૧૦૦ વર્ષનાં બાનો મંત્ર છે, મેડિટેશન કરો અને ટેન્શન-ફ્રી રહો

07 October, 2025 11:39 AM IST  |  Mumbai | Heena Patel

અંધેરીમાં રહેતાં જયા મોદી જીવનની એક સદી વિતાવી ચૂક્યાં છે, પણ જીવન જીવવાનો ઉત્સાહ હજી જળવાયેલો છે. તેમને ધ્યાનસાધનામાં રહેવું ગમે, દુનિયામાં શું ચાલી રહ્યું છે એ‌ની પણ જાણકારી રાખે અને મોબાઇલનો ઉપયોગ પણ કરી જાણે છે.

જયા મોદી

જીવન જીવવાનો સાચો આનંદ ત્યારે જ મળે છે જ્યારે એ ભીતરથી ઊપજે. બહારની પરિસ્થિતિઓ બદલાતી રહે છે, શરીર વૃદ્ધ થતું રહે છે, સમય વીતતો રહે છે પણ જે વ્યક્તિ ભીતરથી શાંતિ અને સંતોષ પામી લે છે તેના માટે ઉંમર એક સંખ્યા બનીને રહી જાય છે. અંધેરીમાં રહેતાં અને જીવનની એક સદી વિતાવી ચૂકેલાં જયા મોદી આ ફિલોસૉફીમાં માને છે. આ વર્ષે ચોથી ઑગસ્ટે જ તેમણે ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાસ તેમને પત્ર વખીને શુભેચ્છા પાઠવી હતી.

આ ઉંમરે બાનું દૈનિક જીવન કેવું છે એના વિશે માહિતી આપતાં તેમનાં પુત્રવધૂ મૃદુલા મોદી કહે છે, ‘મારાં સાસુ દરરોજ સવાર અને સાંજ બે-બે કલાક માટે ધ્યાનસાધના કરવા બેસે. બાકીના સમયમાં છાપું વાંચે અને એમાં જે સુડોકુ આવે એ ભરે, ટીવી જુએ અને એમાં પણ તેમને મરાઠી સિરિયલો જોવી ગમે, યુટ્યુબમાં પણ તેમને ગમે એ વિડિયો જોવાનું ચાલતું હોય. આખો દિવસ આ બધી પ્રવૃત્તિઓમાં તેમનો દિવસ પસાર થતો હોય છે.’

પોતાનાં કામ જાતે કરે

જયાબહેન આટલી ઉંમરે પણ તન-મનથી એકદમ સ્વસ્થ છે અને એ વિશે જણાવતાં મૃદુલાબહેન કહે છે, ‘આમ તો મારાં સાસુને ભાગ્યે જ ઘરની બહાર જવાનું થાય. એમ છતાં ઘરમાં તેમનું હરવા-ફરવાનું ચાલુ હોય. પોતાનાં બધાં જ કામ તેઓ જાતે કરી લે છે. ક્યારેક બહાર ગયાં હોઈએ અને તેમને સપોર્ટ આપીએ તો પણ તેઓ ના પાડી દે. અમે જે બિલ્ડિંગમાં રહીએ છીએ ત્યાં લિફ્ટ નથી. અમારું ઘર બીજા માળે છે. એમ છતાં મારાં સાસુ જાતે દાદરા ચડી અને ઊતરી શકે છે. ઉંમરના હિસાબે તેમને થોડો બ્લડપ્રેશરનો પ્રૉબ્લેમ છે, પણ બીજો કોઈ મેજર હેલ્થ-ઇશ્યુ નથી. અપચો કે શરદી-ખાંસી થઈ જાય તો બે દિવસ આયુર્વેદિક દવા કરે ત્યાં સારું થઈ જાય. બાકી તેઓ સરખી રીતે જોઈ શકે, સાંભળી શકે છે. ખાવાપીવામાં પણ તેઓ બહુ ધ્યાન રાખે. મોટા ભાગે ઘરનું જ જમવાનું જમે. એ પણ મોળું અને નરમ ચવાય એવું.’

