શિક્ષણ ફૅક્ટરીની ઍસેમ્બલી લાઇન

08 May, 2022 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા જ એવી જડ થઈ ગઈ છે કે નવું કશું કરનાર એમાંથી બહાર ફેંકાઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર

વિદ્યાર્થીને ભણવામાં મોબાઇલનો ઉપયોગ કરવાની છૂટ મળવી જોઈએ. એટલું જ નહીં, મોબાઇલનો મહત્તમ ઉપયોગ ભણવામાં કરાવવો જોઈએ. વિદ્યાર્થીઓ મોબાઇલનો દુરુપયોગ કરે છે એવી દલીલ યોગ્ય નથી. તેમને સદુપયોગ કરતાં શીખવવા અને દુરુપયોગ કરતાં રોકવાની જવાબદારી આપણી છે

મૂળ સમસ્યા શિક્ષણપદ્ધતિ નથી, આપણા મનની છે. માણસનું મન એટલું કન્ડિશન્ડ થઈ ગયું છે કે નવું કશું વિચારી જ શકતું નથી. નવી શિક્ષણનીતિ સરકારે જાહેર કરી છે; પણ એમાંય એકદમ નવું, તાજું, મૌલિક કહી શકાય એવું કશું નથી. જે નવું લાગે છે અથવા નવું કહેવાય છે એ અમલમાં મૂકવું મુશ્કેલ થઈ પડે એવું છે એટલે માત્ર ખાનાપૂર્તિ પૂરતું જ આ બધું નવું રહી જશે

સૌથી મોટી એસેમ્બલી લાઇન કયા ક્ષેત્રમાં છે? જો તમે વેહિકલ ઇન્ડસ્ટ્રીનું નામ આપવાના હો તો મારા મતે ખોટા પડશો. સૌથી મોટી ઍસેમ્બલી લાઇન શિક્ષણક્ષેત્રે છે. વિશ્વભરમાં દર વર્ષે કરોડો ક્લર્ક, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, ડૉક્ટર વગેરે તૈયાર માલ બનાવીને બહાર પાડતી રહે છે આ ઍસેમ્બલી લાઇન. બીબાંઓમાંથી એકસરખો, મશીન જેવો, રેડી ટુ યુઝ માલ નીકળતો જ રહે. બાળકને સાયન્સ પ્રવાહની ઍસેમ્બલી લાઇનમાં નાખો એટલે ડૉક્ટર કે એન્જિનિયર થઈને જ બહાર આવશે. કૉમર્સની ઍસેમ્બલી લાઇનમાં નાખો એટલે એમબીએ કે

માર્કેટિંગનો બંદો જ બનશે. આ પદ્ધતિમાં પરિવર્તન કેમ નથી આવતું?
આપણી શિક્ષણ અને પરીક્ષાપદ્ધતિ કેવી જડ છે એનું એક સરસ ઉદાહરણ હમણાં મિત્ર અને સ્પિપાના જૉઇન્ટ ડિરેક્ટર શૈલેશ સગપરિયાએ આપ્યું. બોર્ડની પરીક્ષામાં કેમિસ્ટ્રીમાં કોઈ ધાતુ સાથે ઍસિડની શું પ્રક્રિયા થાય એ અંગેનો પ્રશ્ન પુછાય છે. મૉડલ ઉત્તરવહીમાં ઍસિડ સાથે પિત્તળનો સંસર્ગ થતાં શું પ્રક્રિયા થાય એનો ઉત્તર છે. જો કોઈ વધુ હોશિયાર વિદ્યાર્થીને પિત્તળ ઉપરાંત તાંબું કે જસત કે અન્ય પાંચ-સાત ધાતુ સાથે ઍસિડની પ્રક્રિયા શું થાય એ ખબર હોય અને પિત્તળની જગ્યાએ તાંબું અથવા અન્ય ધાતુની પ્રક્રિયા લખે અથવા પહેલાં જસત, પછી તાંબું અને પછી પિત્તળની પ્રક્રિયા લખે તો તેને માર્ક્સ મળે નહીં, કારણ કે આદર્શ ઉત્તરવહીમાં પિત્તળનો જ જવાબ હોય છે.

