ઍમેઝૉન-ફ્યુચર રીટેલના કેસમાં ‘ટ્રક ભરાય એટલા’ દસ્તાવેજો રજૂ થયેલા જોઈને સુપ્રીમ કોર્ટના જજ ભડક્યા

24 November, 2021 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસનો નિકાલ લાવી શકાય એ માટે પક્ષકારોના વકીલોએ ઓછા દસ્તાવેજો રજૂ કરવા એમ કહીને ઉક્ત ન્યાયમૂર્તિઓની બેન્ચે આગામી સુનાવણી આઠમી ડિસેમ્બરે રાખી છે. 

ફોટો/પીટીઆઈ

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્ના અને ન્યાયમૂર્તિઓ એ. એસ. બોપન્ના તથા હિમા કોહલી ઍમેઝૉન-ફ્યુચર રીટેલના કેસમાં ઢગલાબંધ દસ્તાવેજો રજૂ થયેલા જોઈને ગુસ્સે થઈ ગયા હતા. તમે ટ્રક ભરીને આ દસ્તાવેજો શું ફક્ત કેસને લંબાવવાની દૃષ્ટિએ લાવ્યા છો કે ન્યાયમૂર્તિઓને હેરાન કરવા લાવ્યા છો, એવી ટિપ્પણી પણ તેમણે કરી હતી. આખરે એમણે દસ્તાવેજોનું સંકલન કરીને રજૂઆત કરવાનો આદેશ આપ્યો હતો. 
આ કેસનો નિકાલ લાવી શકાય એ માટે પક્ષકારોના વકીલોએ ઓછા દસ્તાવેજો રજૂ કરવા એમ કહીને ઉક્ત ન્યાયમૂર્તિઓની બેન્ચે આગામી સુનાવણી આઠમી ડિસેમ્બરે રાખી છે. 
મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું, ‘ઘણા દુઃખ સાથે કહેવું પડે છે કે દસ્તાવેજોના ૨૨-૨૩ દળદાર જથ્થા રજૂ કરવાનો શું અર્થ છે! બન્ને પક્ષોએ વારંવાર કેટલા દસ્તાવેજો રજૂ કર્યા છે? શું તમારો હેતુ કેસને લંબાવવાનો છે કે પછી ન્યાયમૂર્તિઓને હેરાન કરવાનો છે? ગઈ કાલે આખી ટ્રક ભરાય એટલા દસ્તાવેજો ફાઇલ કરાયા છે.’
ફ્યુચર રીટેલે રિલાયન્સ સાથે કરેલા કરારની સામે ઍમેઝૉને વાંધો ઉઠાવ્યાનો આ કેસ છે. અગાઉ ઍમેઝૉન સાથે થયેલા કરારનો ભંગ કરીને ફ્યુચર રીટેલનું રિલાયન્સ સાથે મર્જર કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. 

business news amazon supreme court