ગુજરાતમાં જુન મહિનામાં વાહનોની નોંધણીમાં 20% નો વધારો થયો

22 August, 2019 10:00 AM IST  |  Ahmedabad

ગુજરાતમાં જુન મહિનામાં વાહનોની નોંધણીમાં 20% નો વધારો થયો

Ahmedabad : ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓટો ઇન્ડસ્ટ્રીમાં ખરાબ સમય ચાલી રહ્યો છે. ત્યારે આ ખરાબ સમય વચ્ચે એક સારા સમાચાર પણ આવી રહ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશન્સ (FADA) એ જુલાઈ મહિનામાં વાહનોના રજીસ્ટ્રેશનના આંકડા જાહેર કર્યા છે અને તે મુજબ ગુજરાતમાં જુન મહિનાની સરખામણીએ જુલાઈ મહિનામાં વાહનોની નોંધણીમાં 20%ની વૃદ્ધિ થઇ છે. જોકે, ગત વર્ષની સરખામણીએ નોંધણી 17% ઘટી છે. આ અંગે ફાડાના પ્રમુખ આશિષ કાલેએ જણાવ્યું કે, દેશભરમાં ચોમાસાની સ્થિતિ સુધારતા તહેવારો માટે ખરીદીનો માહોલ બન્યો હતો જેના કારણે આ વર્ષે જુનની સરખામણીએ જુલાઈ મહિનામાં વાહનોની નોંધણીમાં વધારો થયો હતો. ખાસ કરીને, પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં વૃદ્ધિ સારી રહી હતી.


આંકડા ઓટો ઇન્ડસ્ટ્રી માટે સકારાત્મક બાબત છે
આ આંકડાને જોતા ઓટો ઇન્ડસ્ટ્રીમાં પરિસ્થિતિ સુધારી હોય એમ ના કહી શકાય, પણ હા આ એક સકારાત્મક બાબત છે. ગુજરાતના આંકડા જોઈએ તો જુન 2019માં 1.03 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું તેની સામે જુલાઈમાં 1.24 લાખ વાહનોની નોંધણી થઇ હતી.


પેસેન્જર વાહનોના રજીસ્ટ્રેશનમાં થયો નોંધપાત્ર વધારો

FADA ના આંકડા મુજબ જુન મહિનાની સરખામણીએ ગુજરાતમાં 18,333 પેસેન્જર વ્હિકલ્સની નોંધણી સામે જુલાઈમાં 27,681 વાહનોની નોંધણી થઇ હતી. આ દર્શાવે છે કે માસિક ધોરણે પેસેન્જર વાહનોની નોંધણીમાં 51%નો નોંધપાત્ર વધારો થયો છે. જોકે, વાર્ષિક સરખામણીએ આ આંકડા હજુ પણ નકારાત્મક છે. અન્ય કેટેગરીમાં થ્રી વ્હિલર રજીસ્ટ્રેશન પણ 35% વધ્યું છે. આંકડા જોઈએ તો જુલાઈમાં 6,855 થ્રી વ્હિલર્સની નોંધણી થઇ હતી જે જુનમાં 5,090 હતી.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

ભારતમાં જુન મહિનામાં વાહનોની નોંધણીમાં 5% નો વધારો થયો
FADA ના આંકડા દર્શાવે છે કે, દેશભરમાં જુન 2019 દરમિયાન 15.81 લાખ વાહનોની નોંધણી થઇ હતી જે જુલાઈમાં 16.54 લાખ રહી હતી. આ મુજબ દેશભરમાં વાહનોની નોંધણીમાં માસિક ધોરણે 5%નો વધારો થયો છે. જોકે, વાર્ષિક ધોરણે જોઈએ તો વાહનોની નોંધણી 6% ઘટી છે.

business news automobiles