શૅરબજાર ૨૫ મહિનાના મોટા વીકલી ધોવાણ સાથે સળંગ છઠ્ઠા દિવસે નરમ

18 June, 2022 04:10 PM IST  |  Mumbai | Anil Patel

ઇન્ફી, ટીસીએસ, વિપ્રો સહિત ટૉપની તમામ જાતોની ખરાબીમાં આઇટી ઇન્ડેક્સ નવા તળિયે

પ્રતીકાત્મક તસવીર

હેલ્થકૅર, મેટલ, આઇટી, ટેક્નૉલૉજીઝ, બેઝિક મટીરિયલ્સ, ફાઇનૅન્સ જેવા ઇન્ડાઇસિસમાં ઐતિહાસિક બૉટમ : વીકલી ધોરણે સેન્સેક્સ અને નિફ્ટીના તમામ શૅર રેડ ઝોનમાં, ઓએનજીસી સર્વાધિક ૧૪ ટકા લથડ્યો : બીએસઈ ખાતે આશરે સાડાચારસો શૅરમાં નવી નીચી સપાટી દેખાઈ

અમેરિકન ફેડ પછી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ વ્યાજદર અડધો ટકો વધારવા સાબદી બની છે. અન્ય યુરોપિયન સેન્ટ્રલ બૅન્કો પણ કતારમાં છે. અમેરિકન ડાઉ ગુરુવારની રાતે અઢી ટકા કે ૭૪૨ પૉઇન્ટ ગગડી ૩૦ની નીચે, ૨૯,૯૨૭ના નવા ઐતિહાસિક તળિયે બંધ રહ્યો છે, નૅસ્ડેક ચાર ટકા લથડ્યો હતો. એશિયન બજારો નેગેટિવ બાયસ સાથે શુક્રવારે મિશ્ર રહ્યાં છે. જૅપાનીઝ નિક્કી પોણાબે ટકા, ઇન્ડોનેશિયા દોઢ ટકાથી વધુ, તાઇવાન સવા ટકો ડાઉન હતા. હૉન્ગકૉન્ગ તથા ચાઇના એક ટકો સુધર્યા છે. પાકિસ્તાની શૅરબજાર સવા ટકા કે ૪૭૩ પૉઇન્ટ ઉપર હતું. યુરોપ પણ એકથી સવા ટકાનો સુધારો દેખાડતું હતું. બેન્ડ ક્રૂડ ૧૨૦ ડૉલરે મક્કમ છે. લંડન ધાતુ બજારમાં બેઝ મેટલ દોઢથી સાડાત્રણ ટકા ડાઉન જણાતું હતું. દેશમાં કોવિડની ચોથી લહેર વેગ પકડી રહી છે. નવા કેસની સંખ્યા ૧૩,૦૦૦ નજીક નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં નવા કેસની સંખ્યા ચાર માસની ટોચે પહોંચી છે. અગ્નિપથનાં એંધાણ વરતાય છે. ડૉલર સામે રૂપિયો ૭૮થી નીચે આવવાનું નામ નથી લેતો. એક ઔર અગ્નિપથ અને શૅરબજાર આ માહોલમાં ઇન્ટ્રા-ડેમાં ૫૧ની નીચે જઈ ૧૩૫ પૉઇન્ટની વધુ નરમાઈમાં ૫૧,૩૬૦ના વર્ષના નવા તળિયે બંધ થયું છે, નિફ્ટી ૬૭ પૉઇન્ટ ઘટીને ૧૫,૨૯૩ રહ્યો છે. આ સળંગ છઠ્ઠા દિવસની નબળાઈ છે. સેન્સેક્સ ૧૩૫ પૉઇન્ટ જેવો મામૂલી ઘટવા છતાં શુક્રવારે માર્કેટ કૅપ ૨.૪૨ લાખ કરોડ ગગડ્યું છે. અર્થાત બજારમાંની આંતરિક ખરાબી વધુ રહી છે. 
આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૨૯૪૩ પૉઇન્ટ કે ૫.૪ ટકા અને નિફ્ટી ૯૦૮ પૉઇન્ટ કે ૫.૬ ટકા બગડ્યા છે. મે ૨૦૨૦ પછી સાપ્તાહિક ધોરણે આટલી મોટી ખુવારી પ્રથમ વાર નોંધાઈ છે. મેટલ ઇન્ડેક્સ સાડાનવ ટકા અને ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક સવાનવ ટકા જ્યારે આઇટી ઇન્ડેક્સ તો સવાઅગિયાર ટકા તૂટ્યો છે. વીકલી ધોરણે સેન્સેક્સ કે નિફ્ટીમાંનો એક પણ શૅર સુધર્યો નથી. ઓએનજીસી સૌથી વધુ ૧૪.૧ ટકા ધોવાયો છે. હિન્દાલ્કો સાડાતેર ટકા, ટેક મહિન્દ્ર ૧૩ ટકા, વિપ્રો ૧૨ ટકાથી વધુ, તાતા સ્ટીલ ૧૧.૫ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧૧.૬ ટકા, ટીસીએસ આઠ ટકા લથડ્યો છે. રિલાયન્સે સવાસો રૂપિયા કે સાડાચાર ટકાની ખોટ વીકલી ધોરણે કરી છે. 
ટાઇટન સવાસોની ખુવારીમાં ટૉપ લૂઝર, બજાજ ટ‍્વિન્સ મજબૂત 
બજાર ગઈ કાલે બેતરફી સારી એવી વધઘટમાં હતું. સેન્સેક્સ નીચામાં ૫૦,૯૨૧ થયા બાદ બાઉન્સબૅકમાં ૫૧,૬૫૩ થયા બાદ પાછો પડ્યો હતો. સેન્સેક્સના ૩૦માંથી આઠ શૅર, નિફ્ટીના ૫૦માંથી ૧૫ શૅર સુધર્યા છે. બજાજ ફાઇનૅન્સ તથા બજાજ ફિનસર્વ અઢી ટકા આસપાસની મજબૂતીમાં બેસ્ટ ગેઇનર હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક, રિલાયન્સ, આઇટીસી, એચડીએફસી બૅન્ક, અપોલો હૉસ્પિટલ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કૉલ ઇન્ડિયા એકથી સવાબે ટકો અપ હતા. ટાઇટન છ ટકા કે સવાસો રૂપિયા ખરડાઈને બન્ને બજારોમાં ટૉપ લૂઝર બન્યો છે. વિપ્રો ચાર ટકા તૂટ્યો છે. અલ્ટ્રાટેક, લાર્સન, સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, ડૉ. રેડ્ડીઝ લૅબ, શ્રી સિમેન્ટ, એચડીએફસી લાઇફ, ભારત પેટ્રો, પાવર ગ્રીડ, દીવીસ લૅબ, યુપીએલ અઢીથી સાડાત્રણ ટકા ડૂલ થયા છે. રિલાયન્સ ચાર દિવસની નબળાઈ બાદ સવા ટકા નજીકના સુધારામાં ૨૫૮૯ બંધ આપી બજારને સર્વાધિક ૯૨ પૉઇન્ટ ફળ્યો છે. અદાણી ટોટલ નીચે ૨૦૬૩ બતાવી પોણાદસ ટકા કે ૨૩૧ રૂપિયા ખરડાઈ ૨૧૪૫ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતો. કામકાજ પોણાચાર ગણા હતા. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટ્સ દોઢ ટકો, અદાણી ટ્રાન્સ પોણાપાંચ ટકા અને અદાણી વિલ્મર ત્રણ ટકા નરમ હતા. અન્ય શૅર વત્તે-ઓછે અંશે સુધારામાં રહ્યા છે. રુચિ સોયા દોઢ ટકાના ઘટાડે ત્રણ આંકડે ૯૮૪ બંધ આવ્યો છે. સબસિડિયરી કંપનીનો આઇપીઓ લાવવાની તજવીજમાં ડેલ્ટાકૉર્પ ૪૧ ગણા જંગી વૉલ્યુમમાં સાડાબાર ટકાના ઉછાળે ૧૮૪ થઈ ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. બજારની માર્કેટ બ્રેડથ ખરાબ જ  રહી છે. એનએસઈમાં ૬૪૩ શૅર પ્લસ હતા. સામે ૧૫૦૪ જાતો ઘટીને બંધ રહી છે. 
