વિશ્વ પર તોળાતો ભીષણ ભૂખમરો : રશિયા-યુક્રેન વચ્ચે લંબાતું યુદ્ધ અને ગ્લોબલ વૉર્મિંગ ખતરારૂપ

13 March, 2023 05:22 PM IST  |  Mumbai | Mayur Mehta

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ અને વૈશ્વિક સંસ્થાઓની ખાદ્ય સુરક્ષા માટે સચેત રહેવા દરેક દેશને અપીલ : રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ બીજા વર્ષમાં પ્રવેશતાં અનેક દેશોને ખાદ્ય ચીજોની શૉર્ટેજની ચિંતા

પ્રતીકાત્મક તસવીર

કોરોનાનો કપરો કાળ હજુ ભુલાયો નથી ત્યાં વિશ્વ પર ભીષણ ભૂખમરો તોળાઈ રહ્યો હોવાની ચેતવણી ટોચની અનેક નામી સંસ્થાઓએ તાજેતરમાં આપી હતી. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ, ફાઓ (યુનાઇટેડ નેશન્સ ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન) વગેરે સંસ્થાએ દરેક દેશોને ખાદ્ય સુરક્ષા માટે વિશેષ પગલાં લેવા અપીલ કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થયેલું યુદ્ધ એક વર્ષ પછી પણ હજુ ચાલુ છે. આ યુદ્ધનો અંત ક્યારે આવશે એ કોઈને ખબર નથી. યુક્રેનમાં પાકતાં ઘઉં, સોયાબીન, સનફ્લાવર વગેરેની નિકાસ માટે રશિયાએ ટર્કી અને યુનો (યુનાઇટેડ નેશન્સ)ની મધ્યસ્થીથી ગ્રીન કૉરિડોર યોજના સ્વીકારી હતી, પણ હવે રશિયાએ આ યોજનાને ૩૧મી માર્ચ પછી ચાલુ રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોવાથી યુક્રેનથી અનાજની સપ્લાય અટકી જશે. એનો મોટો માર પડશે. 

ગ્લોબલ વૉર્મિંગની અસર દિવસે ને દિવસે વધી રહી છે. ભારતમાં ગરમીનું પ્રમાણ વધતાં ઘઉં સહિતના શિયાળુ પાકો પર ખતરો વધી રહ્યો છે. શિયાળુ પાકો ખેતરમાં તૈયાર થઈ ચૂક્યા છે ત્યારે રાજસ્થાન, ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં તાજેતરમાં પડેલા વરસાદથી શિયાળુ પાકોને ખાસ્સું નુકસાન થયાના રિપોર્ટ છે. મલેશિયા અને ઇન્ડોનેશિયામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો હોવાથી પામતેલનું ઉત્પાદન છેલ્લા ચાર મહિનાથી સતત ઘટી રહ્યું છે અને આગામી દિવસોમાં મોટે પાયે ઘટશે એવી આગાહી છે. આર્જેન્ટિનામાં દુકાળ પડતાં સોયાબીનનો પાક ગયા વર્ષે ૪૨૮ લાખ ટન થયો હતો એ ઘટીને ૨૬૦ લાખ ટન થવાની આગાહી છે. આવી જ સ્થિતિ ઉરગ્વેના સોયાબીનના પાકની પણ છે. વિશ્વના અનેક દેશોમાં અલ નીનોને ખતરો ઝળૂંબી રહ્યો છે. 

ઍગ્રિ કૉમોડિટીના ભાવ વિશે ચિંતા 

યુક્રેન પર રશિયાના આક્રમણના એક વર્ષ પછી ઍગ્રિ કૉમોડિટી બજારોમાં ભાવવધારો થયો હતો, ૨૦૨૨ની શરૂઆતમાં તેમના વિક્રમી ઊંચાઈથી પીછેહઠ કર્યા પછી પણ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો છે. અલ નીનોની આગાહી પણ અનેક દેશો માટે ચિંતાની બાબત છે. ઘઉં અને અન્ય નિર્ણાયક પાકોના વિશ્વના બે સૌથી મોટા નિકાસકારો યુદ્ધના બીજા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ઘણા સંવેદનશીલ દેશો હજુ પણ ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. નાજુક અને સંઘર્ષથી પ્રભાવિત રાજ્યોમાં એક અબજ લોકોને ફૂડ સિક્યૉરિટીનો સામનો કરવો પડી રહ્યો છે.

યુનાઇટેડ નેશન્સનાં ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશને શુક્રવારે જણાવ્યું હતું કે વૈશ્વિક મોંઘવારી ઇન્ડેક્સ સતત ૧૧મા માસિક ઘટાડાથી ખાદ્ય પદાર્થોના ભાવ ગયા માર્ચની ટોચથી ૧૯ ટકા નીચે આવી ગયા છે, પંરતુ હજી ચિંતા યથાવત્ છે.

ચાર્ટ જોઈએ તો ફેબ્રુઆરીનો ફુગાવાનો દર સરેરાશ તાજેતરનાં વર્ષોના સરેરાશ સ્તર કરતાં ઉપર રહ્યા હતા. જોકે એ હવે યુક્રેનમાં યુદ્ધ પહેલાં જોવા મળેલા સ્તરો સાથે સુસંગત છે. ફાઓના ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સની રચના દર્શાવે છે કે ડેરી અને અનાજની સાથે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ખાંડ અને અન્ય કૉમોડિટીમાં ગયા વર્ષની શરૂઆતથી થોડો ફેરફાર થયો છે.

