માઇનરના નામે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં રોકાણ કરતા પેરન્ટ્સ આટલું સમજી લે!

25 May, 2023 03:52 PM IST  |  Mumbai | Jayesh Chitalia

નાનાં બાળકો માટે કઈ સ્કીમ્સ બહેતર ગણાય? 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આપણે પહેલા માઇનર વિશેના નિયમને સમજીએ. મોટા ભાગનાં માતા-પિતા યા ગાર્ડિયન માઇનર બાળકના ભવિષ્ય માટે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં માઇનરના નામે રોકાણ કરતાં હોય છે, બાળકને તેના જન્મદિવસે કે અન્ય કોઈ પ્રસંગે ભેટમાં મળેલાં નાણાં પણ રોકાણ માટે ફાળવી દેવાય છે તેમ જ પેરન્ટ્સ પોતે પણ અલગ ફન્ડ ફાળવતાં હોય છે, તેમનું લક્ષ્ય સંતાનનું ભાવિ સુરક્ષિત કરવાનું હોય છે. જે માટે રોકાણનાં નાણાં ચોક્કસ અકાઉન્ટ્સમાંથી જવા જોઈએ એવો અગાઉ નિયમ લાગુ હતો. આ લાંબા ગાળાના રોકાણ સંતાનના ભાવિ ઉચ્ચ શિક્ષણ માટે કે લગ્ન જેવા ઊંચા ખર્ચને ધ્યાનમાં રાખી જમા કરાતા હોય છે. સેબીએ હવે કહ્યું છે કે આ માટે માત્ર માઇનરનું બૅન્ક-અકાઉન્ટ ખોલાવવું જરૂરી નથી. એમાંથી જ નાણાં સ્કીમમાં જમા થવા જોઈએ એવું જરૂરી નહીં રહે, બલકે પેરન્ટ્સ કે ગાર્ડિયન આમાંથી કોઈના પણ અકાઉન્ટમાંથી નાણાં માઇનર સંતાનના નામની સ્કીમમાં જમા કરી શકાશે. માઇનરના અકાઉન્ટમાંથી, પેરન્ટ્સ અથવા લીગલ ગાર્ડિયનના અકાઉન્ટમાંથી અથવા પેરન્ટ્સ કે લીગલ ગાર્ડિયનના એ માઇનર સાથેના જૉઇન્ટ અકાઉન્ટમાંથી રોકાણ ટ્રાન્સફર થઈ શકશે. આ નવો નિયમ ૧૫ જૂનથી લાગુ થશે. સેબીએ આ સંબંધી તમામ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓને સૂચના આપી દીધી છે. આમ થવાથી પેરન્ટ્સ કે લીગલ ગાર્ડિયનનું કામ આસાન થશે, એમ કહેવાય છે. સંતાન ૧૮ વરસથી નાનું હોવું જોઈએ. આમાં વયમર્યાદા ખરી, પરંતુ રોકાણની રકમમર્યાદા નથી. જોકે આ નાણાંની મુદત પાકે અને એનું રિડમ્પ્શન થાય ત્યારે સંતાનનું બૅન્ક-અકાઉન્ટ હોવું ફરજિયાત રહેશે અને એ નાણાં તે સંતાનના અકાઉન્ટમાં જ જમા થશે.

વર્તમાન પોર્ટફોલિયો માટે એમએમસીએ તેના આવા અકાઉન્ટ્સના ધારકોને રિડમ્પ્શન પહેલાં પેઆઉટ બૅન્ક મેનડેટ બદલવાનું કહેવું પડશે. અર્થાત માઇનરના નામે રોકાણ કોઈ પણ અકાઉન્ટમાંથી થાય, પરંતુ એનું રિડમ્પ્શન માત્ર માઇનરના અકાઉન્ટમાં જમા થઈ શકે.  અકાઉન્ટ માઇનરે પેરન્ટ્સ અથવા લીગલ ગાર્ડિયન સાથે સંયુક્તપણે ધરાવ્યું પણ હોઈ શકે. ૨૦૧૯માં આવા કેસોમાં માઇનરના નામે કરાતા રોકાણ માટે યુનિફૉર્મ પ્રોસેસ નિર્ધારિત કરી હતી, હવે એમાં છુટછાટ આપી છે. 

પ્રૉફિટ બુકિંગનું પરિબળ

હવે એસઆઇપીના પ્રવાહમાં આવેલા બદલાવની વાત કરીએ. એપ્રિલ-મે દરમ્યાન મોટા ભાગના સમયમાં બજારમાં એકંદરે તેજી રહી હોવા છતાં રોકાણકારોના એસઆઇપી અને ઇક્વિટી યોજનાઓના રોકાણપ્રવાહમાં નોંધનીય ઘટાડો થયો છે. આ માટેનાં કારણોમાં એવું જાણવા મળે છે કે રોકાણકારો નફો અંકે કરવા લાગ્યા છે, તેમને માર્કેટ એવા લેવલે લાગે છે કે જ્યાં તેમણે પ્રૉફિટ લઈ લેવો જોઈએ. ગયા મે ૨૦૨૨માં આ રોકાણનો આંતરિક પ્રવાહ ૧૮,૨૫૯ કરોડ રૂપિયાનો હતો, એ આ એપ્રિલ ૨૦૨૩માં ઘટીને ૬,૪૮૦ કરોડ રૂપિયા થઈ ગયો છે. એસઆઇપી રોકાણપ્રવાહ માર્ચમાં ૧૪,૨૦૦ કરોડ રૂપિયા હતો એ એપ્રિલમાં ૧૩,૭૦૦ કરોડ થઈ ગયો છે. જ્યારે કે એપ્રિલમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં સુધારો થયો છે. કહેવાય છે કે સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સના ઘટાડાને લીધે આ પ્રવાહ ઘટ્યો છે તેમ જ બૅન્ક એફડી જેવાં ફિક્સ્ડ ઇન્કમ સાધનોમાં રોકાણ વળવાથી એસઆઇપી કે ઇક્વિટીલક્ષી પ્રવાહ નીચે ગયો છે. ટ્રેઝરી બિલ્સ સમાન શૉર્ટ ટર્મ ફન્ડમાં વળતર વધવાને લીધે પણ કૉર્પોરેટ્સ પોતાનું ભંડોળ લિક્વિડ ફન્ડ્સમાં વાળવા લાગ્યાં છે. 

સવાલ તમારા…

નાનાં બાળકો માટે કઈ સ્કીમ્સ બહેતર ગણાય? 

વર્તમાન સંજોગોને આધીન નાનાં બાળકો-માઇનર માટે રોકાણપાત્ર કહી શકાય એવી સ્કીમ્સમાં તાતા યંગ સિટિઝન્સ ફન્ડ, ઍક્સિસ ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફન્ડ, આઇસીઆઇસીઆઇ પ્રુ, ચાઇલ્ડ કૅર ફન્ડ, એસબીઆઇ મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફન્ડ, એલઆઇસી એમએફ ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફન્ડ વગેરેનો સમાવેશ થાય છે. જોકે પેરન્ટ્સે સંતાનની ઉંમર, તેના લક્ષ્ય, પોતાની આર્થિક ક્ષમતા વગેરે જેવાં પરિબળોને ધ્યાનમાં રાખી સ્કીમ પસંદ કરવી જોઈએ, જે માટે પોતાના રોકાણ સલાહકાર કે ફાઇનૅન્શિયલ પ્લાનરની પણ સલાહ લઈ લેવી જોઈએ.

business news share market stock market jayesh chitalia sebi