૧ શૅર નવા શિખરે તો સામે ૯ જાત ઐતિહાસિક તળિયે 
બીએસઈ ખાતે ભાવની રીતે ગઈ કાલે ૫૦ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા ઊંચા શિખરે ગયા હતા સામે ૪૪૮ શૅરોમાં નવા ઐતિહાસિક બૉટમ બન્યા છે. નવા તળિયા બનાવનારા શૅરોમાં ઘણાં બધાં જાણીતાં નામ સામેલ છે, જેમ કે આવાસ ફાઇ, અંબર એન્ટર, એપટેક, એપ્ટસ વૅલ્યુ, એશિયન પેઇન્ટ્સ, એગ્રોટેક ફૂડ્સ, અરબિંદો ફાર્મા, ઍક્સિસ બૅન્ક, બજાજ ઇલે., બજાજ હેલ્થકૅર, બજાજ ફાઇ, ભાલાજી ટેલી, ભારત અર્થમૂવર્સ, આદિત્ય બિરલા મની, ભારત પેટ્રોલિયમ, બિરલા સોફ્ટ, સિએટ, કેનફીના હોમ, કેમ્પસ ઍક્ટિવવેર, ડાબર, ડીશટીવી, એડલવીસ, એમ્કે ગ્લોબલ, ઇમામી, એફડીસી, ફોર્સ મોટર્સ, ફોર્ટિસ હેલ્થકૅર, જીઆઇસી હાઉસિંગ, ગ્લેન્ડ ફાર્મા, ગ્રાસીમ, ગોદરેજ પ્રૉપર્ટીઝ, ગોદરેજ ઇન્ડ., હિન્દાલ્કો, જીએપીએલ, એચસીએલ ટેક્નો, એચડીએફસી ટ્વિન્સ, હેડલબર્ગ, હેપ્પીએસ્ટ માઇન્ડ, ગુજરાત ગૅસ, હાઇકલ, હેરિટેજ ફૂડ્સ, હિન્દુ. પેટ્રો, હિન્દુ. ઝિન્ક, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, જેકે બૅન્ક, જય ભારત મારુતિ, એલઆઇસી, એલઆઇસી હાઉસિંગ, લક્સ ઇન્ડ., માસ્ટેક, મંગલમ સિમેન્ટ, મેટ્રોપોલિસ, મુકંદ, મુથુટ ફાઇ, નજારા ટેક્નો, નીલકમલ, એનએમડીસી, ઓરેકલ, પાવર ફાઇનૅન્સ, ઓરિએન્ટ સિમેન્ટ, ઓરિએન્ટ પેપર, ઓરિએન્ટ ઇલે. પ્રોક્ટર ગેમ્બલ હેલ્થ, પિડીલાઇટ, પ્રિન્સ પાઇપ, પંજાબ સિંધ બૅન્ક, ક્વીક હીલ, પીટીસી ઇન્ડિયા, રાલીઝ, રેડિયો સિટી, રામકો ઇન્ડ, રેટ ગેઇનન, આરબીએલ બૅન્ક, સેઇલ, સાગર સિમેન્ટ, રૂપા ઍન્ડ કંપની, આરઈસી, રેપ્કોહોમ, રાઇટસ, સયાજી હોટેલ્સ, એસબીઆઇ કાર્ડ્સ, સૌરાષ્ટ્ર સિમેન્ટ, સિકવન્ટ સાયન્ટિફિક, શ્રી સિમેન્ટ, સોલરા ઍક્ટિવ, સ્પાર્ક, સ્પાઇસ જેટ, ટીસીએસ, વિપ્રો, ટેસ્ટી બાઇટ, તાતા મેટલિક્સ, સિમ્ફની, તાતા સ્ટીલ, ટીબીઝેડ, ટેક મહિન્દ્ર, વૉલ્ટાસ, ટાઇડ વૉટર, ટીટીકે પ્રેસ્ટિઝ, યુકો બૅન્ક, વેન્કિઝ ઇન્ડિયા, વી માર્ટ રીટેલ, વિન્દય ટેલી, ઇન્ફોસિસ વગેરે.
