મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓને મળતા સ્ટાર શું દર્શાવે છે?

19 January, 2023 04:13 PM IST  |  Mumbai | Amit Trivedi

આ રેટિંગ્સ વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓના પ્રદર્શનની તુલના તેમની સંબંધિત શ્રેણીઓ સાથે કરે છે અને પછી રેટિંગ્સ આપે છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓનું મૂલ્યાંકન કરવા માટે રોકાણકારો જે લોકપ્રિય માપદંડોનો ઉપયોગ કરે છે એમાંનું એક છે વિવિધ એજન્સીઓ દ્વારા અસાઇન કરાયેલું સ્ટાર રેટિંગ. જોકે, એક મહત્ત્વનો પ્રશ્ન છે, જેને આપણે ધ્યાનમાં લેવો જોઈએ. મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સને અસાઇન કરાયેલાં સ્ટાર રેટિંગ્સ કેટલાં વિશ્વસનીય છે?

ચાલો પહેલાં આ સ્ટાર્સ શું છે એ સમજી લઈએ. આ રેટિંગ્સ વિવિધ મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓના પ્રદર્શનની તુલના તેમની સંબંધિત શ્રેણીઓ સાથે કરે છે અને પછી રેટિંગ્સ આપે છે.

આવી રેટિંગ એજન્સીઓમાંની એક ટોચની એજન્સી યોજનાની સંબંધિત કામગીરીના આધારે ૧૦ ટકા યોજનાઓને ફાઇવ-સ્ટાર, પછીની ૨૨.૫ ટકા યોજનાઓને ફોર્થ-સ્ટાર, પછીની ૩૫ ટકા યોજનાઓને થ્રી-સ્ટાર, ત્યાર બાદની ૨૨.૫ ટકા યોજનાઓને ટુ-સ્ટાર અને છેલ્લી ૧૦ ટકા યોજનાઓને વન-સ્ટાર આપે છે. આનો અર્થ એ છે કે જો કોઈ શ્રેણીમાં ૨૦૦ સ્કીમ હોય તો ટોચની ૨૦ સ્કીમને ફાઇવ-સ્ટાર, પછીની ૪૫ સ્કીમને ફોર્થ-સ્ટાર, મધ્યની ૭૦ સ્કીમને થ્રી-સ્ટાર, પછીની ૪૫ સ્કીમને ટુ-સ્ટાર અને છેલ્લી ૨૦ યોજનાઓને વન-સ્ટાર આપવામાં આવે છે. 

ઇક્વિટી અને ડેટમાં કરાયેલા રોકાણનું વળતર જુદા-જુદા સમયગાળાને અનુલક્ષીને ધ્યાનમાં લેવામાં આવે છે. એજન્સીઓ ઇક્વિટી માટે ત્રણ વર્ષ, પાંચ વર્ષ જેવા બહુવિધ સમયગાળા ધ્યાનમાં લઈ શકે છે, જ્યારે ડેટ માટે બે વર્ષનો સમયગાળો હોઈ શકે.

એ નોંધવું પણ અગત્યનું છે કે સ્કીમની કામગીરી માત્ર રોકાણ પર મળેલા વળતરના આધારે નક્કી થતી નથી, એમાં રોકાણને લાગુ પડતા જોખમને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ રીતે ધ્યાનમાં લેવામાં આવેલા વળતરને રિસ્ક-ઍડ્જસ્ટેડ રિટર્ન કહેવામાં આવે છે. મોટા ભાગની રેટિંગ એજન્સીઓ દરેક સ્કીમના બેન્ચમાર્ક (સામાન્ય રીતે માર્કેટ ઇન્ડેક્સ) સાથે દરેક સ્કીમના રિસ્ક-ઍડ્જસ્ટેડ રિટર્નની તુલના કરતી હોય છે. 

જોકે, આ રેટિંગ્સ સંબંધિત યોજનાઓની ભૂતકાળની કામગીરીનાં હોય છે. રેટિંગના આધારે સહેલાઈથી કહી શકાય કે જેને ફાઇવ-સ્ટાર મળ્યા છે એ સ્કીમ એનાથી ઓછા સ્ટારવાળી સ્કીમ કરતાં ભૂતકાળમાં વધુ સારું રિસ્ક-ઍડ્જસ્ટેડ રિટર્ન આપી શકી છે. આ દૃષ્ટિએ રેટિંગ ચોક્કસપણે વિશ્વસનીય કહી શકાય.

આ પણ વાંચો : મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમની કામગીરી કેવી રીતે મૂલવવી જોઈએ?

જોકે, હવે સવાલ એ છે કે શું આ રેટિંગ્સ આપણને ભવિષ્યમાં સારું વળતર પૂરું પાડવા સક્ષમ સ્કીમની પસંદગી કરવામાં મદદરૂપ થઈ શકે છે? અહીં જણાવવું રહ્યું કે જો રોકાણકાર આજનો હોય તો એને ગઈ કાલની કામગીરીનો કોઈ લાભ મળતો નથી. એમ પણ મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ દ્વારા દરેક જાહેરખબરમાં સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં પણ ટકી રહેશે એવું જરૂરી નથી.

આવી જ એક રેટિંગ એજન્સીના સામાન્ય પ્રશ્નોત્તરી વિભાગમાંથી લેવાયેલું એક નિવેદન અહીં પ્રસ્તુત છે. આ પ્રશ્નો મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓને આપવામાં આવતાં સ્ટાર રેટિંગ્સ સંબંધિત છે. 
‘રેટિંગ એ ભૂતકાળનું મૂલ્યાંકન છે, ભવિષ્યની આગાહી નથી.’

( નોંધ : આ લાઇન માત્ર એક એજન્સીની વેબસાઇટ પરથી લેવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં એ બધાને લાગુ પડે છે. દરેક એજન્સી ઉપરોક્તની મતલબનું નિવેદન ક્યાંક ને ક્યાંક મૂકતી હોય છે.)

આ નિવેદન બધું જ કહી બતાવે છે. એને બીજા શબ્દોમાં કહીએ તો રેટિંગ્સ ફન્ડની ભૂતકાળની કામગીરીનું મૂલ્યાંકન કરીને આપવામાં આવ્યાં હોય છે, એમને ભવિષ્યની કામગીરી સાથે કોઈ સંબંધ હોતો નથી.

યાદ રહે, આ રેટિંગ્સ ત્યારે જ વિશ્વસનીય કહેવાય જો એની પાછળનો હેતુ મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓના ભૂતકાળના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાનો હોય. રેટિંગ્સમાં કોઈ આગાહી કરવાની શક્તિ હોતી નથી.

business news amit trivedi