પ્રૉફિટ-બુકિંગના કારણે સરકારની શ્રેણીબદ્ધ જાહેરાત છતાં શેરબજારમાં ઘટાડો

22 November, 2019 10:19 AM IST  |  Mumbai

પ્રૉફિટ-બુકિંગના કારણે સરકારની શ્રેણીબદ્ધ જાહેરાત છતાં શેરબજારમાં ઘટાડો

File Photo

સારા સમાચારની અપેક્ષા પહેલાં બુધવારે વિક્રમી સપાટીએ પહોંચેલા ભારતીય શૅરબજારમાં ગઈ કાલે પ્રૉફિટ-બુકિંગની વૃત્તિ જોવા મળી હતી. કેન્દ્ર સરકારે કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ, ટેલિકૉમ કંપનીઓને સ્પેક્ટ્રમ ફીમાં રાહત અને હાઇવે બાંધતી કંપનીઓને પણ રાહતની જાહેરાત કરી હતી. જોકે ત્રણેય ક્ષેત્રના શૅરમાં ગઈ કાલે ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ કે સેલ ઑન ન્યુઝની સ્ટ્રૅટેજી જોવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિની અનિશ્ચિતતાઓ અંગે પણ બજારમાં અવઢવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

દિવસના અંતે સેન્સેક્સ 76.47 કે 0.19 ટકા ઘટી 40,575.17 અને નિફ્ટી 30.70 પૉઇન્ટ કે 0.26 ટકા ઘટી 11,968.40 ની સપાટીએ બંધ આવ્યા હતા. મોટા શૅર કરતાં મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં વધારે વેચવાલી જોવા મળી હતી. ઝી એન્ટરટેઇનમેન્ટમાં 4343 કરોડનો હિસ્સો ખરીદ્યા સહિત આજે વિદેશી સંસ્થાઓએ 5023 કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી તો સામે સ્થાનિક ફંડ્સ દ્વારા 248 કરોડ રૂપિયાના શૅર વેચવામાં આવ્યા હતા. આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં 11 સેક્ટરમાંથી માત્ર મીડિયા અને રિયલ એસ્ટેટ સહિત ત્રણમાં વૃદ્ધિ જોવા મળી હતી. સૌથી વધુ ઘટાડો મેટલ્સ શૅરમાં જોવા મળ્યો  હતો. એક્સચેન્જ પર 17 કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૫૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં 113 કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે 112 કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ ૫૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે 154 ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં 191 કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૫૯માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ 0.43 ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ 0.73 ટકા ઘટ્યા હતા.

વિનિવેશના નિર્ણયની જાહેરાત સાથે જ ઘટાડો
કેન્દ્ર સરકાર પોતાની માલિકીની કંપનીઓમાં હિસ્સો વેચી કંપનીનું સંચાલન પણ ખાનગી કંપનીઓને આપશે એવી બજારમાં આશા હતી. સરકારે એવી જાહેરાત પણ કરી, પરંતુ તેની સાથે જ શૅરમાં નફો બાંધી લેવાની વૃત્તિ જોવા મળી હતી. બુધવારે રાત્રે ભારત સરકારે ભારત પેટ્રોલિયમમાં પોતાનો હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત આવી રહી છે તેવી ધારણાએ સતત વધી રહેલા શૅરના ભાવ આજે ઘટીને બંધ આવ્યા હતા. સરકાર કંપનીમાં 53.29 ટકા હિસ્સો ધરાવે છે એ સઘળો વેચી દેશે માત્ર બે રિફાઇનરીમાં હિસ્સો પોતાની પાસે રાખશે. આજે શૅર બે ટકા વધી વિક્રમી 549.70 ની સપાટીએ ખૂલ્યા પછી આવેલા ભારે પ્રૉફિટ-બુકિંગના કારણે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે શૅરનો ભાવ 5.66 ટકા ઘટી 513.80 રૂપિયા બંધ આવ્યો હતો. અન્ય બે કંપનીઓ જેમાં સરકાર હિસ્સો વેચવાની છે એમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કન્ટેનર કૉર્પોરેશનના શૅર પણ 6-605 ની સપાટીએ ખૂલ્યા બાદ ઘટી 576.70 બંધ આવ્યા હતા અને એવી જ રીતે શિપિંગ કૉર્પોરેશનના શૅર 69.80 ની ઊંચી સપાટીએ ખૂલી દિવસના અંતે 6.29 ટકા ઘટી 64.05 રૂપિયા બંધ આવ્યા હતા.

