30 July, 2025 07:00 AM IST | Mumbai | Jayesh Chitalia
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આ શૅરબજાર છે; અહીં ક્યારે બજાર દોડશે, ક્યારે મંદ પડી જશે, કયો સ્ટૉક કયા કારણસર ઊછળશે કે ગબડશે એના ખેલ નિરાળા હોય છે. આજે અહીં કેટલીક એવી બાબતો જોઈએ જેમાં શૅરબજારને સમજવાના ઇશારા મળે. બાય ધ વે, મહત્ત્વ બજારનાં અને કંપનીઓનાં ફન્ડામેન્ટલ્સને જ આપવું જોઈએ
શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ મંત્રને સમજાવતી એક હળવી કાલ્પનિક કથા સાથે વાતની શરૂઆત કરીએ. શહેરનો એક સંપત્તિવાન માનવી એક ગુજરાતી યુવતીના પ્રેમમાં પડે છે અને તેને પરણવા એ યુવતીના પિતાને કહે છે કે તમારી દીકરી બહુ સુંદર છે અને હું તેને પ્રેમ કરું છું, તમે તેને મારી સાથે પરણાવશો તો હું તમને તેના વજન જેટલું સોનું આપીશ. ગુજરાતી પિતા કહે છે કે મને વિચારવા માટે થોડો સમય આપો. સંપત્તિવાને કહ્યું, તમને આટલા સારા પ્રસ્તાવ માટે વિચારવાનો સમય જોઈએ છે? પિતાએ જણાવ્યું, નહીં-નહીં, મારી દીકરીનું વજન વધે એ માટે સમય જોઈએ છે. અહીં સંદેશ એ છે કે રોકાણને વધુ સમય આપવામાં આવે તો વળતર સારું મળે છે, પરંતુ જો આ દરમ્યાન યુવતી વધુપડતી વજનની થઈ જાય તો સંપત્તિવાન વ્યક્તિ તેને રિજેક્ટ કરી દે એવું પણ બની શકે, જેથી બીજો સંદેશ એ કે રોકાણ એ બજારના જોખમને આધીન રહે છે. લૉન્ગ ટર્મ રોકાણ સારી વાત છે, પરંતુ સમયાંતરે વિવેકપૂર્ણ રીતે પ્રૉફિટ-બુકિંગ પણ કરતા રહેવું જોઈએ.
આવા ચોંકાવનારા સ્ટૉક્સ પણ
શૅરબજારની ઉપર્યુક્ત કાલ્પનિક કથાની જેમ એક વાસ્તવિક કથા પણ જોઈએ તો ગયા વર્ષના સપ્ટેમ્બરમાં જે ભારે કરેક્શન શરૂ થયું એ પછી માર્કેટમાં કેટલાક નાના સ્ટૉક્સમાં અસાધારણ વૃદ્ધિ નોંધાયેલી જોવા મળી. યસ, આશરે પચાસેક સ્મૉલકૅપ, માઇક્રોકૅપ સ્ટૉક્સ અને પેની સ્ટૉક્સના ભાવોમાં ૨૦૦ ટકાથી લઈને અધધધ ૫૫૦૦ ટકા સુધીનો ચોંકાવનારો ઉછાળો આવ્યો હતો. આ ૫૦ સ્ટૉક્સમાંથી ૧૨ કંપનીઓ એવી છે જેણે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ખોટ નોંધાવી છે, ૧૯ કંપનીઓની રેવન્યુ માત્ર દસ કરોડ જેટલી રહી છે, જેની સામે તેમના શૅરના ભાવ અસાધારણ ઊંચા ગયા છે. આ ડાઇજેસ્ટ ન થાય એવી બાબત છે. આની પાછળ કોઈ નક્કર લૉજિક નથી. આવા કેટલાક સ્ટૉક્સનાં ઉદાહરણ જોઈએ તો જેમાં ૭૦૦ ટકાથી ૫૫૦૦ ટકા સુધીના ભાવઉછાળા થયા છે. એમાં સ્ટેલન્ટ સિક્યૉરિટીઝ, રાજસ્થાન ટ્યુબ્સ, અરુનિસ અબોડ, કોઠારી ઇન્ડસ્ટ્રિયલ કૉર્પોરેશન, મિડવેસ્ટ ગોલ્ડ, વેગા જ્વેલર્સ, સુમીત ઇન્ડસ્ટ્રીઝ, એલાઇટકૉન ઇન્ટરનૅશનલ અને આરઆરપી સેમિકન્ડક્ટરનો સમાવેશ થાય છે. મજાની વાત એ છે કે આ સમયગાળા દરમ્યાન સ્મૉલકૅપ અને મિડકૅપ ઇન્ડેકસ નીચે ગયા હતા, તો આ સ્ટૉક્સ કઈ રીતે અને કયા આધારે આટલા વધ્યા? આ સવાલનો જવાબ કોણ આપી શકે? એટલે જ આને શૅરબજાર કહે છે, યહાં કુછ ભી હો સકતા હૈ...
