શૅરબજારમાં યુએસ ફેડનો ફફડાટ : આડેધડ તૂટતા સ્ટૉક્સથી ડરના ઝરૂરી હૈ...

13 March, 2023 04:59 PM IST  |  Mumbai | Jayesh Chitalia

અમેરિકાની મોંઘવારી અને એને પગલે વધતા જતા વ્યાજદર, જૉબડેટા, રિસેશનનો ભય, ધનવાનો પર વધારાયેલા ટૅક્સ, એશિયન માર્કેટ પર અવળી અસર, એફઆઇઆઇની સતત વેચવાલીનું દબાણ જેવાં પરિબળો વચ્ચે ભારતીય શૅરબજારનો ટ્રેન્ડ અને મૂડ નેગેટિવ થતાં શૅરોના ભાવ આડેધડ તૂટે છે,

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતીય શૅરબજારને રિઝર્વ બૅન્કના વ્યાજદરની ચિંતા કરતાં યુએસ ફેડના વ્યાજદરની ચિંતા વધુ સતાવતી હોવાનું ચિત્ર સતત જોવા મળી રહ્યું છે. અમેરિકાની મોંઘવારી અને એને પગલે વધતા જતા વ્યાજદર, જૉબડેટા, રિસેશનનો ભય, ધનવાનો પર વધારાયેલા ટૅક્સ, એશિયન માર્કેટ પર અવળી અસર, એફઆઇઆઇની સતત વેચવાલીનું દબાણ જેવાં પરિબળો વચ્ચે ભારતીય શૅરબજારનો ટ્રેન્ડ અને મૂડ નેગેટિવ થતાં શૅરોના ભાવ આડેધડ તૂટે છે, વૉલેટિલિટી ઘર ભાળી ગઈ છે...

વીતેલા સપ્તાહ પર નજર કરીએ તો અદાણીની ગાડીએ જોરદાર યુટર્ન લીધો હતો. ગયા સોમવારે પણ અદાણીના સ્ટૉક્સ ઝડપી રિકવરી સાથે પૉઝિટિવ ઝોનમાં રહ્યા હતા. બાકી ઓવરઑલ માર્કેટ રિકવરીમાં રહેતાં સેન્સેક્સ ૪૧૫ પૉઇન્ટ વધીને અને નિફ્ટી ૧૧૭ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ ૬૦૦ પૉઇન્ટથી વધુ ઊંચકાયો હતો, જે પછીથી પ્રૉફિટ બુકિંગને પગલે નીચે આવ્યો હતો. જોકે સેન્સેક્સે ૬૦,૦૦૦ની ઉપર બંધ બનાવ્યો હતો. બજારના સુધારાનું કારણ યુએસના મજબૂત આર્થિક ડેટા ઉપરાંત અદાણી સ્ટૉક્સની રિકવરી હતા. છેલ્લા બે ટ્રેડિંગ દિવસમાં માર્કેટ કૅપમાં આશરે છ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ નોંધાઈ હતી. ડૉલર સામે રૂપિયાની રિકવરી પણ ચાલુ રહી હતી. મંગળવારે ધુળેટી નિમિત્તે બંધ રહ્યા બાદ બુધવારે બજારે કરેક્શન સાથે આરંભ કર્યો હતો. જોકે માર્કેટ અંતે પૉઝિટિવ બંધ રહ્યું હતું. સેન્સેક્સ સવાસો પૉઇન્ટની રિકવરી સાથે બંધ રહ્યો હતો. બજારની નજર મુખ્યત્વે ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પૉવેલના નિવેદન પર હતી, યુએસમાં વ્યાજદર હજી કડક થવાની શક્યતા વર્તાઈ રહી છે. આમ થાય તો વિદેશી રોકાણના પ્રવાહ પર શું અસર થાય? એ સવાલ બજારમાં ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે યુએસ વ્યાજદરના વધારાની અસર ભારતીય માર્કેટ પર તરત થાય છે. અલબત્ત, અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કો પર પણ વ્યાજ વધારવાનું દબાણ આવે છે. 

શૅરબજારનું કથળતું સેન્ટિમેન્ટ

યુએસ ફેડના અભિગમને પગલે ગુરુવારે માર્કેટે શરૂઆત જ કરેક્શનથી કરી અને વેચવાલીના એકસરખા દબાણને પરિણામે સડસડાટ માર્કેટ નીચે ઊતરતું જતાં સેન્સેક્સ ૫૬૧ પૉઇન્ટ અને નિફ્ટી ૧૪૧ પૉઇન્ટ માઇનસ થયા હતા. ત્રણ દિવસના સતત પૉઝિટિવ બંધ બાદ આ નેગેટિવ બંધ આવ્યો હતો. અદાણીના સ્ટૉક્સમાં પણ કરેક્શન જોવાયું હતું. યુએસ ફેડના વ્યાજવધારાની અસર શું થાય છે એનો પરચો ફરી એક વાર ભારતીય માર્કેટને મળી ગયો હતો. ઇન્ફ્લેશનનો ભય માથે હોવાથી પ્રવાહિતાની સ્થિતિ હજી કડક કરાય એવી ધારણા વધતી રહી છે, જેને કારણે બજારમાં નરમાઈ તેમ જ વૉલેટિલિટી રહ્યા કરવાનું અનુમાન મુકાય છે. શુક્રવારે યુએસ ફેડની મહત્તમ અસર જોવાઈ અને બજારમાં આગલા દિવસ કરતાં પણ વધુ મોટું ગાબડું પડ્યું હતું. સેન્સેક્સ ૬૭૧ પૉઇન્ટ અને નિફ્ટી ૧૭૬ પૉઇન્ટ તૂટી ગયા હતા. પાવર સિવાય દરેક સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. બૅન્ક સ્ટૉક્સના તો ભુક્કા બોલાઈ ગયા હતા. યુએસના જૉબડેટાની તેમ જ યુએસમાં ધનવાનો પર કરવેરો વધારી દેવાના આકરા નિર્ણયની આકરી અસર પણ ભારતીય માર્કેટ પર જોવાઈ હતી

અમેરિકાની એસવીબીની અવળી અસર

અમેરિકન બૅન્ક (સિલિકોન વેલી બેંક) ફાઇનૅન્શિયલ ગ્રુપના સ્ટૉક્સનો ભાવ યુએસમાં ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટીના ભયથી તૂટી જતાં એની અસર માત્ર વૉલ સ્ટ્રીટ પર જ નહીં, બલકે ગ્લોબલ અસર થઈ હતી. આ કંપનીએ અર્લી સ્ટેજના (સાવ જ નવા) સ્ટાર્ટઅપ્સમાં કરેલા રોકાણની વૅલ્યુ ૬૦ ટકા જેટલી ડાઉન જતાં આમ થયું હતું, જેમાં ૮૦ અબજ ડૉલરનું માર્કેટ કૅપ ધોવાઈ ગયું હતું. વિવિધ એસિયન માર્કેટમાં પણ ઘટાડા-કડાકા હતા. યુએસ ઇન્ટરેસ્ટ રેટમાં સંભવિત આક્રમક વધારો યુએસ રિસેશન તરફ જતું હોવાનો ઇશારો કરી રહ્યો હોવાથી પૅનિક વધ્યું હતું. એફઆઇઆઇની સતત વેચવાલી બળતામાં ઘી હોમી રહી છે. હવે નવા સપ્તાહમાં અનિશ્ચિતતા માથે રહેશે, કારણ કે યુએસ ફેડના વાસ્તવિક નિર્ણય પર નજર રહેશે. ફેડ વ્યાજવધારો ૬ ટકા સુધી લઈ જવા મક્કમ હોવાના સંકેત બહાર આવતા રહ્યા છે. ડરના જરૂરી હૈ... દરમ્યાન રિઝર્વ બૅન્કે રૂપી-ડૉલરની વૉલેટિલિટીના જોખમના સંકેત આપ્યા છે અને સાવચેત તથા સજ્જ રહેવા કહ્યું છે. આ કંપનીની આર્થિક હાલત બગડશે તો બજારની દશા પણ કથળશે. ભારતીય માર્કેટમાં હાલ તો વૅલ્યુએશન ઘટીને વાજબી સ્તરે આવ્યા હોવાની ચર્ચા છે, ફૉરેન ઇન્વેસ્ટરોને અહીં પ્રૉફિટ બુકિંગની તક ઝડપથી મળે છે. બીજી બાજુ, ભારતીય ફન્ડ્સ અને નાણાસંસ્થાઓનો રોકાણપ્રવાહ મજબૂત રહ્યો છે, જે બજારને વધુ કરેક્શન સામે પ્રોટેક્શન આપે છે. 

