ફ્લાઇટ મોડી પડે તો મહેશકુમાર ઍન્ડ પાર્ટીવાળાને રાખીએ સ્ટૅન્ડબાયમાં

10 September, 2019 04:23 PM IST  |  | જે જીવ્યું એ લખ્યું- સંજય ગોરડિયા

ફ્લાઇટ મોડી પડે તો મહેશકુમાર ઍન્ડ પાર્ટીવાળાને રાખીએ સ્ટૅન્ડબાયમાં

એક અઠવાડિયાના અંતરાલ પછી આપણે મળીએ છીએ એટલે તમને અગાઉની થોડી વાત યાદ કરાવી દઉં. આપણે વાત કરતા હતા ૧૯પ૮-’પ૯ના અરસાની. એ સમયે અમદાવાદ શહેર સાબરમતી નદીની એક બાજુએ જ વસેલું હતું. સાબરમતીની સામેની બાજુએ ગુજરાત લૉ કૉલેજ અને યુનિવર્સિટીનો કૅમ્પસ હતો, પણ એ સિવાય વસવાટના નામે ખાસ કંઈ નહીં. અત્યારે તો સાબરમતી ક્રૉસ કરવા માટે નેહરુ બ્રિજ, ગાંધી બ્રિજ અને સુભાષ બ્રિજ છે, પણ એ સમયે માત્ર એલિસ બ્રિજ હતો. આ એ સમયકાળની વાત છે, જે દિવસોમાં અમિત દિવેટિયા, વિનોદ જાની અને શંકરસિંહ વાઘેલા સાથે ભણતા હતા. જી હા, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાની જ વાત કરીએ છીએ.

એ સમયે જેમણે નાટકમાં કામ કરવું હોય એ લોકોએ લૉ કૉલેજમાં જ ઍડ્મિશન લેવું પડતું. અમિતભાઈ, વિનોદ જાની અને શંકરસિંહ વાઘેલાએ ઍડ્મિશન લૉ કૉલેજમાં જ લીધું હતું, ત્રણેય સાથે નાટકો કરતા. મહેશ શાસ્ત્રી, મયૂર શાસ્ત્રી અને તેમના મોટા ભાઈ રજની શાસ્ત્રી ખૂબ સારા લેખક. અમિતભાઈ અને તેમના ભાઈબંધો તેમણે લખેલાં નાટકો ભજવતા. વાત સાઠના દસકાના પ્રારંભની છે. એ પછી પ્રોફેશનલ તો નહીં, પણ એ લોકો સેમી-પ્રોફેશનલ નાટકો કરતા થયા. એ દિવસોમાં અભય શાહ અને રાજુ શાહ અમિતભાઈ અને વિનોદ જાનીના નાટકો ગામડે-ગામડે કરતા.

તેમની સાથે અન્ય એક યુવાન પણ હતો, નામ તેનું મહેશ કનોડિયા. મહેશ કનોડિયા છોકરીના અવાજમાં ગાતો એટલે તેને પણ આ બધા પોતાની સાથે લઈને ફરતા અને ગામડાંઓમાં મહેશ કનોડિયાના પણ શો કરતા.

એ સમયે હજી ‘પ્રીત, પિયુ ને પાનેતર’ નાટક આવ્યું નહોતું. કહો કે એના વિચારનો જન્મ પણ નહીં થયો હોય. મહેશ કનોડિયા નાટકો સાથે ફરતા અને છોકરીના અવાજમાં ગીતો ગાય, બધા એને સાંભળીને જબરદસ્ત તાજ્જુબ અનુભવે. મહેશ-નરેશ ઍન્ડ પાર્ટીના નરેશ કનોડિયા તો હજી ખૂબ નાના હતા. નરેશભાઈ એ સમયે ગુજરાતી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કરે અને તેમની સાથે રજનીબાળા પણ બાળકલાકાર તરીકે દેખાય. ૭૦ અને ૮૦ના દસકાની ગુજરાતી ફિલ્મો જેમને યાદ હશે તેમને રજનીબાળાનું નામ ખબર હશે. કૉમેડી માટે તમારી ફિલ્મમાં રમેશ મહેતા અને રજનીબાળા હોવાં જ જોઈએ પણ એ અગાઉ, સાઠના દસકામાં રજનીબાળા અને નરેશ કનોડિયા પ્રોગ્રામમાં રેકૉર્ડ ડાન્સ કરતાં. રેકૉર્ડ ડાન્સ એટલે આજના રિયલિટી શોમાં તમે ડાન્સ-શોમાં પાછળ વાગતાં ગીતો પર ડાન્સ કરતાં છોકરા-છોકરીઓને જુઓ છો એ, એને એ જમાનમાં રેકૉર્ડ-ડાન્સ કહેતા. રેકૉર્ડ પ્લે કરવામાં આવતી અને એના પર ડાન્સ થતો એટલે એનું નામ રેકૉર્ડ-ડાન્સ પડી ગયું હતું.