કૅબિનેટના નિર્ણયથી હાઇવે ઇન્ફ્રા કંપનીઓમાં તેજી પછી વેચવાલી
કૅબિનેટમાં બુધવારે ટોલ ઑપરેટ અને ટ્રાન્સફર (ટોટ) ધોરણે આપવામાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના બાંધકામના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આ નિયમ અનુસાર જે હાઇવે તૈયાર છે અને તેના ઉપર એક વર્ષથી ટોલ એકત્ર કરવામાં આવશે તેનું વેચાણ થઈ શકશે. અગાઉ બે વર્ષ સુધી આ વેચાણ શક્ય હતું નહી. નિયમોમાં બદલાવના કારણે હાઇવે બાંધકામની અગ્રણી કંપનીઓના શૅરમાં વૃદ્ધિ જોવા મળી હતી. કેએનઆર કન્સ્ટ્રક્શનના શૅર 19.2 ટકા, આઇઆરબી 17.5 ટકા, સદભાવ એન્જિનિયરિંગ ૧૫.૩ ટકા, એનસીસી ૧૪.૫ ટકા અને અશોકા બિલ્ડકોન 10 ટકાની વૃદ્ધિ સાથે ખુલ્યા હતા.

જોકે, ઊંચા મથાળે આવેલી વેચવાલીમાં મોટા ભાગના શૅરમાં પછી ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે આગલા બંધ કરતાં કેએનઆર 3.58 ટકા વધી 250.15 રૂપિયા, સદભાવ 0.90 ટકા ઘટી 120.55 રૂપિયા, આઇઆરબી 12.24 ટકા વધી 85.30 રૂપિયા, અશોક બિલ્ડકોન 1.13 ટકા વધી 93.80 રૂપિયા, દિલીપ બિલ્ડકોન ૧.૫૦ ટકા વધી 412.50 રૂપિયા, એનસીસી 1.47 ટકા વધી 62.00 રૂપિયા, લાર્સન એન્ડ ટુબ્રો 0.89 ટકા વધી 1393 રૂપિયા અને પીએનસી ઇન્ફ્રા 0.21 ટકા ઘટી 190 રૂપિયા બંધ આવ્યા હતા.

રાહત મળતાં ટેલિકૉમ કંપનીઓમાં પણ ઘટાડો
કૅબિનેટ દ્વારા દેશની ટેલિકૉમ કંપનીઓ માટે બુધવારે રાત્રે મોટી રાહતના સમાચાર આવ્યા હતા. આ કંપનીઓને સ્પેક્ટ્રમ ફી ભરવાની હોય છે એમાંથી આગામી બે નાણાકીય વર્ષ માટે મુક્તિ આપવામાં આવી છે. કંપનીઓ પોતાની આ બે વર્ષની રકમ એ પછીનાં વર્ષોમાં સરખા ભાગે હપ્તામાં ભરી શકશે એવી જાહેરાત કરવામાં આવી છે. વોડાફોન આઇડિયા અને ભારતી ઍરટેલ કે જે બન્નેએ જંગી ખોટ કરી છે એને સૌથી મોટો લાભ થવાનો છે. આ જાહેરાત અગાઉ, જોકે કંપનીઓના શૅરમાં ભારે ખરીદીના કારણે વૃદ્ધિ જોવા મળી હતી. આજે પણ શૅરના ભાવ વધીને ખુલ્યા હતા, પણ દિવસના અંતે પ્રૉફિટ-બુકિંગના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. વોડાફોન આઇડિયાના શૅર 6.08 ટકા ઘટી 6.64 રૂપિયા, ભારતી ઍરટેલ 2.52 ટકા ઘટી 426.25 રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. રિલાયન્સ જિયોની માલિક રિલાયન્સના શૅર પણ 0.63 ટકા ઘટી 1537.25 રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

નેટવર્ક 18માં સોની હિસ્સો લેશે?
સમાચાર એજન્સી બ્લુમબર્ગના એક અહેવાલ અનુસાર જપાનની ઇલેક્ટ્રૉનિક્સ અને મીડિયા જાયન્ટ સોની મુકેશ અંબાણીની માલિકીની નેટવર્ક 18 મીડિયા ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં હિસ્સો ખરીદી શકે એવી શક્યતા છે. બન્ને પક્ષે આ અંગે વાટાઘાટ ચાલી રહી છે એવા અહેવાલ આજે આવ્યા હતા. જોકે બન્ને કંપનીએ સત્તાવાર કોઈ નિવેદન આપ્યું હતું નહી. આ સમાચારના પગલે નેટવર્ક 18ના શૅર 7.78 ટકા વધી 27.70 રૂપિયા અને ટીવી 18ના શૅર 1.54 ટકા વધી 23.15 રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. દરમ્યાન, રિઝર્વ બૅન્કે બોર્ડને સસ્પેન્ડ કર્યા પછી હવે નાદારી તરફ આગળ વધી રહેલી દીવાન હાઉસિંગના શૅર આજે 4.96 ટકા વધ્યા હતા. આ બાજુ, રિલાયન્સ કૅપિટલના શૅર ગઈ કાલે પણ પાંચ ટકાની મંદીની સર્કિટ સાથે 17.15 રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

business news bombay stock exchange national stock exchange