અદાણી મામલો હજી અધ્ધરતાલ

અદાણી ગ્રુપે ગયા સપ્તાહમાં તેના સ્ટૉક્સ સામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લીધેલા ધિરાણની ૭૩૭૪ કરોડ રૂપિયા જેટલી રકમની વહેલી પરત ચુકવણી (પ્રીપેઇડ) કરી દીધી છે. માર્ચના અંત સુધીમાં અદાણી શૅર્સ સામેની અન્ય લોન્સ પણ ચૂકવી દેવા માગે છે, આ બાબત પ્રમોટરોનો પોતાની કંપનીઓમાંનો વિશ્વાસ દર્શાવે છે તેમ જ કંપનીઓ કોઈ નાણાકીય ખેંચમાં નથી એવું સ્પષ્ટ કરે છે. બીજી બાજુ, કરજ ઘટાડવા અદાણીની બે કંપનીઓના સ્ટૉક્સ ગીરવી મુકાયા છે. શુક્રવારના કડાકાની અદાણી સ્ટૉક્સ પરની અસર મિશ્ર હતી, જેમાં અમુક સ્ટૉક્સ તૂટ્યા હતા તો અમુક ટકી રહ્યા હતા. અદાણીનો મામલો હજી અધ્ધરતાલ જ ગણાય એવો છે.  બીજી બાજુ, એવા આક્ષેપ ફરી બહાર આવ્યા છે કે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ મોરેશિયસથી નાણાં રૂટ કર્યા હતા અને આ માટે ચોક્કસ કથિત બેનામી હસ્તીઓનો ઉપયોગ કરાયો હતો. આ લોકોએ નાણાં (મની લૉન્ડરિંગ કરીને) ભારતમાં મોકલીને સ્ટૉક્સના ભાવ સાથે ચેડાં કર્યાં હતાં. જોકે ગ્રુપે હિન્ડનબર્ગના રિપોર્ટના આ આક્ષેપનો જાન્યુઆરીમાં જ ઇન્કાર કરતાં કહ્યું હતું કે વિનોદ અદાણી ગ્રુપના ડે-ટુ-ડે કામકાજમાં ભાગ લેતા નથી તેમ જ આ હસ્તીઓ પ્રમોટર્સ સાથે સંબંધ ધરાવતી નથી.  

સેન્સેક્સ ૭૦ કે ૫૦ હજાર?

ભારતીય માર્કેટમાં જો કોઈ લાંબા ગાળાના વળતરને ધ્યાનમાં લેવામાં આવે તો એસિયામાં હાલ ભારતની માર્કેટ સૌથી ઉત્તમ છે. માર્ક મેથ્યુસ નામના ઍનલિસ્ટના મત મુજબ હાલનો ૫૯-૬૦ હજારનો સેન્સેક્સ ૭૦,૦૦૦ સુધી આ વરસે જઈ શકવાની સંભાવના છે. જુલિયસ બેર ગ્રુપના રિસર્ચ હેડ માર્કે કહ્યું છે કે વર્તમાન સમય એસિયા માટે બેસ્ટ છે, જેમાં રોકાણપ્રવાહ વધુ આવશે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર સેન્સેક્સ ૩ મહિનામાં જ ૭૦,૦૦૦ વટાવી શકે છે, એવું ૪૩ ટકા લોકો માને છે. જોકે ૨૫ ટકાની દૃષ્ટિએ સેન્સેક્સ ૫૫થી ૬૫ હજારની વચ્ચે રહેશે. ૧૮ ટકા લોકો સર્વેમાં કહે છે કે સેન્સેક્સ ૫૦,૦૦૦ની નીચે જઈ શકે છે. દરમ્યાન આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટ નામની બ્રોકરેજ કંપનીએ સેન્સેક્સ ૭૧,૦૦૦ અને નિફ્ટી ૨૧,૦૦૦ ઉપર જવાની ધારણા મૂકી છે.

તમે કેવા રોકાણકાર છો?

મહારાષ્ટ્રના રાજકરણ, રાજકારણીઓ અને શૅરબજારને શું સંબંધ હોઈ શકે? પરંતુ તાજેતરમાં એક વૉટ્સઍપ મેસેજમાં પાંચ નેતાઓના વર્તન પરથી રોકાણકાર કેવું લેસન લઈ શકે એનો અસરકારક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આમાં બે રાષ્ટ્રીય નેતા પણ છે. આ નેતા કેવા ઇન્વેસ્ટર છે? (સિમ્બૉલિક). ઉદ્ધવ ઠાકરે પ્રીમૅચ્યોર રિડમ્પ્શન કરાવનાર ગણાય, તેમનો દીકરો આદિત્ય ઠાકરે અધીરો ઇન્વેસ્ટર કહેવાય; સંજય રાઉત ખરાબ સલાહકાર ગણાય, જે તમને મુસીબતમાં નાખી શકે. શરદ પવારને સિમ્બૉલ બનાવીને કહેવાયું છે કે માર્કેટની ક્યારેય આગાહી કરી શકાય નહીં અને સોનિયા ગાંધીને દિશાદોર વિનાના ઇન્વેસ્ટર માની શકાય. આ બાબતે ઘણા બીજા રાજકારણીઓની પણ તુલના થઈ શકે. ખેર, આપણે કેવા ઇન્વેસ્ટર છીએ અને કેવા હોવા જોઈએ, એટલું સમજીએ તો ય ઘણું. બાકી લેસન તો વિવિધ માર્ગે મળતું હોય છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty jayesh chitalia