શૅરના ભાવોની આવી વધ-ઘટ શું કહે છે?
શૅરબજારમાં કયો સ્ટૉક ક્યારે કેવી ગતિ પકડશે અને ક્યાંથી ક્યાં પહોંચશે એ કળવું બહુ કઠિન હોય છે, શૅરબજારને રોકાણકારો નચાવી શકતા નથી, પરંતુ બજાર રોકાણકારોને ચોક્કસ નચાવે છે. ફોર્સ મોટર્સના શૅરનું ઉદાહરણ જોઈએ તો આ શૅરનો ભાવ ૨૦૦૨માં ૧૦૦ રૂપિયા હતો, ૨૦૦૩માં ૪૫૦ રૂપિયા, ૨૦૦૬માં ૧૦૦૦ રૂપિયા, ૨૦૦૯માં ૬૦ રૂપિયા, ૨૦૧૦માં ૧૦૦૦ રૂપિયા, ૨૦૧૩માં ૨૫૦ રૂપિયા, ૨૦૧૭માં ૪૭૦૦ રૂપિયા, ૨૦૨૦માં ૫૮૦ રૂપિયા અને હાલ ૧૭,૪૦૦ રૂપિયા આસપાસ છે. આ બાવન સપ્તાહમાં શૅરનો ભાવ નીચામાં ૬૧૨૫ રૂપિયા અને ઊંચામાં ૧૭,૬૬૦ રૂપિયા રહ્યો હતો.
માર્કેટને અને એની પ્રોસેસને માન આપો
શૅરબજાર એટલે વૉલેટિલિટી, અનિશ્ચિતતા, તીવ્ર કરેક્શન અને અણધારી તેજીની ઘટનાઓની હારમાળા. શૅર એનાં ફન્ડામેન્ટલ્સના આધારે ભાવની ચાલ નક્કી કરે છે અને ચાલે છે; એ રોકાણકારો કયા ભાવે એમાં પ્રવેશ્યા, રોકાણકારોની લાગણી તેમ જ તેમની ટૂંકા ગાળાની અપેક્ષાની પરવા કરતું નથી. જેનાં ફન્ડામેન્ટલ્સ મજબૂત હોય એવા શૅરને હોલ્ડ કરી રાખવા જોઈએ અને ધીરજ જાળવવી જોઈએ. એથી જ માર્કેટના માસ્ટર કહેતા હોય છે કે માર્કેટને માન આપો, એની પ્રોસેસને પણ માન આપો, લાંબો સમય રોકાણ જાળવી રાખો, માર્કેટ ભલે વૉલેટિલિટીનું નૃત્ય કરે, તમે એની રિધમને માણો. એ લાંબે ગાળે સારું વળતર આપશે.
બજાર માટે એકંદરે સંકેતો સારા
દરમ્યાન વીતેલા સપ્તાહના ટ્રેન્ડ પર નજર કરીએ તો પ્રથમ દિવસ રિકવરી સાથે શરૂ થયો હતો અને સેન્સેક્સ ફરી વાર ૮૨,૦૦૦ તથા નિફ્ટી ૨૫,૦૦૦ને પાર કરી બંધ રહ્યા હતા. આપણે અગાઉ કરેલી ચર્ચા મુજબ બજારમાં ક્યારેક કરેક્શન અને ક્યારેક રિકવરીનો તાલ ચાલુ રહેશે, એ વાતને સતત સમર્થન મળી રહ્યું છે. રિકવરીમાં મુખ્યત્વે બૅન્ક સ્ટૉક્સે લીડ લીધી હતી. ખાસ કરીને આઇસીઆઇસીઆઇ બૅન્ક અને એચડીએફસી બૅન્ક. એમાં વળી એફઆઇઆઇની નવી ખરીદી પણ ભળી હતી. એશિયન માર્કેટના સંકેત પણ પૉઝિટિવ રહ્યા હતા. સરકાર વિકાસને ટેકો આપવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ વધારવાની વિચારણા કરી રહી હોવાના અહેવાલની સકારાત્મક અસર હતી. મંગળવારે બજાર સામાન્ય વધઘટ સાથે ફ્લૅટ બંધ રહ્યું હતું.