ગોખણપટ્ટી જ માપદંડ કેમ?
શિક્ષણ અને શિક્ષણપદ્ધતિમાં જે જડતા છે એટલી જીવનના અન્ય કોઈ ક્ષેત્રમાં કદાચ નથી. છેક આદિકાળથી ચાલી આવતી યાદ રાખવાની અને ગોખાવવાની પ્રથા હજી યથાવત્ છે. એમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. પ્રાચીન ઋષિઓનાં ગુરુકુળોમાં શાસ્ત્રોને કંઠસ્થ કરાવવામાં આવતાં, કારણ કે ત્યારે લખવા માટેનાં માધ્યમો જૂજ હતાં. કાગળ તો હતો જ નહીં એટલે છાલ અને પાંદડાંઓ તથા ધાતુઓ પર લખવું પડતું જે સુલભ નહોતું. એટલે આખેઆખા ગ્રંથ કંઠસ્થ કરાવી દેવા પડતા. હવે જ્યારે ટેક્નૉલૉજી આટલી આગળ વધી ગઈ છે, બધું સુલભ છે છતાં શિક્ષણમાં તો વિદ્યાર્થીને કેટલું યાદ રહ્યું, કેટલું ગોખી નાખ્યું એના આધારે જ માર્ક્સ અને ગ્રેડ મળે છે. વાસ્તવમાં અત્યારે વિદ્યાર્થી કશું જ યાદ ન રાખે તો પણ ચાલે એવું છે, કારણ કે મોબાઇલમાં બધી જ માહિતી ઉપલબ્ધ છે અને મોબાઇલ ૨૪ કલાક માણસની પાસે જ રહે છે. હવે વિદ્યાર્થીએ એ યાદ રાખવાની જરૂર નથી કે શિવાજીએ ઔરંગઝેબના લશ્કરને કઈ સાલમાં હરાવ્યું હતું. હવે એ સમજવાની જરૂર છે કે શિવાજીએ મુગલો સામે ટક્કર ઝીલી એને કારણે ભારતની સંસ્કૃતિને કેટલો ફાયદો થયો, એના પર કેવી અસર પડી; કારણ કે શિવાજી અને મુગલો વિશેની તમામ માહિતી ઇચ્છો ત્યારે મેળવી શકો એટલી ટેરવાંવગી છે એટલે યાદ રાખવાની નહીં પણ સમજવાની, ઍનૅલિસિસ કરવાની જરૂર છે.

મોબાઇલ અને શિક્ષણ
વિદ્યાર્થીને ભણવામાં મોબાઇલનો ઉપયોગ કરવાની છૂટ મળવી જોઈએ એટલું જ નહીં, મોબાઇલનો મહત્તમ ઉપયોગ ભણવામાં કરાવવો જોઈએ. વિદ્યાર્થીઓ મોબાઇલનો દુરુપયોગ કરે છે એવી દલીલ યોગ્ય નથી. તેમને સદુપયોગ કરતાં શીખવવા અને દુરુપયોગ કરતાં રોકવાની જવાબદારી આપણી છે. દુરુપયોગના નામે મોબાઇલથી શિક્ષણને દૂર રાખવાનું પગલું આત્મઘાતક છે. આજે નહીં તો ભવિષ્યમાં મોબાઇલને શિક્ષણનો સૌથી મહત્ત્વનો ભાગ બનાવવો પડશે. દાયકાઓ પહેલાં પરીક્ષામાં કૅલ્ક્યુલેટર લઈ જવાની મનાઈ હતી. હવે કૅલ્ક્યુલેટર પરીક્ષામાં આવશ્યક બનાવી દેવામાં આવ્યું છે. એવું જ મોબાઇલનું થવાનું છે. છેલ્લાં બે વર્ષ કોરોનાની મહામારી આવી ત્યારે આખી દુનિયામાં શિક્ષણ ઑનલાઇન ચાલ્યું, મોબાઇલ પર જ ચાલ્યું. બહાર નીકળી શકાય એમ જ નહોતું. ઑનલાઇન મજબૂરી હતી એટલે બધાએ અપનાવી. માણસ સામાન્ય સંજોગોમાં પરિવર્તનને સ્વીકારતો નથી, મજબૂરી હોય તો જ પરિવર્તનને અપનાવે છે.

મૂળ સમસ્યા શિક્ષણપદ્ધતિની નથી, આપણા મનની છે. માણસનું મન એટલું કન્ડિશન્ડ થઈ ગયું છે કે નવું કશું વિચારી જ શકતું નથી. નવી શિક્ષણનીતિ સરકારે જાહેર કરી છે; પણ એમાંય એકદમ નવું, તાજું, મૌલિક કહી શકાય એવું કશું નથી. જે નવું લાગે છે અથવા નવું કહેવાય છે એ અમલમાં મૂકવું મુશ્કેલ થઈ પડે એવું છે એટલે માત્ર ખાનાપૂર્તિ પૂરતું જ આ બધું નવું રહી જશે. માત્ર ભારત જ નહીં, આખા વિશ્વમાં શિક્ષણપદ્ધતિમાં કશું એવું ઊડીને આંખે વળગે એવું નવું થઈ રહ્યું નથી એટલે આપણે બહુ નિરાશ થવું નહીં એવું આશ્વાસન લેવાથી ચાલે એમ નથી. શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા જ એવી જડ થઈ ગઈ છે કે નવું કશું કરનાર એમાંથી બહાર ફેંકાઈ જાય છે. શરૂઆતમાં જ ઉદાહરણ આપ્યું એવો કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો તે નાપાસ થઈને જીવનમાં નિષ્ફળ નીવડે. ‘થ્રી ઇડિયટ્સ’ના રાન્ચો જેવા તો બહ જૂજ પાકે. શિક્ષણનું વ્યવસ્થાતંત્ર માર્ક્સ અને ગ્રેડને કારણે એવું બની ગયું છે કે વિદ્યાર્થીએ જો સફળ થવું હોય તો રેકૉર્ડર બની જવું પડે અને સ્કૂલે જો સફળ થવું હોય તો વધુમાં વધુ રેકૉર્ડર પેદા કરનાર બનવું પડે. જે સ્કૂલ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવા માટે પ્રયત્ન કરે, તેને સારો માણસ બનાવે એ સ્કૂલે રિઝલ્ટની દૃષ્ટિએ સફળ થઈ શકે નહીં અને એના વિદ્યાર્થીઓ ભલે વધુ સમજદાર બન્યા હોય છતાં આ રિઝલ્ટ-ઓરિયેન્ટેડ જગતમાં તેમને મુશ્કેલી જ પડે.

