તો શું હવે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ આ નાદાર થયેલી કોસ્મેટિક કંપની ખરીદશે?

18 June, 2022 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સ તેલના મોટા સોદામાંથી ખસી ગયા બાદ હવે ફેશન અને પર્સનલ કેર સેક્ટર તરફ વળી છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નાદાર થઈ ગયેલી અમેરિકન કોસ્મેટિક કંપની રેવલોન ઈન્કને ખરીદી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ અંગે વિચાર કરી રહી હોવાના અહેવાલ છે. તાજેતરમાં રેવલોન ઇન્કએ લોન ન ચૂકવવાને કારણે નાદારી માટે અરજી દાખલ કરી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રેવલોન ઈન્કને ખરીદવામાં આવી હોવાના સમાચાર બાદ પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં રેવલોનના શેરમાં 87 ટકાનો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં પોતાનો પગપેસારો કરી ચૂકી છે.

રિપોર્ટ અનુસાર, રિલાયન્સ તેલના મોટા સોદામાંથી ખસી ગયા બાદ હવે ફેશન અને પર્સનલ કેર સેક્ટર તરફ વળી છે. કંપની આ સેક્ટરમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, રિલાયન્સ રેવલોન ઇન્કને ખરીદીને પર્સનલ કેર સેક્ટરમાં પોતાને મજબૂત બનાવી શકે છે.

15થી વધુ બ્રાન્ડ્સ

રેવલોને જણાવ્યું હતું કે પ્રકરણ 11 નાદારી હેઠળ, કંપની તેનો વ્યવસાય ચાલુ રાખી શકે છે તેમ જ લોન ચૂકવવાની યોજના બનાવી શકે છે. રેવલોન પાસે એલિઝાબેથ આર્ડેન અને એલિઝાબેથ ટેલર સહિત 15થી વધુ બ્રાન્ડ છે. રેવલોન ઉત્પાદનો લગભગ 150 દેશોમાં વેચાય છે. બજારમાં કંપનીના ઉત્પાદનોની માગ વધી છે, પરંતુ રેવલોન તેનો માલ ગ્રાહકો સુધી પહોંચાડવામાં અસમર્થ છે.

કોવિડ દરમિયાન બજાર બગડ્યું

વર્ષ 2020માં મહામારીના પ્રથમ વર્ષમાં, કંપનીના ઉત્પાદનોના વેચાણમાં 21 ટકાનો ઘટાડો થયો હતો. જો કે, તાજેતરના અહેવાલ મુજબ, કંપનીના વેચાણમાં 9.2 ટકાનો વધારો થયો છે. માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રેવલોનનું વેચાણ લગભગ 8 ટકા વધ્યું હતું. રેવલોન અન્ય ઘણી બ્રાન્ડ્સ તરફથી મુશ્કેલ પડકારનો સામનો કરી રહી છે. આ કંપનીઓ સોશિયલ મીડિયાનો સહારો લઈને પોતાનો બિઝનેસ વધારી રહી છે.

ગયા વર્ષે રેવલોને વ્યાજ તરીકે $248 મિલિયન ચૂકવ્યા હતા. રિપોર્ટ અનુસાર જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કંપનીને $67 મિલિયનની ચોખ્ખી ખોટ થઈ હતી. કંપની પોતાનો બિઝનેસ બચાવવા માટે લોન લેનારાઓ સાથે વાતચીત કરી રહી છે અને વ્યાજ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

આ કંપની બે ભાઈઓએ શરૂ કરી હતી

90 વર્ષ જૂની રેવલોન ઇન્કએ નેઇલ પોલિશ વેચીને તેનો બિઝનેસ શરૂ કર્યો હતો. આ કંપનીની શરૂઆત 1932માં ચાર્લ્સ રેવસન અને જોસેફ રેવસન નામના બે ભાઈઓએ મહામંદી દરમિયાન કરી હતી.

business news reliance mukesh ambani