ઇન્ફી, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્ર અને એચસીએલ ટેક્નૉમાં નવાં બૉટમ 
ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૧.૪ ટકા કે ૩૭૭ પૉઇન્ટના ઘટાડે નવા ઐતિહાસિક તળિયે બંધ થયો છે. એની સાથે જ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્ર, ઓરેક્લ, એચસીએલ ટેક્નૉલૉજીઝ, માસ્ટેક સહિત સંખ્યાબંધ જાતો પણ નવી ઐતિહાસિક નીચી સપાટીએ ગઈ છે. ઇન્ટલેક્ટ ડિઝાઇન પોણાચાર ટકા વધી ૬૨૮ હતો. ઓરિઅન પ્રો સવાસાત ટકા તૂટ્યો છે. ટીસીએસ ૩૦૨૩ના વર્ષના તળિયે જઈ પોણાબે ટકા નજીક ઘટી ૩૦૮૯ થયો છે. વિપ્રો ૪૦૦ની અંદર જવાની તૈયારીમાં હોય એમ નીચામાં ૪૦૨ બતાવી ચાર ટકા લથડી ૪૦૫ રહ્યો છે. ટેલિકૉમમાં વોડાફોન સાડાત્રણ ટકા ને ભારતી ઍરટેલ દોઢ ટકો ડાઉન હતા. વિન્દય ટેલિ સાડાત્રણ ટકા બાઉન્સબૅકમાં ૮૯૨ થયો છે. ટેક્નૉલૉજીઝ બેન્ચમાર્ક ૨૭માંથી ૨૨ શૅરના ઘટાડે નવા તળિયે ગયો છે. નેટવર્ક૧૮ સાતેક ટકા કટ થયો છે. સનટીવી પોણાછ ટકાની તેજીમાં ૪૩૩ વટાવી ગયો છે. 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના પ્રત્યાઘાતી સુધારામાં ૧૨૬ પૉઇન્ટ વધીને ૩૨,૭૪૩ બંધ હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકો, એચડીએફસી બૅન્ક સવા ટકો અને બૅન્ક ઑફ બરોડા એક ટકો અપ હતા. ઇન્ટ્રા-ડેમાં એચડીએફસી બૅન્ક ૧૨૭૧ના તળિયે જઈ બીએસઈમાં પોણો ટકો વધી ૧૨૯૦ બંધ હતો. પેરન્ટ્સ એચડીએફસી ૨૦૨૬ના વર્ષના તળિયે જઈ નહીંવત્ ઘટાડે ૨૦૫૩ રહી છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૭માંથી ૨૬ શૅરના સુધારા વચ્ચે દોઢ ટકો ઘટી નવી નીચી સપાટીએ બંધ થયો છે. સ્ટ્રાઇડ ફાર્મા પોણાપાંચ ટકાની મજબૂતીમાં ૩૦૯ હતો. પેનેસિયા બાયો સાડાછ ટકા, જ્યુબિલન્ટ ફાર્મા અને સુવેન ફાર્મા છ ટકા કપાયા છે. મેટલ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં નવી બૉટમ બાદ નહીંવત્ સુધર્યા છે. સેઇલ પોણાબે ટકા પ્લસ હતો. ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૩ શૅરના ઘટાડે સવા ટકા નજીક ઘટ્યો છે. એસ્કોર્ટ્સ સાડાત્રણ ટકા, હીરો મોટોકૉર્પ બે ટકા, મારુતિ પોણાબે ટકા, આઇશર પોણાબે ટકા, તાતા મોટર્સ એક ટકો નરમ હતા. અશોક લેલૅન્ડ સવા ટકો વધી ૧૩૨ નજીક ગયો છે. 

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex