26 January, 2026 07:28 AM IST | Mumbai | Jayesh Chitalia
ફાઇલ તસવીર
શૅરબજાર પર ટ્રમ્પસર્જિત યુદ્ધ છવાઈ ગયાં છે, ઇન્ડેક્સ અને સ્ટૉક્સના ભાવોમાં કડાકા બોલાતા રહે છે. માર્કેટકૅપ બૂરી રીતે તૂટે છે. જોકે ટ્રમ્પના આ નિર્ણયોને આધારે વધ-ઘટ કરતા બજારમાં ખેલાડીઓ ટ્રેડિંગ કરી શકે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ તો આર્થિક ફન્ડામેન્ટલ્સના આધારે જ કરવું જોઈશે. અલબત્ત, હવે માર્કેટની નજર ૧ ફેબ્રુઆરીના બજેટ પર રહેશે, જેમાં ટ્રમ્પના સ્થાને દેશનું બજેટ માર્કેટ-ટ્રિગર બની શકે.
આપણે ગયા વખતે જે વાત કરી હતી એ ટ્રમ્પબાપુને કારણે વિશ્વ અને બજારોમાં અફરાતફરી ચાલી રહી છે. અસ્થિર મગજના માણસને કારણે ઘણા દેશોનાં બજારો અને લોકો હાલ સ્થિર થઈ શકતાં નથી. ગયા સપ્તાહની શરૂઆત કરેક્શન સાથે થઈ, મંગળવાર ભયાનક અમંગળ રહ્યો. આ અમંગળમાં એક જ દિવસમાં ૧૦ લાખ કરોડ રૂપિયાનું માર્કેટકૅપનું ધોવાણ થયું હતું. બુધવારે પણ બજારના હાલ તો બૂરા જ હતા. આખા જગતમાં હાલ એક ટ્રમ્પ જ ચર્ચામાં છે. વેનેઝુએલા બાદ ઈરાન અને હવે ગ્રીનલૅન્ડ મામલે ડેન્માર્ક અને સમગ્ર યુરોપ ટ્રમ્પના નામનું રડી રહ્યા છે. ટ્રમ્પ ટૅરિફ નામનું શસ્ત્ર બધા દેશો સામે વાપરવા લાગ્યા છે. ટૅરિફ માત્ર ભારત માટે સમસ્યા નથી રહી, બલકે વિવિધ દેશો માટે માથાનો દુખાવો બની છે એટલું જ નહીં, ખુદ અમેરિકા માટે પણ ટ્રમ્પની ટૅરિફ ગંભીર સમસ્યા બની છે. અમેરિકામાં મોંઘવારી વધી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ અને ટ્રમ્પ વચ્ચે પણ વ્યાજદરના મામલે મતભેદો છે. અમેરિકન ટ્રેઝરી બૉન્ડ્સમાંથી વિવિધ દેશો રોકાણ ખેંચવા લાગ્યા છે. અમરિકાનું કર્જ સતત ઊંચે જઈ રહ્યું છે. જગત આખાને હેરાન કરનાર અમેરિકા પોતે પણ હેરાન-પરેશાન હોવાનું કહેવાય છે. એના આંકડાઓ છાપરે ચડીને કહી રહ્યા છે. એમ છતાં ટ્રમ્પ મિયાં પોતાની ટંગડી ઊંચી રાખી રહ્યા છે.