બે મહિના વિપશ્યના

જયાબહેનને યોગસાધનામાં આટલો રસ હોવા વિશે વાત કરતાં તેમના પૌત્ર હર્ષલ મોદી કહે છે, ‘દાદી બાવન વર્ષની ઉંમરથી યોગસાધના કરતાં આવ્યાં છે. સૌપ્રથમ વાર તેઓ ૧૯૭૭માં ઇગતપુરીમાં આવેલા ધમ્મ ગિરિ મેડિટેશન સેન્ટરમાં ૧૦ દિવસની વિપશ્યના શિબિરમાં ગયેલાં. તેમને એમાં એટલો રસ પડ્યો કે તેઓ ૨૦, ૩૦, ૪૫, ૬૦ દિવસની શિબિરમાં જવા લાગ્યાં. આ ઉંમરે પણ તેઓ દર વર્ષે બે મહિના માટે વિપશ્યના શિબિર માટે ઇગતપુરી જાય છે.’

જયાબહેને વિપશ્યના શિબિરમાં અસિસ્ટન્ટ ટીચર તરીકે પણ કામ કર્યું છે એ વિશે જણાવતાં હર્ષલ મોદી કહે છે, ‘મારાં દાદીએ ૧૯૯૭થી વિપશ્યના શિબિરમાં શિખવાડવાનું શરૂ કરેલું એટલે જ્યાં શિબિરનું આયોજન થાય ત્યાં તેમને જવાનું થાય. એ સમયગાળામાં તેમણે દેશ-વિદેશના પ્રવાસો કરેલા. શિબિરમાં કોઈ વિદેશી આવે તો તેમને શિખવાડવાનું કામ દાદીને આપવામાં આ‍વતું. તેમને એટલું અંગ્રેજી આવડતું. દાદી ૨૦૧૦-’૧૨ સુધી શિબિરોમાં શિખવાડવા જતાં, પણ પછીથી બંધ કરી નાખ્યું. શિબિરમાં હરવા-ફરવાનું બહુ હોય જે પછી ઉંમરના હિસાબે થતું નહોતું.’

લગ્ન પછી ભણતર-કારકિર્દી

જયાબહેને લગ્ન પછી જ ભણતર લીધું અને કારકિર્દી બનાવી હતી. આ વિશે વાત કરતાં મૃદુલાબહેન કહે છે, ‘મારાં સાસુએ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. એ પછી ૧૭ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થઈ ગયેલાં. લગ્ન પછી તેમને જોડિયાં સંતાનો થયાં. સંતાનો સ્કૂલ જતાં થયાં એ પછીથી એમણે ટીચર્સ ટ્રેઇનિંગ કોર્સ કરેલો. એ પૂર્ણ થયા પછી તેમણે બાળમંદિરમાં શિક્ષક તરીકે ભણાવવાનું શરૂ કર્યું હતું. એ સમયે તેમની ઉંમર લગભગ ૨૮ વર્ષ હશે. ૬૦ વર્ષની ઉંમરે તેમણે શિક્ષિકા તરીકે નિવૃત્તિ લઈ લીધેલી. બાળમંદિરમાં ભણાવવાનું શરૂ કર્યું એ પછી ૩૫ વર્ષની ઉંમરે તેમણે SNDT યુનિવર્સિટીમાંથી BA (એક્સટર્નલ)નો અભ્યાસ પણ કર્યો હતો.’

એક ઉંમર પછી વ્યક્તિને જીવન જીવવાનો કંટાળો આવવા લાગે છે ત્યારે જયાબહેનનો જીવન જીવવાનો ઉત્સાહ જળવાયેલો છે. એ વિશે વાત કરતાં હર્ષલ કહે છે, ‘અમારું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં જવાની વાતો થાય છે. બિલ્ડિંગ ખાલી થતાં અને તોડીને ફરી ઊભું કરતાં ૫-૬ વર્ષ આરામથી નીકળી જશે. મારાં દાદીને અમારી સાથે નવા ઘરમાં શિફ્ટ થવાની ઇચ્છા છે. એટલે આના પરથી અંદાજ લગાવી શકાય કે તેઓ તેમના જીવન‌થી ખુશ છે.’

