ઍ​​ક્ટિવ ફન્ડ અને સ્મૉલ કૅપ ફન્ડ શું છે?

09 February, 2023 02:33 PM IST  |  Mumbai | Jayesh Chitalia

હાઈ રિસ્ક હાઈ રિટર્ન ગણાય, પણ ખાતરી ન મનાય. ઍ​​ક્ટિવ ફન્ડની સફળતાનો આધાર એની ફન્ડ મૅનેજમેન્ટ ટીમ પર વધુ રહે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ઍ​​ક્ટિવ એના નામ મુજબના ગુણ ધરાવતા હોવાથી એનું મૅનેજમેન્ટ સતત સક્રિય રહે છે અને સ્મૉલ કૅપ એના નામ મુજબ નાના હોવાથી જોખમ વધુ ધરાવે છે. અલબત્ત, હાઈ રિસ્ક હાઈ રિટર્ન ગણાય, પણ ખાતરી ન મનાય. ઍ​​ક્ટિવ ફન્ડની સફળતાનો આધાર એની ફન્ડ મૅનેજમેન્ટ ટીમ પર વધુ રહે છે

મ્યુચ્યુઅલ ફન્ડમાં આમ તો ઘણી વરાઇટી હોય છે, પરંતુ એકનું નામ છે, ઍ​​ક્ટિવલી મૅનેજ‍્ડ ફન્ડ. અર્થાત એ ફન્ડનું સક્રિયપણે મૅનેજમેન્ટ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એ ફન્ડના મૅનેજર્સ સતત ભંડોળ પર નજર રાખે છે; અર્થાત્ આ ફન્ડની કામગીરી એના મૅનેજરની કાર્યક્ષમતા, બુ​દ્ધિમત્તા, નિર્ણયશકિત, સ્ટૉક્સમાં સતત ફેરફાર કે લે-વેચ કરવાની કુશળતા, સ્ટૉક્સ સિલેક્ટ કરવાની કાબેલિયત અને એના પોર્ટફોલિયોને મૅનેજ કરવાની કળા પર મોટો આધાર રાખે છે. આ બધા ગુણોને કારણે જ એને ઍ​​ક્ટિવ ફન્ડ પણ કહે છે. આના ફન્ડ મૅનેજર્સ કયાં સેક્ટર્સ અને સ્ટૉક્સ પસંદ કરવા એની કુશળતા ધરાવતા હોય છે, જે બેન્ચમાર્ક ઇન્ડેક્સથી પણ બહેતર કામગીરી કરવાની આશા કે લક્ષ્ય રાખે છે. 

હાલના સંજોગોમાં કહો કે વૉલેટાઇલ માર્કેટમાં ઍ​​ક્ટિવ ફન્ડ મૅનેજર્સની ભૂમિકા મોટો પડકાર ગણાય, બજેટ બાદ અને અદાણી પ્રકરણ પછી બજારમાં જે સંજોગો ઊભા થયા છે એમાં ઍક્ટિવ ફન્ડ મૅનેજરની જવાબદારી વધુ વધી ગઈ છે. આ ફન્ડની મૅનેજમેન્ટ ટીમે સતત માર્કેટ પર ધ્યાન રાખવું પડે છે. રોકાણના માહોલને ચકાસતાં રહેવા ઉપરાંત વિવિધ ઉદ્યોગોનું ઍનૅલિસિસ કરતાં રહેવું પડે છે. સંબંધિત કંપનીઓ એના મૅનેજમેન્ટને મળતા રહેવું, એના હરીફોને પણ મળવું-સમજવું પડે છે. અનેકવિધ પરિબળોના અભ્યાસ બાદ તેમણે રોકાણ નિર્ણય લેવાનો થાય છે, જયારે કે તેમની સામે પૅસિવ ફન્ડ મૅનેજરે માત્ર ઇન્ડેક્સને ફૉલો કરવાનું આવે છે. દાખલા તરીકે કોઈ ફન્ડ સેન્સેક્સને ફૉલો કરે તો એ સેન્સેક્સમાં સમાવિષ્ટ સ્ટૉક્સ મુજબ કે પ્રમાણમાં ખરીદી-વેચાણ કરે છે. કોઈ નિફ્ટી ફન્ડના સ્ટૉક્સને ફૉલો કરે તો  આ ઇન્ડેક્સમાં રહેલા સ્ટૉક્સના પ્રમાણસર કે વેઇટેજ અનુસાર શૅર ખરીદે-વેચે છે. આમ હોવાને કારણે ઍ​​ક્ટિવ ફન્ડની ફી ઊંચી હોય છે, જોખમ અને વળતરની શક્યતા પણ ઊંચી રહે છે. બીજી બાજુ પૅસિવ ફન્ડમાં ફી નીચી, વળતર અને જોખમની સંભાવના પણ નીચી રહે છે. આમાં ફન્ડ મૅનેજરે ખરીદી-વેચાણનો નિર્ણય લેવાનો આવતો નથી, તેમણે માત્ર ઇન્ડેક્સના ટ્રૅકને જ અનુસરવાનું  રહે છે. 

