સિલિકૉન બૅન્ક ક્રાઇસિસ અને ઊંચા ઇન્ફ્લેશનને રોકવાની કશમકશ વચ્ચે સોનામાં ભારે અફરાતફરી

15 March, 2023 04:39 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન ફેડનું સ્ટૅન્ડ કઈ તરફ રહેશે એની ચર્ચાઓ વચ્ચે સોનામાં બેતરફી મોટી વધ-ઘટ: -મુંબઈમાં સોનામાં ૬૩૭ રૂપિયા અને ચાંદીમાં ૨૫૧૦ રૂપિયાનો ઉછાળો, સોનાએ ૫૭,૦૦૦ રૂપિયાની અને ચાંદીએ ૬૬,૦૦૦ રૂપિયાની સપાટી ઓળંગી

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સિલિકૉન વૅલી બૅન્કની ક્રાઇસિસ અને ઊંચા ઇન્ફ્લેશનને રોકવું, આ બન્નેમાંથી ફેડનું સ્ટૅન્ડ કઈ તરફ રહેશે? એ કશમકશથી સોનામાં ભારે અફરાતફરી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૩૭ રૂપિયા અને ચાંદી પ્રતિ એક કિલો ૨૫૧૦ રૂપિયા વધ્યાં હતાં. 

વિદેશી પ્રવાહ 

અમેરિકન ફેડ ૨૧-૨૨ માર્ચના રોજ યોજાનારી મીટિંગમાં સતત વધતા ઇન્ફ્લેશનને રોકવા પગલાં લેશે કે પછી સિલિકૉન વૅલી બૅન્કના ફિયાસ્કાને રોકવા પગલાં લેશે? આ બન્ને બાબતની કશમકશ વધતાં સોનામાં ભારે અફરાતફરી જોવા મળી હતી. સિલિકૉન વૅલી બૅન્કના ઊઠમણાની અસરે સોમવારે સોનું વધીને ૧૯૧૫.૪૦  ડૉલર અને મંગળવારે ૧૯૧૪.૩૦  ડૉલર થયું હતું, પણ અમેરિકાનું ઇન્ફ્લેશન વધીને આવવાની આગાહીને પગલે ફેડને ઇન્ટરેસ્ટ રેટ ફરજિયાત વધારવા પડશે એવી કમેન્ટને પગલે  ડૉલર ૦.૪ ટકા સુધરતાં સોનું મંગળવાર બપોર બાદ ઘટવાનું ચાલુ થયું હતું અને સાંજ સુધીમાં વધેલા ભાવથી ૧૦થી ૧૧ ડૉલર ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકી ડૉલર સોમવારે એક ટકા ઘટ્યો હતો, કારણ કે સિલિકૉન વૅલી બૅન્કના ઉઠમણાને કારણે ઊભી થયેલી નાણાકીય ક્રાઇસિસને નિવારવા માટે તાકીદના પગલારૂપે ફેડ ૨૧-૨૨ માર્ચે યોજાનારી પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટનો ૨૫થી ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો મુલતવી રાખીને ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખે એવી શક્યતાઓ વધી હતી. હાલ ૩૧ ટકા ઇકૉનૉમિસ્ટો એવું માની રહ્યા છે કે ફેડ આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો નહીં કરે. ઉપરાંત જૂન કે ૨૦૨૩ના અંત પહેલાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરે એવી શક્યતાઓ વધી જતાં ડૉલર ઘટ્યો હતો અને ૧૦૪નું લેવલ તોડીને નીચે ગયો હતો. કેટલાક ઍનલિસ્ટો સિલિકૉન વૅલી બૅન્કના ઉઠમણાને કારણે ડૉલરનું મૂલ્ય હવે સતત ઘટતું રહેશે એવી આગાહીઓ કરી રહ્યા છે જેને કારણે ડૉલર-વેચવાલી વધી હતી. 

સિલિકૉન વૅલી બૅન્કના ફિયાસ્કાને કારણે સૌથી મોટી અસર બૉન્ડ-માર્કેટને થઈ છે. અમેરિકી ટેન યર ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ઘટીને પાંચ સપ્તાહની નીચી સપાટીએ ૩.૫ ટકા થયાં હતાં, જ્યારે બે વર્ષના બૉન્ડમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો થઈને ૪.૦૫ ટકા થયાં હતાં. છેલ્લા ત્રણ દિવસનો બૉન્ડ-માર્કેટનો ઘટાડો છેલ્લાં ૩૬ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. જર્મનીના ટેન યર ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ ૩૦ બેસિસ પૉઇન્ટ ઘટીને ૨.૧૭ ટકા અને બ્રિટન ગિલ્ટનાં યીલ્ડ ઘટીને ૩.૨૭ ટકા થયાં હતાં. ભારતીય ટેન યર ટ્રેઝરી બૉન્ડ વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૭.૪૬ ટકાએ પહોંચ્યા હતાં જે ઘટીને ૭.૩૬ ટકા થયાં હતાં. 

અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા મોડી રાતે જાહેર થશે, પણ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ફેબ્રુઆરીમાં ૪.૨ ટકા રહ્યું હતું જે જાન્યુઆરી અને ડિસેમ્બરમાં પાંચ ટકા રહ્યું હતું. કન્ઝ્યુમર્સના મતે ગૅસ પ્રાઇસ ફેબ્રુઆરીમાં ૦.૪ ટકા ઘટશે જે જાન્યુઆરીમાં ૪.૭ ટકા વધી હતી, જ્યારે ફૂડ પ્રાઇસ પણ ફેબ્રુઆરીમાં ૧.૭ ટકા ઘટશે જે જાન્યુઆરીમાં ૭.૩ ટકા વધી હતી. મેડિકલ કૅર, કૉલેજ એજ્યુકેશન, રેન્ટ વગેરેના ભાવ ફેબ્રુઆરીમાં ઘટવાની ધારણા હોવાથી ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઘટ્યું હતું. ભારતીય કન્ઝ્યુમર ઇન્ફ્લેશનમાં સાવ નજીવો ઘટાડો ફેબ્રુઆરીમાં નોંધાયો હતો. ફેબ્રુઆરીનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ૬.૪૪ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં ૬.૫૨ ટકા હતું અને માર્કેટની ધારણા ૬.૩૫ ટકાની હતી એના કરતાં ઇન્ફ્લેશન ઊંચું રહ્યું હતું. ફેબ્રુઆરીમાં સ્પાઇસના ભાવ ૨૦.૨ ટકા, અનાજના ૧૬,૭ ટકા અને દૂધના ભાવ ૯.૭ ટકા વધ્યા હતા, પણ શાકભાજીના ભાવ ફેબ્રુઆરીમાં ૧૧.૬ ટકા ઘટતાં ઇન્ફ્લેશન બૅલૅન્સ રહ્યું હતું, ઉપરાંત ફ્યુઅલ અને ઇલેક્ટ્રિસિટીના ભાવ પણ ઘટ્યા હતા. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

સિલિકૉન વૅલી બૅન્કના ઉઠમણાએ વર્લ્ડની ફાઇનૅન્શિયલ માર્કેટની સ્થિતિ રાતોરાત બગાડી નાંખતાં તમામ ફેડ સહિત તમામ સેન્ટ્રલ બૅન્કોને તેમના પ્લાનમાં ધરમૂળથી ફેરફાર કરવાની નોબત આવી પડી છે. અમેરિકન ફેડ છેલ્લા એક વર્ષથી સતત ઇન્ટરેસ્ટ રેટ વધારી રહી છે. ૨૦૨૨માં બે વખત ૫૦ બેસિસ પૉઇન્ટ, ચાર વખત ૭૫ બેસિસ પૉઇન્ટ અને એક વખત ૨૫ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટ વધારો કરીને ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા ફેડરલ રિઝર્વે આક્રમક નીતિ અખત્યાર કરી હતી, પણ આક્રમક નીતિને કારણે સિલિકૉન વૅલી બૅન્ક તૂટી પડતાં બૅ​​ન્કિંગ ઇન્ડસ્ટ્રીઝમાં રાતોરાત ક્રાઇસિસ ઊભી થઈ હતી. અમેરિકન ગવર્મેન્ટને બૅ​​ન્કિંગ ઇન્ડસ્ટ્રીઝના ભરોસાને ટકાવી રાખવા સારી એવી દોડધામ કરવી પડી રહી છે, જેને કારણે ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાના પ્લાનને રોકી રાખવો પડે એવી શક્યતાએ સોનું ૧૯૦૦ ડૉલરની સપાટી ઓળંગીને વધુ ને વધુ ઊંચે જઈ રહ્યું છે. અહીંથી દરેક વખતે સોનામાં ઘટાડે લેવાલી કરવાની સલાહ આપવામાં આવી હતી. જે ઇન્વેસ્ટરો એ સલાહને અનુસર્યા તેમને ધારણા કરતાં વહેલો લાભ મળવાનો ચાલુ થયો છે. હાલની ક્રાઇસિસ હજુ લાંબી ચાલવાની હોવાથી સોનામાં હજુ ખરીદી કરવાની તક છે, કારણ કે સોનામાં હાલની સ્થિતિમાં ગુમાવવા કરતાં કમાવવાના ચાન્સ અનેકગણા વધુ છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૯૬૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૬,૭૪૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૩,૬૬૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation