અમેરિકા-ઈરાન સમજૂતી આ વખતે ફાઇનલ કે હજી ફણગા ફૂટી શકે?

15 June, 2026 09:09 AM IST  |  Mumbai | Jayesh Chitalia

હવે યુદ્ધના તનાવ સાથે ઘણા અભાવ પણ દૂર થવાની આશા : બુલ ટ્રેનની સિટી વાગી સમજવી : જોકે AIનું બબલ ક્યાંક ટ્રબલ બની શકે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

છેલ્લા અમુક મહિનાથી US-ઈરાન વિવાદનું ફૅક્ટર શૅરબજાર પર સતત અને ભારે અસર ધરાવતું સૌથી અસરકારક અને પાવરફુલ પરિબળ રહ્યું. એમાં પણ ટ્રમ્પનાં નિવેદનોની અસર નિયમિત બદલાતી રહેતી હોવાથી આ વિષય સતત અનિશ્ચિતતાનો પણ રહ્યો. ખેર, શુક્રવારે બન્ને દેશો વચ્ચે સમજૂતીના જે અહેવાલ બહાર આવ્યા અને જે રીતે બજાર ઊંચકાયું એને લીધે આ સમજૂતી નક્કર હોવાનો મત વ્યક્ત થવા લાગ્યો, જો આ ખરું ઠર્યું તો તેજીની ટ્રેન ગમે ત્યારે સ્પીડ પકડી શકે. જોકે આ સંજોગો વચ્ચે હાલ AIનું પરિબળ થોડી ચિંતાનો વિષય ખરો!

ઈરાન-US-ઇઝરાયલ વિવાદ-તનાવ-વાટાઘાટ, હુમલા-છમકલાંનો વિવાદ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની બબલની વાતો જોર પકડી રહી છે. હજી અમુક દિવસો પહેલાં AI કંપનીઓના સ્ટૉક્સના નામે ચોક્કસ ગ્લોબલ માર્કેટમાં તેજીની રૅલી ચાલી રહી હતી અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એ માર્કેટ - એ સ્ટૉક્સમાં નાણાપ્રવાહ વહાવતા રહેતા હતા ત્યાં હવે આ સ્ટૉક્સનાં વળતાં પાણી થયાં હોવાના અહેવાલ બહાર આવતા જાય છે.

કેટલાંક ગ્લોબલ એક્સચેન્જિસ પર પણ હાલ AI કંપનીઓના સ્ટૉક્સની બોલબાલા ઘણા સમયથી વધતી રહી. જોકે ગયા સપ્તાહમાં USના નેસ્ડેક માર્કેટમાં (નેસ્ડેક એ USનું ટેક્નૉલૉજી કંપનીઓનું એક્સચેન્જ ગણાય છે) ત્યાં AI સ્ટૉક્સના ઉછાળાની સર્વપ્રથમ શરૂઆત થઈ હતી. જોકે આ સ્ટૉક્સનાં વૅલ્યુએશન કેટલાં વાજબી ગણાય? AI સ્ટૉક્સ બબલ (ફુગ્ગો) થશે કે કેમ? ફુગ્ગો થાય તો પણ એ ફૂટશે ખરો? જેને માર્કેટની ભાષામાં બબલ બર્સ્ટ કહે છે. આ સાથે ગ્લોબલ માર્કેટમાં સેમિકન્ડક્ટર્સ સેક્ટરના સ્ટૉક્સની પણ ડિમાન્ડ જોરમાં જોવા મળી. આવા સ્ટૉક્સના આકર્ષણને લીધે ગ્લોબલ રોકાણકારો જ્યાં આવા સ્ટૉક્સ વધુ છે ત્યાં પોતાનું રોકાણ લઈ જઈ રહ્યા છે અને વધારી પણ રહ્યા હોવાનું નોંધાયું છે જેને કારણે જે-તે સંબંધિત એક્સચેન્જિસમાં બુલ રૅલી ચાલી. જોકે આ રૅલીમાં એક સત્ય ભુલાઈ રહ્યું છે કે આ સમગ્ર માર્કેટની તેજી નથી અર્થાત ખરા અર્થમાં માર્કેટ બ્રૉડબેઝ્ડ સ્વરૂપે બુલિશ ગણાય નહીં, પણ મર્યાદિત સ્ટૉક્સની જ તેજી ગણાય જેને ખરેખર તો નક્કર બુલ માર્કેટ ગણી શકાય નહીં. આ માર્કેટ્સમાં હાલ તાઇવાન અને સાઉથ કોરિયાની બજારનાં નામ વિશેષ ચર્ચામાં રહ્યા. જ્યારે કે આ સેક્ટર્સના સ્ટૉક્સના આડેધડ વધતા ભાવો હવે નિષ્ણાતોની દૃષ્ટિએ જોખમી સ્તરે પહોંચી રહ્યા છે જેને માર્કેટની ભાષામાં બબલ (ફુગ્ગો) કહે છે જે ગમે ત્યારે ફૂટી શકે.

