ફોકસ ફન્ડ શું છે? કોણે અને શા માટે પસંદ કરવું જોઈએ?

23 June, 2022 05:00 PM IST  |  Mumbai | Jayesh Chitalia

ઇન્ડેક્સ ફન્ડ કે ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) અથવા ચોક્કસ કૅટેગરીનાં ઇક્વિટી ડાઇવર્સિફાઇડ ફન્ડ માર્કેટમાં ઘણાં ઉપલબ્ધ છે.

પ્રતીકાત્મક તસવીર

જો એમાં તમારું પર્યાપ્ત રોકાણ થઈ ગયું હોય અથવા પછી અન્ય માર્ગ સૂઝતો ન હોય તો ઇન્વેસ્ટમેન્ટને ચોક્કસ મર્યાદિત સ્ટૉક્સ પર ફોકસ કરવા ફોકસ ફન્ડ પસંદ કરાય. જોકે એમાં રિસ્ક થોડું ઝાઝું ખરું

શૅરબજારમાં હાલ જે રીતે ચાલ અને હાલ જોવા મળે છે એમાં માર્કેટ તો દિશા ભૂલી ગઈ છે, પરંતુ રોકાણકારો પણ બેધ્યાન થઈ રહ્યા છે. કયારે લેવું? શું લેવું? કેટલું લેવું? કયારે વેચવું? વગેરે બાબતોમાં કન્ફ્યુઝન જોવા મળે છે ત્યારે રોકાણકારો માટે સૌથી વધુ આવશ્યકતા ફોકસની છે. આ ફોકસ રોકાણકારો બજાર અને અર્થતત્ર વિશે પોતાની સમજણ, વિવેકબુદ્ધિ અને જ્ઞાનથી જ લાવી શકે, જે બધા માટે સંભવ નથી, તો કરવું શું? યસ, આ સવાલ વૅલિડ અને સમયસરનો છે. 

આ સમસ્યાનો ઉપાય છે ફોકસ ફન્ડ. વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા ઑફર થતા ફોકસ ફન્ડ શું હોય છે એ તેમને સમજવું જરૂરી છે. નામ પ્રમાણે ફોકસ ફન્ડ એનું કામ ફોકસ રાખીને કરે છે. આ ફોકસ એટલે ચોક્કસ મર્યાદિત સંખ્યામાં સ્ટૉક્સમાં કામકાજ કરવું. આ સંખ્યા મહત્તમ ૩૦ સ્ટૉક્સની હોય છે, જેથી ફન્ડ માત્ર એ ૩૦ સ્ટૉક્સમાં જ રોકાણ કરે છે. આમ તો આ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી રોકાણ જ છે, પરંતુ આમાં સ્ટૉક્સની સંખ્યા મર્યાદિત હોવાથી ફન્ડ મૅનેજરે એટલા જ સ્ટૉક્સમાં રમવાનું કે પ્લાન કરવાનું હોય છે, જેથી એમાં જોખમ થોડું વધુ ઊંચું ગણીને ચાલવું. આમાં ફન્ડ મૅનેજરે માત્ર ૨૦ કે ૩૦ સ્ટૉક્સમાં જ રોકાણ કરવાનું કે સોદા કરવાનું રહેતું હોવાથી તેમણે રિસર્ચ બહુ ધ્યાનપૂર્વક ઊંડું અને લાંબા ગાળાનું કરવાનું રહે છે. ફન્ડની રિસર્ચ ટીમ બહુ જ કાર્યક્ષમ હોવી પણ જરૂરી છે. ફન્ડ મૅનેજરે મર્યાદિત છતાં સતત સ્ટૉક્સની કંપનીઓની કામગીરી, ભાવિ લક્ષ્ય, વિઝન, વિકાસ પર ધ્યાન આપવાનું રહે છે. 

