VI FPO: આજે ખૂલ્યો દેશનો સૌથી મોટો એફપીઓ, કંપનીમાં ભારત સરકારનો છે મોટો હિસ્સો

18 April, 2024 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વોડાફોન આઈડિયા લિમિટેડ (VI FPO) આદિત્ય બિરલા ગ્રુપની કંપની છે. કંપની 18,000 કરોડની ફૉલો ઑન પબ્લિક ઑફર લાવી રહી છે, જેનું આજથી બિડિંગ શરૂ થઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

વોડાફોન આઈડિયા લિમિટેડ (VI FPO) આદિત્ય બિરલા ગ્રુપની કંપની છે. કંપની 18,000 કરોડની ફૉલો ઑન પબ્લિક ઑફર લાવી રહી છે, જેનું આજથી બિડિંગ શરૂ થઈ રહ્યું છે. આગામી સોમવાર એટલે કે 22મી એપ્રિલ સુધી બિડિંગ કરી શકાશે. રકમની દ્રષ્ટિએ તે ભારતનો સૌથી મોટો એફપીઓ છે. તેમાંથી એન્કર રોકાણકારો પાસેથી પણ રૂા. 5,400 કરોડ એકત્ર કરવામાં આવશે.

જાણી લો વિગતો

વોડાફોન આઈડિયા લિમિટેડ મૂડી બજારમાંથી ₹18,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ માટે ફૉલો ઑન પબ્લિક ઑફર (VI FPO) આજે એટલે કે 18મી એપ્રિલે ખુલી રહ્યો છે. રોકાણકારો તેમાં 22મી એપ્રિલ સુધી બિડ કરી શકે છે. આ અંતર્ગત રૂા. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર રૂા. 1ના પ્રીમિયમ પર બહાર પાડવામાં આવશે.

આ છે પ્રાઇસ બેન્ડ?

વોડાફોન આઈડિયાના એફપીઓ (VI FPO)ની પ્રાઇસ બેન્ડ રૂા. 10થી રૂા. 11 વચ્ચે નક્કી કરવામાં આવી છે. આ FPOમાં રોકાણકારોએ ઓછામાં ઓછી રૂા. 1298ની બિડ કરવી પડશે. આની ઉપર, બિડિંગ આના ગુણાંકમાં કરવાની રહેશે. જો રિટેલ રોકાણકાર એક લોટ માટે બિડ કરવા માગે છે તો તેમણે ઓછામાં ઓછા 14,278 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

એન્કર રોકાણકારો પાસેથી રૂા. 5400 કરોડ મેળવ્યા

એન્કર રોકાણકારોએ 16 એપ્રિલે વોડાફોન આઈડિયાના FPO માટે બિડ કરી હતી. શેરબજારમાંથી મળેલી માહિતી અનુસાર આ FPOમાં એન્કર રોકાણકારો દ્વારા રૂા. 5,400 કરોડના શેરની ઑફર કરવામાં આવી હતી. આ સાથે એક રેકોર્ડ બન્યો હતો. વોડાફોન આઈડિયા એફપીઓ વન 97 કોમ્યુનિકેશન્સ (પેટીએમ) અને લાઈફ ઈન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (એલઆઈસી) પછી ભારતમાં ત્રીજી સૌથી મોટી એન્કર બુક બની છે.

એન્કર રોકાણકારોને 491 કરોડ શેર મળ્યા

ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાએ રૂા. 5,400 કરોડ એકત્ર કરવા માટે 74 એન્કર રોકાણકારોને રૂા. 11 પ્રતિ શેરના ભાવે 491 કરોડ શેર ફાળવ્યા છે, એમ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવાયું છે. જીક્યુજી પાર્ટનર્સ, યુબીએસ, ઑસ્ટ્રેલિયન સુપર, ફિડેલિટી, રેડવ્હીલ ફન્ડ્સ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી, ઓલસ્પ્રિંગ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ, મોર્ગન સ્ટેનલી ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, કોપ્ટલ મોરિશિયસ ઇન્વેસ્ટમેન્ટ અને સોસાયટી જનરલ  જેવા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આ FPOમાં રોકાણ કર્યું છે. આની સાથે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ, બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ અને 360 વન જેવા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ પણ રોકાણ કર્યું છે.

જીએમપી શું છે?

વોડાફોન આઈડિયાના એફપીઓને ગ્રે માર્કેટમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુરુવારે સવારે ગ્રે માર્કેટમાં તેના શેર પર 15.45 ટકા પ્રીમિયમ બતાવવામાં આવી રહ્યું હતું. મતલબ કે જો શેરની ઇશ્યૂ કિંમત રૂા. 11 નક્કી કરવામાં આવે છે, તો ગ્રે માર્કેટમાં તેની કિંમત રૂા. 12.70 ક્વોટ કરવામાં આવી રહી છે. જો આપણે શેરબજારમાં આ કંપનીના શેરના ભાવ પર નજર કરીએ તો, છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે તેનો શેર બીએસઈ પર રૂા. 12.91 પર બંધ થયો હતો, જે આગલા દિવસની કિંમત કરતાં 1.82 ટકા ઓછો હતો.

કંપનીનો સૌથી મોટો શેરધારક ભારત સરકાર

વોડાફોન આઈડિયામાં સૌથી વધુ શેરહોલ્ડર ભારત સરકાર છે. આ કંપનીમાં ભારત સરકારનો 32 ટકા હિસ્સો છે. આમાં યુનાઇટેડ કિંગડમ અથવા યુકેનું વોડાફોન જૂથ અને આદિત્ય બિરલા જૂથ સહ-સ્થાપક છે.

IPO અને FPO વચ્ચે શું તફાવત છે?

શેરબજારમાં આઈપીઓ અને એફપીઓ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. પ્રારંભિક જાહેર ઑફર અથવા આઇપીઓ એવી કંપની તરફથી આવે છે જેના શેર પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ નથી. જ્યારે ફૉલો ઑન પબ્લિક ઑફર અથવા એફપીઓ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા શેરબજારમાં પહેલેથી જ લિસ્ટેડ કંપની, રોકાણકારો અથવા હાલના શેરધારકો, સામાન્ય રીતે પ્રમોટરોને નવા શેર ઇશ્યૂ કરે છે. કંપની આ શેરના ઈશ્યુ દ્વારા વધારાનું ભંડોળ એકત્ર કરે છે.

vodafone share market stock market national stock exchange bombay stock exchange nifty sensex business news