નિવૃત્તિ માટેની તમારી તૈયારી કેટલી છે?

08 July, 2019 12:17 PM IST  |  | વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

નિવૃત્તિ માટેની તમારી તૈયારી કેટલી છે?

રિયાટરમેન્ટ

તમારા જીવનનાં લક્ષ્યો સર કરાયાં હોય અને તંદુરસ્તી સાથે પૂરતી નાણાકીય સગવડ હોય એને આનંદમય નિવૃત્તિકાળ કહી શકાય. કારકિર્દીના પ્રારંભિક સમયથી જ નિવૃત્તિ માટેનું આયોજન કરી લીધું હોય તો જીવન વધુ અર્થપૂર્ણ તથા સુખમય બને છે. આમ છતાં, મોટાભાગના લોકો એમ જ માનતા હોય છે કે નિવૃત્તિ આવવા આડે 10-15 વર્ષ બાકી હોય ત્યારે જ નિવૃત્તિનો વિચાર અને તેના માટેનું આયોજન કરવું જોઈએ.

આજે પણ તમે વીસી કે ત્રીસીમાં હોય એવા કોઈ યુવાનને પૂછશો તો એ એમ જ કહેશે કે નિવૃત્તિનું આયોજન કરવાને તેને હજી ઘણી વાર છે. હકીકતમાં, આ અભિગમ ભૂલભરેલો છે. આમ કહેવાનું કારણ જોઈ લઈએ.

ઔપચારિક શિક્ષણ પૂરું કરીને નવી નોકરી લાગે ત્યારે શરૂઆતમાં રોમાંચ હોય છે. શિક્ષણ પૂરું થઈ ગયું હોવાથી એક પ્રકારની સ્વતંત્રતાનો પણ અનુભવ થતો હોય છે. નવી જૉબમાં નવું શીખવાનું પણ મળે છે. એ સમયે વિવિધ લાગણીઓ અનુભવાતી હોય છે. જોકે, થોડા મહિનાઓ કે અમુક વર્ષ પછી શરૂઆતની અનેક બાબતો બદલાઈ જાય છે. બદલાતી ન હોય એવી એક બાબત છે, પગાર પ્રત્યેની ભાવના અથવા તો પૈસા પ્રત્યેનો અભિગમ.

પગાર ત્રણ લાખનો હોય કે પચાસ લાખનો, મહિનાના અંતે દરેક પગારદારની માનસિક સ્થિતિ એકસરખી જ હોય છે. મનુષ્ય તરીકે આપણે બધાએ પોતપોતાની ભૂલમાંથી બોધપાઠ લેવો જોઈએ, પરંતુ એમ કરવાને બદલે આપણે બધા કરતાં હોય એવી ને એવી જ ભૂલો કર્યે રાખીએ છીએ.

વર્તમાન જગમાં નિવૃત્તિકાળ માટેનું આયોજન કરી રાખવાની જરૂર પહેલાંના વખત કરતાં ઘણી વધારે છે. તેનાં અમુક કારણો આ પ્રમાણે છેઃ

૧) સમાજમાં હવે પહેલાંના જેવી સ્થિતિ રહી નથી કે નિવૃત્તિકાળમાં સંતાનો પર નિર્ભર રહી શકાય.

૨) ફુગાવો વધતો જતો હોવાથી મોટાભાગનાં રોકાણોમાં મળતું વળતર ઓછું પડે છે.

૩) જીવનધોરણ બદલાતાં અનેક નવા ખર્ચ આવ્યા છે, જે પૂરા કરવાનું નિવૃત્તિકાળમાં મુશ્કેલ બની શકે છે.

૪) આવરદા વધી ગઈ છે. અદ્યતન તબીબી સાધનો-સુવિધાઓ-ઉપચારને લીધે મનુષ્યનું આયુષ્ય વધી ગયું છે. વધતી આવરદાની સાથે આરોગ્ય સાચવવા માટેના ખર્ચ પણ વધી ગયા છે, જે નિવૃત્તિકાળ દરમિયાન પૂરા કરવા માટે નાણાકીય જોગવાઈ આવશ્યક બને છે.