AIની અસર IT સ્ટૉક્સ પર

બાય ધ વે, આનું સ્પષ્ટ તારણ કે સંકેત એ નીકળી શકે કે આ બબલ થશે ત્યારે આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતીય બજાર તરફ ફરી વેગથી પાછા ફરશે. ગયા સપ્તાહમાં US માર્કેટને કેટલાક સ્ટૉક્સની કૃત્રિમ તેજીનો અનુભવ થઈ ગયો હતો, આવું તાઇવાન-સાઉથ કોરિયા સાથે બની શકે. એન્થ્રોપિકે નવા AI મૉડલની જાહેરાત કરવાને પગલે IT શૅરોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા દિવસ એમાં ગાબડાં પડતાં રહ્યાં હતાં. આમ AI સ્ટૉક્સની અસર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)ના સ્ટૉક્સ પર પણ થઈ છે. દરમ્યાન AI તેજી વચ્ચે સ્પેસ એક્સનો ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) અને એનું લિસ્ટિંગ વૈશ્વિક ચર્ચામાં છે.

આવી રહેલા IPOની વિવિધતા

દરમ્યાન અધ્ધર શૅરબજારમાં પણ નિયમન સંસ્થા સેબીની મંજૂરી સાથે પાંચ IPO માર્કેટમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. આ પાંચ IPO આશરે ૧૧,૬૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરશે. આમાં ઓરાવેલ સ્ટેસ (OYO), ટ્રુહોમ ફાઇનૅન્સ, વિગાલૅન્ડ ડેવલપર્સ (કેરલમ સ્થિત અફૉર્ડેબલ હાઉસિંગ ફાઇનૅન્સ ફોકસ સાથેના ડેવલપર), મહેતા હાઇટેક ઇન્ડસ્ટ્રીઝ (લેસર ઇક્વિપમેન્ટ ઉત્પાદક અને ડિજિટલ પ્રિન્ટર પ્રેસ), ઍડ્વાન્ટા એન્ટરપ્રાઇઝિસ (ઍગ્રિકલ્ચર સૉલ્યુશન બિઝનેસ) વગેરેનો સમાવેશ થાય છે. આમ ડાઇવર્સિફાઇડ પ્રવૃત્તિઓ ધરાવતી કંપનીઓ મૂડીબજારમાં પ્રવેશવાનો પ્લાન કરી રહી છે. આવો જ કંઈક માહોલ US માર્કેટમાં પણ આકાર પામી રહ્યો હોવાના અહેવાલ છે. આની સફળતા બજારને નવો વિશ્વાસ અને વેગ આપી શકે.

એક દિવસ ધમકી, બીજા દિવસે સમજૂતી

ઈરાનના વલણને કારણે ટ્રમ્પે ગુરુવારે ફરી વાર ધમકી ઉચ્ચારી અને ઈરાનનો ઑઇલ અને ગૅસનો કબજો લઈ લેવા ટ્રમ્પે ૨૪ કલાકમાં ઈરાન પર અટૅક કરવાની તૈયારીના સંકેત આપ્યા અને ૨૪ કલાકની અંદર પોતાની વાત ફેરવી નાખતાં કહ્યું કે વાટાઘાટ ચાલી રહી છે, પરિણામે બીજા જ દિવસે બજારે રિકવરી બતાવી દીધી. ક્રૂડના ભાવ નીચે આવ્યા અને સ્ટૉક્સના ભાવ ઊંચા ગયા. આમ હાલ તો છેલ્લા કેટલાક સમયથી માત્ર ટ્રમ્પ અને ઈરાન જ બજારની ચાલ નક્કી કરે છે. વિશ્વ લગભગ પહેલી વાર આવો માહોલ જોઈ રહ્યું હશે જ્યાં ૪થી ૨૪ કલાકમાં નિવેદનો અને નિર્ણયો બદલાય, જેને કારણે વિશ્વ આખું ઊંચું-નીચું થાય. જોકે શુક્રવારે માહોલ એવો બદલાયો કે US-ઈરાન સમજૂતી પાકી થઈ ગઈ હોવાના અહેવાલ ફરતા થયા અને સેન્સેક્સે ૧૬૦૦ પૉઇન્ટથી વધુ ઊંચો કુદકો મારીને એની સાક્ષી પૂરી હતી. જો આ ફાઇનલ રહ્યું તો સમજી શકાય કે યુદ્ધને પરિણામે સર્જાયેલી ઘણી સમસ્યાઓના ઉપાય થવા લાગશે અને ભારતીય અર્થતંત્ર અને બજારને નવું બુસ્ટર મળશે, ટ્રેનની ઊપડવાની સિટી વાગી સમજવી.