કૉલેજકાળ પૂરો થયો અને એ પછી વિનોદ જાનીએ ‘પ્રીત, પિયુ ને પાનેતર’ લખ્યું. નાટક અમદાવાદમાં શરૂ થયું પણ પછી તો એ એવું પૉપ્યુલર બન્યું કે એની કોઈ સીમા રહી નહીં. એ નાટકે ગુજરાતમાં તો બધા રેકૉર્ડ તોડ્યા જ, પણ સાથોસાથ મુંબઈમાં પણ ખૂબ બધા રેકૉર્ડ તોડ્યા છે. આ નાટક સાથે મારું પણ કનેક્શન રહ્યું છે.

હું નાટકલાઇનમાં એન્ટર થયો ત્યારે મને ‘પ્રીત, પિયુ ને પાનેતર’ બહુ ગમતું, એમાં પણ ખાસ મને બાવીસ વર્ષના બાબાની જે ભૂમિકા હતી એ બહુ ગમતી. મને સતત થતું કે એક દિવસ આ બાવીસ વર્ષના બાબાનું કૅરૅક્ટર મારે કરવું છે અને મને એ તક મળી અને મેં તરત એ ઝડપી લીધી. એ રોલ ઑફર કરતી વખતે મને અમિત દિવેટિયાએ પૂછ્યું, બાબાનો રોલ કરવા માટે શું પૈસા લઈશ?

એ સમયે મેં કહ્યું, ‘આ મારો ડ્રીમ રોલ છે, એના માટે હું પૈસાની કોઈ ડિમાન્ડ નહીં કરુ, તમારે જે આપવું હોય એ આપજો.’ તમને માત્ર યાદ અપાવી દઉં કે એ સમયે નાટકના પ્રોડ્યુસર અમિત દિવેટિયા હતા. એ સમયથી મારો તેમની સાથે ગાઢ નાતો બંધાયો, જે આજ સુધી અકબંધ રહ્યો છે. દસકાઓ પહેલાં અમિતભાઈને કહેલા એ શબ્દોનું વળતર આજે પણ અમિતભાઈ પાળી રહ્યા છે. અમિતભાઈએ ક્યારેય પણ મારા નાટકમાં કામ કરવા માટે પૈસાની ડિમાન્ડ કરી નથી. હું પૂછું તો તરત જ અમિતભાઈ પાસેથી જવાબ આવી જાય ઃ ‘તેં મને જો પૈસાની વાત ન કરી હોય તો હું પૈસાની વાત કેવી રીતે કરી શકું.’

‘પ્રીત, પિયુ ને પાનેતર’ની વાત પર પાછા આવીએ.

આ નાટક દેશ-વિદેશમાં ભજવાઈ રહ્યું હતું અને એણે ધમાલ મચાવી દીધી હતી. એ સમયગાળામાં મહેશ-નરેશનું મ્યુઝિકલ ઑર્કેસ્ટ્રા હજી મુંબઈમાં આવ્યું નહોતું પણ તેમની પાર્ટી જામવા લાગી હતી, નામના પણ સારી બની ગઈ હતી. એ લોકો મુંબઈ આવ્યા એ સમયની વાત કહું તમને.

એક શનિવારે બિરલા માતુશ્રી સભાગૃહમાં ‘પ્રીત, પિયુ ને પાનેતર’નો શો હતો, પણ ફ્લાઇટ ડિલે થઈ એટલે અમિત દિવેટિયા સમયસર પહોંચી શક્યા નહીં, જેને લીધે આઠ વાગ્યાનો શો રાતે સાડાનવ વાગ્યે શરૂ થયો. એ સમયે જબરી ધમાલ થઈ હતી. પબ્લિકને કાબૂમાં રાખવાનું કામ અઘરું થઈ ગયું હતું. લોકો ઑડિટોરિયમના કાચ તોડી નાખે, સીટો તોડી નાખે એવો ઘાટ ઘડાઈ ગયો હતો એટલે પછી એવું નક્કી થયું કે ‘પ્રીત, પિયુ ને પાનેતર’નો શો હોય ત્યારે આપણે મહેશભાઈને સ્ટૅન્ડબાયમાં રાખીએ. જો ફ્લાઇટ મોડી થાય તો મહેશભાઈનો શો ચાલુ કરી શકાય. આ વિચાર કઈ રીતે આવ્યો એ જાણવા જેવું છે પણ સ્થળસંકોચના અભાવે એ વાત કરીશું આવતા મંગળવારે.