૫) એક સમયે મોજશોખની ગણાતી વસ્તુઓ આજે જીવનજરૂરિયાતની બની ગઈ છે.

૬) વધુપડતી અપેક્ષાઓ રખાતી હોવાથી તેને પૂરી કરવા માણસ સતત દોડતો રહે છે. આવા સંજોગોમાં નિવૃત્તિકાળ માટેનું આયોજન વધુ જરૂરી બને છે.

૭) નિવૃત્તિ બાદ પણ માણસ હવે પ્રવૃત્તિમય રહેવા માગે છે, નવી-નવી જગ્યાએ ફરવા જવા માગે છે અને જીવનને ભરપૂર માણી લેવા માગે છે. આથી તેના માટે પૂરતી નાણાકીય જોગવાઈ જરૂરી બને છે.

નવાઈની વાત છે કે ઉપર જણાવ્યા મુજબનાં પરિબળો અસ્તિત્વમાં છે એ બાબતની બધાને જાણ છે અને તેનો તેઓ સ્વીકાર પણ કરે છે, છતાં નિવૃત્તિકાળ માટેના આયોજન તરફ દુર્લક્ષ સેવે છે. એક આંતરિક સર્વેક્ષણ મુજબ ૬૧ ટકા લોકો નિવૃત્તિકાળની નાણાકીય જોગવાઈ માટે એસેટની ફાળવણી કરવાનું જરૂરી સમજતા નથી. તેને લીધે ૫૨ ટકા લોકો હજી પણ પરંપરાગત નાણાકીય સાધનોમાં રોકાણ કરે છે, જે ફુગાવા કરતાં વધુ વળતર આપતું નથી.

બજારમાં રિટાયરમેન્ટ ફંડ મળે છે, પરંતુ તેમાંથી મોટાભાગનાં ફંડ હાઇબ્રિડ પ્રકારનાં હોય છે. તેમાં પાંચ વર્ષનો લોક-ઇન પીરિયડ હોય છે અને આવક વેરાની કલમ 80સી હેઠળ કરલાભ મળે છે. જોકે, એ મોટાભાગનાં ફંડ એસેટની ફાળવણીની બાબતે ઊણાં ઊતરે છે.

અહીં એક ખાસ વાત કહેવાની કે માત્ર ઉપર જણાવેલાં પરિબળોને કારણે જ નિવૃત્તિકાળ માટેનું આયોજન કરવું જોઈએ એવું નથી. પોતાને આવું આયોજન કરવાની જરૂર નથી એવું હાલ માનનારા લોકોએ તો ખાસ આ આયોજન શરૂ કરી દેવું જોઈએ.

આ પણ વાંચો : સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી વખતે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ (શરતો) કઈ રીતે નક્કી કરવી

નિવૃત્તિકાળ માટે નાણાંની ફાળવણી પહેલો પગાર હાથમાં આવે એ જ દિવસથી શરૂ કરી દેવી જોઈએ. નિવૃત્તિકાળ માટેની એસઆઇપી શરૂ કરાવવી અને જેમ જેમ ઉંમર વધે તેમ તેમ પોર્ટફોલિયોમાં આવશ્યક ફેરફાર કરવા. એક તબક્કે સંપૂર્ણ પોર્ટફોલિયો ઓછું જોખમ હોય એવાં સાધનોનો બનાવી લેવો. દરેક વ્યક્તિનો પોર્ટફોલિયો પોતપોતાની જોખમ ખમવાની ક્ષમતા તથા સામાજિક-આર્થિક સંજોગોના આધારે બદલાતો હોય છે. આથી એ બાબતે દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે વિચાર કરીને નાણાકીય સલાહકારની મદદ લેવી જોઈએ.

business news