આ પણ વાંચો :  નિવૃત્તિ આયોજન માટે એસડબ્લ્યુપીની તૈયારી વહેલી કરી લેવી જોઈએ

સ્મૉલ કૅપ ફન્ડ

આ ફન્ડ મોટે ભાગે એટલે કે મિનિમમ ૬૫ ટકા ભંડોળનું સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં રોકાણ કરે છે, જયારે કે ૩૫ ટકા ભંડોળ મિડિયમ અને લાર્જ કૅપ સ્ટૉક્સમાં કરાય છે. આવી કંપનીઓમાં રિસર્ચ ઓછું હોય છે, અર્થાત્ તેમના વિશેની જાણકારી મર્યાદિત હોય છે. આમાં દરેક સ્ટૉક્સને તેમાંના રિસ્કને આધારે મૂલવવા પડે છે. જે વ્યકિતગત જોખમ લેવાની ક્ષમતા પર આધારિત હોય છે. મોટા ભાગના ફાઇનૅ​ન્શિયલ પ્લાનર આવા સ્ટૉક્સમાં ૧૦થી ૨૫ ટકા એક્સપોઝર રાખવાની સલાહ આપે છે. અથવા આવા સ્ટૉક્સમાં એસઆઇપી કરવાનું સુચવે છે, જેથી જોખમની માત્રા ઓછી રહે. 

હાઈ રિસ્ક – હાઈ રિટર્ન

આવા સ્ટૉક્સમાં ખરીદી માટે વિકલ્પો વધુ મળે છે, કેમ કે આવી કંપનીઓની સંખ્યા મિડિયમ કે લાર્જ કૅપ કરતાં વધુ હોય છે. જોકે આમાં હાઈ રિસ્ક-હાઈ રિટર્ન હોય છે. રોકાણકારોએ અથવા ફન્ડ મૅનેજરે ગણતરીપૂર્વકનું રિસ્ક લેવું પડે છે. બજારમાં તેજી સમયે આવા સ્ટૉક્સના ભાવ પણ આડેધડ વધતા હોય છે, જેથી ઊંચા ભાવે આવા સ્ટૉક્સમાં પ્રવેશવાનું મોંઘું પડી શકે છે. આના ભાવોની રેન્જ નીચી હોવાથી રોકાણકારોને એનું આકર્ષણ વધુ રહે છે, એ ઘણી વાર મ​લ્ટિબેગર્સ (અનેકગણી કમાણી કરાવતો શૅર) પણ બનતા જોવા મળે છે. જોકે ઘણી વાર મ​લ્ટિલૂઝર્સ (અનેક ગણું નુકસાન કરાવતો શૅર) પણ. આવા સ્ટૉક્સને મ્યુચ્યુઅલ ફન્ડ મારફત ખરીદવામાં વધુ શાણપણ ગણાય છે, કારણ કે ફન્ડ એમાં ડાઇવર્સિફિકેશનનો માર્ગ અપનાવવા સક્ષમ હોય છે. સ્મૉલ કૅપ્સ સ્ટૉક્સ તૂટ્યા બાદ એને રિકવરીમાં પણ લાંબો સમય લાગે છે અને ઘણી વાર તો એના ઊંચા ભાવ પર એ કયારેય પાછા ફરતા નથી.

business news jayesh chitalia