જયાબહેન ઉંમર સાથે પોતાની જાતને પણ અપગ્રેડ કરતાં રહ્યાં છે. એ વિશે વાત કરતાં હર્ષલ કહે છે, ‘મારાં દાદીને મોબાઇલ ફોન વાપરતા આવડે છે. વૉટ્સઍપ પર મેસેજ કરવો હોય, કોઈને કૉલ લગાડવો હોય, યુટ્યુબમાં વિડિયો જોવો હોય તો એ બધું તેઓ જાતે કરી શકે છે. તેમને દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે એ‌ની પણ ખબર હોય. એટલે હું કામથી ઘરે આવું એટલે મારી સાથે તેઓ બધી ચર્ચા કરવા બેસે. મારા કામકાજ વિશે કે પછી બિલ્ડિંગના રીડેવલપમેન્ટની અપડેટ મારી પાસેથી લેતાં રહે.’

PMO તરફથી પત્ર

જયાબહેનને જીવનનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા બદલ પ્રાઇમ મિનિસ્ટર્સ ઑ​ફિસ (PMO) એટલે કે વડા પ્રધાન કાર્યાલય તરફથી એક લેટર મળ્યો છે જેમાં તેમને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી હતી. એમાં તેમણે જયાબહેનના ધ્યાન અને સક્રિય જીવનશૈલીની પ્રશંસા કરી હતી. સાથે જ સારા સ્વાસ્થ્ય, શાંતિ અને સુખની કામના કરી હતી. આ વિશે વાત કરતાં હર્ષલ કહે છે, ‘મારા કઝિનના દીકરા અંશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જયાબહેન વિશે માહિતી આપી હતી. એના જવાબમાં  PMO તરફથી અમને લેટર મળેલો. આ લેટર જોઈને દાદીને પહેલાં તો બહુ આશ્ચર્ય થયેલું. તેમને વિશ્વાસ જ બેસી રહ્યો નહોતો. એ પછી તેમણે જાતે આખો પત્ર વાંચ્યો. એ વાંચીને તેઓ ખૂબ આનંદિત થયાં હતાં.’

આ વર્ષે બા ૧૦૦ વર્ષનાં થતાં અમારી સોસાયટીમાં પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હોવાનું જણાવતાં હર્ષલ કહે છે, ‘મારાં દાદીને ૧૫ ઑગસ્ટે ધ્વજવંદન કરવાનું માન આપવામાં આવ્યું હતું. સાથે તેમને એક પ્રશંસાપત્ર આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.’

બાની ફિલોસૉફી

૧૦૦ વર્ષના જીવનમાં આવેલાં સુખ-દુઃખના તડકા-છાયા વચ્ચે પણ આનંદિત થઈને કઈ રીતે જીવી શકો છો એનો જવાબ આપતાં જયાબહેન કહે છે, ‘વિપશ્યનાનો સિદ્ધાંત છે, તમને શારીરિક- માનસિક પીડા થાય એ બધું અનિત્ય છે. અનિત્ય છે એટલે કાયમી નથી. તમારા મનમાં એ શ્રદ્ધા હોવી જોઈએ. વિપશ્યનામાં જેમ-જેમ આગળ વધો એમ તમારા આંતરમનમાં જે ભરેલું હોય એ ઉપર આવે. ત્યારે તમે એમ કહો કે આ પણ અનિત્ય છે, આ પણ જવાનું છે. એટલે ધીમે-ધીમે એ‌નું વિસર્જન થઈ જાય અને ચિત્ત શુદ્ધ થઈ જાય.’ 

અંગત સંગત

જયાબહેન અત્યારે તેમનાં પુત્રવધૂ મૃદુલાબહેન અને પૌત્ર હર્ષલ સાથે છે. આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં તેમના પતિ રસિકલાલ ગુજરી ગયા હતા. જયાબહેનને જોડિયાં સંતાનો થયેલાં હેમંત અને રેખા. જોકે હેમંતભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. રેખાબહેનના પતિ ભરતભાઈ પણ ગુજરી ગયા છે. જયાબહેનને પૌત્ર હર્ષલ અને પૌત્રી તોરલ છે. તોરલ પણ પરણીને તેના સાસરે છે. એવી જ રીતે તેમને એક દોહિત્રી સરગમ અને દોહિત્ર પલ્લવ છે. દોહિત્રી અને દોહિત્રના ઘરે પણ સંતાનો છે.

columnists exclusive gujarati mid day gujaratis of mumbai andheri