શૅરબજારમાં વિક્રમી તેજીમાં કોણ ખરીદ અને કોણ શૅર વેચી રહ્યું છે?

16 December, 2019 03:17 PM IST  |  Mumbai

શૅરબજારમાં વિક્રમી તેજીમાં કોણ ખરીદ અને કોણ શૅર વેચી રહ્યું છે?

ભારતીય સ્ટોક માર્કેટ

ભારતીય શૅરબજારમાં અત્યારે તેજી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસમાં બજાર નવી ઊંચાઈથી ચોક્કસ નીચે આવી ગયાં છે, પણ હજુ વિશ્લેષકો એવો દાવો કરી રહ્યા છે કે બજારમાં ઘટાડે રોકાણકારોએ નવી ખરીદી કરવી જોઈએ. દેશનો આર્થિક વિકાસદર છ વર્ષમાં સૌથી ઓછો છે અને રિઝર્વ બૅન્ક એવો અંદાજ મૂકે છે કે સમગ્ર વર્ષ માટે વિકાસદર પાંચ ટકા આસપાસ જ રહેશે. એટલે માત્ર ભૂતકાળ જ નહીં પણ આવી રહેલો સમય પણ કપરો છે ત્યારે બજાર કેમ વધી રહ્યું છે એ ચોક્કસ સમજવાનો વિષય તો છે જ, સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે ખરીદી કોણ કરી રહ્યું છે?

જૂન મહિનામાં નરેન્દ્ર મોદી સરકાર બીજી વખત સત્તા ઉપર આવી, નવા પ્રધાનોએ કારભાર સંભાળ્યો પછી બજારમાં સ્થાનિક કે વૈશ્વિક પરિબળના કારણે સતત ઘટાડો શરૂ થયો. આ ઘટાડાએ જુલાઈ મહિનામાં નિર્મલા સીતારમણના બજેટ પછી વેગ મળ્યો. ઑટો કંપનીઓનું વાહનોનું વેચાણ વધારેને વધારે તીવ્ર ગતિથી ઘટવા માંડ્યું, વિદેશી સંસ્થાઓએ રોકાણ વેચવાના શરૂ કર્યા અને કેન્દ્ર સરકાર નિરુત્સાહી બજેટનાં પગલાં પરત ખેંચે, સરકાર આર્થિક પૅકેજ જાહેર કરે એવી માગણીઓ શરૂ થઈ. સપ્ટેમ્બરમાં સરકારે પગલાં લેવાના શરૂ કર્યા અને ફરી બજારમાં તેજીનો વંટોળ જોવા મળ્યો. નવેમ્બર મહિનામાં ભારતીય બજાર ફરી એક વખત સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

જૂનથી નવેમ્બરના આ ઉતાર-ચડાવના દિવસોમાં શૅરબજારમાં કોણે ખરીદી કરી એ જાણવું બહુ જ જરૂરી છે. આ સમગ્ર છ મહિનાના ગાળામાં વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાં માત્ર ૪૮૫૫ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી છે. બજારને સ્થાનિક સંસ્થાઓ કે મ્યુચ્યુઅલ ફંડ થકી સતત ટેકો મળી રહ્યો છે. આ છ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ૪૬,૧૬૯ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરવામાં આવી છે. જોકે સૌથી ચોંકાવનારા આંકડા સામાન્ય રોકાણકારોના છે. સામાન્ય એટલે એવા રોકાણકાર કે છે પોતે બ્રોકર થકી સીધા જ શૅરબજારમાં ખરીદી કે વેચાણ કરે છે.

આ છ મહિનામાં સ્થાનિક રોકાણકારોએ ૨૮,૦૮૫.૧૮ કરોડ રૂપિયાના શૅર સેકન્ડરી માર્કેટમાં એનએસઈ અને બીએસઈ થકી વેચ્યા છે. એનએસઈ ઉપર છ મહિનામાં માત્ર જુલાઈ મહિનામાં જ તેમણે ખરીદી કરી છે, બાકી પાંચ મહિના શૅર વેચ્યે જ રાખ્યા છે. બીએસઈ ઉપર જુલાઈ અને નવેમ્બરમાં શૅર ખરીદ્યા છે, બાકીના ચાર મહિનામાં શૅરનું વેચાણ કર્યું છે.

આ આંકડાનો અર્થ સીધો છે, સ્થાનિક રોકાણકાર બજારમાંથી નીકળી રહ્યો છે અને વિદેશી રોકાણકારની ખરીદી મામૂલી છે એટલે બજાર વધવા માટે માત્ર મ્યુચ્યુઅલ ફંડની ખરીદી જ જવાબદાર છે. ઑક્ટોબર અને નવેમ્બર મહિનાની તેજીમાં પણ સ્થાનિક રોકાણકાર ભારે માત્રામાં નફો બાંધી રહ્યો છે અને નવી ખરીદીનું પ્રમાણ ઘટી રહ્યું છે.

હવે, નવેમ્બર મહિનાના મ્યુચ્યુઅલ ફંડની અસ્કયામતોના આંકડા ચિંતાજનક છે. નવેમ્બરમાં ફન્ડસ પાસે રોકાણકારોએ ઇક્વિટી સ્કીમમાં રોકેલા નવા રોકાણ ૩૨ મહિનામાં સૌથી ઓછા માત્ર ૧૩૧૧ કરોડ રૂપિ યા જ આવ્યા છે. આ આંકડો ઑક્ટોબર સામે ૭૬ ટકા ઓછો છે. જો ફન્ડસ પાસે નાણાપ્રવાહ અટકી જશે અને રોકાણકારો પોતાનું અહીંનું રોકાણ પણ વેચવાનું શરૂ કરશે તો બજારમાં ફરી એક મોટો ઘટાડો સંભવ છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

સમગ્ર ચર્ચાનો અર્થ સરળ છે. રોકાણકાર અત્યારે જે કંપનીના શૅરના ભાવ કે મ્યુચ્યુઅલ ફન્ડમાં પોતાને વળતર મળી રહ્યું છે તેમાં વેચાણ કરી, થોડું વેચાણ કરી નફો એકત્ર કરી રહ્યો છે અથવા તો તેની ધીરજ ખૂટી ગઈ છે અને ખોટ બુક કરીને પણ તે બજારમાંથી ઉચાળા ભરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી સપાટીએ ચોક્કસ પહોંચ્યા છે પણ તેમાં માત્ર થોડી કંપનીઓના શૅર જ વધ્યા છે. એવી જ રીતે, સ્મોલ કૅપ અને મિડ કૅપ શૅર જાન્યુઆરી ૨૦૧૮ની વિક્રમી સપાટીથી હજી ઘણા દૂર છે. આ વિક્રમી તેજી છીછરી હોવાથી માત્ર કેટલીક કંપનીઓના પ્રેરિત હોવાથી જ બજારમાં અત્યારે કોઈને વિશ્વાસ નથી અને મોકો મળતાં જ તેમાં વેચાણ જોવા મળી રહ્યું છે.

business news bombay stock exchange national stock exchange