ભારત વિશે ગ્લોબલ હસ્તીઓના અભિપ્રાય

US અને ચીન વચ્ચેના તનાવ તેમ જ જિયોપૉલિટિકલ ટેન્શન વચ્ચે ગ્લોબલ રોકાણકારો ભારત તરફ એક વિશ્વસનીય બજાર હોવાની દૃષ્ટિએ નજર કરે છે, એમ તાજેતરમાં એસએપી (SAP-સેપ) કંપનીના ચીફ ઍક્ઝિક્યુટિવે કહ્યું હતું. તેમના મતે ભારતના ઉદ્યોગોમાં AI માટે વ્યાપક અવકાશ છે. મૅન્યુફૅક્ચરિંગ, ફાસનૅન્સ, લાઇફ સાયન્સ, સપ્લાય ચેઇન્સ અને પ્રોફેશનલ સર્વિસિસ વગેરેમાં આ સ્કોપ છે અને વધી શકે. બીજી બાજુ અર્નેસ્ટ ઍન્ડ યંગ (EY)ના ગ્લોબલ ચૅરપર્સન-CEO દ્વારા તાજેતરમાં ભારત મુલાકાત દરમ્યાન કરાયેલા નિવેદન મુજબ ભારતની ગ્રોથ સ્ટોરી મજબૂત રહી છે. ભારતનો રિફોર્મ્સ એજન્ડા સાતત્યપૂર્ણ અને વિકાસલક્ષી છે. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ જેવા પરંપરાગત અને રિન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર જેવા ઊભરતા ક્ષેત્રમાં એનું વિશેષ ધ્યાન છે.

મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલા નિવેદનમાં AI તેમ જ ડેટા સેન્ટર પર ફોકસ કરવાનું જણાવ્યું. આ ઉપરાંત નિકાસલક્ષી વ્યૂહરચના વિકસાવવા પર પણ ધ્યાન આપવા કહ્યું છે.

વિશ્વ બૅન્કે ભારતનો વિકાસ દર ૨૦૨૭માં ઘટીને ૬.૬ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે જે ૨૦૨૮માં ફરી વધીને ૭.૨ ટકા અને ૨૦૨૯માં ૭ ટકા થવાનો અંદાજ છે.  

વર્તમાન અનિશ્ચિતતાભર્યા સંજોગોને ધ્યાનમાં રાખી ભારત વધુ ત્રણ મહિનાનું ઇમર્જન્સી ઑઇલ રિઝર્વ વધારવાની યોજના ઘડી રહ્યું છે.

ગોલ્ડ અને સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)ના ભાવમાં જૂનના અત્યાર સુધીના સમયમાં ૧૨ ટકાનું ગાબડું પડ્યું છે.

એલ-નીન્યોને કારણે વરસાદ ૧૦ ટકા ઓછો પડવાની શક્યતાને કારણે ભારતમાં ૨૦૨૬-૨૭માં કઠોળ અને સોયાબિનનું ઉત્પાદન અસર પામે એવી ભીતિ વ્યક્ત થઈ છે ત્યારે વડા પ્રધાને પાણીની જાળવણી અને નેચરલ તથા ઑર્ગેનિક ખેતી પર ધ્યાન વધારવા પણ જણાવ્યું છે.

નિયમન સંસ્થા સેબી લાંબા સમયગાળાના ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સ દાખલ કરવાનું વિચારે છે જે આ માર્કેટમાં વધુ ગહનતા લાવી શકે.

વિશેષ ટિપ: શૅરબજાર એવી જગ્યા છે જ્યાં પ્રતીક્ષા પરીક્ષા લે છે, પરંતુ પરિણામ મોટે ભાગે સારું આપે છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange iran israel united states of america donald trump jayesh chitalia