા છે વજન ઘટાડવાના, પણ સફળતા નથી મળી. તેઓ કહે છે, ‘ડાયટ શરૂ કરું અને થોડાક દિવસ કન્ટિન્યુ થાય, પણ પાછું કંઈક આવે કે ડાયટ છૂટી જાય. એ પછીયે દસ કિલો વજન ઘટાડ્યું છે મેં લૉકડાઉન પછી. જોકે ખાવાનો શોખીન છું એટલે વજન પર ટ્રૅક નથી રહેતો. જોકે આ વખતે મનમાં નક્કી કર્યું છે કે ગમે તે ભોગે પંદરથી વીસ કિલો વજન તો ઘટાડવું જ છે.’

 તમારું વજન વધુ હોય એટલે તમે ગુડ ફૉર નથિંગ થઈ ગયા એવું ક્યારેય નહીં માનો. વધારે વજન સાથે પણ જો શરીરને કેળવાય તો બધી જ બાબતો તમે કરી શકો છો. હું એનું જીવંત ઉદાહરણ છું. હા, રેગ્યુલર પ્રૅક્ટિસ કરતા રહો એ જરૂરી છે.

columnists ruchita shah