વીતેલું સપ્તાહ કડાકા સાથેના કરેક્શનનું રહ્યું. ગયા સોમવારથી બુધવાર ત્રણેય દિવસ બજારમાં ટ્રમ્પના નામે કડાકા ચાલતા રહ્યા બાદ ગુરુવારે થોડી રાહતરૂપે રિકવરી નોંધાઈ હતી, જ્યારે શુક્રવારે પણ વર્ચસ કરેક્શનનું જ રહ્યું. મૂડીધોવાણ માર્કેટનો મૂડ બગાડી રહ્યું છે. જોકે હવે પછી નેગેટિવ સમાચારો અટકે અને બજેટના પૉઝિટિવ સંકેત આવે તો રિકવરીની આશા રહેશે. આમ પણ માર્કેટનું ધોવાણ એટલું બધું થયું કે એને જોઈને લેવાલી ન આવે તો જ નવાઈ. જેમ ઊંચા ભાવે પ્રૉફિટ-બુકિંગની વેચવાલી આવે એમ નીચા ભાવે ખરીદી આવે. ખાસ કરીને ભારતીય માર્કેટ સામે પડકારો ભલે આવ્યા હોય, એનું અર્થતંત્ર સારી ગતિમાં છે એટલે ગ્લોબલ સંજોગો સામે ભારતનાં આર્થિક ફન્ડામેન્ટલ્સ એવાં નબળાં પડી ગયાં નથી કે માર્કેટ મંદીમાં ધકેલાઈ જાય. બાય ધ વે, આપણી માનસિકતામાં માર્કેટ સતત ઘટે એટલે મંદીનો ભય પ્રવેશી જાય છે. અલબત્ત, બદલાતા સમય સાથે પૅનિકનું સ્થાન પરિપક્વતા લઈ રહી હોવાથી બજાર પોતાની સંભાળ લઈ લે છે. એ ખરું કે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)ની સતત નેટ-વેચવાલી, વધતું જતું ગ્લોબલ-રિસ્ક, વધતી અનિશ્ચિતતા, વેપાર-યુદ્ધની વ્યાપક બની રહેલી ચિંતા, ચોક્કસ અંશે ક્વૉર્ટરલી પરિણામોમાં નિરાશા, રૂપિયાની નબળાઈ, ક્રૂડના ભાવોની ચિંતા વગેરે જેવાં પરિબળો બજારને સતત કરેક્શન તરફ લઈ જાય છે. આમાં ક્યાંક સેન્ટિમેન્ટ અને કાલ્પનિક ભય પણ કારણ બનતાં હોય છે. બાકી ફન્ડામેન્ટલ્સ પોતાની જગ્યાએ બરાબર હોઈ શકે.
ભારતના અર્થતંત્રની સ્થિતિ જોઈએ તો ગ્લોબલ અસરો બાદ પણ એના વિકાસની દિશા અને ગતિ હેમખેમ છે, સ્પીડ-બ્રેકર કે અવરોધ આવે એ જુદી વાત છે. આમાં જ ભારતીય અર્થતંત્રની પરીક્ષા થઈ રહી છે અને સરકારના નીતિ-ઘડવૈયાઓની પણ. આગામી બજેટ આના ઉપાય લઈને આવશે એવું ચોક્કસ માની શકાય. હાલ પણ ભારત સરકાર ટ્રેડ-વૉરનો સામનો કરી જ રહી છે, એના ઉપાયમાં અમેરિકાના ટૅરિફ-આક્રમણ કે દબાણ સામે ભારત અન્ય બજારો સાથે વાટાઘાટ કરી જ રહ્યું છે, જેમાં હાલ જ એ યુરોપ ઉપરાંત અન્ય દેશો સાથે વેપાર-કરાર ફાઇનલ કરતું જાય છે. આજે ભારત એવા મુકામ પર છે જ્યાં એને વિદેશોના સહયોગ-સહકારની જરૂર છે એમ વિદેશોને પણ ભારતની આવશ્યકતા છે.
