અમેરિકા-ચીનની સંધિ, બ્રિટનનાં ચૂંટણીનાં પરિણામથી બજારોમાં તેજી

14 December, 2019 08:29 AM IST  |  Mumbai | Stock Talk

અમેરિકા-ચીનની સંધિ, બ્રિટનનાં ચૂંટણીનાં પરિણામથી બજારોમાં તેજી

ભારતીય શેર બજાર

બજાર આડેથી એકસાથે બે મોટી ચિંતાઓનો શુક્રવારે અંત આવ્યો હતો. આ ચિંતાઓ હતી ઘટતો જતો સ્થાનિક આર્થિક વિકાસ, ઘટી રહેલી માગ અને ફુગાવાના નબળા આંકડાઓને અવગણીને ભારતીય શૅરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાની સંધિ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે મંજૂર કરી હોવાની જાહેરાત થઈ હતી અને બીજી બાજુ બ્રિટનમાં વડા પ્રધાન બોરિસ જૉન્સન બહુમતી સાથે ચૂંટાયા હતા એને કારણે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને નીકળી જવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. જોકે આજનો સુધારો શૉર્ટ કવરિંગને કારણે જોવા મળ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે રોકડમાં વૉલ્યુમ સરેરાશ જ હતાં અને વિદેશી કે સ્થાનિક સંસ્થાઓની ખરીદી પણ સામાન્ય જોવા મળી હતી.

દિવસના અંતે સેન્સેક્સ ૪૨૮ પૉઇન્ટ કે ૧.૦૫ ટકા વધીને ૪૧,૦૦૯.૭૧ અને નિફ્ટી ૧૧૪.૯૦ પૉઇન્ટ કે ૦.૯૬ ટકા વધી ૧૨,૦૮૬.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારમાં વધનારા શૅરોની સંખ્યા ઘટેલા શૅર કરતાં ઘણી વધારે હતી અને નાની તથા મધ્યમ કદની કંપનીઓમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી એટલે કહી શકાય કે તેજી વ્યાપક હતી. બામ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન શુક્રવારે ૧,૫૭,૪૯૫ કરોડ રૂપિયા વધીને ૧૫૩.૫૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરમાં બધાં જ વધીને બંધ આવ્યાં હતાં. પીએસયુ બૅકિંગ અને મેટલ્સમાં જોરદાર તેજી જોવા મળી હતી. એક્સચેન્જ પર ૨૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૬૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૯૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૯૪ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૪૫ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૬૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૮૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૩૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૮૨ ટકા અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૯૨ ટકા વધ્યો હતો.

મેટલ્સ શૅરોમાં બીજા દિવસે પણ તેજી
અમેરિકા અને ચીન વચ્ચે સમજૂતી થઈ જતાં આર્થિક વિકાસ વધશે અને એનાથી ધાતુની માગ પણ વધી જશે એવી ધારણાએ મેટલ્સ શૅરોમાં બીજા દિવસે પણ વૃદ્ધિ જોવા મળી હતી. નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ આજે ૨.૨૬ ટકા અને બે દિવસમાં ૪.૬૭ ટકા વધ્યો છે. વેદાન્તા આજે ૩.૭૫ ટકા, હિન્દાલ્કો ૩.૬૩ ટકા, તાતા સ્ટીલ ૨.૩૯ ટકા, સ્ટીલ ઑથોરિટી ૨.૦૧ ટકા, હિન્દુસ્તાન કૉપર ૧.૩૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૧૩ ટકા, નાલ્કો ૦.૬૯ ટકા, નૅશનલ મિનરલ ૦.૩૫ ટકા અને હિન્દુસ્તાન ઝિન્ક ૦.૨૨ ટકા વધ્યા હતા.

બૅન્કિંગ શૅરોમાં ખરીદી
નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ આજે ૧.૧૦ ટકા વધ્યો હતો અને ત્રણ સત્રમાં ૨.૭૪ ટકા વધ્યો છે. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ આજે ૪.૦૩ ટકા વધ્યો હતો. ખાનગી બૅન્કોમાં ઍક્સિસ બૅન્ક ૪.૨૧ ટકા, આરબીએલ ૩.૧૮ ટકા, ઇન્ડસઇન્ડ ૩.૦૭ ટકા, યસ બૅન્ક ૨.૮૭ ટકા, ફેડરલ બૅન્ક ૧.૮૮ ટકા અને આઇસીઆઇસીઆઇ ૦.૪૪ ટકા વધ્યા હતા. જોકે કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૩૮ ટકા, સિટી યુનિયન ૧.૨૨ ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૦૫ ટકા ઘટ્યા હતા.  સરકારી બૅન્કોમાં યુકો બૅન્ક ૧૧.૮૪ ટકા, કૉર્પોરેશન બૅન્ક ૮.૪૨ ટકા, યુનિયન બૅન્ક ૬.૯૦ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૬ ટકા, કૅનેરા બૅન્ક ૪.૬૧ ટકા, આઇડીબીઆઇ ૪.૩૪ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૯૩ ટકા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૩૯ ટકા વધ્યા હતા.

