ટેલિકૉમ કંપનીઓની સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી : વ્યાજમાફી અને પેનલ્

23 November, 2019 03:14 PM IST  |  New Delhi

ટેલિકૉમ કંપનીઓની સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી : વ્યાજમાફી અને પેનલ્

1.43 લાખ કરોડ રૂપિયાની જંગી રકમ ત્રણ જ મહિનામાં ભરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે ગયા મહિને ટેલિકૉમ કંપનીઓને કર્યો હતો. આ આદેશ અનુસાર માત્ર ઍન્યુઅલ ગ્રોસ રેવન્યુ નહીં, પણ એની બાકી લેણી રકમ પર વ્યાજ, પેનલ્ટી અને પેનલ્ટી પર વ્યાજ ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આજે ભારતી ઍરટેલ, વોડાફોન અને અન્ય એક કંપનીએ સુપ્રીમ કોર્ટમાં આ આદેશ વિશે પુનર્વિચાર કરવા માટે અરજી કરી છે. કંપનીઓએ દાદ ચાહી છે કે તેમને વ્યાજ અને પેનલ્ટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે.

૨૪ ઑક્ટોબરના આદેશમાં ત્રણ મહિનામાં રકમ ભરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. રિવ્યુ પિટિશન આદેશના એક મહિનામાં થવી જોઈએ. સૂત્રોએ જણાવ્યું હતું કે રકમ ભરવાની મુદતમાં કોઈ વધારો કરવા માટે નહીં પણ વ્યાજમાફી માટે અરજી કરવામાં આવી છે. મૂળ આદેશ અનુસાર કંપનીઓએ બાકી રકમ ૨૪ જાન્યુઆરી સુધીમાં ભરી દેવાની છે. સરકારે લોકસભામાં આપેલી માહિતી અનુસાર કંપનીઓએ લાઇસન્સ-ફીની બાકી રકમ પેટે ૯૨,૬૪૨ કરોડ રૂપિયા, સ્પેક્ટ્રમ ચાર્જપેટે ૫૫,૦૫૪ કરોડ રૂપિયા આપવાના રહે છે. ભારતી ઍરટેલે આ પેટે કુલ ૩૫,૫૮૬ કરોડ રૂપિયા અને વોડાફોને ૫૩,૦૩૮ કરોડ રૂપિયાની રકમ ભરવાની થાય છે. બન્ને કંપનીઓએ પોતાના જુલાઈ–સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આ આદેશ અનુસાર રકમની જોગવાઈ કરતાં દેશના કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી ખોટ પણ નોંધાવી છે.


કેસની વિગત શું છે?
ગયા મહિને સુપ્રીમ કોર્ટે ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની ગણતરી વિશે ચાલતા ૧૪ વર્ષ જૂના વિવાદમાં આપેલા ચુકાદાથી કંપનીઓ પર ૧,૩૩,૦૦૦ કરોડ રૂપિયાનું ભારણ આવી પડ્યું છે. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમના મતે કંપનીઓએ મોબાઇલ સર્વિસ ઉપરાંત જે પણ રકમ ગ્રાહકો પાસેથી અન્ય પ્રકારની સર્વિસ માટે વસૂલવામાં આવે છે એનો ઍડ્જસ્ટેડ રેવન્યુમાં ઉમેરો થવો જોઈએ અને એમાંથી સરકારને ટેલિકૉમ પૉલિસી અનુસાર હિસ્સો આપવો જોઈએ એવું વલણ હતું. આ મામલે ટેલિકૉમ કંપનીઓએ સરકાર અને વિભાગ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કેસના ચુકાદામાં જણાવ્યું છે કે ઍડ્જસ્ટેડ રેવન્યુની વ્યાખ્યામાં કંપની મોબાઇલ સર્વિસ સિવાય પણ કોઈ રકમ ગ્રાહક પાસેથી વસૂલે તો એનો સમાવેશ થવો જોઈએ.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

કંપનીઓની એવી માગણી હતી કે માત્ર ટેલિકૉમ સર્વિસથી થતી રકમ એજીઆર તરીકે ગણવી, જ્યારે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમના મતે કંપનીઓએ ટેલિકૉમ સર્વિસ ઉપરાંત, ડિવિડન્ડ, ભાડું, કોઈ ભંગારનો વેચાણ કર્યું હોય તો એ અને હૅન્ડસેટ વેચાણથી જે રકમ રળી હોય એને એજીઆરમાં ગણીને સરકાર સાથે પ્રૉફિટમાં હિસ્સો લાઇસન્સ-ફી તરીકે આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આજે ચુકાદામાં કંપનીઓની દલીલ નકારી કાઢીને કંપનીઓને ડિપાર્ટમેન્ટની માગણી અનુસાર રકમ લાઇન્સ-ફી તરીકે આપવાનો આદેશ કર્યો છે.

business news trai