નોંધનીય બાબત એ છે કે FII જાન્યુઆરીમાં સતત ૧૩ દિવસથી નેટ સેલર્સ રહ્યા છે. ભારતીય માર્કેટના કરેક્શનમાં તેમનો મોટો ફાળો ગણી શકાય, જ્યારે કે બજારને એ પછી પણ કંઈક અંશે ટકાવી રાખવામાં સ્થાનિક સંસ્થાઓનો ફાળો ખરો. હાલ તો શૅરોની જેમ સોના-ચાંદી પણ વૉલેટાઇલ ઍસેટ્સ બની ગઈ છે. એના સ્વભાવથી વિરુદ્ધ આ બન્ને ઍસેટ્સમાં હાલ જોવા મળતી એના ભાવોની વધઘટ રોકાણકારોની અને ગ્લોબલ સંજોગોની અનિશ્ચિતતાના પુરાવા સમાન છે. હાલ સોના-ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)માં ઊથલપાથલ જોવા મળે છે. આ બન્ને ઍસેટ્સમાં ગ્લોબલ સ્પેક્યુલેશનનું તત્ત્વ પણ ભળેલું છે. છેલ્લા એક વર્ષમાં આ બન્નેના, ખાસ કરીને સિલ્વરના વધેલા-ઊછળેલા ભાવો રોકાણકારોના માનસ પર છવાઈ ગયા છે. સિલ્વરમાં રોકાણ નહીં કરનારા અત્યારે શરમ, સંકોચ અને ઇન્ફિરિયર કૉમ્પ્લેક્સની લાગણી ફીલ કરી રહ્યા છે. યાદ રહે, જેના ભાવ આડેધડ વધશે એ ભાવ આડેધડ તૂટશે પણ ખરા. એથી આ ઍસેટ્સનું રોકાણ પણ લમ્પસમ કરવા કરતાં SIP માર્ગે કરવું બહેતર છે; અને હા, બહુ મોટા પ્રમાણમાં તો ન જ કરાય. એમ છતાં ઍસેટ અલોકેશનના ભાગરૂપ કરવું હોય તો પણ લૉન્ગટર્મ માટે કરવામાં જ સમજદારી. જોકે ઇક્વિટી માર્કેટ નહીં ચાલે તો રોકાણપ્રવાહ સોના-ચાંદી તરફ વળવાની શક્યતા ઊંચી રહેશે. હવે તો લોકો સિલ્વર-ગોલ્ડથી આગળ અન્ય મેટલ તરફ વળવાનું પણ વિચારી રહ્યા છે. હા, રોકાણ માટે આજકાલ પ્લેટિનમનું નામ ચર્ચામાં આવ્યું છે.
બાય ધ વે, હવે નવા સપ્તાહમાં બજેટના સંકેતો-ઇશારા શૅરબજારના રોકાણકારોને સંદેશ આપશે. નાણાપ્રધાન સામે ગ્લોબલ પડકારો સાથે હવે ઘરઆંગણે સ્ટૉકમાર્કેટનો નિરાશાજનક ટ્રેન્ડ મોંઘો પડી રહ્યો છે. એની અસર આગામી IPO પર પણ પડી શકે. હાલ તો બજેટ એવું શું લઈને આવશે જે બજારને નવું બૂસ્ટર આપી શકે અને તેજીનું ટ્રિગર બની શકે એ સવાલ સંવેદનશીલ બન્યો છે, કારણ કે અમેરિકન ટૅરિફની સમસ્યા તેમ જ યુદ્ધનો માહોલ તો બજેટ બાદ પણ માથે ઊભાં જ હશે. જવાબ ટ્રમ્પના આગામી નિર્ણયોમાંથી મળી શકે, જ્યારે કે ટ્રમ્પ શું કરશે એ કોઈ જાણતું નથી, કદાચ ટ્રમ્પ પોતે પણ...
ગ્લોબલ એક્સપર્ટ પીટર લિન્ચના કહેવા મુજબ રોકાણકારે આગામી ૩-૬ મહિનામાં માર્કેટ કેવું રહેશે એની આગાહી કરવાની કે જાણવાની જરૂર નથી. તેમણે તો આગામી દાયકાને સમજવો પડે. લૉન્ગટર્મની ક્લેરિટી માટે શૉર્ટ ટર્મની અનિશ્ચિતતામાંથી પસાર થવું પડતું હોય છે. રોકાણકારે પોતે જે બિઝનેસમાં વિશ્વાસ ધરાવે છે એને જોતા રહેવું પડે અને એના પોર્ટફોલિયોને એ મુજબ જાળવવો પડે.