વૈશ્વિક સંસ્થાઓની તમામ દેશોને અપીલ 

આઇએમએફ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓએ ખાદ્ય સુરક્ષા પરના તાજેતરના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારો અને નિકાસકાર દેશોએ સૌથી વધુ સંવેદનશીલ લોકો માટે સમર્થન વધારવું જોઈએ, વેપાર અને બજારની કામગીરીને સરળ બનાવવી જોઈએ અને નુકસાનકારક સબસિડી છોડી દેવી જોઈએ.

આ પણ વાંચો:  મર્સિડીઝ-બેન્ઝના ભાવ એપ્રિલથી બેથી લઈને બાર લાખ રૂપિયા વધશે

ફાઓ, આઇએમએફ, વર્લ્ડ બૅન્ક, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના વડાઓએ ફેબ્રુઆરીના એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ‘લાંબા સમયની કટોકટી અટકાવવા માટે આ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં વધુ નક્કર પગલાં લેવાની જરૂર છે, જેમાં ફૂડ સિક્યૉરિટીનો પણ સમાવેશ થાય છે.’

આઇએમએફની નવી ફૂડ શૉક વિન્ડોએ અત્યાર સુધી ગિની, હૈતી, મલાવી અને યુક્રેનને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત, ખાદ્ય અસુરક્ષાનો તીવ્ર સામનો કરી રહેલા નવ દેશોને ખાદ્ય કટોકટીની અસરને પહોંચી વળવામાં મદદ કરવા માટે સામાજિક સુરક્ષા માળખા અને નીતિઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, નવા અથવા હાલના કાર્યક્રમો દ્વારા આઇએમએફની નાણાકીય સહાયથી ફાયદો થયો હતો.

ફૂડ સિક્યૉરિટીની સતત બીજે વર્ષે ચિંતા 

વૈશ્વિક બજારમાં ફૂડ સિક્યૉરિટી માટે યુક્રેન-રશિયાના યુદ્ધની સાથે અલ નીનોની આગાહી પણ ચિંતાજનક છે. આર્જેન્ટિના જેવા મકાઈ-સોયાબીનના ટોચના ઉત્પાદક અને નિકાસકાર દેશમાં દુકાળની સ્થિતિ અત્યારથી જ જોવા મળી રહી છે અને જો અલ નીનોની અસર ભારત જેવા દેશોમાં આગામી દિવસોમાં જોવા મળશે તો ભારતમાં પણ સતત બીજા વર્ષે ઘઉં સહિતના અનાજના ઉત્પાદનમાં ઘટાડો થશે અને ભારતે પણ અનાજની આયાત કરવાની નોબત આવે એવી સંભાવના રહેલી છે. આવા સંજોગોમાં વૈશ્વિક સંસ્થાઓની ચિંતાઓ મહત્ત્વની છે કે ફૂડ સિક્યૉરિટી સતત બીજા વર્ષે પણ જોવા મળી શકે છે.

તાજેતરમાં ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલી જી-૨૦ની બેઠકમાં આપણા વડા પ્રધાને ફૂડ સિક્યૉરિટી વિશે ચિંતા વ્યક્ત કરીને વિશ્વના તમામ દેશોને આ બાબતે એક મંચ પર આવવા અપીલ કરી હતી. ભારતમાં એક તબક્કે ઘઉંનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા વચ્ચે આપણા વડા પ્રધાને અનેક દેશોને ઘઉંની સપ્લાય પૂરી પાડવાની હૈયાધારણા આપી હતી, પણ આ યોજના લાંબી ચાલી શકી નથી અને સરકારે ઘઉં અને એની પ્રોડક્ટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની નોબત આવી ચૂકી છે. ભારતમાં હાલ ઘઉંના ભાવ ઊંચા હોવાથી અને ગરમીની અસરે ધારણા કરતાં વધુ ઘઉંનું ઉત્પાદન ઘટશે તો આગામી થોડા સમયમાં ભારતને ઘઉંની આયાત કરવી પડે એવી પણ નોબત આવી શકે છે. 

માત્ર વિશ્વના ગણ્યાગાંઠ્યા નહીં, પણ અનેક દેશોને ફૂડ સિક્યૉરિટી માટે તાકીદનાં પગલાં લેવાં પડે એવી સ્થિતિ છે. હાલ અમેરિકા, બ્રિટન, યુરોપિયન દેશો, જપાન વગેરે દેશોમાં ફુગાવો સાડાત્રણથી ચાર દસકની ઊંચાઈએ પહોંચ્યો છે. અમેરિકાને ફુગાવાને કાબૂમાં લેવા છેલ્લા એક વર્ષમાં નવ વખત વ્યાજદર વધારવા પડ્યા છે. આવી જ સ્થિતિ બ્રિટન અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની છે. જપાનમાં હાલ ફુગાવો ૪૨ વર્ષની ઊંચાઈએ હોવાથી આગામી સમયમાં જપાનની સેન્ટ્રલ બૅન્કને પણ વ્યાજદર વધારવા પડે એવી નોબત આવી છે. ભારતમાં પણ મોંઘવારીને કાબૂમાં લેવા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ શ્રેણીબદ્ધ વ્યાજદર વધારા જાહેર કરવા પડ્યા છે. પાકિસ્તાન, શ્રીલંકા જેવા અનેક દેશો પર મોંઘવારીનું દબાણ વધતાં અસ્તિત્વ સામે જોખમ તોળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં અનેક દેશોના અર્થતંત્ર દેવાના બોજા હેઠળ દબાઈ જશે એવી શક્યતા પણ સામે દેખાઈ રહી છે. 

business news commodity market russia ukraine