સ્ટૉક સિલેક્શનનું આગવું મહત્ત્વ
ફોકસ ફન્ડ્સમાં સ્ટૉક સિલેક્શન ખૂબ જ રિસર્ચ આધારિત હોવાથી એમાં વળતરની અપેક્ષા સારી રહે છે. જોકે વિપરીત કે નેગેટિવ માર્કેટમાં જોખમ પણ ઊંચું થઈ જાય છે. લૉન્ગ ટર્મની તૈયારી આવશ્યક બને છે. અમુક મર્યાદિત સ્ટૉક્સમાં જ વધુ મૂડી લાગતી હોવાથી ભાવ વધે ત્યારે લાભ પણ ઊંચો રહે છે. જોકે અમુક સ્ટૉક્સ ખોટા આવી જાય અથવા ક્યાંક સિલેક્શનમાં ભૂલ થઈ જાય તો ખોટ પણ ઊંચી થવાની સંભાવના રહે છે, જે અન્ય નફા પર પાણી ફેરવી શકે છે, એથી જ જોખમ લેવાની તૈયારી જોઈએ છે. સાવ નવા રોકાણકારોએ આવા ફન્ડમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. અલબત્ત, અમુક વરસના અનુભવ બાદ તેઓ ફોકસ ફન્ડ અજમાવી શકે. ફન્ડ મૅનેજર બદલાય યા કોઈ ગરબડ કરે તો પણ એમાં જોખમ ઊભું થઈ શકે છે. યાદ રહે, ફોકસ ફન્ડનું જોખમ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફન્ડ કરતાં થોડું વધુ ગણાય છે. 

ડાઇવર્સિફાઇડ-કૅટેગરી ફન્ડ અને ફોકસમાં ફરક
સામાન્ય ડાઇવર્સિફાઇડ ઇક્વિટી સ્કીમ અને ફોકસ ફન્ડના ફરકને સમજી લેવો જોઈએ. ડાઇવર્સિફાઇડ ફન્ડમાં સ્ટૉક્સની સંખ્યા અમર્યાદિત રહી શકે છે, એના પર કોઈ રોક હોતી નથી. જ્યારે કે ફોકસ ફન્ડમાં મહત્તમ ૩૦ સ્ટૉક્સની મર્યાદા હોવાથી બદલાવની કે વૈવિધ્યકરણની સંભાવના ઓછી રહે છે. લાર્જ, લાર્જ અને મિડ કે મિડ અને સ્મૉલ, મલ્ટિ કૅપ વગેરે જેવાં ફન્ડ્સને તેમની કૅટેગરી મુજબ જ સ્ટૉક્સ સિલેક્ટ કરવાની મંજૂરી હોય છે, જ્યારે ફોકસ ફન્ડ કોઈ પણ કૅટેગરીમાંથી સ્ટૉક્સ પસંદ કરી શકે છે. 

સવાલ તમારા…

ફોકસ ફન્ડને ઇન્ડેક્સ ફન્ડ ગણી શકાય? કેમ કે ઇન્ડેક્સ ફન્ડમાં પણ સ્ટૉક્સની સંખ્યા મર્યાદિત હોય છે
ઇન્ડેક્સ ફન્ડમાં સ્ટૉક્સની સંખ્યા મર્યાદિત હોવા છતાં એને ફોકસ ફન્ડ કહી શકાય નહીં, કારણ કે ઇન્ડેક્સમાં સમાવિષ્ટ સ્ટૉક્સમાં એના વેઇટેજ મુજબ જ રોકાણ કરવાનું રહે છે, જ્યારે કે ફોકસ ફન્ડમાં ફન્ડ મૅનેજર એના રિસર્ચને આધારે સ્ટૉક્સ પસંદ કરે છે. ઇન્ડેક્સમાં સ્ટૉક્સ ફિકસ જ હોય છે, જ્યારે ફોકસમાં એવું હોતું નથી. સંખ્યા ફિકસ હોય છે, પણ સ્ટૉક્સમાં ફેરફાર થઈ શકે છે, વેઇટેજ મુજબ જ રોકાણ કરવાની જરૂર રહેતી નથી. ફન્ડ મૅનેજરે દિમાગને વિશેષ તેજ કરવાની કે સતત સક્રિય રહી વધુ મૅનેજમેન્ટ કરવાની જરૂર રહેતી નથી.  

 

business news jayesh chitalia