બુધવારે માર્કેટે રિકવરીમાં સેન્સેક્સને ૫૫૦ અને નિફટીને ૧૫૦ પૉઇન્ટ પર મૂકી દીધા હતા. કારણમાં પૉઝિટિવ ગ્લોબલ સંકેતો તેમ જ વેપાર-કરારની ઘટનાઓ હતાં. અમેરિકા અને જપાન વચ્ચે વેપાર-કરારની સકારાત્મક અસર સાથે ભારત-UK ફ્રી ટ્રેડ-કરારે સેન્ટિમેન્ટ સારું કર્યુ હતું. વિવિધ દેશો વચ્ચેના વેપાર-કરાર ધીમે-ધીમે આકાર લઈ રહ્યા હોવાથી અનિશ્ચિતતા ઘટી રહી છે અને હાલ તો વિશ્વ-વેપાર મામલે તનાવ પણ ઘટીને સ્થિરતા આકાર પામે એવી આશા વધી રહી છે. આને પગલે કૉર્પોરેટ અર્નિંગ્સ સુધરવાના અવકાશ દેખાઈ રહ્યા છે. જોકે ગુરુવારે બજારે સારાં કારણોને અવગણીને બુધવારનો બધો સુધારો ધોઈ નાખ્યો હતો. શુક્રવારે વળી નેગેટિવ ગ્લોબલ સંકેત અને કૉર્પોરેટ અર્નિંગ્સમાં રહેલી નબળાઈને પરિણામે માર્કેટમાં કરેક્શન ચાલુ રહ્યું હતું. અમેરિકા-ભારત ટ્રેડ-ટૅરિફ વિશે ક્યાંક હજી પણ અનિશ્ચિતતા હોવાની પણ અસર હતી. જોકે વર્તમાન સંજોગોમાં બજાર પાસે બહુ વધવા કે બહુ ઘટવા માટે નક્કર ટ્રિગર કે કારણ નથી, જેથી આવી જ ચાલ જોવા મળશે.
આપણે છેલ્લા કેટલાક સમયથી માર્કેટની વધઘટની પૅટર્ન જોઈ રહ્યા છીએ. ટ્રેડ-ટૅરિફનો માહોલ આમ તો ક્લિયર થતો જાય છે, જેમાં ભારતીય અર્થતંત્ર માટેનો અવકાશ વધવાની આશા પણ વધી છે. જેથી એકંદરે બજારનો ટ્રેન્ડ પૉઝિટિવ અને બુલિશ રહેવાની ધારણા રાખી શકાય. એમ છતાં યોગ્ય સમયે નફો ઘરમાં લઈ લેવામાં અને યોગ્ય સમયે નવી ખરીદી કરવામાં શાણપણ રહેશે. હવે પછી વેપાર-કરારોને ધ્યાનમાં રાખીને સેક્ટર અને સ્ટૉક્સ સિલેક્ટ કરવાં જોઈશે. ફન્ડામેન્ટલ્સ પર સૌથી વધુ આધાર અને ભરોસો રાખવો જોઈશે.
ભારત-બ્રિટન વેપાર-કરારની પૉઝિટિવ અસર
ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુકત વેપાર-કરારની ભારતીય અર્થતંત્ર પર લાંબા ગાળાની સારી અસર થશે. આ બન્ને દેશ વચ્ચે દ્વીપક્ષીય વેપાર વાર્ષિક ૩૪ અબજ ડૉલર આસપાસ પહોંચી શકે છે. ભારતીય નિકાસકાર કંપનીઓને નોંધપાત્ર લાભ થશે, જેમાં ટેક્સટાઇલ્સ, મરીન પ્રોડક્ટ્સ, લેધર ફુટવેર, એન્જિનિરિંગ ગુડ્સ, ઑટો કમ્પોનન્ટ્સ, એન્જિન્સ અને કેમિકલ્સનો સમાવેશ થાય છે. આને પરિણામે દેશના ઉત્પાદન ક્ષેત્રને અને ખાસ કરીને માઇક્રો, સ્મૉલ અને મીડિયમ સેક્ટરને પ્રોત્સાહન મળશે. આગામી પાંચ વર્ષમાં ભારતની UK ખાતેની નિકાસ બમણી થઈ જવાની શક્યતા છે. હવે નજર અમેરિકા સાથેના વેપાર-કરાર પર રહેશે.