રિઝર્વ બૅન્કની ધિરાણનીતિમાં વ્યાજદર સ્થિર રહ્યા પછી ભારતના સરકારી બૉન્ડના યીલ્ડ ૦.૩૦ ટકા જેટલા વધીને ૬.૮૭ થઈ ગયા છે જે બૅન્કો માટે ચિંતાનો વિષય બની શકે છે. બૉન્ડના યીલ્ડ વધવાની સાથે એના ભાવ ઘટે છે જેનાથી બૅન્કોને નુકસાન થાય છે. જોકે આજની તેજી કેન્દ્ર સરકાર બૉન્ડની ખરીદીમાં વિદેશી સંસ્થાઓની મર્યાદા વધારવાનું વિચારી રહી હોવાને આભારી હતી. ભારતમાં બૅન્કો સરકારી બૉન્ડની મોટી ખરીદદાર છે અને એનાં કારણ તેની પાસે ફાજલ નાણાં ઓછાં રહે છે. જો કેન્દ્ર સરકાર બૉન્ડમાં વિદેશી રોકાણની મર્યાદા વધારે તો એનાથી મૂડીપ્રવાહ વધે અને બૅન્કોને અન્યત્ર રોકાણના વિકલ્પ પણ મળે.

એચડીએફસી વિક્રમી સપાટીએ
ગૃહધિરાણ ક્ષેત્રે દેશની સૌથી મોટી કંપની એચડીએફસીના શૅર આજે પોતાની સૌથી ઊંચી સપાટી ૨૩૬૩ રૂપિયા પર પહોંચ્યા બાદ ૧.૪૯ ટકા વધી ૨૩૫૨.૯૦ પર બંધ આવ્યા હતા. બૅન્કે પોતાની જ એક પેટાકંપનીને હસ્તગત કરી હોવાથી શૅરના ભાવ વધ્યા હતા. એ ઉપરાંત ઍસેટ ક્વૉલિટી અને લોનવૃદ્ધિની દૃષ્ટિએ પણ એચડીએફસીની હાલત દેશની શ્રેષ્ઠ નાણા કંપની તરીકે રહી છે એટલે પણ શૅરના ભાવ વધ્યા હતા.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

તાતા મોટર્સને બ્રેક્ઝિટનો ફાયદો
તાતા મોટર્સ પોતાની લક્ઝરી બ્રૅન્ડ જૅગ્વાર અને લૅન્ડરોવરનું બ્રિટનમાં અને યુરોપમાં ઉત્પાદન કરે છે. બ્રિટન યુરોપિયન સંઘમાંથી કોઈ પણ સંધિ વગર બહાર નીકળે તો તાતા મોટર્સની ગાડીઓ અન્ય યુરોપિયન કંપનીઓ કરતાં મોંઘી બને એવો ડર હતો. બ્રેક્ઝિટની તરફેણ કરતા બોરિસ જૉન્સન આજે બહુમતી સાથે ચૂંટાઈ આવતાં કંપનીના શૅરમાં તેજી જોવા મળી હતી. દિવસના અંતે શૅરનો ભાવ ૧.૯૦ ટકા વધી ૧૭૬.૬૫ રૂપિયા બંધ આવ્યો હતો. દિવસમાં એક તબક્કે શૅર ૬ મહિનાની ઊંચી સપાટી ૧૮૪ રૂપિયા ઉપર પણ પહોંચ્યો હતો. બે દિવસમાં શૅરનો ભાવ ૧૦ ટકા વધી ગયો છે.

અન્ય શૅરોમાં વધ-ઘટ
એક ખાસ પ્રકારની દવાના લૉન્ચમાં ભારતની ડૉ. રેડ્ડીઝ કરતાં અમેરિકાની અમનીલ ફાર્મા આગળ નીકળી ગઈ હતી. આ દવાનું અમેરિકામાં ૯૭.૬ કરોડ ડૉલરનું બજાર છે. આ સમાચારને કારણે ડા. રેડ્ડીઝના શૅર ૨.૭૦ ટકા ઘટી ૨૮૨૭.૧૦ રૂપિયા બંધ આવ્યા હતા.

તામિલનાડુની વીજ વિતરણ કંપનીએ ૪૪૭૫ કરોડ રૂપિયાનો ઑર્ડર મળતાં બીજીઆર એનર્જીના શૅર આજે ૨૦ ટકાની સર્કિટ સાથે ૩૫.૫૦ બંધ આવ્યો હતો. ટોક્યો સ્થિત કંપનીએ કૉન્ટ્રૅક્ટ ફેલાવતાં વિપ્રોના શૅર આજે ૧.૮૦ ટકા વધી ૨૪૩.૭૦ રૂપિયા બંધ આવ્યા હતા. ઇન્ફોસિસના શૅર પણ ૧.૩૪ ટકા વધી ૭૧૧.૨૫ રૂપિયા બંધ આવ્યા હતા. શાપુરજી પાલનજી જૂથની દેવા હેઠળ દબાયેલી સ્ટર્લિંગ ઍન્ડ વિલ્સન સોલરના શૅર પણ પાંચ ટકા વધી ૩૦૦ રૂપિયા ઉપર બંધ આવ્યા હતા. કંપનીએ ગઈ કાલે ટીસીએસના શૅર વેચી ૪૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હોવાના અહેવાલે બજારમાં શૅર વધ્યા હતા.

business news