નબળા અને ઍવરેજ
સ્કૂલોના સંચાલકોને પૂછવા જેવો એક પ્રશ્ન છે : જે વિદ્યાર્થીઓ ટૉપર છે તેમને બધા વિષયમાં ૯૫ પ્લસ માર્ક્સ આવે છે, જે ઍવરેજ વિદ્યાર્થીઓ છે તેમને બધા વિષયમાં ૬૦-૭૦ માર્ક્સ આવે છે અને જે નબળા છે તેમને માંડ પાસિંગ માર્ક્સ મળે છે. ઘણાને તો એ પણ નથી મળતા. પ્રશ્ન એ છે કે નબળા અને ઍવરેજ વિદ્યાર્થીઓ તમામ વિષયમાં નબળા અને ઍવરેજ હોય એવું કેમ બની શકે? કોઈ એક વિષયમાં તો હોશિયાર હોયને? પણ ક્યારેય કોઈ નબળો વિદ્યાર્થી કોઈ એક વિષયમાં ૯૮-૯૯ માર્ક્સ કેમ લાવી શકતો નથી? કેમ કોઈ ઍવરેજ વિદ્યાર્થી એક પણ વિષયમાં તેના

ઍવરેજ માર્ક્સથી વધુ માર્ક્સ કે ગ્રેડ લાવી શકતો નથી? 
દરેક ઍવરેજ અને નબળો વિદ્યાર્થી દરેક વિષયમાં ઍવરેજ કે નબળો જ હોય? કોઈ વ્યક્તિ દરેક વિષયમાં નબળી હોય એવું સંભવ નથી. કોઈક તો એવો વિષય, એવું ક્ષેત્ર હોય જેમાં તેને રસ હોય, જે તેને ફાવતું હોય. માણસ જન્મથી જ અમુક ગુણો લઈને આવે છે. કોઈ ગણિતમાં હોશિયાર હોય, કોઈને સંગીત ફાવતું હોય, કોઈને બાયોલૉજીમાં મજા પડતી હોય. સ્કૂલમાં નબળા કે ઍવરેજ વિદ્યાર્થીમાંથી કોઈને પોતાના ગમતા વિષયમાં ૯૫-૯૮ માર્ક્સ ન આવતા હોય એનો અર્થ એ થયો કે સિસ્ટમમાં કોઈ મોટી ખામી છે. સિસ્ટમ આ વિદ્યાર્થીઓને કુંઠિત કરી રહી છે, તેમનો વિકાસ રૂંધી રહી છે. સ્કૂલો માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને જ મદદ કરે છે; નબળા કે ઍવરેજ વિદ્યાર્થીને નુકસાન કરે છે, તેની પ્રતિભાને ખીલતી રોકે છે.

ભવિષ્યમાં ઉપયોગી કેટલું?
આવો જ એક બીજો પ્રશ્ન : માત્ર દસ જ વર્ષ પછીના ભવિષ્યમાં ઉપયોગી થાય એવું શિક્ષણ આપણાં બાળકોને અપાઈ રહ્યું છે? ભવિષ્યની સ્થિતિને સમજવા માટે વર્તમાનમાં ઊભીને વિચારો કે આજે જે જરૂરિયાત છે એના માટેનું શિક્ષણ મળી રહ્યું છે ખરું? હમણાં લિન્ક્ડઇન દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ ભવિષ્યમાં જે નોકરીઓ પેદા થવાની છે એ માટે જરૂરી કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓ આપણી પાસે નહીં હોય. દુનિયા બહુ જ ઝડપથી બદલાઈ રહી છે અને શિક્ષણ નહીં બદલાવાના સોગંદ ખાઈને બેઠું છે. વર્ષોથી શિક્ષણ માત્ર ટીચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને જ ચાલે છે, લર્નિંગ પર નહીં. જરૂર છે લર્નિંગ ટુ લર્નની. શીખતા શીખવાની જરૂર છે.

 

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists kana bantwa