આ પણ વાંચો: ભાઈદાસ, મહેશકુમાર ઍન્ડ પાર્ટી અને પ્રીત, પિયુ ને પાનેતર

ફૂડ ટિપ્સ

મિત્રો, હમણાં અનાયાસ મને એક રવિવાર ફ્રી મળી ગયો. આમ તો એ દિવસે મારા નાટકનો શો જળગાંવમાં હતો, પણ તમને બધાને ખબર છે કે મહારાષ્ટ્રમાં આવેલા પૂરને કારણે આખું જળગાંવ પાણીમાં ડૂબી ગયું હતું જેને લીધે અમારે એ શો પોસ્ટપોન્ડ કરવો પડ્યો અને મને રવિવારની રજા મળી ગઈ. એ રવિવારે હું સ્નેહા દેસાઈ લિખિત અને ટીકુ તલસાણિયા અભિનીત નાટક ‘શાતીર’ જોવા માટે તેજપાલ ગયો. વહેલા પહોંચીને ગાડી પાર્ક કરી દેવાની ઇચ્છા સાથે હું અને મારી વાઇફ ચંદા ઘરેથી વહેલાં નીકળી ગયાં અને પછી ઑડિટોરિયમ પર ગાડી પાર્ક કરીને થોડુંઅમસ્તું ખાઈ લેવાનું વિચાર્યું.
તેજપાલથી અમે નીચે ઊતર્યા, તેજપાલના મેઇન ગેટની બહાર નીકળો એટલે ડાબી બાજુએ એક બોર્ડ આવશે, નિર્મલ નિવાસ. એ ગેટની અંદર જાઓ એટલે ત્રણ-ચાર મકાનોનું એક કૉમ્પ્લેક્સ છે, જેની જમણી બાજુ ત્રીસેક વર્ષથી એક ભેળવાળો ઊભો રહે છે. અદ્ભુત ભેળ બનાવે છે એ. આમ તો યુપીના ભૈયાઓ વેચતા હોય એ પ્રકારની રેગ્યુલર ભેળ હોય, પણ એની ભેળમાં જે સેવ પડે છે એ સેવનો ટેસ્ટ બહુ સરસ છે અને સાથોસાથ એની ખજૂર-આમલીની ચટણી પણ બહુ ફાઇન. મિત્રો, અમદાવાદમાં મોટા ભાગની જગ્યાએ ભેળમાં ખજૂર-આમલીની ચટણીને બદલે ગોળનું ગળ્યું પાણી લાલ રંગ નાખીને આપી દે છે જેનો મને ખૂબ ગુસ્સો છે. પાણીપૂરી અને ભેળ માટે સાકર કે ગોળનો ઉપયોગ કરવાનો જ ન હોય. સારી ક્વૉલિટીનો ખજૂર અને એમાં થોડી આમલી ઉમેરીને ખટમીઠી ચટણી બનાવવાની હોય, પણ ગુજરાતમાં મોટા ભાગે કોઈ બનાવતું નથી એટલે મને ગુજરાતમાં આ વરાઇટી ખાવાનો બહુ ત્રાસ છૂટે. આપણે વાત કરીએ નિર્મલ નિવાસના પેલા ભેળવાળાની. એની ભેળ જેટલી સરસ છે એટલી જ એની સેવપૂરી પણ સરસ છે. પૂરી એકદમ કરકરી, એના પર ચટણી પડ્યા પછી પણ એ પૂરી પોચી નથી પડતી. આ બનાવટની ખાસિયત છે. જો કોઈ વખત તેજપાલ બાજુએ જાઓ તો ભૂલ્યા વિના આ ભેળ અને સેવપૂરી ટેસ્ટ કરજો. બપોરે ત્રણથી આઠ વાગ્યા સુધી જ એ તમને મળશે.હવે પછી તમને ઇંગ્લૅન્ડથી ફૂડ-ટિપ્સનો રસાસ્વાદ કરવા મળશે. એક મહિના માટે ‘સુંદર બે બાયડીવાળો’ ઇંગ્લૅન્ડ છે એટલે ત્યાંની વરાઇટી સાથે મળીશું આવતા વીકમાં.

Sanjay Goradia columnists gujarati mid-day