ક્યા કરેં, ક્યા ના કરેં?

29 November, 2021 10:03 AM IST  |  Mumbai | Jayesh Chitalia

શુક્રવારે થયેલા કડાકા બાદ શૅરબજારના રોકાણકારોને આ જ સવાલ અત્યારે સતાવી રહ્યો છે ત્યારે પૅનિક સેલ કરતાં સ્માર્ટ સેલમાં છે શાણપણ

ક્યા કરેં, ક્યા ના કરેં?

હવે શું કરું? જે શૅર્સ હાથમાં છે અને સારો નફો દર્શાવી રહ્યા છે એને વેચીને નાણાં ઘરમાં લઈ લઉં કે માર્કેટ પાછું રિકવર થઈ જશે એવી આશાએ રહેવા દઉં અથવા ઘટતા ભાવોએ ખરીદી શરૂ કરી દઉં? આવા સવાલ હાલ મોટા ભાગના રોકાણકારોમાં ફેલાઈ ગયા છે. આખું બજાર લગભગ હવે પછીની બજારની ચાલ અંગે ચર્ચા કરી રહ્યું છે. એક બાજુ એકાદ વરસમાં સેન્સેક્સ ૭૦,૦૦૦ થવાની વાતો-આગાહી થઈ રહી છે અને બીજી બાજુ માર્કેટ સ્પીડ સાથે નીચે ઊતરવા લાગ્યું છે ત્યારે આવું કન્ફયુઝન થવું સહજ છે. છેલ્લાં બે સપ્તાહમાં માર્કેટે ઓવર-વૅલ્યુએશનના નામે જે કરેક્શન આપવાનું શરૂ કર્યું છે એ હજી આગળ વધશે એવો ભય કેટલાક દેશોમાં નવા નામ સાથે કોરોનાએ કરેલા આક્રમણને લીધે વધતો ગયો છે. વિશ્વની નજર પણ હાલ તો કોરોના પર જ મંડાઈ છે, કારણ કે વિવિધ અર્થતંત્રો પર આની ગંભીર અસર થવાની શક્યતા ઊભી થઈ ગઈ છે. આ બધા વચ્ચે પણ જો આજે બજાર પૉઝિટિવ 
થઈ જાય તો એને રીકવરીની શરૂઆત માનીને કરેકશન પૂરું થઈ ગયું એવું ન માનવું જોઈએ. હજી આ માર્કેટમાં અલર્ટ તેમ જ સાવચેત રહેવાની જરૂર છે.
વૉલેટિલિટી વધવાનાં એંધાણ
નીચામાં ખરીદી કરવાની તક મળશે અને એ તક લેવી પણ જોઈએ એવા વિચાર ભલે બજારમાં ફરતા થયા હોય અને નિષ્ણાતો દ્વારા વ્યક્ત થતા હોય, પરંતુ નીચામાં બજાર ક્યાં સુધી જશે એનો જવાબ છે ખરો? ગયા સપ્તાહમાં જે વૉલેટિલિટી જોવા મળી એણે ટ્રેડર્સ વર્ગમાં પણ મૂંઝવણ ઊભી કરી દીધી છે. યુરોપ અને સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં જે રીતે કોરોનાનું આક્રમણ થયું છે અને એને પગલે જે પ્રકારનાં નિયંત્રણો મુકાવાનું શરૂ થયું છે એણે પૅનિકનું બટન દબાવ્યું હોય એવો માહોલ બની ગયો છે. આમ જોવા જઈએ તો કરેક્શન એકંદરે વાજબી પ્રમાણમાં થયું છે. જોકે દોઢ વરસ જેવા ટૂંકા ગાળામાં અસાધારણ વધેલું બજાર આટલું તૂટે એમાં બહુ નવાઈ લાગી શકે નહીં. જોકે હવે પછીના સમય માટે સાવચેત-સાવધાન થઈ જવું જરૂરી છે. 
આ ચાર વાત યાદ રાખો
આ સમય-સંજોગોમાં કેટલીક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ. એક, પૅનિક સેલ કરવા કરતાં સ્માર્ટ સેલ કરવું. અર્થાત્ જ્યાં ૨૫થી ૧૦૦ ટકા જેવો ઊંચો નફો મળે છે ત્યાં ચોક્કસ નફો લઈ લો. આ નાણાં લિક્વિડ ફન્ડમાં રાખી મૂકો. બીજી વાત. કોરોનાના ડેવલપમેન્ટ તેમ જ માર્કેટ કરેક્શનનું નિરીક્ષણ કરતા રહો. નફો ધોવાઈ જશે તો કાયમ અફસોસ થયા કરશે. ત્રીજી વાત. કોરોનાના ભયની ચિંતા ઓછી થાય અને માર્કેટ સ્થિર થવાના સંકેત આપે એટલે ઘટેલા ભાવોએ લગડી શૅર્સ સમયાંતરે જમા કરવા લાગો. ચોથી વાત. જો તમે લાંબા ગાળાના (પાંચ કે એથી વધુ વરસના) રોકાણકાર હો તો કંઈ નહી કરો તો પણ ચાલશે. માર્કેટને મૅરી ગો રાઉન્ડની જેમ જોયા કરો અથવા જોખમ લેવાની આર્થિક ક્ષમતા હોય તો કરેક્શનના માહોલમાં ઘટતા મજબૂત સ્ટૉક્સ એસઆઇપીની જેમ જમા કરતા જાવ. ભારતીય અર્થતંત્રની લૉન્ગ ટર્મ ગ્રોથ સ્ટોરી અકબંધ છે અને રહેશે. 
મંદીનાં કારણો જમા થયાં છે
ટ્રેડર્સ વર્ગે તો હાલ સતત અલર્ટ રહેવું જોઈશે, કારણ કે માર્કેટ વધુ ચંચળ બનતું રહી શકે છે અને મંદીનો મહોલ વધતો રહે એવાં કારણો જમા થઈ ગયાં છે. કોરોના, ક્રૂડ ઑઇલ, યુએસના સંજોગો, ગ્લોબલ રોકાણકારોની વેચવાલી, આઇપીઓની કતાર, વિવિધ દેશોના આર્થિક ડેટાની જાહેરાતના પ્લસ-માઇનસ, કંપનીઓનાં પરિણામો, કોરોનાપ્રેરિત નિયંત્રણો વગેરેનો આ કારણોમાં સમાવેશ થાય છે. ઇન શૉર્ટ, હાલ તો માર્કેટ પાસે પૉઝિટિવ પરિબળોની શૉર્ટેજ થઈ ગઈ છે, જ્યારે નેગેટિવ પરિબળો માથે બેસી ગયાં છે. એમાં પણ ખાસ કરીને અનિશ્ચિતતા વધુ ડેન્જરસ છે. ટ્રેડર્સ-સટોડિયા-મંદીવાળાઓ તરફથી શૉર્ટ સેલ્સનું દબાણ પણ વધી શકે છે. 

business news jayesh chitalia